ભારતમાં સમયાંતરે રાષ્ટ્રભક્ત દેખાવાના નવા નુસખા અપનાવાય છે. ક્યારેક ‘ભારત માતા કી જય’ બોલવામાં ભારતભક્તિનાં દર્શન કરાવાય છે અને ‘ઈસ દેશ મેં રહના હૈ તો ભારત માતા કી જય બોલના હોગા’ના ફરમાન સત્તાધારી પક્ષના હોદ્દેદારો કે પછી એનાં સમર્થક સંગઠનો તરફથી બહાર પડે છે. ભારત માતા ભણી આદર હોવો એ સહજ વાત છે, પણ આદર કેળવવાની ફરજ પાડવામાં આવે ત્યારે મુસ્લિમ અને જેહોવાપંથી ખ્રિસ્તીઓને એમાં મૂર્તિપૂજાનાં દર્શન થાય છે. વાદ-વિવાદ ચાલે છે. રાજકીય ઉહાપોહ મચે છે. આ બધાની વચ્ચે મૂળ રાષ્ટ્રભક્તિની ભાવના પીસાઈને કણસે છે. એની ભાગ્યે જ કોઈને પડી છે.
હમણાં સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ)ની ખંડપીઠના ન્યાયમૂર્તિ જસ્ટિસ દીપક મિશ્રાના વડપણવાળી બેંચે ચુકાદો આપ્યો છે કે પ્રત્યેક સિનેમાઘરમાં ફિલ્મ શરૂ કરતાં પહેલાં રાષ્ટ્રગીતનું ગાન ફરજિયાત કરવામાં આવે, એ વેળા સિનેમાગૃહનાં દ્વાર બંધ કરી દેવાય, પડદા ઉપર ત્રિરંગો ફરકતો બતાવાય અને સિનેમાગૃહમાં ઉપસ્થિત તમામે રાષ્ટ્રગીત માટે આદર દર્શાવવા માટે ૫૨ (બાવન) સેકંડ સુધી ફરજિયાત ઊભા રહેવું.
૩૦ નવેમ્બર ૨૦૧૬ના રોજ સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો. એના માત્ર બે દિવસ પછી આ જ જસ્ટિસ દીપક મિશ્રા અને જસ્ટિસ અમિતાભ રોયની ખંડપીઠ સમક્ષ સુનાવણી માટે આવેલી ધારાશાસ્ત્રી અશ્વિની કુમાર ઉપાધ્યાયની અરજીમાં સુપ્રીમ કોર્ટ, પ્રત્યેક હાઈ કોર્ટ અને નીચલી તમામ કોર્ટોમાં દિવસની કાર્યવાહી શરૂ કરતાં પહેલાં રાષ્ટ્રગીતનું ગાન થાય એવી દાદ માગવામાં આવી હતી એને ફગાવી દેવાઈ હતી! બે દિવસ પહેલાં જ બેંચ શ્યામ નારાયણ ચોક્સીની અરજીને પગલે દેશભરનાં સિનેમાઘરોમાં રાષ્ટ્રગીત ગવડાવવાનો આદેશ કરે છે, એ જ બેંચ બે દિવસ પછી અદાલતોમાં રાષ્ટ્રગીત માટે આવો આદેશ નહીં આપીને નવો વિવાદ સર્જે છે.
સુપ્રીમ કોર્ટનું રાષ્ટ્રગીત વિશે મંતવ્ય
ભારતની સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદા મુજબ કોઈ પણ નાગરિકને રાષ્ટ્રગીત ગાવાના ફરજ પાડી શકાય નહીં. સમગ્ર દેશના નાગરિકો માટે રાષ્ટ્રગીતને સ્વૈચ્છિક બનાવી દેવાનો ચુકાદો આપનાર સુપ્રીમ કોર્ટ હવે સિનેમા ઘરોમાં રાષ્ટ્રગીતને ફરજિયાત કરવા મુખ્ય સચિવો મારફત નિર્દેશિકા બહાર પડાવે છે.
