ત્રણેક ડઝન સાક્ષીઓ ફરી જતાં ભારતની સર્વોચ્ચ અદાલતે નવ વર્ષ પછી કર્નલ શ્રીકાંત પુરોહિતને જેલમાંથી જામીન પર છોડવાનો આદેશ આપ્યો છે. ભારતથી લાહોર જતી સમજૌતા એક્સપ્રેસમાં વિસ્ફોટ થયો ૨૮ ફેબ્રુઆરી ૨૦૦૭ના રોજ અને ૬૮ લોકો માર્યા ગયા. એ પછીના વર્ષે ૨૦ સપ્ટેમ્બર ૨૦૦૮ના માલેગાંવ મસ્જિદ પાસેના બોમ્બ વિસ્ફોટમાં છ લોકો માર્યા ગયા હતા. એવો જ ઘટનાક્રમ અજમેરમાં દરગાહ શરીફમાં થયેલા વિસ્ફોટ અને હૈદરાબાદની મક્કા મસ્જિદના વિસ્ફોટ કાંડનું થયું છે.
કોંગ્રેસના વડપણવાળી સંયુક્ત પ્રગતિશીલ સંગઠન (યુપીએ)ની ડો. મનમોહન સિંહના શાસનકાળમાં થયેલી આ આતંકવાદી ઘટનાઓની તપાસ ત્રાસવાદ વિરોધી પોલીસ દળ ઉપરાંત રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) થકી કરવામાં આવી હતી. વિસ્તૃત તપાસને અંતે દસ જણાની ધરપકડ કરવામાં આવી હતી. સંયોગવસાત્ એ દસેય જણ હિંદુ હતાં. કેન્દ્રીય ગૃહ પ્રધાન તરીકે એ વેળા કાર્યરત એવા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન સુશીલકુમાર શિંદેએ આ આતંકી કૃત્યોને ‘ભગવા આંતકવાદ’ (સેફ્રન ટેરરિઝમ) કહેવાનું પસંદ કર્યું. એટલે ભારતીય જનતા પક્ષના નેતાઓએ ભારે ઉહાપોહ મચાવ્યો હતો. આતંકવાદ આતંકવાદ છે એને ભગવો કે લીલો કે લાલ એવા રંગે રંગવાનું યોગ્ય ના લેખાય એવી તેમની દલીલ હતી.
મહારાષ્ટ્રના ટોચના દલિત નેતા શિંદેથી કાચું કપાયું હતું એટલે કોંગ્રેસના પ્રવક્તા જનાર્દન દ્વિવેદીએ એ વેળા ગૃહ પ્રધાન શિંદેની ‘ભગવા’ કે ‘હિંદુ’ આતંકવાદની ભાષા કે શબ્દપ્રયોગ સાથે કોંગ્રેસ સહમત નહીં હોવાનું જાહેર કરીને નુકસાની ભરપાઈ કરવાની કોશિશ કરી. જોકે બૂંદ સે ગઈ હૌજ સે ભરને કી કોશિશ જેવા આ પ્રયાસથી કોંગ્રેસને થયેલા નુકસાનને ખાળી શકાય એવું નહોતું. જે દસ જણાની ધરપકડ કરાઈ હતી તેમાં ગુજરાતના ડાંગમાં વનવાસી કલ્યાણ આશ્રમના સૂત્રધાર સ્વામી અસીમાનંદ, મધ્ય પ્રદેશમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનાં અગ્રણી રહેલાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુર ઉપરાંત ભારતીય લશ્કરમાં ગુપ્તચર શાખામાં કાર્યરત એવા કર્નલ શ્રીકાંત પુરોહિત સહિતનાનો સમાવેશ હતો. આ બોમ્બ વિસ્ફોટોમાં સંઘના વરિષ્ઠ પ્રચારક ઈન્દ્રેશ કુમારનું પણ નામ આવ્યું હતું, પરંતુ એમના સુધી એનઆઈએની તપાસનું પગેરું પહોંચ્યું નહોતું એટલે એમની ધરપકડ થઈ નહોતી.
સંઘના લોકો વિરુદ્ધ સજ્જડ પુરાવાવાળા ભાજપી સાંસદ!
