વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અગ્નિપરીક્ષાનો સમય આગામી મહિનાની પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી ગણી શકાય. વિશેષમાં તો ઉત્તર પ્રદેશ જીતવા માટે કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી (સપા) કે બહુજન સમાજ પાર્ટી (બસપા)ના જેટલા અસંતુષ્ટ નેતાઓ હાથ લાગ્યા એમને ભગવો ખેસ પહેરાવીને અત્યાર લગીની ‘પાર્ટી વિથ અ ડિફરન્સ’નો નારો આપવાની સાથે દેશને કોંગ્રેસમુક્ત કરવા નીકળેલી ભાજપાનું કોંગ્રેસીકરણ જ જોવા મળે છે. નાયબ વડા પ્રધાન રહેલા ભાજપી સાંસદ લાલ કૃષ્ણ આડવાણીના જ શબ્દો છે કે ભાજપાનું કોંગ્રેસીકરણ થઈ રહ્યું છે.
કોંગ્રેસ તથા અન્ય પક્ષોના ‘ડાયનેસ્ટી રૂલ’ (વંશવારસોના રાજકારણ)થી દેશને મુક્ત કરાવવાના સંકલ્પ સાથે નીકળેલા ભારતીય જનતા પક્ષની ચૂંટણી ટિકિટોના વિતરણ અને તેના મિત્રપક્ષોમાં પણ ડાયનેસ્ટી રૂલ ફાટફાટ થઈ રહ્યાનું અનુભવાય છે. હદ તો ત્યાં થઈ કે ૯૨ વર્ષના નારાયણ દત્ત તિવારી અને એમના જૈવિક પુત્ર તથા સુપ્રીમ કોર્ટે કાર્યવાહી અને નિર્દેશ આપ્યા પછી સ્વીકારાયેલાં પત્ની સાથે ભાજપનું ઈલુ-ઈલુ પક્ષના જૂના જોગીઓ અને સંઘના અગ્રણીઓને પણ રુચ્યું નથી. જોકે યેનકેન પ્રકારેણ સત્તાપ્રાપ્ત કરવાના સંકલ્પ સાથે આગળ વધી રહેલી ભગવી પાર્ટીની સત્તાનાં ફળ ભોગવવા આતુર સૌ મૂકપ્રેક્ષક બનવાનું વધુ પસંદ કરે છે.
આ એ જ તિવારી છે જે આંધ્રના રાજ્યપાલ હતા ત્યારે સાક્ષી ટીવી ચેનલે એમની યુવા કન્યાઓ સાથેની ઐયાશી ચમકતાં જ ભાજપની નેતાગીરી થકી ઉહાપોહ મચાવાયો હતો અને એમણે હોદ્દેથી રાજીનામું આપવું પડ્યું હતું. ભારતના વિદેશ પ્રધાન રહેલા તિવારી ત્રણ-ત્રણ વાર ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન પણ રહ્યા અને નવગઠિત ઉત્તરાખંડ રાજ્યના પણ મુખ્ય પ્રધાન રહ્યા હતા. બ્રાહ્મણ વોટ મેળવવાના સોશિયલ ઈજનેરીની કળામાં એમની સાથેના ભાજપી સંવનનને જોઈ શકાય છે. કોઈ પણ ભોગે ઉત્તર પ્રદેશ કબજે કરવાની ભાજપી મહેચ્છા પાછળ ઉપલા ગૃહ રાજ્યસભામાં બહુમતી અંકે કરી લેવાની વેતરણ ખરી.
પિતા મુલાયમને પુત્ર અખિલેશે પરાસ્ત કર્યા
માર્ચ મહિનાની શરૂઆતમાં ચૂંટણીના પરિણામ આવશે. ઉત્તર પ્રદેશ સૌથી મોટું રાજ્ય છે જ્યાં અત્યાર લગી સમાજવાદી પાર્ટીના સુપ્રીમો ગણાતા મુલાયમ સિંહ યાદવનાં પ્રથમ પત્નીના પુત્ર અખિલેશ યાદવ મુખ્ય પ્રધાન હતા. યાદવાસ્થળી બે પાંદડે હતી એટલે ભગવી બ્રિગેડમાં હરખનો માહોલ હતો. મુલાયમનાં બીજાં પત્ની થકીના પુત્ર પ્રતીકનાં પત્ની અપર્ણાની રાજકીય મહત્ત્વાકાંક્ષાએ ગૃહકલેશ સર્જયો.
