ભારતીય રાજકારણ ધાર્મિક શ્રદ્ધાને સહારે

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Monday 27th February 2017 07:25 EST
 
 

ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના સેક્યુલરવાદને હવેના તમામ પક્ષોના રાજનેતાઓ ધાર્મિક વાઘા ચડાવવા માંડ્યા છે. નેહરુને પણ ગંગામૈયાનું જળ માથે ચડાવતા એમના સાથી પ્રધાન અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ ક. મા. મુનશીએ નિહાળ્યા હતા. કાશ્મીરી બ્રાહ્મણ નેહરુ પશ્ચિમમાં અંગ્રેજી સંસ્કારો અને ફેબિયન સોશિયલિઝમના ખ્યાલમાં પલોટાઈને ભારતીય રાજકારણમાં સક્રિય થયા ત્યારે સેક્યુલરી વાઘા ચડાવતા હતા.

સોમનાથનો જીર્ણોદ્ધાર કરવાનો સરદાર પટેલે મુનશીના આગ્રહથી સંકલ્પ જાહેર કર્યો ત્યારે સ્વયં મહાત્મા ગાંધીએ સરકારી નાણાંનો આવા ધાર્મિક મંદિરના જીર્ણોદ્ધારમાં ઉપયોગ ના કરાય એવો આગ્રહ સેવ્યો હતો. વડા પ્રધાન નેહરુએ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ સોમનાથમાં મહાદેવ પ્રતિષ્ઠા અવસરે ૧૧ મે ૧૯૫૧ના રોજ જઈને સરકારના ધાર્મિક બાબત સાથે જોડાવાના સંકેતોમાં અવરોધ લાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મુનશીને આપેલા વચનનું પાલન કરીને રાજેન્દ્રબાબુ સોમનાથ ગયા હતા એટલું જ નહીં તેમણે ધર્મનિરપેક્ષતાની વ્યાખ્યા પણ સુપેરે કરી હતી.

‘સેક્યુલરવાદમાં સરકાર તરફથી દેશમાં વસનારા પ્રત્યેક સંપ્રદાયના લોકોને સરકાર તરફથી એકસમાન સુવિધાઓ પ્રાપ્ત કરવાનો દૃષ્ટિકોણ રાખવામાં આવ્યો છે.’ એમણે પોતાની શ્રદ્ધા અને ભક્તિ તમામ ધર્મો પ્રત્યે હોવાનું સ્પષ્ટ કરતાં કહ્યું હતુંઃ ‘અવસર મળતાં હું દરગાહ અને મસ્જિદ, દેવળ અને ગુરુદ્વારામાં પણ જાઉં છું. ધાર્મિક અસહિષ્ણુતાની નીતિ અસફળ સાબિત થઈ છે અને ભવિષ્યમાં પણ એ નિષ્ફળ જ રહેશે.’ નેહરુ સરકારે સોમનાથની એ ઐતિહાસિક પ્રાણપ્રતિષ્ઠા વખતે રાષ્ટ્રપતિએ આપેલા પ્રવચનને ઝાઝું મહત્ત્વ પ્રસાર-પ્રચાર માધ્યમોમાં ના મળે એની ગોઠવણ કરી હતી. સરદાર પટેલની ઈચ્છાનુસાર, જામસાહેબ અને આરઝી હકૂમતના દાનથી સોમનાથના જીર્ણોદ્ધારનો આરંભ થયો હતો. જોકે, આજે તો સોમનાથ મંદિર રાજ્ય સરકારના અખત્યાર તળે સરકારી અધિકારીઓ થકી સંચાલિત છે.

સ્થિતિ બદલાઈ અને ધાર્મિક મહત્ત્વ વધ્યું

ધર્મનિરપેક્ષતા (સેક્યુલરવાદ)નો અર્થ ધર્મવિરોધનો થતો નહીં હોવા છતાં કોંગ્રેસી શાસન હેઠળ સેક્યુલર હોવું એટલે જાણે કે હિંદુવિરોધી અને મુસ્લિમ તુષ્ટીકરણની નીતિને અનુસરવાની નીતિરીતિના પાલન ભણી ઢળવાનું ચાલતું રહ્યું. કોંગ્રેસની આ મહાભૂલે જ તેના છદ્મ સેક્યુલરવાદના નારા સાથે ભારતીય જનતા પક્ષ અને એના અગાઉના અવતાર જનસંઘને લોકસ્વીકૃતિ બક્ષી. નેહરુવંશ ભણીના પ્રજાના રોષમાં સેક્યુલરવાદનું પરિબળ ખૂબ મહત્ત્વનું યોગદાન કરતું રહ્યું.

પશ્ચિમના વિશ્વમાં નામદાર પોપની વિવિધ દેશોની સરકારોના સંચાલનમાં દખલગીરી સામે વિરોધમાંથી સેક્યુલર શબ્દનો જન્મ થયો હતો. ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોમાં રાજા પોતાના ધાર્મિક ગુરુને પોતાના કરતાં ઊંચું આસન આપે છતાં ‘ધર્મો અર્થસ્ય દાસ’ એ ન્યાયે ધર્મગુરુઓ સત્તાધીશોને માત્ર ઉપદેશ કરવા સિવાય શાસનમાં ઝાઝી દખલગીરી કરી શકતા નહોતા. ભારતીય શાસન પ્રણાલીમાં સેક્યુલર શબ્દનો અર્થ પશ્ચિમના વિશ્વને અભિપ્રેત અર્થ કરતાં જુદો પડે છે. જોકે આવા સંજોગોમાં રાજકારણના ભારતીયકરણ અને એની ભારતીય દૃષ્ટિના ગાંધીજીએ કરેલા પ્રયાસોથી નેહરુ શાસન અવળી દિશામાં ચાલ્યું અને એમાંથી જ એની અવનતિને આરે આવીને ઊભા રહેવાના સંજોગો સર્જાયા છે. આજે ભારતીય રાજનેતાઓ અને ધર્મગુરુઓ પોતાની મર્યાદા ચૂકીને સત્તાકારણ અને વોટકારણ માટે પરસ્પરના ઉપયોગ ભણી એટલી હદે ભેળસેળ અનુભવે છે કે હવેના સંજોગોમાં ધર્મસ્થળો, ધર્મગુરુઓ અને ધર્માચાર્યોના આદેશોમાં નર્યું રાજકારણ જ જોવા મળે છે.

ધર્માચાર્યો પોતાના ધાર્મિક કાર્યને છોડીને ઘણી વાર રાજકીય સત્તાકારણ અને પ્રધાનપદાંની હોડમાં રમમાણ થઈ રહ્યા છે. અહીં કોઈ એક ધર્મ કે સંપ્રદાય નહીં, પણ તમામ ધર્મો અને સંપ્રદાયોમાં આવી હોડ મચી છે. જોકે એના પ્રારંભ માટે પણ ગાંધીજીને જ દોષ દેવામાં આવે છે, કારણ મહાત્માએ ધર્મ અને રાજનીતિની ભેળસેળ કરી દીધી હતી અને આજના સંજોગોમાં એના અંતિમ પરિણામો અને વરવાં દૃશ્યો જોવા મળે છે. મહાત્માને મન સત્ય એ જ ઈશ્વર હતો અને સાધનશુદ્ધિનો આગ્રહ કેન્દ્રસ્થાને હતો. હવે સમય એવો આવ્યો છે કે સાધનશુદ્ધિ નહીં, સાધ્યપ્રાપ્તિ માટે કુછ ભી કરેગા, એનો જમાનો આવી ગયો છે.

ધર્મસ્થળો અને દર્શનોનાં રાજકારણ

ભારતીય રાજકીય પક્ષોમાં ધર્મસ્થળો, ધાર્મિક નેતાઓ અને દેવદર્શનોના રાજકીયકરણનો માહોલ એટલી હદે વકર્યો છે કે ચૂંટણી જીતવાથી લઈને ચૂંટણી જીત્યા પછીની કવાયત કરવાની બાબતમાં પણ ધર્મસ્થળોનો મહિમા બેસૂમાર વધ્યો છે. હમણાં મહારાષ્ટ્રની જિલ્લા પંચાયતો મહાનગરપાલિકાઓ અને પાલિકાની ચૂંટણીઓમાં જોરદાર આગેકૂચ મેળવવામાં સફળ રહેલા ભાજપના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પોતાના પ્રધાનો સાથે છત્રપતિ શિવાજી મહારાજની રાયગઢ ખાતેની સમાધિએ દર્શન કરવા પહોંચી ગયા હતા. વ્યક્તિગત આસ્થા એ જુદી વાત છે, પણ અહીં સરકારી રસાલા સાથે જવું એ કેટલું યોગ્ય એવો કોઈ પ્રશ્ન ઊઠાવે ત્યારે એને દેશદ્રોહી ગણાવી દેવા સુધી ઘણા જતા હોય છે. રાયગઢ એ શિવાજી મહારાજની રાજધાની હતી અને એમણે ૧૬૮૦માં અહીં દેહત્યાગ કર્યો હતો.

