ભારતીય મુસ્લિમ મહિલાઓને પુરુષ સમોવડિયા અધિકાર બક્ષવા માટે અને તેમને ગરિમાપૂર્ણ રીતે લગ્ન, છૂટાછેડા, સંપત્તિ અને અન્ય અધિકારો પ્રાપ્ત થાય એની ચળવળમાં વર્તમાન નરેન્દ્ર મોદી સરકાર ઐતિહાસિક કહી શકાય એવા પગલાં લેવા કૃતસંકલ્પ છે. પ્રશ્ન માત્ર મુસ્લિમ મહિલાઓ પ્રત્યેના અન્યાયી વલણને નાબૂદ કરવા પૂરતો સીમિત નથી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની ભાજપ અને મિત્ર પક્ષોની સરકારે તમામ મહિલાઓને માટે અન્યાયી કાયદાકીય જોગવાઈઓને સમાપ્ત કરવાની દિશામાં આગળ વધવા માટે નવનિયુક્ત કાયદા પંચના અધ્યક્ષ ડો. જસ્ટિસ બી. એસ. ચૌહાણના વડપણ હેઠળ કોઈ પણ નાત, જાત કે ધર્મના ભેદભાવ વિના તમામ નાગરિકો માટેના કૌટુંબિક કાયદાઓ સુધારવાનું અભિયાન આદર્યું છે.
બંધારણના ઘડવૈયાઓ થકી સરકારને સમગ્ર દેશમાં સમાન નાગરી ધારા (યુનિફોર્મ્સ સિવિલ કોડ)નો અમલ કરવા માટે બંધારણની કલમ (અનુચ્છેદ-આર્ટિકલ) અન્વયે આપેલા આદેશનું પાલન કરવાની દિશામાં વડા પ્રધાન મોદીના નેતૃત્વવાળી ભારત સરકાર આગળ વધતાં સામે પૂર તરવાના સંજોગો નિર્માણ થયા છે. જોકે આ સમગ્ર કવાયતનો આરંભ ૭ ઓક્ટોબર ૨૦૧૬ના રોજ ભારતના કાયદા પંચના અધ્યક્ષ ડો. ચૌહાણના અનુરોધપત્ર સાથે પ્રસારિત કરાયેલી ૧૬ પ્રશ્નોની એક પ્રશ્નાવલિથી થયો છે. માત્ર ૪૫ દિવસમાં સંબંધિત તમામ સંસ્થાઓ વર્ગો અને જાહેર જનતાનો કુટુંબને લગતા કાયદા કાનૂન અંગે જરૂરી જણાતા સુધારાઓ વિશે મત જાણ્યા પછી કાયદા પંચ અહેવાલ તૈયાર કરીને ભારત સરકારને આ દિશામાં આગળ વધવા માટે માર્ગદર્શન પૂરું પાડશે.
મૌખિક તલાક નાબૂદી ભણી
વિશ્વના પાકિસ્તાન, ઈજિપ્ત, ઈરાક સહિતના મુસ્લિમ દેશોએ પણ જ્યારે છૂટાછેડામાં કાયદાકીય ફેરફાર કરીને ત્રણ વાર એક સાથે તલાક-તલાક-તલાક કહીને કોઈ પણ પરિણીત મુસ્લિમ મહિલાને અન્યાયી કહી શકાય એવા છૂટાછેડા આપવાની જોગવાઈઓ રદ કર્યા છતાં ભારતમાં આઝાદીના સાત-સાત દાયકા સુધી આવી અમાનવીય પરંપરાને પવિત્ર કુર્રાન અને હદીસ તથા શરિયતની બદલી ના શકાય એવી જોગવાઈની આડશે ચાલુ રાખવામાં આવી છે.
૧૯૮૫માં ઈંદોરની શાહબાનુ નામની એક વકીલની પત્નીને એના પતિએ તલાક આપ્યા પછી ભરણપોષણ આપવાના અદાલતી આદશને ભારતીય મુસ્લિમ વ્યક્તિગત કાનૂન (ઈન્ડિયન મુસ્લિમ પર્સનલ લો)ની આડશે નકાર્યું ત્યારે દેશવ્યાપી ઉહાપોહ મચ્યો હતો. દાયકાઓ સુધીના લગ્નને પગલે શાહબાનુને સંબંધિત પતિથી સંતાનો પણ થયાં હતાં અને એને ‘મહેર’ આપીને છૂટી કરી દેવાઈ ત્યારે પહેલી વાર રાષ્ટ્રવ્યાપી અજંપો સર્જાયો. મુસ્લિમ સમાજની મહિલાઓને થતા અન્યાય સામે ભારતીય અદાલતો આશાનું કિરણ બની રહી હતી.
તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીએ પણ આ મુદ્દે સહાનુભૂતિ વ્યક્ત કરી અને શાહબાનુ જેવી મહિલાઓ માટે કાયદાકીય સલામતીની જોગવાઈ કરવાનો વિચાર કર્યો હતો. પરંતુ મુસ્લિમોની વોટબેંક પર અવલંબિત કોંગ્રેસની સરકાર સામે મુસ્લિમ સમાજે જે રીતે વિરોધ ઊભો કર્યો એના પગલે રાજીવ સરકાર અને કોંગ્રેસ પણ પાણીમાં બેસી ગઈ હતી. મુલ્લા-મૌલવીઓ અને હાજી મસ્તાન જેવા દાણચોરમાંથી રાજનેતા બનેલા મુસ્લિમ આગેવાનો જ નહીં, ભારતીય વિદેશ સેવામાં રહેલા સૈયદ શહાબુદ્દીન જેવા અગ્રણીઓ પણ મેદાનમાં કૂદી પડ્યા. મુંબઈમાં મસ્તાને પાંચ-પાંચ લાખ જેટલા મુસ્લિમોના મોરચા કાઢીને તલાક સહિતના મુસ્લિમોના પારિવારિક કાયદામાં સરકાર કે અદાલતોની દખલ સામે વિરોધ વંટોળ ઊભો કર્યો.
આ તબક્કે રાજીવ ગાંધીના નાના અને દેશના પ્રથમ વડા પ્રધાન જવાહર લાલ નેહરુ કે તેમનાં વડા પ્રધાન રહેલાં માતા ઈન્દિરા ગાંધીએ સમાન નાગરી ધારાના ટેકામાં બંધારણમાં કરાવેલી જોગવાઈઓને આગળ વધારવાને બદલે વોટબેંકનો વિચાર કરવાનું પસંદ કર્યું.
મુસ્લિમ મહિલા સાયરાબાનુનો કેસ
સંયોગ એવો રહ્યો કે કોલકતાની સાયરાબાનુ નામની મહિલાએ સુપ્રીમ કોર્ટમાં ગત વર્ષે એક અરજી દાખલ કરીને ત્રણ વાર મૌખિક રીતે તલાક બોલી દેવાની અમાનુષી પ્રથા, મુસ્લિમોની બહુપત્નીત્વની પ્રથા અને પતિથી છૂટાછેડા લીધેલી પત્ની ફરીને એ જ પતિ સાથે ઘર માંડવા માંગતી હોય તો પણ તેને બીજા કોઈની સાથે લગ્ન કરીને પછી જ મૂળ પતિ પાસે પાછા ફરવાની ફરજ પાડતી ‘નિકાહ હલાલા’ની પ્રથાની બંધારણીયતાને પડકારીને તેમને ગેરબંધારણીય અને ગેરકાનૂની જાહેર કરવા દાદ ચાહી.
આવી અનેક મુસ્લિમ મહિલાઓ આવા અન્યાયનો ભોગ બની રહી હોવા છતાં ઘરમાં છાનેખૂણે જ દુઃખડાં રડતી રહી છે, પણ છેલ્લાં કેટલાક વર્ષોથી આવેલી મહિલા જાગૃતિ અને સમાન અધિકારો માટેની ખેવનાએ સમાજમાંથી પણ એક પ્રકારનું બળ પૂરું પાડ્યું. ન્યાયતંત્ર તો અન્યાયી કાયદા કે અન્યાયી પગલાં માટે આશાનું કિરણ બની રહ્યું છે.