નવાઈ તો એ વાતની છે કે ગુજરાતની વડી અદાલત (હાઈ કોર્ટ) રાષ્ટ્રગીતને ફરજિયાત ગવડાવી શકાય નહીં એવો ચુકાદો આપનાર સર્વપ્રથમ વડી અદાલત હતી. કેરળની વડી અદાલતમાં પણ આવો ખટલો વિચારણા માટે આવ્યો હતો. રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ વિશે મુસ્લિમ અને ખ્રિસ્તી બાળકોને નામે શાળામાં એના ગાનની ફરજ પડાતાં જે તે ધર્મની વિરુદ્ધનું પગલું ગણાવવાની અદાલતોમાં દાદ માંગવામાં આવી હતી. આ સંદર્ભમાં આજે પણ સમગ્ર દેશમાં રાષ્ટ્રગીત ગાવાની કોઈ પણ નાગરિકને ફરજ પાડી શકાય નહીં, એવો સુપ્રીમ કોર્ટનો ચુકાદો અકબંધ છે, અમલમાં છે અને રાષ્ટ્રભક્તિનો સવાર સાંજ આલાપ જપતા સત્તાપક્ષ કે વિપક્ષના નેતાઓ કે શાસકોએ સુપ્રીમ કોર્ટના આવા ચુકાદાને અપ્રભાવી કરીને રાષ્ટ્રગીતને ફરજિયાત કરવા માટે કોઈ બંધારણીય સુધારો કે કાનૂની જોગવાઈ સંસદમાં આવ્યાનું જાણમાં નથી.
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનનો વિવાદ
ભારતીય બંધારણસભામાં કવિવર રવીન્દ્રનાથ ઠાકુર કે ટાગોરરચિત ‘જન ગણ મન...’ને રાષ્ટ્રગીતનો દરજ્જો અપાયો છે. સાથે જ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રચિત ‘વંદે માતરમ્’ના અમુક અંશોને રાષ્ટ્રગાન તરીકે સ્વીકૃતિ અપાઈ છે. બંનેને સમકક્ષ લેખવામાં આવ્યા છે. જોકે, ‘જન ગણ મન...’ કે ‘વંદે માતરમ્’ને પૂરેપૂરું ગાવા કે રાષ્ટ્રગીત - રાષ્ટ્રગાન તરીકે સ્વીકારવા સામે મુસ્લિમ સમાજનો મૂર્તિપૂજાને નામે વિરોધ કરાયો હોવાથી એ બંને ગીતના અમુક અંશોને જ ગાવાની સ્વીકૃતિ અપાયેલી છે.
બંકિમબાબુ રચિત ‘વંદે માતરમ્’ ૧૮૯૬માં કોલકતામાં મળેલા કોંગ્રેસના અધિવેશનમાં કવિવર ટાગોરે સૌપ્રથમ ગાયું હતું. ૧૯૦૫માં વારાણસીમાં મળેલા કોંગ્રેસના અધિવેશનમાં સરલાદેવી ચૌધરાઈને તે ગાયું હતું. શાસક પક્ષ ભારતીય જનતા પક્ષની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને ટાગોરરચિત ‘જન ગણ મન...’ ગીત ૧૯૧૧માં તત્કાલીન ‘રાષ્ટ્ર અધિનાયક’ એવા કિંગ જ્યોર્જ પંચમના સન્માનમાં રચવામાં આવ્યાનું લાગે છે. સ્વયં ટાગોર અને ઈતિહાસ વારંવાર ખંડિત કરી ચુક્યો હોવા છતાં અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન બન્યા ત્યારે પણ સંઘ પરિવારના વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (અભાવિપ)એ તેમને આવેદનપત્ર આપીને રાષ્ટ્રગીત તરીકે ‘જન ગણ મન...’ને રદ્દ કરવાનો આગ્રહ કર્યો હતો. જોકે, ઉદારમતવાદી વાજપેયીએ અભાવિપની આ માગણીને દાદ દીધી નહોતી, પરંતુ હજુ હમણાં જ ભાજપના વરિષ્ઠ નેતામાંથી રાજસ્થાનના રાજ્યપાલ બનેલા કલ્યાણ સિંહે રાજ્યપાલની ગરિમાને બાજુએ સારીને પણ રાષ્ટ્રગીતમાં ‘અધિનાયક’ શબ્દ અંગ્રેજ શાસક માટે વપરાયો હોવાથી એને સ્થાને ‘મંગલ’ શબ્દ મૂકવાનું જાહેર નિવેદન કરીને વિવાદનો મધપૂડો છેડ્યો હતો. સંઘની શાખાઓમાં ‘વંદે માતરમ્’ આખું ગવાય છે. રાષ્ટ્રગીત તરીકે ‘જન ગણ મન...’ને બદલે ‘વંદે માતરમ્’ને સ્થાન મળે એ દિશામાં પણ ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
સંઘ પરિવારને ભારતીય રાષ્ટ્રધ્વજ ત્રિરંગા સામે પણ પ્રારંભથી વાંધો રહ્યો છે. સંઘ અને હિંદુ મહાસભાનો આગ્રહ હતો કે સ્વતંત્ર ભારતનો રાષ્ટ્રધ્વજ તો ભગવો ધ્વજ જ હોય. સંઘમાં ભગવા ધ્વજને ગુરુસ્થાને ગણવામાં આવે છે. હવે સંઘના ‘અધિકારીઓ’ રાષ્ટ્રધ્વજ સંઘ કાર્યાલય કે અન્યત્ર ફરકાવતા થયા હોવા છતાં ઘણાનું માનવું છે કે ભારતનો રાષ્ટ્રધ્વજ ભગવો જ હોવો જોઈએ. બંધારણ સભાની રાષ્ટ્રધ્વજ સમિતિએ પણ ભગવા ધ્વજની ભલામણ કરી હતી.