ફડણવીસ સરકારે આ સ્થળના વિકાસ માટે ૫૦૦ કરોડની ફાળવણી કરવા ઉપરાંત મુંબઈના દરિયાની વચ્ચે શિવ સ્મારક બનાવવા ૩૬૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. હજી થોડા સમય પૂર્વે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એનું ભૂમિપૂજન કર્યું ત્યારે તેમના મિત્રપક્ષ શિવ સેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ આ ભૂમિપૂજનને મુંબઈ મહાપાલિકા સહિતની ચૂંટણીમાં વટાવવા માટે કરાયાનો ખુલ્લો આક્ષેપ કર્યો હતો.

સરકારી તિજોરીમાંથી પાંચ કરોડનાં ઘરેણાં

તાજેતરમાં જ તેલંગણના મુખ્ય પ્રધાન અને તેલંગણ રાષ્ટ્રીય સમિતિ (ટીઆરએસ)ના વડા કે. ચંદ્રશેખ રાવ બે વિમાન ભરીને હૈદરાબાદથી આંધ્ર પ્રદેશના પવિત્ર યાત્રાધામ તિરુપતિ ગયા અને સરકારી તિજોરીમાંથી પાંચ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાવેલાં ૧૯ કિલો જેટલાં સોનાનાં ઘરેણાં ભગવાન વેંકટેશ્વર અને દેવી પદ્માવતીને ચડાવ્યાં. કેસીઆર એનાં પોતાનાં નાણામાંથી પાંચને બદલે દસ કરોડ રૂપિયાના ઘરેણાં તિરુપતિમાં ચડાવે તો ભાગ્યે જ કોઈ વાંધો લઈ શકાય, પણ આસ્થાના નામે આ તો નર્યો સરકારી નાણાંનો દુરુપયોગ કરી રહ્યા હોવા છતાં એનો વિરોધ કરવા બિલાડીને ગળે ઘંટ કોણ બાંધે? આ પહેલાં સરકારી તિજોરીમાંથી ૮ કરોડ રૂપિયાના ખર્ચે કેસીઆર થકી મહાયજ્ઞ પણ કરાવાયો હતો. એમના પ્રધાનમંડળમાં એમના પુત્ર અને ભત્રીજા ઉપરાંત બીજા નિકટના સગાવહાલા પણ છે. દીકરી પાછી સાંસદ છે. દલા તરવાડીનો ન્યાય અહીં ચાલે છે.

રામમંદિરથી શિવમંદિર લગી

અયોધ્યામાં રામમંદિર નિર્માણનો એજન્ડા અધૂરો છે, ત્યાં શિવભક્તિ વધી છે. ધર્મગુરુ અને સારા વક્તા સદગુરુને હમણાં જ મોદી સરકાર તરફથી પદ્મ ઈલકાબ મળ્યો. એના થોડા જ વખતમાં મહાશિવરાત્રી નિમિત્તે વડા પ્રધાન મોદીને તેડાવીને એમણે ૧૧૨ ફીટના ‘આદિયોગી-શિવ’ની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરાવ્યું. જોકે, અહીં સરકારી નાણાં વપરાયાં નહીં હોવા છતાં વડા પ્રધાનને તેડાવીને ધર્મ અને રાજકારણને એકાકાર કરવાનો પ્રયાસ થયાનું દક્ષિણ ભારતના ઘણાનું કહેવું છે. સાથે જ વડા પ્રધાન દેશભરના શિવભક્તોને પહોંચવા માટે આવા પ્રસંગોનો ઉપયોગ કરતા હોય એ સ્વાભાવિક છે. વચ્ચે પટણામાં શીખ સમુદાયને કે દિલ્હીમાં સૂફી સમુદાયને એ રીતે પહોંચવાનાં આયોજન થયાં હતાં.

મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ પણ વારંવાર ચૂંટણી પહેલાં કે પછી ઉજ્જૈનના મહાકાલ મંદિરે દર્શન કરવા પહોંચી જાય છે. કોંગ્રેસ અને ભાજપના રાજનેતા, પ્રધાનો જ નહીં, ફિલ્મ અભિનેતા-અભિનેત્રીઓ પણ અજમેરની - ગરીબનવાજની દરગાહને ચાદર ચડાવવાનું મહાત્મ્ય હોવાથી એનું અનુસરણ કરે છે. ભારતીય રાજનીતિમાં ધાર્મિક સ્થળો ઝળકે છે, સાથે ધાર્મિક સિદ્ધાંતોને અનુસરવામાં આવે તો ગનીમત.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter