ક્યારેક મહાત્મા ગાંધી, પંડિત મદનમોહન માલવિયા, પંડિત જવાહરલાલ નેહરુ, સરદાર પટેલ, નેતાજી સુભાષચંદ્ર બોઝ, મોહમ્મદ અલી ઝીણા, મૌલાના અબુલ કલામ આઝાદ, આચાર્ય કૃપાલાની, ડો. રામ મનોહર લોહિયા, પેરિયાર ઇ. વી. રામાસ્વામી, ઇ. એમ. એસ. નામ્બૂદિરિપાદ, ડો. કેશવ બલિરામ હેડગેવાર, ડો. શ્યામા પ્રસાદ મુકરજી જેવા દેશનેતાઓ કોંગ્રેસમાં રહી સાથે મળીને આઝાદી માટેની લડત ચલાવતા હતા. વિચારભેદ હતા, પણ બ્રિટિશ શાસકોને પાછા વિલાયત ભેગા કરવાની એમની નેમ એક હતી.
સમયાંતરે અલગ પક્ષ અને વિચારને સ્વીકારીને આગળ વધ્યા. ઝીણાએ તો મુસ્લિમ લીગમાં જોડાઇ એના સુપ્રીમો થઇ બ્રિટિશ ઇંડિયાના ભાગલા માટેની ફરજ પાડીને પાકિસ્તાન લીધું. આ તમામ નેતાઓની વિશેષતાઓ અને મર્યાદાઓ છતાં ભારતની આઝાદીના સંગ્રામમાં એમનું યોગદાન હતું એને નકારી શકાય નહીં. આજકાલ સોશિયલ મીડિયામાં ઐતિહાસિક ઘટનાઓને લોકપ્રિય વાઘા ચડાવીને એવી ગળચટી રીતે મૂકવામાં આવે છે કે એને વાંચનારા બીજાને ફોરવર્ડ કરવાની હોંશ દાખવતાં એની સચ્ચાઈનું નીરક્ષીર કરવાનું ભાગ્યે જ વિચારે છે. ઇતિહાસ પુરુષોને આગળ કરીને વર્તમાનમાં રાજકીય લાભાલાભના જે ખેલ રચાય છે, એ જોતાં બુદ્ધિ અને તર્કથી વિચારનારાઓને સઘળા વ્યાયામમાં ઇતિહાસનું નર્યું વિકૃતિકરણ થઇ રહેલું લાગવું સ્વાભાવિક છે.
રામદેવ પણ રાજીવની એકસ્પોઝ-શ્રેણીમાં
હમણાં આઝાદી બચાવો આંદોલનવાળા સ્વ. રાજીવ દીક્ષિતની અનેકોને ખુલ્લા પાડનારી અને હાઉસ ઓફ કોમન્સ તથા હાઉસ ઓફ લોર્ડસના દસ્તાવેજોના નામે ઝીંકે રાખનારી વ્યાખ્યાન શ્રેણીમાંના એક વ્યાખ્યાનને યુ-ટ્યૂબ પર સાંભળવાનો પ્રસંગ આવ્યો. વ્યક્તિગત રીતે અમે રાજીવ દીક્ષિત અને એમણે રજૂ કરેલાં બણગાંથી પરિચિત હોવાથી કુતૂહલવશ ‘નેહરુ ડાઈડ ઓફ એઈડ્સ’વાળું એમનું વ્યાખ્યાન સાંભળ્યું, ત્યારે અમારા ૯૬ વર્ષીય વડીલ મિત્ર પ્રા. નગીનદાસ સંઘવીના શબ્દોનું સ્મરણ થઈ આવ્યું.
મુંબઈ ખાતે કાંદિવલીના જૈન ઉપાશ્રયમાંના રાજીવના વર્ષોપૂર્વેના વ્યાખ્યાનના અધ્યક્ષસ્થાને આ લખનાર હતો અને રાજીવનાં વ્યાખ્યાનોની સૌપ્રથમ કેસેટમાં એ જ વ્યાખ્યાન કંડારાયેલું હતું. રાજીવની એ પછી પ્રકાશિત અને અમારા ઘરે જ લેવાયેલી મુલાકાત વાંચીને ઈતિહાસ અને રાજ્યશાસ્ત્રના પ્રાધ્યાપક રહેલા કટારલેખક સંઘવીએ કહ્યું હતું: ‘રાજીવ તો ૧૦૦ વર્ષ પહેલાં ગુજરી ગયેલી વ્યક્તિને ૧૦૦ વર્ષ પછી જન્મેલી વ્યક્તિ સાથે મુલાકાત કરાવે છે.’
