બાંગલાદેશમાં સંસદની ચૂંટણી આવતે મહિને યોજાય એ પહેલાં ઘણી આસમાની સુલતાની થઇ રહી છે: વર્તમાન વડા પ્રધાન શેખ હસીના વાજેદને પરાજિત કરવા માટે જેલવાસી ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાના લંડનવાસી પુત્ર તારિક રહેમાન વીડિયો કોન્ફરન્સિંગ પર તેમના પક્ષના ઉમેદવારો પસંદ કરવા ઇન્ટર્વ્યૂ લઇ રહ્યા છે. મામલો ચૂંટણી પંચે પહોંચ્યો છે: ત્રણ-ત્રણ ખટલામાં અદાલતે જેમને દોષિત જાહેર કર્યા છે એવા મુખ્ય વિપક્ષના કાર્યવાહક વડા આવી પ્રક્રિયા કરી ના શકે એવી ફરિયાદ સત્તાપક્ષે કરી છે. ચૂંટણી પંચ હજુ પગલાં લેવાની સ્થિતિમાં નથી ત્યાં તો હિંસા અને અથડામણો વધી રહી છે. આગામી ૩૦ ડિસેમ્બરે સંસદની ૩૫૦ બેઠકોની ચૂંટણી થવાનું નક્કી થઇ ચૂક્યું છે.
જાન્યુઆરી ૨૦૧૪માં યોજાયેલી છેલ્લી ચૂંટણી વર્તમાન વડા પ્રધાન અને દેશના રાષ્ટ્રપિતા બંગબંધુ મુજીબુર રહેમાનનાં દીકરી શેખ હસીના વાજેદ માટે જેટલી સરળ હતી, એટલી આ વખતની ચૂંટણી સરળ નથી. ગઈ ચૂંટણીમાં મુખ્ય વિપક્ષ બાંગલાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી)એ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. આ વખતે બીએનપીનાં સુપ્રીમો અને ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયા ભલે ભ્રષ્ટાચારના ખટલાઓમાં પાંચ વર્ષની સજા ભોગવવા જેલમાં હોય, એમના પક્ષ સહિતના ૨૦ વિપક્ષોના મોરચા જાતીય ઐક્ય ફ્રન્ટને ચૂંટણી પ્રભાવી રીતે લડાવવા માટે ગણ ફોરમ પક્ષના વડા બેરિસ્ટર ડો. કમાલ હુસૈન જેવા પ્રતિષ્ઠિત મહાનુભાવ મળ્યા છે. ડો. કમાલ બંગબંધુના નિકટના સાથી જ નહીં, પાકિસ્તાનની જેલમાં પણ સાથે હતા. દુનિયાભરમાં આદરથી લેવાતું નામ છે.
આ વખતની ચૂંટણી જીતવામાં શેખ હસીનાને બહુ મુશ્કેલી પડવાની શક્યતા નથી, પરંતુ તલવારની ધાર પર ચાલવા જેવો જંગ જરૂર ખેલાશે. હસીના તાનાશાહ ગણાય છે, પરંતુ ભારતતરફી છબિ અને હિંદુઓ માટેની સહાનુભૂતિ ઉપરાંત ચૂંટણી વખતે પણ સરકારમાં રહેવાના ફાયદા એમને મળવાના હોવાથી ચૂંટણી જીતીને એ વડા પ્રધાન બને તો બહુ આશ્ચર્ય નહીં થાય. આવું બને તો લાગલગાટ ત્રણ વાર વડા પ્રધાન બનાવાનો વિક્રમ નોંધાવશે.
બાંગલાદેશના રાજકારણમાં મહિલાઓ
પાકિસ્તાનના ગોત્રના જ આ દેશને વારંવાર ઇસ્લામિક રાષ્ટ્ર કરવાની કોશિશ થતી રહી હોવા છતાં એ ફરી ફરીને સેક્યુલર રિપબ્લિક બન્યું છે. એનો યશ શેખ હસીનાની નેતાગીરીને આપવો પડે. પૂર્વ પાકિસ્તાનની પ્રજા બંગાળી ભાષા અને સંસ્કૃતિ માટેનું ગૌરવ ધરાવતી હોવાથી એણે પશ્ચિમ પાકિસ્તાનની જોહુકમી અને ઉર્દૂ માટેના દુરાગ્રહ સામે વિરોધ આંદોલન કર્યાં. શેખ મુજીબે જયારે ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો અને વડા પ્રધાન થવાનો એમનો વારો હતો ત્યારે પાકિસ્તાને એમને અન્યાય કર્યો એટલું જ નહીં, બંગાળી પ્રજા પર જુલમ કર્યા. મુજીબ અને ડો. કમાલ જેવા અનેકોને જેલમાં ઠૂંસી દીધા.
ભારતીય વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના યુગમાં દિલ્હીના સમર્થનથી પૂર્વ પાકિસ્તાનમાંથી બાંગલાદેશનું અવતરણ થયું અને મુજીબ એના પ્રથમ વડા પ્રધાન બન્યા. જોકે ૧૯૭૫માં એ રાષ્ટ્રપતિ બન્યા અને એક પક્ષી સરકાર થકી જોહુકમી આદરી એવા વખતે લશ્કરે બળવો કર્યો, મુજીબ સહિત પરિવારની કત્લેઆમ થઇ. એ વેળા હસીના અને તેમનાં બહેન શેખ રેહાના બાંગલા દેશમાં નહોતાં. તેઓ પશ્ચિમ જર્મનીમાં હતાં એટલે બચી ગયાં. હસીના છેક ૧૯૮૧માં સ્વદેશ આવી શક્યાં.
રેહાના અવામી લીગનાં નેતા છે અને એમની દીકરી તુલીપ રીઝવાના સિદ્દીક યુકેમાં લેબર પાર્ટીનાં સાંસદ છે. વર્ષ ૧૯૭૫ના એ લશ્કરી બળવાને પગલે જનરલ ઝિયા ઉર રહેમાન લશ્કરી તાનાશાહ બન્યા. એમનાં પત્ની એટલે ખાલેદા ઝિયા. જનરલ ઝિયાએ બીએનપી સ્થાપી અને એને જીતાડીને લોકતંત્રનો દેખાડો કરીને દેશને ઇસ્લામિક બનાવવાનો પ્રયાસ કર્યો. જોકે એમની પણ ૧૯૮૧માં હત્યા થતાં જનરલ અરશદ ગાદીએ ચડી બેઠા. એ પણ ઇસ્લામિક રાજ્યના જ આગ્રહી રહ્યા. અરશદ સામે ૧૯૯૦માં ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ માટે જનઆંદોલન થયું અને એમણે ૧૯૯૧માં સત્તા છોડવી પડતાં જેલવાસી થયાં.
ચૂંટણી પછી ખાલિદા ઝિયા વડા પ્રધાન થયાં. વડા પ્રધાનને વહીવટી સત્તા મળે એવા બંધારણીય ફેરફાર કર્યા. ૧૯૯૬ની ચૂંટણીમાં અવામી લીગનાં શેખ હસીના વિજયી થતાં વડા પ્રધાન થયાં. ૧૯૯૭માં અરશદ જેલમુક્ત થયા. જુલાઈ ૨૦૦૧માં હસીનાએ વડા પ્રધાનપદે પાંચ વર્ષ પૂર્ણ કર્યાં અને ચૂંટણી માટે સત્તા કાર્યવાહક સરકારને સોંપી.
હત્યાના ખટલામાં હસીના જેલવાસી
ઓક્ટોબર ૨૦૦૧ની ચૂંટણી હસીના હાર્યાં અને ફરી ખાલિદા ઝિયા વડા પ્રધાન બન્યાં. ઓક્ટોબર ૨૦૦૬માં ખાલિદાએ કાર્યવાહક સરકારને સત્તા સોંપી અને ચૂંટણીમાં શેખ હસીનાનો વિજય થતાં એ વડા પ્રધાન થયાં. એપ્રિલ ૨૦૦૭માં શેખ હસીના એક હત્યા પ્રકરણમાં જેલવાસી થયાં. ખાલિદા ઝિયા ભ્રષ્ટાચારના ખટલામાં નજરકેદ થયાં. જૂન ૨૦૦૮માં તબીબી સારવાર માટે હસીનાને અમેરિકા જવા મુક્ત કરાયાં. એ પછી ડિસેમ્બર ૨૦૦૮માં જે ચૂંટણી થઇ તેમાં અવામી લીગ ભવ્ય બહુમતી સાથે ચૂંટાતાં શેખ હસીના જાન્યુઆરી ૨૦૦૯માં વડા પ્રધાન થયાં. જોકે તેમના ન્યુક્લિઅર વૈજ્ઞાનિક પતિ એમ. એ. વાજેદ મિયાંનું મે ૨૦૦૯માં નિધન થયું હતું. વડા પ્રધાન હસીનાએ આ મુદતમાં બંધારણીય સુધારો કરીને ચૂંટણી માટે સત્તા કાર્યવાહક સરકારને સોંપવાની જોગવાઈ દૂર કરાવી. આજે પાકિસ્તાનમાં પણ ચૂંટણી પૂર્વે વડા પ્રધાન કે મુખ્ય પ્રધાન સત્તા કાર્યવાહક સરકારને સોંપી દેવાની જોગવાઈ છે. ભારતમાં આવી જોગવાઈ નથી.
વર્ષ ૨૦૧૪માં સંસદની ચૂંટણી માટે શેખ હસીના હોદ્દાનો દુરુપયોગ ના કરે એ માટે સત્તા કાર્યવાહક સરકારને સોંપે એ સહિતની માંગણીઓ સાથે બીએનપી ચૂંટણી લડવા માંગતી હતી, પણ એ મંજૂર નહીં રખાતાં બીએનપીએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. આ વખતે ચૂંટણીમાં આ માંગણી ઊઠી તો છે, પણ હસીના દાદ દે તેમ નથી. ખાલિદા જેલમાં છે. ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠરાવાય એવી ચર્ચા પણ છે. એમનો દીકરો અને વિદેશમાં રહીને પક્ષના કાર્યવાહક અધ્યક્ષની જવાબદારી સંભળાતા તારિક રહેમાનની મથરાવટી પણ મેલી છે. એની સામે પણ ભ્રષ્ટાચારના ખટલા છે.
બીએનપીનું કહેવું છે કે હસીના રાજકીય વેર વાળવા આવા ખટલા દાખલ કરાવે છે. સંસદની છેલ્લી ચૂંટણીમાં જનરલ અરશદની જાતીય પાર્ટી (ઈ)નાં ઉમેદવાર અને અરશદનાં પત્ની રોશન અરશદને વિપક્ષનાં નેતા થવાની તક મળી હતી. સંસદનાં અધ્યક્ષ પણ શિરીન શર્મીમ ચૌધરી નામક અવામી લીગનાં નેતા છે. સંસદમાં નાયબ નેતા તરીકે પણ હસીનાના પક્ષનાં જ સઈદા સાજેદા ચૌધરી છે. ૩૫૦ સભ્યોમાંથી એક બેઠક ખાલી છે. ગૃહમાં ૨૭૬ અવામી પાર્ટીના સભ્યો છે. બાકીના ચાર પક્ષો તેમના સત્તા મોરચામાં છે. વિપક્ષમાં એકમાત્ર અરશદની પાર્ટીના ૪૦ સભ્યો ઉપરાંત અપક્ષ સાંસદોની સંખ્યા ૧૬ છે. હવેની ચૂંટણીમાં બીએનપીના વડપણવાળા મોરચાની ચૂંટણીમાં સામેલગીરીથી ચિત્ર બદલશે.
ખાલિદાના કટ્ટરવાદ વિરુદ્ધ ભાજપ
ખાલિદા શાસનમાં જમાત-એ-ઇસ્લામી જેવા કટ્ટરવાદી પક્ષ થકી આતંકી પ્રવૃત્તિ વધી છે. લઘુમતી એટલે કે હિંદુ, બૌદ્ધ અને ખ્રિસ્તી જૂથો વિરુદ્ધ હિસાચાર નિરંકુશ બનતો રહ્યો છે. એવું નથી કે બીએનપીમાં હિંદુ નેતાઓ નથી, પણ મહદઅંશે બાંગલાદેશની લઘુમતીનાં હિતોની રક્ષા કરે એવો વિશ્વાસ પેદા કરવામાં બીએનપી નિષ્ફળ ગઈ છે.એટલે જ ડો. કમાલે તો મોરચાના ઘટક પક્ષોમાં જમાત-એ-ઇસ્લામીને આગળ કરવાનાં જોખમ નિહાળ્યાં છે. મંદિરો અને ચર્ચો પરના હુમલા કે લઘુમતી સમાજના લોકોને અસલામતી અનુભવાય એવો માહોલ પેદા કરવામાં આવે કે પછી તેમને ઇસ્લામ કબૂલવાની ફરજ પાડવામાં આવે, એ સામે ભારતમાંની સત્તારૂઢ પાર્ટી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માંથી પ્રેરણા લઈને અને ભારતના આ પક્ષના નેતાઓને મળીને બાંગલાદેશ જનતા પાર્ટી (બીજેપી)ની નોંધણી કરાવી હોવાનું એના અધ્યક્ષ મિથુન ચૌધરી ગાઈવગાડીને કહી રહ્યા છે. એમણે ચૂંટણી ચિહ્ન પણ બે હાથ અને કમળ રાખ્યું છે.
બાંગલાદેશમાંથી બે કરોડ જેટલા હિંદુ અને મુસ્લિમ ભારતમાં આવીને ગેરકાયદે વસવાટ કરે છે એવા આંકડા યુપીએ અને એનડીએની સરકારોએ સંસદમાં રજૂ કર્યા હોવા છતાં ઢાકા તો પાણીમાંથી કોરુંધાક નીકળી જતું હોય તેમ ‘અમારા કોઈ નાગરિકો ભારતમાં ઘૂસણખોર તરીકે રહેતા જ નથી’ એવું સુણાવે છે. પ્રાધ્યાપક બરકત જેવા બાંગલાદેશના નિષ્ણાતોના અંદાજ મુજબ, જે રીતે એમના દેશમાંથી હિંદુઓ હિજરત કરી રહ્યા છે એ જોતાં આવતા ત્રણ દાયકામાં ત્યાં કોઈ હિંદુ બચશે નહીં. ભારત સરકાર પણ આ બાબતમાં ઘરઆંગણે હાકલાદેકારા બહુ કરે છે, પણ બાંગલાદેશની સરકાર સાથે ઘૂસણખોરોને પરત લેવા બાબત ગંભીરપણે મુદ્દો ઊઠાવતી નથી.
હિંદુહિતની જાળવણી થતી નથી
અત્યારે બાંગલાદેશની સંસદની વેબસાઇટ પર મૂકાયેલી સત્તાવાર માહિતી મુજબ, તેની કુલ ૧૬.૧૭ કરોડની વસ્તીમાં માત્ર ૧૨.૧ ટકા જ હિંદુ હવે ત્યાં વસે છે. ૮૬.૬ ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા આ દેશમાં હવે માત્ર ૧૨.૧ ટકા હિંદુ, ૦.૬ ટકા બૌદ્ધ, ૦.૪ ટકા ખ્રિસ્તી અને ૦.૩ ટકા અન્ય છે. ૯૮ ટકા લોકો બંગાળી છે. એ દેશની હસીના સરકારમાં પણ ૩૩ કેબિનેટ પ્રધાનોમાં માત્ર એક જ હિંદુ પ્રધાન છે. એને આ વખતે ટિકિટ મળવા વિશે શંકા છે. ૧૭ રાજ્યકક્ષાના પ્રધાનોમાં માત્ર બે જ હિંદુ/બૌદ્ધ પ્રધાનો છે.
હસીના ભલે ગમેતેટલી હસી હસીને વાતો કરતાં હોય, હિંદુ અને બીજી લઘુમતીઓ પર અત્યાચાર રોકવામાં તેઓ નિષ્ફળ રહ્યાં છે. આથી જ ભાજપના બટકબોલા સાંસદ ડો. સુબ્રમણિયન સ્વામી તો બાંગલાદેશ પર આક્રમણ કરવાની સલાહ આપવાનું પસંદ કરે છે. સાથે જ પાકિસ્તાનને ચાર ટુકડામાં વહેંચી દેવાની સુફિયાણી સલાહ આપવાનું એ ચુકતા નથી. મ્યાનમારમાંથી હિજરત કરીને બાંગલાદેશને માથે પડેલા રોહિંગ્યાની સમસ્યા અને ભારણ પણ આ વખતની ચૂંટણીમાં મહત્વનો મુદ્દો બનશે. જોકે સમાન ધરાતલ પર ચૂંટણી યોજાતી નહીં હોવાથી હસીના વાજેદની અવામી લીગ ફરી સરકાર રચે એવી શક્યતા પ્રબળ છે.
(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)