હમણાં બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ) નામની અબજો રૂપિયાનો ધંધો કરનારી સંસ્થાના પ્રધાનપદેથી સીધા જ ઠેકડો મારીને અધ્યક્ષપદે પહોંચી ગયેલા ૪૧ વર્ષીય અનુરાગ ઠાકુર ત્રણ-ત્રણ મુદતથી ભારતીય જનતા પક્ષના હિમાચલ પ્રદેશમાંથી લોકસભે ચૂંટાયેલા સભ્ય છે એટલું જ નહીં, તેઓ હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન રહી ચૂકેલા ભાજપના નેતા પ્રેમકુમાર ધુમલના રાજકીય વારસ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી જે રાજ્યના ભાજપના પ્રભારી હતા એ રાજ્યમાં પક્ષના જ મુખ્ય પ્રધાન શાંતા કુમારને ઉથલાવીને મુખ્ય પ્રધાન બનેલા પ્રેમકુમાર મોદીનિષ્ઠ હોવાને કારણે જ લોકસભાના સભ્ય એવા અનુરાગ ઠાકુર અખિલ ભારતીય યુવા મોરચાના અધ્યક્ષ પણ છે. અનુરાગનાં પત્ની શેફાલી ઠાકુર પણ હિમાચલ પ્રદેશના જાહેર બાંધકામ પ્રધાન રહેલા ગુલાબ સિંહનાં દીકરી છે.
ગુજરાતમાં ભાજપી વંશવાદ
ભારતીય જનતા પક્ષની કેશુભાઈ પટેલ સરકારમાં કેબિનેટ પ્રધાન રહેલા વિઠ્ઠલ રાદડિયાએ પક્ષનેતા શંકરસિંહ વાઘેલા સાથે ખજૂરાહોકાંડમાં સહભાગી થઈને બળવો કર્યા પછી બાપુનિષ્ઠ રહી રાષ્ટ્રીય જનતા પક્ષ અને કોંગ્રેસના વાઘા ચડાવીને સંસદસભ્યનું પદ મેળવ્યા પછી ફરી સ્વગૃહે પાછા ફર્યા. પોતે ભાજપી સાંસદ છે અને પુત્ર જયેશ રાદડિયાને ગુજરાતમાં ભાજપી સરકારમાં પ્રધાનપદ હાંસલ કરાવીને પક્ષમાં વટ પ્રસ્થાપિત કર્યો. કેશુભાઇ પટેલ ભાજપ છોડીને મોદી સામે લડવા ગુજરાત પરિવર્તન પાર્ટી (જીપીપી) સ્થાપીને એના ધારાસભ્ય તો થયા, પણ પુત્ર ભરત દેસાઇ (કેશુભાઇની અટક પણ ૧૯૬૨ સુધી દેસાઇ હતી)ના ભાવિ માટે ગમ ખાઇને ભાજપમાં પાછા ફર્યા હતા. એમના રાજકીય વારસ તરીકે વિસાવદરના ભાજપી ધારાસભ્ય ભરત દેસાઇને જીતાડયા છે. કેશુભાઇ હવે મોદીકૃપાથી શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષપદે અકબંધ છે.
વસુંધરા રાજે અને યશોધરા રાજે
ગ્વાલિયરનાં મહારાણી વિજયારાજે સિંધિયાએ પોતાનાં સખી ઈંદિરા ગાંધી સાથેની મૈત્રી તોડીને ૧૯૬૭ના ગાળામાં સંયુક્ત વિધાયક દળની સરકારો સ્થાપવામાં જનસંઘના કેસરિયા વાઘા ધારણ કર્યા. ૧૯૮૦માં ભાજપનાં સંસ્થાપક-સભ્ય પણ બન્યાં. એ પહેલાં ઇંદિરાની ઇમર્જન્સીમાં જેલવાસ પણ ભોગવ્યો. ભાજપનાં ઉપાધ્યક્ષ અને સાંસદ રહેલાં રાજમાતા સિંધિયાએ પુત્ર માધવરાવ સિંધિયાને કેસરિયા વાઘા ચડાવવાનો આગ્રહ કર્યો, પણ માધવરાવ જ નહીં, એમના પુત્ર જ્યોતિરાદિત્યે પણ ઈંદિરા-રાજીવ-સોનિયા-રાહુલ ગાંધીની કોંગ્રેસ સાથે રહેવાનું પસંદ કર્યું. કેન્દ્રમાં કોંગ્રેસના વડપણવાળી સરકારમાં પિતા-પુત્ર પ્રધાન રહ્યા.
