વિશ્વગુરુ થવાની અપેક્ષા રાખનાર ગૌરવવંતા ભારતના રાજકારણીઓ હિંદુ વોટબેંક અને મુસ્લિમ વોટબેંકનું રખોપું કરવાના નર્યા સ્વાર્થ ખાતર છાશવારે બાલિશ અટકચાળા સમાન નિવેદનો કરીને પોતાની પરિપક્વનીતિઓને હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકી રહ્યા હોય એવું લાગે છે. બદ્ધેબદ્ધું યોજનાબદ્ધ રીતે થઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં સ્વાતંત્ર્યવીર સાવરકરના કટ્ટર હિંદુવાદથી પ્રેરિત રાજકારણને મારગ અનુકૂળતાએ પગરણ માંડનારા શિવ સેના કે ભાજપના નેતાઓ આજે સત્તારૂઢ પક્ષના ગઠબંધન થકી સરકાર ચલાવી રહ્યા હોય ત્યારે એમની પાસેથી ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિના પ્રાણસમા ‘સર્વધર્મ સમભાવ’ની નીતિની અપેક્ષા કરવી સહજ મનાય.
મુસ્લિમોની સારી એવી વસ્તી ધરાવનાર વાંદરા વિસ્તારની વિધાનસભાની બેઠકની પેટા-ચૂંટણી વખતે જ ‘મુસ્લિમોને મતાધિકારથી વંચિત રાખવા જોઈએ’ એવું વિવાદસર્જક નિવેદન શિવ સેનાના મરાઠી દૈનિકના રવિવાર ૧૨ એપ્રિલ, ૨૦૧૫ના અંકમાં એના તંત્રી અને શિવ સેના સાંસદ જ નહીં, શિવ સેનાના પ્રવક્તા એવા સંજય રાઉતનો ‘રોકઠોક’ કોલમ હેઠળ પ્રકાશિત લેખમાં સામેલ છે.
વિવાદાસ્પદ નિવેદનો કરવાં અને પાછળથી ફેરવી તોળવું એ શિવ સેનાની બાળાસાહેબ ઠાકરેથી લઈને ઉદ્ધવ ઠાકરેના યુગ સુધી લંબાયેલી પરંપરા છે. જોકે ટીવી માધ્યમોમાં મુસ્લિમોને મતાધિકારથી વંચિત રાખવાનો આગ્રહ કરનારી રાઉતની ભૂમિકાનું શિવ સેના પ્રવક્તાઓએ પણ સતત સમર્થન કર્યું છે. માત્ર ભારતીય જનતા પક્ષના અગ્રણીઓએ શિવ સેનાની આવી ભૂમિકા સાથે પોતાને કોઈ સંબંધ હોવાનું નકાર્યું છે.
હિંદુ-મુસ્લિમ વોટબેંકને કેન્દ્રમાં રાખીને જે કમઠાણ સમગ્ર ભારતીય રાજકારણમાં ચાલી રહ્યું છે એ વિશ્વમંચ પર ભારતને અને એની પ્રજાને હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકનારું છે. ટૂંકા રાજકીય સ્વાર્થ ખાતર, પોતાની વોટબેંકને ઉશ્કેરવા કે આકર્ષકવા માટે આવાં સમાજમાં ધાર્મિક વિભાજનો સર્જનારાં નિવેદન કરવાનું હકીકતમાં તો રાજકીય નેતાઓએ ટાળવું જોઈએ. દેશની ૧૪ ટકા મુસ્લિમ વસ્તીને મતાધિકારથી વંચિત રાખવાનું અવાસ્તવિક છે.