જોકે રાજીવની વાકછટા એવી હતી કે એ ઉપજાવી કાઢેલાં તથ્યોને એવી ગળચટી શૈલીમાં રજૂ કરે કે ત્રણ કલાક સુધી કોઈ શ્રોતા આઘોપાછો થવાનું નામ ના લે. નવેમ્બર ર૦૧૦માં રાજીવનું છત્તીસગઢના ભીલાઈ ખાતે હાર્ટ અટેકથી અવસાન નીપજ્યું ત્યારે એનું આળ બાબા રામદેવ પર નાંખવાનો પ્રયાસ થતો રહ્યો હતો. રાજીવે રામદેવને પણ એકસ્પોઝ-શ્રેણીમાં આવરી લીધા હતા. આ યોગગુરુએ મીડિયામાં સ્પષ્ટતા કરી હતી કે રાજીવ હકીકતમાં હાર્ટ અટેકથી મૃત્યુ પામ્યા હોવા છતાં એક કોંગ્રેસીનેતા આ પ્રકરણ સાથે મારું નામ જોડવા માંગે છે. રામદેવે એ કોંગ્રેસીનેતાનું નામ ક્યારેય જાહેર કર્યું નહોતું.
નેહરુ-એડવિના સાથે મળીને ધૂમ્રપાન કરતાં
રાજીવ દીક્ષિતનાં આજેય યુ-ટ્યુબ પરનાં તમામ વ્યાખ્યાનોમાં રજૂ થયેલી બાબતો ચકાસવાની અને એમને ઐતિહાસિક તથ્યોની એરણે નાણી જોવાની આવશ્યકતા હોવાનું અમને નેહરુ-ઝીણા-એડવિના વિષયક ઉપરોક્ત વ્યાખ્યાન પરથી વર્તાયું હતું. નેહરુને એડવિનાએ એઈડ્સનો સંપર્ક કરાવ્યાનો દાવો રાજીવ દીક્ષિત કરે છે. તત્કાલીન બ્રિટિશ વાઈસરોય અને પાછળથી ગવર્નર-જનરલ થયેલા લોર્ડ લુઈસ માઉન્ટબેટનની પત્ની એડવિના માઉન્ટબેટનને એ ભારત અને પાકિસ્તાનના ભાગલા માટે નિર્ણાયક પરિબળ ગણાવે છે.
એડવિના સાથેના નેહરુના ‘પ્લેટોનિક લવ’ની વાત તો જાણીતી છે. નેહરુ-એડવિના સાથે મળીને ધૂમ્રપાન કરતાં હોવાની અને એમની વચ્ચે મૈત્રી હોવાની વાત અજાણી નથી, પરંતુ રાજીવના કહેવા મુજબ એડવિના એટલી ચાલાક હતી કે લંડનમાં હેરિસ કોલેજમાં તેના બે સહાધ્યાયી પંડિત જવાહરલાલ નેહરુ અને મોહમ્મદ અલી ઝીણાને એકસાથે નચાવતી હતી. માઉન્ટબેટનને ભારત મોકલવાનું નક્કી થયું એના થોડા સમય પહેલાં જ બ્રિટિશ ગુપ્તચર સંસ્થાએ એડવિના સાથે લુઈસ(ડિકી)નાં ‘નામકે વાસ્તે’ લગ્ન કરાવી દીધાં. એ બેઉ જણે ક્યારેય એક રાત શયનખંડના પલંગ પર સાથે ગુજારી નહીં હોવાનો પણ દીક્ષિતનો દાવો હતો.
ઉત્તર પ્રદેશના અલીગઢ પાસેના ગામમાં જન્મીને ૪૩ વર્ષની વયે મૃત્યુ સમયે ગાંધીજીના સેવાગ્રામમાં રહીને આઝાદી બચાવો આંદોલનથી લઈને ભારત સ્વાભિમાન આંદોલન સુધીના કાર્યક્રમો હાથ ધરતા રહેલા સ્વદેશીના સૂત્રધાર રાજીવની વાતોને નીરક્ષીર કરવાની જરૂર ખરી.
નેહરુ, ઝીણા અને એડવિના વિશે નર્યું જુઠાણું
હકીકતમાં એ નર્યું જુઠાણું છે કે નેહરુ, ઝીણા અને એડવિના એક જ કોલેજમાં સહાધ્યાયી હતાં અને બેઉને એડવિના નચાવતી હતી. હેરોની શાળા પછી નેહરુ કેમ્બ્રિજની ટ્રિનિટી કોલેજમાં ભણ્યા. નેચરલ સાયન્સિસમાં સ્નાતક થયા પછી તેમણે ‘ઈનર ટેમ્પલ’માંથી બેરિસ્ટરની પદવી મેળવી હતી. ઝીણા તો મેટ્રિક પણ નહોતા થયા. લંડન ધંધાર્થે જ ગયા હતા અને ત્યાં બેરિસ્ટર થવાનું સૂઝયું એટલે ખાસ મંજૂરી લઈને લિંકન્સ ઈનમાંથી તેમણે બેરિસ્ટરની પદવી મેળવી. સ્ટેન્લી વોલ્પર્ટ જ નહીં, સલીમ કુરેશીએ પણ ઝીણાના જીવન વિશે પ્રકાશિત કરેલા ગ્રંથો સ્પષ્ટ કરે છે કે ઝીણા ક્યારેય લિંકન્સ ઈન સિવાય લંડનમાં અન્યત્ર ભણ્યા નથી. એડવિના ક્યારેય કોઈ કોલેજમાં ભણવા ગઈ જ નથી!