રાજમાતાની બે દીકરીઓ વસુંધરા રાજે અને યશોધરા રાજેએ ભાજપમાં રહીને સંસદ સભ્ય, પ્રધાનપદ અને મુખ્ય પ્રધાનપદ મેળવવાનું પસંદ કર્યું. આજે વસુંધરા રાજે રાજસ્થાનનાં મુખ્ય પ્રધાન છે, યશોધરા રાજે મધ્ય પ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણની સરકારમાં કેબિનેટ પ્રધાન છે એટલું જ નહીં, વસુંધરાના પુત્ર દુષ્યંત સિંહ છેલ્લી ત્રણ - ત્રણ મુદતથી લોકસભાના સભ્ય છે. વસુંધરા રાજે અને યશોધરા રાજે બેઉનાં લગ્નજીવન સુખી નહોતાં. બેઉના છૂટાછેડા થયેલા છે.
ભાજપના વરિષ્ઠ નેતા અટલ બિહારી વાજપેયીના પ્રધાનમંડળમાં કેબિનેટ પ્રધાન અને પક્ષના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ રહેલા વેદપ્રકાશ ગોયલની હયાતીમાં જ એમનાં પત્ની ચંદ્રકાંતા ગોયલ મહારાષ્ટ્ર વિધાનસભાનાં સભ્ય હતાં. આજે એમના પુત્ર પીયૂષ ગોયલ કેન્દ્રમાં મોદી સરકારમાં કેબિનેટ પ્રધાન છે.
મેનકા સંજય ગાંધી અને ફિરોઝવરુણ
સામાન્ય રીતે દેશ પર દાયકાઓ સુધી શાસન કરનાર કોંગ્રેસમાં વંશવાદ ચાલે છે, ડાયનેસ્ટીનું શાસન ચલાવાય છે અને એનો અંત આણવા માટે ભારતીય જનતા પક્ષ મેદાને પડ્યો હોવાની ગાજવીજ થાય છે. અત્યારે કોંગ્રેસનાં અધ્યક્ષા શ્રીમતી સોનિયા રાજીવ ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ રાજીવ ગાંધી ઉત્તર પ્રદેશમાંથી કોંગ્રેસના લોકસભાનાં સભ્ય છે. આ જ નેહરુ-ગાંધી પરિવારનાં શ્રીમતી મેનકા સંજય ગાંધી અને એમના પુત્ર ફિરોઝવરુણ સંજય ગાંધી બેઉ ભાજપનાં લોકસભાના સભ્ય છે. શ્રીમતી મેનકા તો કેન્દ્રની મોદી સરકારમાં કેબિનેટ પ્રધાન છે.
આઝાદીની લડતમાં સામેલ કોંગ્રેસના અધ્યક્ષ રહેલા મોતીલાલ નેહરુ અને એમના પુત્ર તેમજ કોંગ્રેસ અધ્યક્ષ તથા વડા પ્રધાન રહેલા પંડિત જવાહરલાલ નેહરુનાં એકમાત્ર સંતાન એવા શ્રીમતી ઇંદિરા ફિરોઝ ગાંધી કોંગ્રેસ પ્રમુખ અને વડાં પ્રધાન રહ્યાં. વડાં પ્રધાન માતાની ૧૯૮૪માં હત્યા પછી પાઇલટ રાજીવ ફિરોઝ ગાંધીએ વડા પ્રધાનપદ સ્વીકાર્યું હતું. એ પહેલાં એમના ભાઈ સંજય ફિરોઝ ગાંધીનું વિમાન અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ફિરોઝ ગાંધી પણ કોંગ્રેસના સંસદ સભ્ય રહ્યા, પણ સસરા નેહરુના શાસનકાળમાં જ એમણે સરકારનાં જ કૌભાંડો પ્રકાશમાં આણ્યાં હતાં. મૂળ ભરુચના પારસી પરિવારના વંશજ એવા ફિરોઝ ગાંધી અને ઇંદિરા ગાંધીનું લગ્નજીવન સુખી નહોતું. તેમના જયેષ્ઠ પુત્ર રાજીવ ગાંધી પણ વડા પ્રધાન અને કોંગ્રેસપ્રમુખ રહ્યા. ફરી ૧૯૯૧માં વડા પ્રધાન થવામાં હતા ત્યાં જ તેમની હત્યા થઈ હતી.
૧૯૪૭થી આજ લગીના સમયગાળાનો મોટો ભાગ કોંગ્રેસ પક્ષ અને ખાસ કરીને નેહરુ-ગાંધી પરિવાર દેશ પર રાજ કરતો રહ્યો અને એ જ પરિવારનાં બબ્બે વડા પ્રધાનોએ દેશકાજે જ શહીદી વહોરી હતી.
કોંગ્રેસની તુલનામાં ભારતીય જનતા પક્ષનું દેશ અને વિવિધ રાજ્યોમાં શાસન ઘણાં ઓછાં વર્ષો રહ્યું હોવા છતાં ભગવી બ્રિગેડમાં વંશવાદની ભારે બોલબાલા જોવા મળે છે. કોંગ્રેસના ડાયનેસ્ટી રૂલને ખતમ કરવાના સંકલ્પની ભારે ગાજવીજ કરનાર ભાજપમાં ડાયનેસ્ટી રૂલનાં કે વંશવાદની પરંપરાનાં થોડાં ઘણાં ઉદાહરણ આપ્યાં, પણ આ યાદીને લંબાવવામાં આવે તો ભાગ્યે જ કોઈ રાજ્યમાં ભાજપના વંશવાદનો અભાવ જોવા મળે છે.