હૈદરાબાદના ઓવૈસીબંધુઓએ પોતાના પક્ષ એમઆઈએમને મહારાષ્ટ્રમાં પ્રભાવી કરવા માંડ્યો છે અને વિધાનસભાની છેલ્લા ચૂંટણીમાં મુસ્લિમોના મનાતા આ પક્ષના ધારાસભ્યો મહારાષ્ટ્ર વિધાનસભામાં પ્રવેશ્યા ત્યારથી હિંદુ-મુસ્લિમ ટકરાવનું નવું વાતાવરણ શરૂ થયું છે. ઓવૈસીના દાદા-પરદાદા હિંદુ હતા. એમણે ઈસ્લામ કબૂલ કર્યાનું વિશ્વ હિંદુ પરિષદના નેતાઓ વારંવાર કહેતા રહ્યા છે. ઓવૈસીબંધુમાંથી મોટા ભાઈ અસદુદ્દીન ઓવૈસી સંસદ સભ્ય છે, નાનો અકબરુદ્દીન આંધ્રની વિધાનસભામાં કોંગ્રેસ સાથે હાથ મિલાવીને પોતાનું કટ્ટરવાદી રાજકારણ ખેલતો રહ્યો, પરંતુ કોંગ્રેસ માટે પણ એ જોખમી સાબિત થતાં બેઉ અલગ થયા.
તેલંગણ અને આંધ્ર પ્રદેશની રાજધાની હૈદરાબાદ પર ક્યારેક નિઝામશાહી ચાલતી હતી. ઓવૈસીબંધુઓને ફરીથી નિઝામશાહી શાસન આણવું હોય એટલી કટ્ટરતાથી એ મુસ્લિમોનો પક્ષ લઈને, કોંગ્રેસ અને ભાજપને ભાંડીને, પોલીસતંત્રને ગાળો દઈને, પાકિસ્તાની મહેમાનોને પોતાની સભાઓના મંચ પર હાજર રાખીને હિંદુવિરોધી માહોલ ઊભો કરવાનો સતત પ્રયાસ કરતા રહે છે. હવે ઓવૈસીબંધુઓએ મહારાષ્ટ્રમાં પ્રવેશ કર્યો છે અને આવતા દિવસોમાં ઉત્તર પ્રદેશમાં ય જશે.
કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીથી છેતરાયાની અનુભૂતિ કરનારા ભારતીય મુસ્લિમોને પોતાના ભણી આકર્ષવાની કોશિશમાં ઓવૈસીબંધુઓ છે. આવા સંજોગોમાં જ્યાં મુસ્લિમ વસ્તી વધુ છે એવા પ્રદેશોમાં એમની વાત વધુ સંભળાય એ સ્વાભાવિક છે. શિવ સેના ક્યારેક મુસ્લિમોને પણ પોતાની સાથે રાખવા માટે જાણીતી હતી. એની અગાઉની રાજ્ય સરકારમાં મુસ્લિમ પ્રધાન પણ હતા. સમયાંતરે શિવ સેનાની નીતિરીતિ કાયમ કાચીંડાની જેમ રંગ બદલતી રહી છે.
ક્યારેક હાજી મસ્તાન જેવા નામચીન દાણચોર રહેલા મુસ્લિમ આગેવાનો સ્થાપેલા મુસ્લિમ-દલિત માઈનોરિટીના પક્ષના પાંચ નગરસેવકોના ટેકે શિવ સેનાનો મુંબઈનો મેયર ચૂંટાતો હતો. એના નગરસેવક ખીમ બહાદુર થાપાની હત્યા થઈ ત્યાં લગી એ દાઉદ ઈબ્રાહિમની અંધારી આલમમાં કામે લાગેલો હતો. ગવળી ગેંગના લોકો પણ શિવ સેના સાથે ખૂબ નિકટનો ઘરોબો ધરાવતા હતા. ૧૯૬૬માં શિવ સેનાની સ્થાપના કરવા માટે બાળાસાહેબ ઠાકરેને કોંગ્રેસી પ્રધાન બાળાસાહેબ દેસાઈ થકી જ પ્રેરણા મળી હતી.
