ભારત સરકારના વિસ્તરણમાં ગુજરાતનો દબદબો

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Wednesday 06th July 2016 07:41 EDT
 
 

અસ્સલ વડાં પ્રધાન ઈંદિરા ગાંધીની જ શૈલીમાં વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના વડપણ હેઠળની કેન્દ્ર સરકારનું વિસ્તરણ કર્યું. કામગરા પ્રધાનોને સરપાવ અને ઢીલાઢાલાઓને બૂધું. સાથે જ જે રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ આવી રહી છે એ જીતવા માટે સક્ષમ ગણાય એવાં વ્યક્તિત્વો પ્રધાનમંડળમાં સામેલ કરવાનું પસંદ કરીને ‘ચાણક્ય’ જેવા ચતુર અને વ્યૂહકાર વડા પ્રધાને ધાર્યું કર્યું છે.

વિદેશયાત્રા પર જતાં પૂર્વે પ્રધાનમંડળનું વિસ્તરણ કરવાના સંકલ્પનું સમગ્ર આયોજન પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને હવાલે કરીને પોતે મોકળાશ અનુભવી હતી. મોદીના ‘હનુમાન’ શાહે સોમવારની સાંજ લગી સંભવિત પ્રધાનોને તેડાવી પ્રધાનપદ સોંપાઈ રહ્યાની ફૂંક મારવાની સાથે જ આવતા દિવસોમાં પક્ષ કે એનડીએના વિજય માટે શું કરવાનું છે એનું લેસન પણ એમને આપી દીધું.

મંગળવારે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ નવા પ્રધાનોને શપથ લેવડાવ્યા ત્યારે વડા પ્રધાન મોદી અને પક્ષાધ્યક્ષ શાહ હળવી પળોમાં વાત કરતા જણાયા અને વિપક્ષી નેતાગણ અનુપસ્થિત રહ્યાની નોંધ સુદ્ધાં ભાગ્યે જ કોઈએ લીધી. મોદીના વડપણ હેઠળની એનડીએ સરકારના ઘટક પક્ષોમાં વટકેલા રહેતા મહારાષ્ટ્રના શિવ સેનાને ઠેંગો બતાવીને શિવ સેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનાં આગલા દિવસનાં નિવેદનો ભણી મોદીએ સાવ જ અવગણનાનો સંદેશ આપવાનું પસંદ કર્યું છે. શિવ સેના સત્તા મોરચામાંથી નીકળી જાય તો મોદી આણિ મંડળી પવાર-સેના સાથે જોડાણ કરવાની તૈયારીમાં હોવાથી શિવ સેનાના ગળામાં હાડકું ભરાયું છે. વળી ઉત્તર પ્રદેશ જ નહીં, રાજસ્થાનથી પણ જેમને પ્રધાનમંડળમાં સમાવાયા એ લખનઊમાં વિજયોત્સવ મનાવવાની વ્યૂહરચનામાં ભાગરૂપ જ જોવા મળ્યા.

પટેલ આંદોલનની હવા કાઢી

ગુજરાતમાંથી વિસ્તરણમાં બે નવા પટેલ પ્રધાનોને સમાવવાનું મોદીનું પગલું ઘણાને આશ્ચર્ય પમાડે તેવું હોવા છતાં કડવા અને લેઉઆ પટેલની સમતુલા જાળવવા માટે એવું કરાયું એટલે પાટીદાર અનામત આંદોલનની રહીસહી અસરને ખાળવા માટે પ્રતિનિધિ લેવામાં આવ્યાનું લાગે છે. ગુજરાતના અનુભવી પ્રધાન અને પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રહેલા પરસોત્તમ રૂપાલાને કેન્દ્રમાં રાજ્ય પ્રધાન બનાવીને હાલ પૂરતા મુખ્ય પ્રધાન પદની સ્પર્ધામાંથી એમને બાકાત કરાયા છે.

રૂપાલા કડવા પટેલ છે. અમરેલીના છે. ભાવનગરના લેઉઆ પટેલ એવા આક્રમક નેતાની છબિ ધરાવતા મનસુખ માંડવિયાને પણ રાજ્ય કક્ષાના પ્રધાન બનાવાયા છે. મોદી સરકારમાં અગાઉથી જ આંજણા પટેલ એવા હરિભાઈ ચૌધરી તો છે જ. વળી, સ્મૃતિ ઈરાની અને અરુણ જેટલી પણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે. હવે આદિવાસી પટ્ટાના જસવંતસિંહ ભાંભોરને પણ લેવામાં આવ્યા છે. ભાંભોર ગુજરાતમાં રાજ્ય પ્રધાન રહ્યા છે.

બે રાજ્ય પ્રધાનોને પડતા મૂકાયા તેમાં મોહન કુંડારિયા અને મનસુખ વસાવાને એમના અપ્રભાવી કામ અને વિવાદસર્જક નિવેદનોને પ્રતાપે રવાના કરાયાનું જણાય છે. કુંડારિયા કડવા પટેલ છે. રૂપાલાને લેવામાં આવતાં રાજ્યભરના કડવા પટેલોને સંદેશ આપવાનો પ્રયાસ વડા પ્રધાન મોદીએ કર્યો છે. વળી, ભરૂચના મનસુખ વસાવાએ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલને પત્ર લખીને રાજ્ય સરકારમાં કામો નહીં થતાં હોવાનો હોબાળો મચાવ્યો હતો એટલે એમને સ્થાને ઓછાબોલા અને વધુ કામ કરનારા આદિવાસી નેતા ભાંભોરને મૂક્યા છે.