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજ બદલી શકાય
ભારતની બંધારણ સભામાં માન્યતાપ્રાપ્ત રાષ્ટ્રગીત ‘જન ગણ મન...’ અને તેને સમકક્ષ ગણાવાયેલા રાષ્ટ્રગાન ‘વંદે માતરમ્’નો વિવાદ વર્ષોથી ચાલતો રહ્યો છે. હકીકતમાં અન્ય દેશોમાં પોતાના રાષ્ટ્રગીત કે રાષ્ટ્રધ્વજ બદલી શકાતાં હોય તો ભારતમાં કેમ નહીં? આવો પ્રશ્ન ઊઠવો સ્વાભાવિક છે.
પાડોશી દેશ પાકિસ્તાનનું સર્વપ્રથમ રાષ્ટ્રગીત ‘તરાના-એ-પાકિસ્તાન’ ૧૪ ઓગસ્ટ ૧૯૪૭ના ગવાયું હતું એ ગીતના રચયિતા જગન્નાથ આઝાદ હતા અને તેમણે કાયદે આઝમ મોહમ્મદ અલી ઝીણાના અનુરોધથી એની રચના કરી હતી. આ રાષ્ટ્રગીત વિશે પણ વિવાદ રહ્યો છે એટલે એ પછી પાકિસ્તાનનું રાષ્ટ્રગીત બદલાયું છે. ‘કૌમી તરાના’ને રાષ્ટ્રગીત તરીકે ઓગસ્ટ ૧૯૫૪માં સત્તાવાર સ્વીકૃતિ મળી હતી. આ રાષ્ટ્રગીતની રચના હાફિઝ જલંધરીએ ૧૯૫૨માં કરી હતી. દેશના રાષ્ટ્રધ્વજને પણ અનુકૂળતા મુજબ બદલી શકાય છતાં ભારતીય રાષ્ટ્રધ્વજ અંગે માત્ર વિવાદ જ ચાલ્યા કરે છે.
ઘણા બધા દેશોના નામ પણ બદલાય છે અને પ્રચલિત બની જાય છે. જેમ કે બર્મા, બ્રહ્મદેશ અને મ્યાનમાર તરીકે હવે દુનિયાભરમાં સ્વીકૃત છે. સિલોન-લંકા હવે શ્રીલંકા તરીકે સ્વીકૃત છે, પરંતુ ભારતીય બંધારણમાં ભારતનું નામ ‘ઈન્ડિયા ધેટ ઈઝ ભારત’ જેવું વિચિત્ર છે. એના નામકરણ અંગે અત્યારે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને વાજપેયી સરકારમાં પ્રધાન રહેલા રામ નાઈક અને બીજા સાંસદોએ સુધારા-વિધેયક પણ સંસદમાં રજૂ કર્યાં હતાં, પણ તેમનું સૂચવેલું નામ ‘હિંદુસ્થાન’ કદાચ માફક આવ્યું નથી. સંઘ પરિવારમાં ‘ભારત’ પ્રચલિત છે, પણ હજુ એને પણ સ્વીકૃતિ અપાતી નથી.
પ્રજામાં રાષ્ટ્રભક્તિ સ્વયં પ્રગટવી જોઈએ
ભારતીય પ્રજામાં રાષ્ટ્રભક્તિનું આરોપણ કરવા માટે વિવિધ નુસખાઓ અજમાવાય છે, પણ એ રાષ્ટ્રભાવનાને પ્રચલિત કરવાનો યોગ્ય માર્ગ નથી. પ્રજાને પોતાના દેશ, દેશની નાગરિકતા, એના રાષ્ટ્રગાન, રાષ્ટ્રગીત અને પ્રતિષ્ઠા માટે ગૌરવ જન્મજાત હોવું ઘટે.
(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)