અંતે સમાજવાદી જનતા પાર્ટીની રચના થકી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટી અને સોનિયા ગાંધીની કોંગ્રેસની કથિત મૂડીવાદી નીતિઓ સામે સમાજવાદી પડકાર ઊભો કરવાનો રવિવાર, પાંચમી એપ્રિલ, ૨૦૧૫ના રોજ પ્રયાસ થયો તો ખરો, પણ જનતા પરિવારના છ રાજકીય પક્ષોના વિલયનો સંઘ કાશીએ પહોંચશે કે કેમ એની શંકા-કુશંકાનાં વાદળ ઘેરાયેલાં જ છે.
કોંગ્રેસીઓ કે અન્ય પાર્ટીઓના જૂના જોગીઓને ભાજપમાં લાવીને મોદી-અમીત શાહના ગઠબંધને મે ૨૦૧૪માં કેન્દ્રમાં ભાજપના વડપણ હેઠળની રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચા (એનડીએ)ની સરકાર રચી એ પછી પરાજિત સૂબાઓના પગતળેથી ખેંચાઈ રહેલી જાજમ સાચવી લેવાનું મંથન ચાલ્યું. મહિનાઓની કશ્મકશ પછી જનતા પાર્ટી અને જનતા દળમાંથી સર્જાયેલી અમિબા-પાર્ટીઓ ફરી નરેન્દ્ર મોદી સામે સંગઠિત થવાની કોશિશમાં ઘોષણા પૂરતી તો સફળ થઈ છે.
મોદીની લોકપ્રિયતાનાં ઘોડાપૂર હવે પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશ સર કરવા ભણી આગેકૂચ કરે એ પહેલાં બંગાળના વાઘણ ગણાતાં તૃણમૂલ કોંગ્રેસનાં સુપ્રીમો અને મુખ્ય પ્રધાન મમતા બેનરજી પોતાના કટ્ટર શત્રુ એવા સામ્યવાદી-માર્કસવાદી પક્ષોની સાથે મૈત્રીપૂર્ણ સંબંધો કેળવવા કે અબોલાં હતાં એ માતૃસંસ્થા કોંગ્રેસ સાથે ફરીને ઘર માંડવા સુધીની મથામણ કરી રહ્યાં છે.
મોદી નામના રાજકીય આતંકથી બચવા હવાતિયાં મારતાં બટુક પક્ષો ૧૯૭૭ના જનતા પાર્ટી કે ૧૯૮૯ના જનતાદળિયા અનુભવને તાજો કરવાની કોશિશમાં છે. ભાજપમાં આંતરકલહ ફાટફાટ હોવા છતાં સત્તાસુંદરીને ભોગવવાની લાલસા આંતરવિરોધોને બાજુએ સારીને પણ દુશ્મન રાજકીય પક્ષોને મહાત કરવાનો જંગ ખેલી લેવા ભાજપ અને સંઘ પરિવાર મરણિયા થયા છે. મળેલી તક ગુમાવવી કોઈને પરવડે તેમ નથી.
ઉત્તર પ્રદેશના સત્તાધારી પક્ષ સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમ સિંહની વડા પ્રધાન બનવાની લાલસા હજુ અધૂરી છે. સમાજવાદી છોગું અને મૂડીવાદી નીતિઓ થકી ઉત્તર પ્રદેશ જ નહીં, અન્ય પ્રાંતોમાં પણ જ્યાં બિન-ભાજપી બિન-કોંગ્રેસી સરકારો છે ત્યાં અંબાણી-અદાણી જેવાં ઉદ્યોગગૃહો આવા સત્તાધીશોનાં તારણહાર છે. ચૂંટણી નિધિ માટે ઉદ્યોગગૃહો અને ચૂંટણી જીતવા માટે બાહુબલિઓના ટેકા વિના એકેય રાજકીય પક્ષ સત્તાની નિકટ પહોંચી શકે એવા અરવિંદ કેજરીવાલોનો ઉદય હજુ વિવિધ રાજ્યોની ક્ષિતિજે ડોકાતો નથી.