ઉત્તર પ્રદેશ જીતવાનું આયોજન

પ્રધાનમંડળ વિસ્તરણમાં મુખ્યત્ત્વે ઉત્તર પ્રદેશ જીતવાનું આયોજન સવિશેષ જણાય છે. ઉત્તર પ્રદેશમાં દલિત, બ્રાહ્મણ અને જાટ વોટબેંકમાં પ્રભાવ પાડવાનો પ્રયાસ મોદી ઘણા વખતથી કરી રહ્યા હતા. રાજ્યના ૧૩ પ્રધાનો મોદી સરકારમાં છે. આ વખતે વધુ ત્રણ પ્રધાનો ઉમેરવાનું પસંદ કર્યું છે.

મિત્રપક્ષ અપના દલનાં અનુપ્રિયા સિંહ પટેલ કુર્મી એટલે કે પટેલ વોટબેંક પર સારો એવો પ્રભાવ ધરાવતાં હોવાથી અને બિહારના કુર્મી મુખ્ય પ્રધાન નીતીશ કુમાર ઉત્તર પ્રદેશમાં મુલાયમ-સેનાને પક્ષે મદદે આવવાની શક્યતા હોવાથી અનુપ્રિયાને રાજ્યપ્રધાન બનાવાયાં છે. જોકે, અનુપ્રિયાનો પક્ષ અને એમનાં મા-બાપ એમનાથી નારાજ હોવાનું જાહેર કરતાં હરખ કરવાનું ટાળ છે.

બ્રાહ્મણોની વોટબેંકને રાજી કરવા માટે ભાજપના ડો. મહેન્દ્રનાથ પાંડેને સામેલ કરાયા છે. ઉત્તર પ્રદેશમાં દલિત વોટબેંક બહુજન સમાજ પક્ષનાં સુપ્રીમો માયાવતીને ફરી મુખ્ય પ્રધાન બનાવવા માટે સંગઠિત થઈ ના જાય એટલા માટે મોદી છેલ્લા ઘણા વખતથી ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૨૫મી જન્મજયંતીની ઊજવણી નિમિત્તે એમનો ગાજવીજ કરતા રહ્યા છે. સાથે જ આ વખતે મહારાષ્ટ્રમાંના દલિત નેતા રામદાસ આઠવલે, રાજસ્થાનના દલિત સાંસદ અર્જુન મેઘવાળ ઉપરાંત ઉત્તર પ્રદેશનાં દલિત-પારસી સાંસદ શ્રીમતી કૃષ્ણા રાજને રાજ્ય પ્રધાન બનાવાયાં છે. અગાઉ આંબેડકરવાદી ડો. નરેન્દ્ર જાધવને રાજ્યસભામાં નિયુક્ત કરાવવામાં આવ્યા હતા. વાત એટલે અટકતી નથી. ઉત્તર પ્રદેશના જાટ સમુદાયમાં પ્રભાવ પાથરવા માટે રાજસ્થાનના બે જાટ નેતા પી. પી. ચૌધરી અને સી. આર. ચૌધરીને રાજ્યપ્રધાન બનાવાયા છે.

પંજાબની પણ સાથે જ ગોઠવણ

પંજાબમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને તાજા સર્વેક્ષણો પંજાબમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ‘આપ’ પાર્ટીને સરકાર રચવાની મોકળાશ કરી આપતા જણાય છે. મોદી એમાં પંક્ચર કરવા જે કાંઈ કરવું પડે તે માટે કરવા માટે કૃતસંકલ્પ છે. અત્યારે પંજાબમાં મિત્રપક્ષ અકાલી દળ સાથે ભાજપ સરકારમાં છે. મુખ્ય પ્રધાન પ્રકાશ સિંહ બાદલનાં પુત્રવધૂ અને નાયબ મુખ્ય પ્રધાન સુખબીર સિંહ બાદલનાં પત્ની મોદી સરકારમાં રાજ્યપ્રધાન હોવા ઉપરાંત આ વખતના વિસ્તરણમાં જૂના કોંગ્રેસી એવા દાર્જીલિંગના શીખ સાંસદ એસ. એસ. આહલુવાલિયાને પણ રાજ્ય પ્રધાનપદ સોંપાયું છે. ઉત્તર ભારતમાં જાટ આંદોલનના પ્રભાવને ખાળવા માટે જાટ પ્રધાનોનો પ્રભાવ પણ મોદી સરકારમાં વધ્યો છે.

નિષ્ઠાવંતોને સરપાવ

સાથે જ વર્તમાન રાજ્ય પ્રધાન પ્રકાશ જાવડેકરને બઢતી આપીને કેબિનેટ પ્રધાન બનાવાયા છે અને પક્ષના પ્રવક્તા તેમજ જૂના રાજીવનિષ્ઠ સાંસદમાંથી મોદીનિષ્ઠ બનેલા પત્રકાર શિરોમણિ એમ. જે. અકબરને પણ રાજ્ય પ્રધાન બનાવીને મુસ્લિમ વિશ્વ અને વોટ બેંકને વડા પ્રધાન સકારાત્મક સંદેશ આપવા આતુર જણાય છે. આખું આયખું કોંગ્રેસમાં વિવિધ હોદ્દે રહેલાં નઝમા હેપતુલ્લા ભાજપના વડપણવાળી સરકારમાં પ્રધાન હોવા છતાં એમની ઢળતી વયનો વિકલ્પ અકબર થઈ શકે છે. ઉત્તર પ્રદેશની ચૂંટણી અને વિશ્વમંચ પર એમણે મોદીના દૂત તરીકે કાર્યરત રહેવાનું છે.

ઉત્તર પ્રદેશનો જંગ જીતાડવામાં રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાતના ધારાસભ્ય અમિત શાહ સફળ રહે તો એમને ગુજરાતના મુખ્ય પ્રધાનપદનો સરપાવ અપાય એવું જણાય છે.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter