ગુજરાત ભારતીય જનતા પાર્ટીની આનંદીબહેન પટેલ સરકારને માથે આફત-ત્રિવેણી સર્જાતાં પક્ષમાંના જ બહેનના જાની-દુશ્મન અને અત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ એવા અમિત શાહે, પક્ષના સુપ્રીમો એવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સંમતિથી, પોતાના જ પક્ષની સરકાર ગબડાવી અને કહ્યાગરા મનાતા મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને પાટીદારોના પ્રતિનિધિ એવા નીતિન પટેલને નાયબ મુખ્ય પ્રધાન બનાવી દીધા. છેલ્લે સુધી નીતિનભાઈ મુખ્ય પ્રધાન તરીકેની શુભેચ્છાઓ સ્વીકારતા રહ્યા. એમના સમર્થકો ફટાકડા ફોડતા રહ્યા અને છેલ્લે અમિતભાઈએ જાદુગરી કરીને રૂપાણીનું નામ જાહેર કર્યું ત્યારે પક્ષની શિસ્ત તોડવા જેવી રજપૂતી હિંમત કરીને ખજૂરાહોવાળી કે શંકરસિંહવાળી ના તો નીતિનભાઈ કરી શક્યા કે ના આનંદીબહેન.
બહેને ગુજરાતની બહાર જવાનું નકાર્યું, પણ વિજયભાઈ અને અમિતભાઈની લૂણ ખખડાવવા માટે પ્રત્યેક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું મનેકમને સ્વીકારવું પડ્યું. પાટીદાર અનામત આંદોલન, ઠાકોર ક્ષત્રિય સેનાના ઓબીસી મંચનું સામાજિક આંદોલન અને ઉનાકાંડ નિમિત્ત રાજ્યમાં વ્યાપેલા દલિત આંદોલન થકી વર્ષ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી નક્કી હારવાનાં મંડાણ આનંદીબહેનના શાસનમાં થઈ ચૂક્યાં હતાં એટલે અમિત શાહે ખેલ પાડી દીધો.
દિલ્હી દરબારમાં રહીને ક્યારેક નરેન્દ્ર મોદીએ કેશુભાઈ પટેલનો ઓક્ટોબર ૨૦૦૧માં ખેલ પાડી દીધો હતો એનું રિ-રન ઓગસ્ટ ૨૦૧૬માં જોવા મળ્યું. એ વેળા કેશુબાપાને હટાવવાનું નિમિત્ત તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી બન્યા હતા, આ વખતે વડા પ્રધાન મોદી બન્યા. ભાજપની યાદવાસ્થળીમાંથી જ પ્રગટેલી હુતાશનીએ સર્જેલા અગ્નિકાંડમાં પક્ષે દાઝવાનું હતું. બહેનની સરકારને માથે આવી પડેલી આફત-ત્રિવેણીમાંથી વિજયોત્સવ ભણીની આગેકૂચ કરવાનો એની પાછળ સંકલ્પ હતો. સર્વમિત્ર મુખ્ય પ્રધાન રૂપાણી બધું ઠેકાણે પાડશે એવી સંકલ્પના હતી. મોવડીમંડળના ચારેય હાથ એમની ઉપર હોવાનાં દર્શન મુખ્ય પ્રધાન પદના કોકડાને ઉકેલવાની પ્રક્રિયાથી લઈને સૌરાષ્ટ્રમાં ‘સૌની’ યોજનાના પ્રથમ તબક્કાના લોકાર્પણમાં વડા પ્રધાન મોદી અને પક્ષપ્રમુખ અમિત શાહની પ્રત્યક્ષ કે પરોક્ષ હાજરી થકી થતાં રહ્યાં. લગન લેવાઈ ગયાં, પણ રોજેરોજની જિંદગી જીવવા માટે રિમોટમુક્ત થવું પડે. અહીં જ આફતો ડોકાં ફાડીને ઊભી હોવાનું લાગે છે.
આફતત્રિવેણી પછી સત્તાત્રિવેણી
ઘર માંડવા લગી માંડવિયા અને જાનડિયા હાજર હોય એટલે અમુક આમન્યાઓ જળવાય. જાદુની છડીથી ગુજરાતની સમસ્યાઓ ઉકેલી નાખવા માટેના મુખ્ય પ્રધાન રૂપાણી અને એમના રિમોટ મનાતા અમિત શાહના થનગનાટમાં સુરતના પાટીદાર અભિવાદન સમારંભે ફાચર મારી. એકથી દોઢ લાખ પાટીદારોને ભેગા કરીને પાટીદાર પ્રધાનો ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને મુખ્ય પ્રધાન રૂપાણી તેમજ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ જ નહીં, પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલનું પણ સન્માન કરવાના દાવા આયોજકોએ કર્યા હતા. ભાજપના પાટીદાર સમર્થન માટેની આ કવાયત હતી.
પાટીદાર અનામત આંદોલનને તોડવાની પ્રક્રિયાના ભાગરૂપ ‘પાસ’ના કન્વીનરોને હાર્દિક પટેલની નેતાગીરી સામે ઉશ્કેરવાના પાસા ગોઠવાયા હતા. સુરત ભાજપનો ગઢ ગણાય. સૌરાષ્ટ્રના પાટીદારોનો ગઢ ગણાય. ભાજપના કુબેરભંડારીઓનો ય ગઢ ગણાય એટલે એના કાંગરા હાર્દિક આણિ મંડળી ખેરવી જાય નહીં એ માટેનો આ સઘળો ઉપક્રમ હતો. હાર્દિકે ‘જનરલ ડાયર’ અમિત શાહ અંગે પ્રશ્નો ઊઠાવ્યા. સમારંભમાં હોબાળો મચ્યો. માંડ ૨૦થી ૨૫ હજાર લોકો આવ્યા. પક્ષની પ્રતિષ્ઠા ધોવાઈ.
નવી સરકાર રચાઈ તો ખરી, પણ એના સત્તાકેન્દ્રો અને રિમોટ કેન્દ્રો વિશે પણ ચર્ચા અને શંકાકુશંકા ચાલતી રહી. ભાજપ તરફથી પાટીદાર આંદોલન પાછળ કોંગ્રેસ હોવાનો પ્રચાર થતો રહ્યો. પાછું લાગ્યું કે કોંગ્રેસ રાજ્યમાં આટલી મજબૂત થઈ ગયાનો સંદેશ પ્રજામાં જશે એટલે ‘પાસ’ના કન્વીનરોને ફોડવાના ખેલ રચાયા. હાર્દિક પટેલ ગુજરાતવટે ઉદયપુરમાં હોવાને કારણે ગુજરાતમાં આવીને કોઈ ઉધામો મારી શકવાની સ્થિતિમાં નહીં હોવાનો લેવાય એટલો લાભ લેવાના કાર્યક્રમો ઘડાયા.
એક બાજુ, મુખ્ય પ્રધાન રૂપાણી અને રિમોટ-પ્રધાન અમિત શાહ નવનિયુક્ત પટેલ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સાથે મળીને વર્ષ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી જ નહીં, ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપના ભવ્ય વિજયની ભવિષ્યવાણીઓ કરીને પ્રજાને આંજી નાંખવામાં મશગુલ હતા. નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઈ પોતાને બનાવી ગયા એવા ભાવ સાથે જ સુરતના મહા-ખેલ ટાણે જ હોસ્પિટલે પહોંચી ગયા. મુખ્ય પ્રધાન રૂપાણીએ નાયબ મુખ્ય પ્રધાનના હોસ્પિટલ-બિછાનાની તસવીર પ્રગટ કરાવી છતાં નીતિન પટેલની નારાજગી ઝગારા મારતી હતી. ત્રીજી બાજુ, આનંદીબહેન આહત હતાં એ વાત ટીવી મુલાકાતોમાં પ્રગટ કરતાં રહ્યાં. પક્ષના સમારંભોમાં હાજર રહીને પણ પોતાને અકારણ ઉથલાવાયાના સંકેત એ આપતાં રહ્યાં.