એ વેળા ગિરણગાંવ એટલે કે મિલ-વિસ્તારમાં સામ્યવાદી કામદાર સંઘોના વર્ચસને તોડવા માટે ગુજરાતી-મારવાડી મિલમાલિકોના ઈશારે કોંગ્રેસ સરકારે શિવ સેના ઊભી કરાવી અને કોમ્યુનિસ્ટ વિધાનસભ્ય કૃષ્ણા દેસાઈની હત્યા થયા પછી આ જ વિસ્તારમાંથી સૌપ્રથમ વખત શિવ સેનાના વિધાનસભ્ય તરીકે ચૂંટાયેલા વામનરાવ મહાડિકે ગિરણગાંવ પર સેનાનું વર્ચસ્વ સ્થાપિત કરાવ્યું હતું. ઈંદિરા ગાંધીની કાળી ઈમર્જન્સીના કલંકિત તાનાશાહ દિવસોમાં શિવ સેના પ્રમુખ બાળ ઠાકરેએ કોંગ્રેસને જ ટેકો આપ્યો હતો. ઠાકરે પ્રગટપણે હિટલરનાં વખાણ કરતાં થાકતા નહોતા અને પોતાને લોકશાહીમાં નહીં, ઠોકશાહીમાં રસ હોવાનું કહેતા. છેક ૧૯૮૪માં તેમણે હિંદુત્વના નામે મોલ લણી લેવા ભાજપ સાથે જોડાણ કર્યું અને અનેક ઉતારચડાવ છતાં આજ લગી એ ટક્યું છે. આજે મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવ સેનાની સંયુક્ત સરકાર છે.
શિવ સેનાના સુપ્રીમો ક્યારેક પોતાને હિંદુ હૃદયસમ્રાટ ગણાવતા હતા. હકીકતમાં મુંબઈમાં ‘મરાઠી માણૂસ’ને ન્યાય અપાવવાના નામે શરૂ થયેલી શિવ સેનાએ મરાઠી સ્વાભિમાનને જગાડવાની દિશામાં નિર્ણાયક કામગીરી બજાવીને રાજકીય વર્ચસ પ્રસ્થાપિત કર્યુ તો ખરું, પણ સત્તા સાથે સંધાણ માટે કોઈ પણ હદે જવાની શિવ સેનાની તૈયારી અને ખંડણી-બહાદુર તરીકેની એની છાપને છેલ્લા દાયકામાં તેના કેટલાક નેતાઓના કોંગ્રેસગમન કે શરદ પવારની પાર્ટીમાં જવાને કારણે સત્તાથી એણે વંચિત રહેવું પડ્યું. ઓછામાં પૂરું, બાળ ઠાકરેએ જેને રાજકીય વારસ તરીકે તૈયાર કર્યો એ એમના ભત્રીજા રાજ ઠાકરેને બદલે પોતાના અનુગામી તરીકે પુત્ર ઉદ્ધવ ઠાકરેને પસંદ કર્યો એટલે વંકાયેલા ભત્રીજાએ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) સ્થાપીને શિવ સેનાને વધુ ફાચર મારી.
છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં શિવ સેનાએ ભાજપથી અલગ રહીને ચૂંટણી લડી. શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસે બહારથી ભાજપને ટેકો આપવાની ઘોષણ કરીને ‘બિગ બ્રધર’ શિવ સેનાને ‘ગરજવાન’ શિવ સેના બનાવી દેવાની સોગઠી મારી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ચાણક્યનીતિને કારણે સત્તા માટે તરસતી શિવ સેનાએ જખ મારીને રાજ્ય સરકારમાં જોડાવું પડ્યું. સત્તા વિના રાજનેતાઓ જલ બિન મછલી જેવી સ્થિતિમાં આવી જાય છે.
સત્તારૂઢ મોરચામાં આવ્યા પછી પણ શિવ સેનાએ પોતાની ઓળખ જાળવી રાખવા માટે હવે હિંદુ હૃદયસમ્રાટ નરેન્દ્ર મોદી અને ભાજપની નેતાગીરી સામે પોતે સવાયી હિંદુ પાર્ટી હોવાનું દર્શાવવા માટે મુસ્લિમવિરોધી હોબાળા મચાવવા ક્યારેક સાવરકરવાદી વાઘા ચડાવવાનું તો ક્યારેય મુસ્લિમો માટેની ભાંડણલીલાનાં દર્શન કરાવવાનું પસંદ કર્યું છે. હકીકતમાં શિવ સેનાએ પોતાની મરાઠી વોટબેંક ટકાવી રાખવા માટે આવા અટકચાળાને બદલે ભાજપ સાથે મળીને સુશાસન પૂરું પાડવા પ્રયત્ન કરવો ઘટે.