મતભિન્નતા છતાં રાષ્ટ્રનિર્માણમાં સહગામી

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Wednesday 19th August 2015 12:55 EDT
 

સમગ્ર દેશમાં રાષ્ટ્રનેતા ડો. બાબાસાહેબ આંબેડકરનું નામ ગાજી રહ્યું છે. હમણાં આંબેડકરી ચળવળના અગ્રણી એવા ડો. નરેન્દ્ર જાધવે હિંદીમાં સંપાદિત કરેલાં બાબાસાહેબ ડો. ભીમરાવ રામજી આંબેડકરનાં ચાર પુસ્તકોના સંપુટનું દિલ્હીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક ડો. મોહનરાવજી ભાગવતના શુભ હસ્તે લોકાર્પણ થયું. બાબાસાહેબ, મોહનરાવજી અને નરેન્દ્ર એ ત્રણેય મૂળ મરાઠીભાષી વ્યક્તિત્વ હોવા છતાં ત્રિપુટીનો સંકલ્પ રાષ્ટ્રના નિર્માણ અને વિકાસમાં યોગદાનનો રહ્યો. મતભિન્નતા ખરી, પરંતુ રાષ્ટ્રના હિતમાં મતભેદને બાજુએ સારીને એક મંચ પર આવીને પોતાના વિચારની નિઃસંકોચ માંડણી કરવી એ મહારાષ્ટ્રની આગવી પરંપરા છે.

દિલ્હીમાં ડો. જાધવ અને ડો. ભાગવતનું એક મંચ પર આવવાનું નક્કી થયું ત્યારથી જ નરેન્દ્રને દલિત ચળવળના મિત્રોથી માંડીને સોશિયલ મીડિયા સુધીના મંચ પર ‘ભાજપમાં ક્યારે જોડાઓ છો?’ એવા સવાલો થવા માંડ્યા. ડો. જાધવે પ્રગટપણે કહ્યુંઃ ‘હું કોઈ પક્ષનો સભ્ય છું નહીં, હા, આંબેડકરવાદી હતો, છું અને રહીશ.’ એમનાં કુલ ૩૦ પુસ્તકો પ્રકાશિત થયાં છે તેમાંથી અધિકાંશ ડો. બાબાસાહેબ આંબેડકર વિષયક છે. ‘ઓબામા ઓફ ઈન્ડિયા’ ગણાવાયેલા ડો. જાધવમાં કેટલાકે પ્રાઈમ મિનિસ્ટરનું ટિમ્બર નિહાળ્યું છે. નાણાં પ્રધાનપદ તો ઓફર થયું હતું.

સ્વાભાવિક રીતે ડો. નરેન્દ્ર જાદવ વિશે કુતૂહલ જાગે. ‘આમચા બાપ આણિ આમ્હી’ નામક એમના આત્મકથાનક પુસ્તકની લાખો નકલો દેશ-વિદેશની ભાષાઓમાં પ્રગટ થઈ અને વેચાઈ છે. સામાન્ય દલિત બેગારી પરિવારમાં જન્મેલા અને સંઘર્ષ વચ્ચે ઉછરેલા નરેન્દ્ર સાથેના બે દાયકા કરતાં પણ વધુ લાંબા અંગત પરિચયે એમના વ્યક્તિત્વમાં દલિત આક્રોશને બદલે સહઅસ્તિત્વ અને શ્રેષ્ઠત્વને પામવાનો ધખારો સતત અનુભવ્યો છે.

સંયોગ પણ કેવો કે અમો બેઉ એક જ અધ્યાપકના વિદ્યાર્થી છતાં દાયકાઓ પછી પરિચયમાં આવ્યા. ડો. પી. આર. બ્રહ્માનંદ જેવા જાણીતા અર્થશાસ્ત્રીના વિદ્યાર્થી તરીકે ડો. જાધવે દેશ-વિદેશમાં અર્થશાસ્ત્રી તરીકે વ્યાવસાયિક કારકિર્દી બનાવી અને અમે પત્રકારત્વનો મારગ લીધો. પાછળથી અધ્યાપન અને સંશોધન ભણી ફંટાયા.

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએફએમ)માં કાર્યરત રહેલા ડો. જાધવે અમેરિકાની ઈન્ડિયાના યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કાર્યરત હતા ત્યારે જ પૂણે યુનિવર્સિટીના કુલપતિ થવાનું તેડું આવ્યું. મહારાષ્ટ્ર સરકારનું વડપણ કોંગ્રેસી હતું, પણ ડો. જાધવને પૂણેમાં કામ કરતાં નિહાળતાં કોંગ્રેસી કે સંઘી વાતાવરણમાં સમાન રીતે સ્વીકૃતિ પામનાર આ વ્યક્તિએ પૂણે યુનિવર્સિટીને નવી ઊંચાઈ બક્ષી. મૂળે આંબેડકરી ચળવળ ભણીની નિષ્ઠા કેન્દ્રસ્થાને. અભ્યાસ પણ નિરંતર.