કોંગ્રેસના અસંતોષની ત્રિપુટી
સુરતમાં પાટીદાર અભિવાદન સમારંભમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં જ એમને ‘જનરલ ડાયર’ કહેવાની હિંમત દાખવી કેટલાક પાટીદાર યુવકોએ અટકાયત વહોરી લીધી. ફજેતી ઘણી થઈ. મુખ્ય પ્રધાન રૂપાણી અને એમના પક્ષના તમામ પ્રભાવી નેતા જ નહીં, રાજ્યના ગૃહ રાજ્યપ્રધાન રહેલા અમિત શાહે આગોતરી વ્યવસ્થા કર્યા છતાં કાર્યક્રમ નાલેશીભરી રીતે આટોપી લેવો પડ્યો. પોલીસ તંત્ર પર માછલાં ધોવાયાં. પક્ષના સ્થાનિકોએ મોંઢા સંતાડવાં પડ્યાં. સંખ્યાબળ પણ નબળું રહ્યું. સભામાં ખુરશીઓ પણ ઉછળી. ભાજપના ગઢમાં હાર્દિક-સેનાએ કેવાં દૃશ્યો સર્જ્યાં એનો અણસાર છેલ્લા બે દાયકાથી ગુજરાતમાં શાસન કરતા ભાજપની નેતાગીરીને આવી ગયો.
પાટીદાર આંદોલનના પ્રતાપે પ્રજાના રોષનો લાભ કોંગ્રેસને થતાં ૩૩માંથી ૨૩ જિલ્લા પંચાયતો અને ૧૫૦ જેટલી નગરપાલિકાઓ પર શાસન સ્થાપવામાં શંકરસિંહ-ભરતસિંહની પાર્ટી સફળ થઈ એટલે હવે ૨૦૧૭માં વિધાનસભા જીતી લેવાશે એનાં સ્વપ્નાં એમને આવવા માંડ્યા. મહાનગરપાલિકાઓ પર હજુ ભાજપનો કબજો છે. કેન્દ્રમાં ભાજપની સરકાર છે. ભાજપની માતૃસંસ્થા આરએસએસ જ નહીં, સંઘ પરિવારનાં તમામ સંગઠન ચિંતામાં પડ્યાં હોવા છતાં કોંગ્રેસના માળખાની સ્થિતિ જોતાં તેમનો સંઘ કાશીએ જવા અંગે પક્ષમાં જ શંકાકુશંકા છે.
મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર માટેની ખેંચતાણ શંકરસિંહ અને ભરતસિંહ વચ્ચે રહી છે અને એમાં વધુ નામોનાં ઉમેરણ થવાં સ્વાભાવિક છે. ઓછામાં પૂરું, કોંગ્રેસના પ્રભાવી નેતા જગદીશ ઠાકોર, કુંવરજી બાવળિયા જ નહીં, શક્તિસિંહ ગોહિલે પણ પક્ષના આંતરકલહને ચોકમાં આણીને અસંતોષ ત્રિપુટીમાં નામ નોંધાવ્યા છે. કોંગ્રેસમાં બધું સરખું ચાલે એ માટે અત્યારલગી સૌને રાજી રાખવાના ખેલ ચાલતા હતા, પરંતુ પક્ષના ગુજરાતી પ્રભારી ગુરુદાસ કામતે જ જે માર્ગ બતાવ્યો એને બીજા નેતાઓ અનુસરીને રોષ પ્રગટ કરવા માંડ્યા છે. ભાજપ માટે તો આ ઓચિંતી આવી પડેલી તક છે. વડા પ્રધાન મોદી ‘કોંગ્રેસમુક્ત ભારત’ની વાત કરીને ‘કોંગ્રેસયુક્ત ભાજપ’ સર્જી ચૂક્યા છે. આવતા દિવસોમાં બેય બાજુ આયારામ-ગયારામ જોવા મળશે.
બાકી હતું તે લઠ્ઠાકાંડ થયું
ભાજપ થકી દક્ષિણ ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. કોંગ્રેસના રહ્યાસહ્યા આદિવાસી ગઢને ખેરવવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શાહે વ્યારા જઈને પક્ષના કાર્યકરોના સંમેલનને સંબોધવાનું પસંદ કર્યું, પણ જે ધરતી પર મહાત્મા ગાંધી, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝના પગલાં પડ્યાં હતાં એ હરિપુરા અને આસપાસના ગામોના લોકોએ લઠ્ઠાકાંડમાં જાન ગુમાવ્યાનું મસમોટું પ્રકરણ ભાજપની સરકારને માથે કલંક બનીને ખડું થયું. ગયું આખું વર્ષ દેશ-વિદેશમાં નરેન્દ્ર મોદીથી લઈને એમના પક્ષની કેન્દ્ર અને રાજ્યોની સરકારોએ ભારતરત્ન બાબાસાહેબ ડો. ભીમરાવ આંબેડકરની સવાસોમી જન્મજયંતીની ઊજવણીની ગાજવીજ કરીને દલિતોને પોતાના ભણી આકર્ષવાની જે કવાયત કરી હતી, એના પર ઉના દલિતકાંડે પાણી ફેરવી દીધું.
ગુજરાતમાં જ નહીં, દેશના વિવિધ ભાજપશાસિત રાજ્યોમાં દલિતો પરના અત્યાચારો ચર્ચામાં છે. ઉત્તર પ્રદેશ, પંજાબ અને ગુજરાતની આગામી ચૂંટણીઓ પૂર્વે જ દલિતોનો મુદ્દો ગાજી રહ્યો છે. સાથે જ ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સેનાવાળા અલ્પેશ ઠાકોરે દારૂબંધીના કડક અમલ માટે દારૂના અડ્ડાઓ પર ઠેર-ઠેર જનતા રેઈડ પાડવાના કાર્યક્રમો આપ્યા અને એવામાં જ સુરત જિલ્લાના લઠ્ઠાકાંડે ઠાકોર-કોળી સમાજમાં સત્તારૂઢ પક્ષ માટે રોષનો નવો ઊભરો આણ્યો છે.
રાજ્યવ્યાપી આંદોલનો-સંમેલનો
મુખ્ય પ્રધાન પદેથી આનંદીબહેનની વિદાય પછી રૂપાણી-પટેલ સરકાર સુખેથી રાજ કરી શકશે એવી માન્યતા ઠગારી નીવડી છે. સુરતના મહા-અભિવાદન સમારંભની જેમ જ ભાવનગરમાં પ્રદેશાધ્યક્ષ વાઘાણીના સન્માન સમારંભમાં વિરોધવંટોળ ઊઠ્યો અને એ પણ મુખ્ય પ્રધાન રૂપાણીની ઉપસ્થિતિમાં જ. સૌરાષ્ટ્રના જસદણ ખાતે મુખ્ય પ્રધાનના કાર્યક્રમમાં ખુરશીઓ ના ઉછળે એટલા માટે ખુરશીઓ બાંધવી પડી. દલિતોએ પ્રાંત કચેરીઓના ઘેરાવ અને વિરોધ સંમેલનોનો દોર ચાલુ રાખ્યો છે. ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોરે ૧૩૮ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ તેમના સમાજના ઉમેદવારોને ટિકિટ આપે એવી ઘોષણા કરી છે.
ભાજપ માટે એક સાંધે ત્યાં તેર તૂટવા જેવા સંજોગો છે. સત્તા ટકાવવા ખરાખરીના ખેલ આવતા દિવસોમાં જોવા મળશે. ચૂંટણીનો ગરમાટો વર્તાવા માંડ્યો છે. હજુ તો ભાજપ અને કોંગ્રેસની છાવણીઓ સક્રિય થઈ છે. આગામી દિવસોમાં બહુજન સમાજ પાર્ટી, રાષ્ટ્રીવાદી કોંગ્રેસ, ‘આપ’ સહિતનાની સક્રિયતા જોવા મળશે.
(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)