ઓછામાં પૂરું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તો પ્રત્યેક રાજ્યમાં કોંગ્રેસના નેતાઓનાં સંતાનોને કે સગાંસંબંધીઓને ભાજપ સાથે જોડીને એમના પૂર્વજોના નામે વોટ મેળવવા માટેના ભરસક પ્રયાસ કર્યા છે.
લાલ બહાદુર અને ભાજપ
આવતા વર્ષે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે તાશ્કંદમાં પાકિસ્તાન સાથે મંત્રણા માટે ગયેલા વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના રહસ્યમય મૃત્યુ અંગે ભારે ગાજવીજ મચાવીને વડા પ્રધાન મોદી તથા ભાજપની નેતાગીરી કોંગ્રેસના ‘ફર્સ્ટ ફેમિલી’ને એ માટે દોષિત ઠરાવીને લોકોની સહાનુભૂતિ મેળવવાની કોશિશ જરૂર કરી રહી છે. એના સંકેત અત્યારથી મળી રહ્યા છે.
પંડિત નેહરુના નિષ્ઠાવંત લાલ બહાદુરનાં સંતાનોમાં પુત્ર અનિલ શાસ્ત્રી સિવાયનાં મોટા ભાગનાં ભાજપ સાથે જોડાઈ ચુક્યાં છે. અનિલ શાસ્ત્રી કોંગ્રેસી નેતા રહ્યા, પરંતુ એમના પુત્ર આદર્શ શાસ્ત્રીએ ૨૦૧૪માં મલ્ટિનેશનલ કંપનીની એક કરોડ રૂપિયાની નોકરી છોડીને ‘આપ’ પાર્ટીની ટિકિટ પર અલાહાબાદની લોકસભા ચૂંટણી લડવાનું પસંદ કર્યું હતું. જોકે એ સફળ થયા નહોતા.
શાસ્ત્રીજીનાં દીકરી સુમનના પુત્ર સિદ્ધાર્થનાથ સિંહ ભાજપના પ્રવક્તા જ નહીં. હમણાં થયેલી પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં પક્ષના પ્રભારી પણ હતા. આ બંગાળમાં ભાજપ થકી નેતાજી સુભાષ ચંદ્ર બોઝનું નામ ખૂબ ગજવવામાં આવ્યું, વડા પ્રધાન મોદી બોઝ પરિવારના સભ્યોને મળ્યા એટલું જ નહીં, સુભાષબાબુના વંશજ ચંદ્ર કુમાર બોઝને ભાજપની ટિકિટ પર તૃણમૂલનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી સામે લડાવ્યા.
પરાજિત ચંદ્ર કુમારના જ પરિવારના સુગત બોઝ તૃણમૂલ કોંગ્રેસના લોકસભાના સભ્ય છે. લાલ બહાદુર શાસ્ત્રીના સૌથી મોટા પુત્ર અશોક શાસ્ત્રીનાં વિધવા નીરા શાસ્ત્રી અને તેમના પુત્ર સમીપ શાસ્ત્રી ભાજપમાં છે. સદ્ગત વડા પ્રધાનના પુત્ર સુનીલ શાસ્ત્રી તો ઘણા સમયથી ભાજપમાં છે.
મોદી અને અમિત શાહના ચાણક્યવ્યૂહ
કયારેક ભાજપના વ્યૂહકાર પ્રમોદ મહાજન ઉત્તર પ્રદેશના બાહુબલિ નેતા ડી. પી. યાદવને ભાજપમાં લઇ આવ્યા હતા કે ઇંદિરા ગાંધીની ઇમર્જન્સીના ગોબેલ્સ ગણાતા વિદ્યાચરણ શુકલને ભાજપમાં લવાતાં કાગારોળ મચાવાતી હતી. યાદવને તો સાંજ પડતાં જ પક્ષમાંથી રુખસદ અપાઇ હતી. ભાજપના લોકસભાના ઉમેદવાર તરીકે હાર્યા પછી શુકલ સ્વગૃહે પાછા ફર્યા હતા. અત્યારે તો વડા પ્રધાન મોદી કે તેમના ‘હનુમાન’ લેખાતા પક્ષઅધ્યક્ષ અમિત શાહ જૂના કોંગ્રેસી જ નહીં, માર્ક્સવાદીઓને પણ પક્ષમાં સામેલ કરે ત્યારે એને ચાણક્યવ્યૂહનો ભાગ ગણાવીને બિરદાવવાના કોરસગાનમાં ભાજપના આસ્થાસ્થાન નાગપુરથી લઇને કાર્યકર્તા સુધી તમામ જોડાય છે કારણ કે મોદી સત્તાની સીડી જ નહીં, તારણહાર લાગે છે.
(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)