અખિલેશની પત્ની ડિમ્પલની જેમ તેને પણ સાંસદ થવું હતું. વિધાનસભાની ટિકિટ તો આપવાનું નક્કી હતું. જોકે ભાજપના મળતિયા મનાતા ગુજરાતના જમાઈ અમર સિંહના અહેસાન તળે દબાયેલા મુલાયમ સિંહ આ ઉંમરે જેલવાસી થવામાં ડર અનુભવે છે. અમર એમને બચાવતા રહ્યા છે. સંપત્તિઓના ખટલાઓમાં સુપ્રીમ કોર્ટ અને સીબીઆઈ વચ્ચે અટવાયેલા મુલાયમ અને એમના સગા ભાઈ શિવપાલ યાદવ ઉત્તર પ્રદેશના માફિયાઓ સાથે નિકટતા ધરાવતા રહ્યા, પણ અખિલેશ એ મુદ્દે એમની સામે લડતો રહ્યો. અતીક અહેમદ જેવા બાહુબલિને પક્ષમાંથી તગેડ્યા. અમર સિંહને પણ તગેડ્યા પરંતુ ફરી ફરીને તેઓને પાછા લાવવામાં ‘વિસ્મૃતિગ્રસ્ત’ મુલાયમ સફળ રહ્યા.
આવા સંજોગોમાં અખિલેશે નાછૂટકે પોતાના પિતરાઈ કાકા રામગોપાલ યાદવ સાથે મળીને પક્ષનું અધિવેશન બોલાવ્યું. પિતા સામે બળવો કરીને રાષ્ટ્રીય અધ્યક્ષપદ પણ લીધું અને ચૂંટણી પંચમાં પણ પિતા-પુત્ર ટકરાયા. ચૂંટણી પંચે પક્ષનું ચૂંટણીચિહન ‘સાઈકલ’ અખિલેશને આપવા સાથે બહુમતી સાંસદો અને ધારાસભ્યો મુલાયમથી અલગ થઈને પુત્ર અખિલેશ સાથે હોવાનું સ્વીકાર્યું. હારેલા મુલાયમે છેવટે અમરસિંહને તબીબી સારવારના નામે લંડન જવા મનાવી લીધા અને પુત્ર સમક્ષ શરણાગતિ સ્વીકારી. ૩૮ ઉમેદવારોનાં નામ પુત્રને પોતાની ભલામણ સાથે મોકલ્યાં. ફરી સમાધાન થયું, પણ પક્ષ પર કબજો તો અખિલેશનો જ સ્થપાયો.
મહાગઠબંધન ભાજપ માટે માથાનો દુઃખાવો
પ્રારંભિક તબક્કામાં ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીની ૪૦૩ બેઠકોની લડાઈમાં બહુજન સમાજ પાર્ટીનાં માયાવતી સૌથી આગળ હોય એવું અનુભવાતું હતું. એમની સીધી ટક્કર ભાજપ સાથે હતી. જોકે, સત્તારૂઢ સમાજવાદી પક્ષ ત્રીજા ક્રમે રહે અને કોંગ્રેસ ચોથા ક્રમે ફંગોળાઈ જાય એવો માહોલ હતો. હવે એમાં પરિવર્તન આવતું જોવા મળે છે. અખિલેશે કબજે કરેલી સમાજવાદી પાર્ટીની અકબંધ યાદવ વોટબેંક સાથે મુસ્લિમ વોટબેંક જોડવા માટે કોંગ્રેસ સાથેનું જોડાણ કરવા ઉપરાંત ચૌધરી ચરણસિંહના પુત્ર અજિતસિંહની રાષ્ટ્રીય લોકદળ વાયા કોંગ્રેસ જાટ વોટબેંકને મેળવવાના વ્યૂહ સાથે અખિલેશ આગળ વધવા માંડ્યા.
સપા અને કોંગ્રેસ વચ્ચેના જોડાણની નિશ્ચિતતા વર્તાવા માંડી, પણ મુઝફ્ફરનગરનાં કોમી રમખાણોમાં મુસ્લિમ વિરુદ્ધ જાટનો માહોલ હોવાનું જોખમ અખિલેશ લેવા તૈયાર નથી. એટલે જ એણે કોંગ્રેસ અને અજિતની પાર્ટીને સાથે મળીને નક્કી કરવાના સંકેત આપ્યા. કોંગ્રેસની બ્રાહ્મણ વોટબેંક માટે દિલ્હીના મુખ્ય પ્રધાન રહેલાં શીલ દીક્ષિતને અહીં ઉમેદવાર જાહેર કરાયાં હતાં, પણ સમાજવાદી પાર્ટીના અખિલેશની તરફેણમાં એમણે મુખ્ય પ્રધાન પદની સ્પર્ધામાંથી ખસી જવાનો નિર્ણય જાહેર કર્યો છે.
રાહુલ ગાંધી, અખિલેશ અને અજિતસિંહના પુત્ર જયંત ચૌધરીની કેમેસ્ટ્રી મળે છે. આ ત્રણેય શાહજાદાઓ મહાગઠબંધન કરીને ભાજપ માટે માથાનો દુઃખાવો બની શકે. આની સામે દલિત વોટબેંક અને મુસ્લિમોની વોટબેંક સાથે જોડીને વધુ એક વાર ઉત્તર પ્રદેશનાં મુખ્ય પ્રધાન બનવા આતુર માયવતીની સપા-કોંગ્રેસના મહાગઠબંધનની વાતે મૂંઝવણ વધી છે.