ભારતીય સર્વોચ્ચ અદાલતે એકથી વધુ કિસ્સામાં ભારતીય બંધારણની કલમ ૪૪ અન્વયે દેશભરમાં તમામ નાગરિકો માટે સમાન નાગરી ધારો અમલમાં લાવવાની નિર્દેશ આપ્યા છે, પણ સરકારો એ દિશામાં પારોઠનાં પગલાં ભરતી રહી છે. મોદી સરકારે પહેલી વાર સાયરાબાનુના કેસમાં સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામા (એફિડેવિટ)માં સ્પષ્ટ કર્યું કે સાયરાબાનુની ત્રણેય બાબતો વાજબી અને ન્યાયી માગણી છે. મૌખિક તલાક, બહુપત્નીત્વ અને ‘નિકાહ હલાલા’ એ કોઈ પણ રીતે કાનૂની કે બંધારણીય ગણાવી શકાય નહીં.
વધુ એક વિભાજનની ધમકી
ભારતના ભાગલા ધર્મને આધારે થયા હોવાના ઘાને તાજા કરાવતા હોય તેમ કાયદા પંચની પ્રશ્નાવલિ તથા સુપ્રીમ કોર્ટમાંના કેન્દ્ર સરકારના સોગંદનામાથી છળી ઊઠેલા મુસ્લિમ સમાજના અમુક આગેવાનોએ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના નેજા હેઠળ મુસ્લિમ મહિલાઓને ન્યાય મળે એવા પગલાં લેવાની બાબતને મુસ્લિમોની ધાર્મિક આસ્થામાં નિરર્થક દખલ ગણાવીને મોદી દેશને વધુ એક વિભાજન ભણી ધકેલી રહ્યા હોવાની આક્ષેપબાજી થઈ. સાઉદી અરેબિયામાં પણ જયારે મહિલાઓને લગતા કાયદા-કાનૂન બદલાઈ શકતા હોય, તલાક લેવા માટે ન્યાયતંત્રને અધિકાર આપવા ઉપરાંત એક સાથે ત્રણ વાર મૌખિક તલાક જાહેર કરીને પરિણીત મહિલાને રસ્તા પર લાવી દેવાની અમાનુષી પરંપરા સામે ઘણા મુસ્લિમ દેશોએ પણ કાયદા કર્યાં છે. છતાં ભારતમાં આવા કાયદાકીય સુધારાથી વધુ એક વિભાજન થશે એટલી હદે મુસ્લિમ સમાજના અમુક અગ્રણીઓ ગયા. બીજી બાજુ મુસ્લિમ મહિલાઓમાંથી સમાનતા માટેની જાગૃતિ સર્જાવા માંડી.
હવે મોદી સરકાર પાછી પાની કરે એવું લાગતું નથી. કાયદા પંચમાં હમણાં જ સભ્ય નિયુક્ત થયેલા ગુજરાતના જાણીતા ધારાશાસ્ત્રી અભય ભારદ્વાજે તો કહ્યું કે જે દિવસે ભારતીય બંધારણ અમલમાં આવ્યું એટલે કે ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસથી ધારાસભાઓએ મંજૂર નહીં કરેલા (નોન-કોડિફાઈડ) મુસ્લિમ પર્સનલ લો જેવા કાયદા આપોઆપ રદ થઈ જાય છે કારણ બંધારણની કલમ ૪૪ તમામ નાગરિકો માટે સમાન નાગરી ધારાનો અમલ કરવાનો આદેશ આપે છે. સરકારની એ જવાબદારી બને છે. સાથે જ ઈમર્જન્સી દરમિયાન તત્કાલીન વડાં પ્રધાન ઈંદિરા ગાંધીએ મહિલાઓને અન્યાયી વલણ સામે સુરક્ષા બક્ષતી બંધારણીય જોગવાઈ કલમ ૫૧ (એ) (ઈ) અન્વયે કરી હતી એટલે હવે તો માત્ર મુસ્લિમ જ નહીં, ખ્રિસ્તી મહિલાઓને અને હિંદુ મહિલાઓ સાથે ભેદભાવ કરતા કે અન્યાય કરતા કોઈ પણ કાયદા કે પગલાંને ચલાવી શકાય નહીં.
ગુજરાતના ભારદ્વાજ ઉપરાંત બીજા પણ બે ગુજરાતી કાયદા પંચમાં સભ્ય તરીકે હમણાં નિયુક્ત થયા છે અને તેઓ આ કવાયતમાં જોડાયા છે. તેમાં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના કુલપતિ ડો. બિમલ પટેલ અને વડી અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિ રવિ ત્રિપાઠીનો સમાવેશ છે. અભય કહે છે કે વડા પ્રધાને અમને આ નવો ઈતિહાસ સર્જવાની પ્રક્રિયામાં સહભાગી બનાવ્યા એ બાબત ગૌરવ લઈ શકાય તેવું છે.
વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમો ભારતમાં
આગામી ૨૦૫૦ સુધીમાં ભારત વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ બની જશે એવા અભ્યાસોના તારણો મુસ્લિમોને અલગાવવાદથી મુખ્ય ધારા ભણી વાળવાની અનિવાર્યતા દર્શાવે છે. અત્યારે ભારતમાં એક પાકિસ્તાન જેટલી મુસ્લિમ વસ્તી છે. વિશ્વમાં અત્યારે સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ ઈન્ડોનેશિયા છે. એ પછીના ક્રમે પાકિસ્તાન અને તે પછી ભારતનો ક્રમ આવે છે. મુસ્લિમ વસ્તી જે રીતે વધી રહી છે એ જોતાં ૨૦૫૦ સુધીમાં ભારતની કુલ વસ્તીમાં ૧૮ ટકા પ્રમાણ હશે. અત્યારે એ ૧૭.૨૨ ટકા છે.
જોકે, ૨૦૫૦માં પણ ભારત હિંદુ બહુમતી ધરાવતો દેશ હશે અને તેની કુલ વસ્તીમાં ૭૭ ટકા હિંદુ હશે એવા સંકેતો મળી રહ્યા છે. વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ભારતની કુલ વસ્તી ૧૨૧ કરોડ છે અને તેમાં ૭૯.૮૦ ટકા એટલે કે ૯૬.૬૨ કરોડ જેટલા હિંદુ છે અને ૧૭.૨૨ કરોડ એટલે કે ૧૭.૨૨ ટકા મુસ્લિમ છે. ખ્રિસ્તી વસ્તી ૨.૭૮ કરોડ એટલે કે ૨.૩ ટકા જેટલી છે.
ગોવામાં ૫૦૦ વર્ષથી સમાન નાગરી ધારો
છેક ૧૯૬૧ સુધી ગોવા પોર્ટુગીઝ શાસન હેઠળ હતું અને એની હિંદુ, મુસ્લિમ કે ખ્રિસ્તી વસ્તી માટે સમાન નાગરી ધારો છેલ્લાં ૫૦૦ વર્ષથી અમલમાં છે. ગોવામાં જો આ ધારો કોઈ ધર્મને નડતરરૂપ ના થતો હોય તો બંધારણના આદેશ મુજબ એ સમગ્ર દેશમાં અમલી બનાવાનાં કોઈ ધર્મ કે સંપ્રદાયને નડતરરૂપ કઈ રીતે બની શકે? વળી ગોવાના કોંગ્રેસી આગેવાન અને ભારત સરકારમાં પણ કાયદા પ્રધાન રહેલા રમાકાંત ખલપ જેવા અગ્રણીઓ તો એને દેશવ્યાપી બનાવવા રીતસર ઝુંબેશ ચલાવી રહ્યા છે. હવે એનું સુકાન વડા પ્રધાન મોદી સંભાળતાં ભારતમાં ફોજદારી અને બીજા કાયદાઓની જેમ કુટુંબને લગતા કાયદાઓમાં પણ સમાન કાયદાકીય જોગવાઈઓ શક્ય બનશે.
(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)