કેન્દ્રમાં કોંગ્રેસના વડપણવાળી સરકાર હતી. મહારાષ્ટ્રમાં પણ એ વેળા કોંગ્રેસની સરકાર હતી. વિસ્ફોટો શ્રેણીબદ્ધ થયા હતા અને માર્યા ગયેલા લોકો મુસ્લિમ હતા તથા દેશવ્યાપી આતંકી ઘટનાઓને ધ્યાને લઈને ભારત સરકારની નવરચિત નેશનલ ઈન્વેસ્ટિગેટિંગ એજન્સી (એનઆઈએ)ને એ તમામ ખટલાઓની તપાસ સુપરત કરાઈ. યુદ્ધના ધોરણે કાર્યવાહી આદરવામાં આવી. કેન્દ્રના ગૃહસચિવ આર. કે. સિંહે ૨૨ જાન્યુઆરી ૨૦૧૩ના રોજ પત્રકાર પરિષદ ભરીને ઘોષણા કરીઃ ‘ઉપરોક્ત તમામ આતંકી ઘટનાઓ સંદર્ભે અમને ૧૦ જણાંની સંડોવણીના નક્કર પુરાવા મળ્યા છે. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સાથે સંકળાયેલા છે.’ મૂળ બિહારના તેજતર્રાર આઈપીએસ અધિકારી સિંહ પાસે સંઘના દસ જણાની વિરુદ્ધ પૂરતા પુરાવા હોવાનો દાવો કરાયો.
બીજે વર્ષે દિલ્હીમાં કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારને સ્થાને ભાજપના વડપણવાળી રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચા (એનડીએ)ની સરકાર આરુઢ થઈ. નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા. એમની લોકસભાના ચૂંટાયેલા સાંસદોની સેનામાં પેલા આર. કે. સિંહ પણ હતા! ગૃહસચિવ તરીકે નિવૃત્ત થતાંની સાથે જ બિહારમાં અન્ય પક્ષોની ટિકિટોની ઓફર હોવા છતાં સિંહને ભાજપમાં જોડાઈને લોકસભાની ચૂંટણી લડવાનું વધુ માફક આવ્યું. એ જુદી વાત છે કે બિહાર ભાજપમાં એ પાછા અસંતુષ્ટોમાં ગણાય છે.
અસીમાનંદનો ઈન્ટરવ્યુ અને ઈનકાર
ડાંગમાં શબરીકુંભના નામે વધુ ચર્ચામાં આવેલા મૂળ બંગાળી એવા સ્વામી અસીમાનંદે અંબાલાની જેલમાં ‘કેરેવાન’ નામના પ્રતિષ્ઠિત સામયિકની સંવાદદાતા લીના ગીતા રઘુનાથને ૨૦૧૨ અને ૨૦૧૪ દરમિયાન ચાર વાર ટેપ રેકોર્ડેડ ઈન્ટરવ્યૂ આપ્યા. ‘બોમ્બ કા બદલા બોમ્બ’ની ભૂમિકામાં વિશ્વાસ ધરાવતા અસીમાનંદ સમગ્ર કાવતરાંમાં સંઘના વડા ડો. મોહન ભાગવત અને ઈન્દ્રેશ કુમારને કાવતરાબાજ ગણાવે છે. મુખ્યપ્રધાનો કેશુભાઈ પટેલ, નરેન્દ્ર મોદી સહિતના ભાજપી નેતાઓથી લઈને સંઘ-ભાજપના હોદ્દેદારો સાથેના ઘરોબાની વાત કરવા ઉપરાંત કથાકાર મોરારિબાપુ સાથેના અંતરંગ સંબંધની વાત પણ એ કરે છે. જોકે, પાછળથી આ ઈન્ટરવ્યુ પોતે આપ્યો જ નહીં હોવાનું એમણે જણાવ્યું હતું. અગાઉ તમામ વિસ્ફોટોના કાવતરામાં પોતાની સંડોવણીને કબૂલનાર સ્વામીએ પાછળથી ફેરવી તોળ્યું હતું.
છ વર્ષ પછી સ્વામી અસીમાનંદને અદાલત તરફથી માર્ચ ૨૦૧૭માં જામીન મળ્યા અને જેલમુક્તિ મળી. એવું જ કાંઈક સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનું થયું. સાધ્વીને જેલવાસ દરમિયાન કેન્સર થયા છતાં છેક આઠ વર્ષે અદાલતે એને જેલમુક્તિ માટે એપ્રિલ ૨૦૧૭માં જામીન આપ્યા. એવું જ ઓગસ્ટ ૨૦૧૭માં કર્નલ પુરોહિતનું થયું.
‘અભિનવ ભારત’ નામક સ્વાતંત્ર્ય વીર સાવરકરની સંસ્થાના નવ-નામકરણવાળી સંસ્થા અને ગોપાલ ગોડસેનાં પુત્રી તથા સાવરકર પરિવારના પુત્રવધૂ હિમાની સાવરકરની સંસ્થા સાથે સંબંધ ધરાવતા મનાતા કર્નલ પુરોહિતને નવ વર્ષે જામીન મળ્યા. એટલું જ નહીં એમણે તો લશ્કરી વડાને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે મારી સાથે યુદ્ધકેદી કરતાં પણ ભૂંડું વર્તન કરવામાં આવે છે. આરોપીઓમાંથી કેટલાક મૃત્યુ પામ્યા છે એમાં પણ સંઘ સંલગ્ન પ્રચારકનો સમાવેશ પણ છે. સુનીલ જોશી નામના આ પ્રચારકની હત્યા પણ સંઘ પરિવારમાંથી જ કરવામાં આવી હોવાનું જણાવાય છે.
જોકે, વર્ષોથી દેશની વિવિધ અદાલતોમાં ચાલતા રહેલા આ ખટલાઓ ખૂબ મોટા કાનૂની અને માનવીય ગૂંચવાડા સર્જનાર સાબિત થયા છે. હવે કર્નલ પુરોહિતની જામીન અરજીને સુપ્રીમ કોર્ટે એનઆઈએના વિરોધ છતાં મંજૂર કરી છે ત્યારે આગામી દિવસોમાં આ ખટલાઓમાં જેમને આરોપી ગણાવાયા છે એ બધાનું ભવિષ્ય કેવું રહેશે એની ચર્ચા અને કશ્મકશ અત્યારથી શરૂ થઈ ગઈ છે.
ઈન્દ્રેશજીની માગણી, પણ જવાબદારને કોણ શોધશે?
સંઘના વરિષ્ઠ પ્રચારક અને મુસ્લિમ રાષ્ટ્રીય મંચના પ્રણેતા એવા ઈન્દ્રેશ કુમારની માગણી છે કે કર્નલ પુરોહિતને માત્ર જામીન મળ્યા એટલું જ પૂરતું નથી, તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવે. એમનું કહેવું છે કે જેમણે ભગવા આતંકવાદ કે હિંદુ આતંકવાદની વાતો વહેવડાવી એ કોંગ્રેસીઓને તો એમના પાપનો બદલો મળી ચૂક્યો છે. તેઓની દયનીય હારનું કારણ એમણે ચલાવેલા હિંદુ આતંકવાદ કે ભગવાન આતંકવાદના જુઠ્ઠાણાં જ છે. પ્રશ્ન હવે ઊભો થાય છે.
ઉપરોક્ત તમામ આતંકવાદી ખટલાઓ અદાલતમાં હજુ ચાલતા રહેશે અને એના દોષિત સંઘ કે હિંદુ મહાસભા કે અભિનવ ભારત સાથે સંકળાયેલા મનાતા આરોપીઓ નથી, તો ખરા આરોપીઓ છે કોણ? એ ક્યારે ય પકડાશે કે પછી વડોદરાની બેસ્ટ બેકરી કાંડમાં જવાબદાર છૂટી ગયા અને મુંબઈ હાઈ કોર્ટમાં સજા પામ્યા. એ જ રીતે ઉપરોક્ત પ્રકરણોમાં અનેકોની હત્યા માટે જવાબદાર કોઈને પકડવા અને શિક્ષા કરવાથી સરકારીતંત્ર વિમુખ જ રહે એવું લાગે છે.
(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)