દિલ્હી રાજ્ય તો પંગુ અવસ્થામાં છે, કેન્દ્ર સરકાર પર નિર્ભર છે એટલે કેજરીવાલ પક્ષની યાદવાસ્થળીને અંકુશમાં લાવે તો ય વડા પ્રધાન મોદી અને ગૃહ પ્રધાન રાજનાથ સિંહની કૃપાદૃષ્ટિ પર જ દિલ્હી સરકારે ચાલવાનું છે. બિહારમાં નીતીશ કુમાર ફરી મુખ્ય પ્રધાન બન્યા છે, પણ કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના ટેકે એમણે બિહારને નંબર બનાવવાની ઘોષણાઓ કરતાં કરતાં ઓક્ટોબર મહિનામાં જ મોદીના બુલડોઝરનો સામનો કરવાનો છે. લાલુ પ્રસાદની આરજેડીમાં તો મોદીએ ખાસ્સી ધાડ પાડી છે અને બાકી રહેતું હશે એ ઓક્ટોબર પહેલાંના મંચ પર જોવા મળશે. ઓરિસામાં બીજુ જનતા દળ (બીજેડી)ના નવીન પટનાઈક પોતાનું મુખ્ય પ્રધાન પદ ટકાવીને કે તમિળનાડુમાં જયલલિતા અમ્માની અન્ના દ્રમુક પોતાનું રજવાડું સાચવીને સંતોષ માનવાની સાથે જ મોદીકૃપાની વાંચ્છના કરવાનું પસંદ કરશે.
જનતા પરિવારના બે બળૂકા પક્ષોમાં સમાજવાદી પાર્ટીમાં ક્યારે મોદી ધાડ પાડશે કે પછી નીતીશ કુમારની જનતા દળ (યુ)માં ભાગલા પડાવવાની ચાણક્યનીતિની ચાલ ચાલશે એ કહેવું મુશ્કેલ હોવાથી લાલુએ વેવાઈ મુલાયમને નેતાગીરી સોંપીને જનતાદળિયો કલહ સમાપ્ત કર્યાની મોટા ઉપાડે ઘોષણાઓ ભલે કરી હોય, છ પક્ષોના મિલનમાં એકીકરણ કરવા જતાં ભાજપના મુકાબલે તમ્મર આવે એવા ઘા ખાઈ ચૂકેલી કોંગ્રેસ સામેલ થાય નહીં, ત્યાં લગી ઝાઝા ધાડ મારવાના એંધાણ વર્તાતાં નથી.
મોદીના ‘અચ્છે દિન’ આવ્યા ભલે ના હોય, મોદી સરકારની સાથે જ પક્ષ અને પરિવારને (સંઘ પરિવારને) જે પ્રકારનું નર્તન કરાવવા સક્ષમ છે એની તુલનામાં મુલાયમ - લાલુ - નીતીશની સાથે જ બગાસું ખાતાં પતાસું આવી પડે એ રીતે વડા પ્રધાન થયેલા હરધનહલ્લી દોદેગોવડા દેવેગોવડા કે પછી જેલમાં સજા કાપી રહેલા દેવીલાલ પુત્ર-પૌત્રની ઈન્ડિયન નેશનલ લોક દળ (આઇએનએલડી) પાર્ટીમાં ના તો ભારતીય કે ના ઈન્ડિયનનાં દર્શન થવાનાં.
ચૌટાલા પરિવારના યુવાસભ્ય દુષ્યંત ચૌટાલા મંચ ભલે શોભાવે, એમનું હરિયાણાનું રજવાડું તો ભાજપને હવાલે થઈ ચૂક્યું છે એટલે છ પક્ષોનો શંભુમેળો કેટલું જોર કરશે એ શંકાનો વિષય છે. એમાંય પાછું ઉદ્યોગપતિ કમલ મોરારકાની બટુક પાર્ટી કે પછી સુબ્રમણ્યમ્ સ્વામીની જેમ વન-મેન પાર્ટી સમાજવાદી જનતા પાર્ટીના અસ્તિત્વ વિશે જ પ્રજાને શંકા હોય ત્યાં આવતા દિવસોમાં એમાં ભળેલા નેતાઓ દેશની પ્રજાને કેવાં સ્વપ્ન દેખાડીને આકર્ષી શકશે કે કેમ એ સૌના દિલોદિમાગમાં હજુ ઘોળાયા કરે છે.
મોદીસેના વિશ્વના વિવિધ દેશોમાં મોદીના નામનું બ્રાન્ડિંગ કરવા કામે વળી ગઈ છે ત્યારે જનતાદળિયા અમિબા-પક્ષો એકીકરણને બદલે વધુ વિઘટનો નોતરી રહ્યા હોય એવું વધુ લાગે છે. પક્ષનું નામકરણ, ધ્વજ, નીતિ કે પછી હોદ્દેદારોનું નિર્ધારણ કરવાનું બાકી હોય ત્યાં મોદીના છૂટી ગયેલા અશ્વમેધી ઘોડાની લગામને પકડીને એને રોકવાનું કે વશમાં લેવાનું સાવ જ અશક્ય લાગે છે.
સામ્યવાદી પક્ષો કે મિત્ર પક્ષો કોની સાથે જશે એ મહાવિકટ પ્રશ્ન છે. કબૂલ કે ભાજપમાં સત્તા છતાં ઉકળતો ચરુ છે. ગુજરાત ભાજપના ગઢની સ્થિતિ પણ નોખી નથી. મુખ્ય પ્રધાનમાંથી વડા પ્રધાન પદ સુધી નરેન્દ્ર મોદીની હરણફાળ કે સિંહચાલ પછીનું ગુજરાત ભાજપી કાર્યકરોને કેટલું ઉત્સાહિત કરવા સક્ષમ છે એનો આયનો આવતા ઓક્ટોબર સુધીની પાલિકા-મહાપાલિકાઓની ચૂંટણીઓમાં વર્તાઈ જશે. મોદીના નામે પથરા પણ તરી ગયા, રામના નામે તર્યા એ રીતે, પરંતુ મોદી રાષ્ટ્રીય ફલક પર ગયા પછી ગુજરાતના જિલ્લે-જિલ્લે ભાજપના ઉકળતા ચરુને ઠારવા આવી શકવાના નથી.
ગુજરાત હિંદુત્વની પ્રયોગશાળા રહી. ટીકાઓ થતી રહી છતાં મોદી અને ભાજપ સાથે પ્રજા રહી. હવે પછીના દિવસોમાં રાજ્ય કક્ષાએ કે જિલ્લા કક્ષાએ ક્યાં ક્યાં મોદી ફેઈમ નો-રિપિટ થિયરીથી પક્ષના ઘોડાને પુનઃ વિનમાં લાવી શકાશે એની ભારે મૂંઝવણમાં ભાજપનો નિષ્ઠાવંત સંઘી-કાર્યકર વર્ગ છે. આયાતી કાર્યકરોને તો વકરો એ નફો જ છે. કોંગ્રેસમાંથી ભાજપનો ભગવો સ્વીકાર્યો અને એમાંય સફળતા ના મળે તો ‘જિસ કે તડ મેં લડ્ડુ ઉસકે તડ મેં હમ’ની કવાયત આરંભાશે.
લાલો લાભ વગર લોટે નહીં એવી ઉક્તિને ચરિતાર્થ કરનાર રાજકીય કાર્યકરો લાભ ખાટવા ટાંપીને બેઠાં છે. સિદ્ધાંતો કે આંદોલનો હવે ભૂતકાળ બની રહ્યાં છે એટલે આવતા દિવસોમાં નવા આયારામ-ગયારામના ખેલ જોવા મળશે. ક્યારેક સંઘ પરિવારના પ્રવક્તા ગણાતા મા. ગો. વૈદ્યે જે રીતે ભાજપ અને કોંગ્રેસની રાષ્ટ્રીય સરકાર બનાવવાની તરફેણ કરી હતી. ભાજપને હવે બહુમતી મળી રહી છે એટલે અનેક પક્ષોનાં ગઠબંધનો કે જોડાણોની સરકારોનો યુગ સમાપ્ત થયો એવા તોરમાં ભાજપી નેતાગીરી છે. ઘરમાં જ્યારે લાક્ષાગૃહની જેમ આગ લાગવાના સંજોગો સર્જાય કે જહાજ ડૂબવાનું થાય ત્યારે ઉંદર ભાગવાની વેતરણમાં હોય એવું ભાજપ સિવાયના પક્ષોમાં જોવા મળે છે.
આજનો ભાજપ અન્યોને ભાંગીને બનેલો પક્ષ છે. છબિઓ ડો. શ્યામપ્રસાદ મુખરજી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયની લાગે છે, પણ એમની વિચારધારા કે સાદગી ગાયબ છે. સામે પક્ષે કોંગ્રેસના મંચ પર રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી અને પંડિત નેહરુ, સરદાર પટેલની છબિયું જોવા ભલે મળી હોય, એમના આદર્શોના આચરણનો અભાવ છે. સમાજવાદીઓ આજે જનતા પરિવારના અમિબા-પક્ષોની નેતાગીરી કરતાં રામ મનોહર લોહિયાનું ચિત્ર લગાડે કે સ્મરણ ભલે કરાવે, એમના આદર્શોના આચરણનો અભાવ સાર્વત્રિક છે ત્યારે કોનો સંઘ કાશીએ પહોંચશે એ મહાપ્રશ્ન છે.