એડવિના સિન્થિયા એનેટી એશલે તો કોન્ઝર્વેટિવ મેમ્બર ઓફ પાર્લામેન્ટ રહેલા વિલ્ફ્રેડ વિલિયમ એશલેની સૌથી મોટી દીકરી હતી. એને નાના તરફથી પણ બેસુમાર દોલત વારસામાં મળી હતી. આ એડવિનાનાં લગ્ન હજારો લોકોની હાજરીમાં ૧૮ જુલાઈ, ૧૯રરના રોજ, રાજવી પરિવારના મહાનુભાવોની પણ ઉપસ્થિતિમાં, લુઈસ માઉન્ટબેટન સાથે થયાં હતાં; લોર્ડ માઉન્ટબેટને ર૦ માર્ચ ૧૯૪૭ના રોજ ભારત આવવાનું હતું એના થોડા વખત પહેલાં નહીં!
લોર્ડ અને લેડી માઉન્ટબેટન ભારત આવ્યાં ત્યારે ૧૯ર૯માં જન્મેલી તેમની નાની દીકરી પમેલા પણ સાથે આવી હતી. મોટી દીકરી પેટ્રિશિયા ૧૯ર૪માં જન્મી હતી. લોર્ડ અને લેડી માઉન્ટબેટનની નાની દીકરી પમેલાએ આત્મકથામાં પોતાની માતાના નેહરુ સાથેના પ્રેમસંબંધોની વાત ખૂબ મોકળાશથી લખ્યા છતાં બંને વચ્ચે ક્યારેય સેક્સ સંબંધ બંધાયાનું નકાર્યું છે. રાજીવ દીક્ષિતે કોણ જાણે ક્યાંથી શોધી કાઢ્યું કે એડવિનાએ નેહરુને એઈડ્સની ભેટ આપી હતી. નેહરુને એઈડ્સ ભેટમાં મળ્યો તો પછી ઝીણાને ટીબી કેમ?
ભારતના વિભાજન માટે એડવિના જવાબદાર!
ભારતના વિભાજન માટે એડવિનાએ નેહરુ અને ઝીણા બેઉ સાથેની અશ્લીલ તસવીરોને આગળ કરીને ‘સહી કરો નહીં તો ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં છપાવી દઈશ’ એવી ધમકી આપી બેઉને બ્લેકમેઈલ કરીને ભાગલા માટેના દસ્તાવેજ પર સહીઓ કરાવી લીધાનાં ચમત્કારિક તથ્ય રાજીવ દીક્ષિત આગળ ધરે છે. હકીકતમાં રાજીવ જે તારીખે એડવિનાએ નેહરુના હસ્તાક્ષર કરાવ્યાનું કહે છે (૩ જુલાઈ ૧૯૪૭) એ પૂર્વે તો સરદાર વલ્લભભાઈ પટેલે વી. પી. મેનનની ભાગલાની યોજના માઉન્ટબેટન મારફત કબૂલ રાખી હતી. ૩ જૂન ૧૯૪૭ના રોજ તો લોર્ડ માઉન્ટબેટને સત્તાવાર રીતે ભાગલાથી ભારત સંઘ તથા પાકિસ્તાન સંઘ થશે અને દેશી રાજ્યો બંનેમાંથી કોઈ એક સાથે જોડાઈ શકે અથવા સ્વતંત્ર રહી શકે તેના નિર્ણય અંગેની ઘોષણા કરી હતી. ર જૂન ૧૯૪૭ના રોજ કોંગ્રેસના મુખ્ય નેતાઓ મળ્યા હતા અને તેમણે ભાગલાને કબૂલ રાખ્યા હતા. એટલે એડવિનાએ વિષકન્યાની જેમ નેહરુ અને ઝીણાને વશ કર્યા અને કામ કઢાવી લીધું એ માનવા જેવો ઘટનાક્રમ નથી.
દીક્ષિત નાટકીય રીતે કાલ્પનિક વાતોને મૂકે છે. એ કહે છે કે ગાંધીજી સમક્ષ ઝીણા એફિડેવિટ કરવા તૈયાર હતા કે મને એડવિનાએ બ્લેકમેઈલ કરીને સહી લીધી હતી. નેહરુએ તો ગાંધીજીને ઉત્તર વાળ્યો નહોતો. નેહરુ અને ઝીણાની દુશ્મની એડવિનાને કારણે હોવાનું રહસ્યોદ્ઘાટન દીક્ષિત રજૂ કરે છે. કમનસીબી એ વાતની છે કે ભારતના ઘણાબધા જવાબદાર નેતાઓ અને લેખકો પણ બ્રિટિશ ઇંડિયાના ભાગલા માટે નેહરુ અને એડવિનાના સંબંધોને કારણભૂત ગણાવતા રહ્યા છે. બદ્ધેબદ્ધું લોલેલોલ જ ચાલતું રહે છે.
(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)