અગાઉનાં વર્ષોમાં ભાજપ અને સપા બેઉના ખભે ચડીને રાજ્યના મુખ્ય પ્રધાન બનેલાં માયાવતી સામે પણ સંપત્તિને લગતા ખટલા વિશે સીબીઆઈની તપાસ અને દબાણ હોવા છતાં એ ઝાઝાં ગભરાતાં નથી અને સીધાં જ વડા પ્રધાન મોદી પર વાર કરવામાં અગ્રેસર છે. જંગ મુખ્યત્ત્વે ત્રિપાંખિયો થવાનો, પણ છેલ્લા અહેવાલો મુજબ મુખ્ય સ્પર્ધા અખિલેશના વડપણવાળી સપા-કોંગ્રેસની યુતિ અને ભાજપ વચ્ચે રહેવાની, માયાવતીનાં સત્તાસમણાંને કોઈ ચમત્કાર જ શક્ય બનાવી શકે.
અનામતનો મુદ્દો અને સંઘનો વિવાદ
જયપુરના લિટરરી ફેસ્ટિવલમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રવક્તા ડો. મનમોહન વૈદ્યે શબ્દો તો અનામતના પ્રણેતા અને બંધારણ ઘડનારી સમિતિના વડા ડો. બાબાસાહેબ આંબેડકરના ટાંક્યા, પણ ઉહાપોહ ભારે મચ્યો છે. બિહાર વિધાનસભાની ચૂંટણી પૂર્વે સંઘના વડા ડો. મોહનરાવ ભાગવતના અનામત પ્રથાની સમીક્ષા અંગેના વક્તવ્યે ભાજપની નેતાગીરીના લાખ ખુલાસાઓ છતાં પક્ષને પરાજિત કરવામાં મહત્ત્વનું યોગદાન કર્યું હતું. ડો. આંબેડકર અનામત પ્રથા કાયમ ઈચ્છતા નહોતા એ વાત સાચી હોવા છતાં જયપુર વિવાદ ઉત્તર પ્રદેશમાં પણ ભડકો કરી શકે છે. ઉત્તર પ્રદેશ નહીં, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં પણ ભાજપ અને મિત્રપક્ષો અનામત પ્રથા સમાપ્ત કરી દેવાની તરફેણમાં હોવાનો મુદ્દો ઉછાળવામાં આવે એના સંકેત મળવા માંડ્યા છે. બિહારવાળી થશે કે ભાજપની નેતાગીરી અને વડા પ્રધાન મોદી નોખો પ્રભાવ પાડશે એ ભણી સૌની મીટ છે.
નોટબંધીના દુષ્પરિણામ અને ગવર્નરનાં નિવેદન
લાંબેગાળે નોટબંધી (ડિમોનેટાઈઝેશન) લાભદાયી નીવડશે એવી છાપ હોવા છતાં અત્યારે જે રાજ્યો ચૂંટણીનો સામનો કરવા જઈ રહ્યાં છે તેમાં નોટબંધીના મુદ્દાને વિરોધ પક્ષો ખૂબ ઊછાળી રહ્યા છે. ઓછામાં પૂરું રિઝર્વ બેંકના મોદી-નિયુક્ત ગવર્નર ડો. ઉર્જિત પટેલે સંસદની આર્થિક બાબતોની સમિતિ સમક્ષ આપેલા નિવેદનમાં ‘નોટબંધીથી દેશને નુકસાન થયું’, ‘આમઆદમીએ ભારે હાલાકી ભોગવવી પડી’, ‘કેટલાંકના મૃત્યુ પણ થયાં’ અને ‘જીડીપી-ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટને ફટકો પડ્યો’ જેવા ઉલ્લેખો વિપક્ષને હાથવગું હથિયાર બની રહેવાના.
પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહ અગાઉ રિઝર્વ બેંકના ગવર્નર રહી ચૂક્યા છે અને ઉક્ત સમિતિમાં ડો. પટેલની સુનાવણી વખતે એમણે ડો. ઉર્જિતને બધું નહીં કહી દેવાની ભલામણ કરીને બચાવી લેવાનો પ્રયાસ પણ કર્યો એવા અહેવાલ છે. મિતભાષી ડો. સિંહે નોટબંધી પછી મોદીના શાસનથી પ્રજાનું ભ્રમનિરસન થયાની વાત કહીને એને ‘અંતનો આરંભ’ ગણાવવાનું પસંદ કર્યું છે. વડા પ્રધાન મોદી આ પ્રતિકૂળ સંજોગો અંગે સાવધ હોય એ સ્વાભાવિક છે. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી જીતવા અને એમાંય ઉત્તર પ્રદેશ પર વિજયધ્વજ લહેરાવવા એડીચોટીનું જોર લગાવીને લખનઊ કબજે કરવા કૃતસંકલ્પ છે. ઉત્તર પ્રદેશ હાથમાં ના આવે તો વતન રાજ્ય ગુજરાતમાં પણ આસમાની સુલતાની થઈ શકે એ મોદી સુપેરે જાણે છે.
(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)