આયોજન પંચના સભ્ય તરીકે શિક્ષણ સહિતના વિભાગોના પ્રભારી ડો. જાધવ બાબાસાહેબ વિષયક લેખન-પ્રકાશનમાં રમમાણ રહ્યા. તત્કાલીન વડા પ્રધાન ડો. મનમોહન સિંહ ગુરુસ્થાને એટલે એમની સાથેના અંતરંગ સંબંધ થકી યુપીએ સરકારમાં મહત્ત્વ ઘણું મળ્યું. યુપીએનાં અધ્યક્ષા સોનિયા ગાંધીના નેતૃત્વવાળી નેશનલ એડવાઈઝરી કમિટી (એનએસી)ના સભ્યપદે પણ એ દિલ દઈને કામ કરવાની સાથે વલ્લભ વિદ્યાનગરમાં ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ ડો. સી. એલ. પટેલના નિમંત્રણથી ભાઈકાકા વ્યાખ્યાન આપવા આવીને સરદાર પટેલ અને બાબાસાહેબ આંબેડકરની બેનમૂન તુલના પણ કરી શ્રોતાઓનાં દિલ જીતી લે.

લોકસભાની છેલ્લી ચૂંટણીમાં મહારાષ્ટ્રમાંથી ભાજપની બેઠકની ઓફર આવી, પણ ગુરુ ડો. મનમોહન સિંહ સાથેનો લગાવ ફગાવી શકાય નહીં. નન્નો ભણ્યો. કોંગ્રેસની ટિકિટ પર લડવાનું લગભગ નક્કી હતું, પણ રાહુલ ગાંધીની ઉમેદવાર પસંદગી માટેની ચૂંટણીની પ્રક્રિયા આડી આવી. દિલ્હીમાં સત્તાંતર થયું અને વડા પ્રધાનપદે નરેન્દ્ર મોદી આવતાં જ આયોજન પંચના સભ્યપદેથી રાજીનામું આપીને દિલ્હીમાં જ રહી અધ્યાપન-સંશોધનમાં જોતરાવાનું પસંદ કર્યું. ગ્રંથાલી થકી ‘બોલ મહામાનવાચે’ ના ત્રણ ગ્રંથમાં ડો. જાધવ થકી ૫૦૦ જેટલાં ડો. આંબેડકરનાં ભાષણો મરાઠીમાં ઉપલબ્ધ થયાં. હિંદીમાં પ્રભાત થકી ડો. આંબેડકરના ચાર ગ્રંથમાં ‘રાજનીતિ, ધર્મ ઔર સંવિધાન વિચાર,’ ‘આત્મકથા એવં જનસંવાદ’, ‘આર્થિક વિચાર એવં દર્શન’ અને ‘સામાજિક વિચાર એવં દર્શન’નું લોકાર્પણ આરએસએસના વડા ડો. ભાગવતે કર્યું ત્યારે સ્વગત રજૂ કરવામાં ડો. જાધવે શબ્દો ચોર્યા નહોતા. ભાગવત આ ગ્રંથોના લોકાર્પણ માટે ખાસ દિલ્હી આવ્યા એને એમણે ‘ઐતિહાસિક મહત્ત્વ’ની ઘટના લેખાવી.

દેશભરના દલિત અધિકારીઓના મહામંડળના અધ્યક્ષ રહેલા નરેન્દ્ર એકસાથે અનેક કામોમાં વ્યસ્ત હોવા છતાં ટાઈમ મેનેજમેન્ટ અને હ્યુમન રિલેશન્સમાં એ માસ્ટર છે. કામનો ભાર રાખીને જીવવાને બદલે એ જે વ્યક્તિને મળે ત્યારે એની સાથે ‘હંડ્રેડ પરસેન્ટ’ હોવાનું આયોજન પંચની સમિતિની બેઠકોમાં પણ અમે અનુભવ્યું છે. જેમ ડો. બાબાસાહેબ બહુમુખી પ્રતિભા હતા એવું જ એમના ભણી અત્યંત સમર્પણભાવ ધરાવતા ડો. નરેન્દ્ર જાધવનું છે.

ગુજરાતી પરીખ પરિવારના વેવાઈ એવાં નરેન્દ્ર અને શ્રીમતી વસુનો દીકરો અને ગુજરાતી પુત્રવધૂ અમેરિકે છે. ગ્લોબલ વિલેજમાં એ સતત પ્રવાસમાં હોવા છતાં સંપર્કની દૃષ્ટિએ કાયમ અવેઈલેબલ છે. ઈન્ડિયાના યુનિવર્સિટીમાં પીએચ.ડી. થિસીસ સુપરત કર્યો ત્યારે એ પોતાનાં મા-બાપ ઉપરાંત ‘મારા જેવા કરોડોને પશુ કરતાંય બદતર જિંદગીમાંથી માણસ બનાવનાર’ ડો. બાબાસાહેબ આંબેડકરને અર્પણ કર્યો હતો.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું આજે મહત્ત્વ અને મહાત્મ્ય ઘણું વધ્યું છે. કારણ ભારતમાં સત્તાસ્થાને સંઘનું બાળક ગણાય એવો ભારતીય જનતા પક્ષ છે. જોકે ભાજપ સત્તાસ્થાને નહોતો ત્યારે પણ પૂણે યુનિવર્સિટીના કુલપતિ તરીકે ડો. જાધવના પેશવાના આ નગરના સંઘના અધિકારીઓ અને સમર્થકો સાથે પણ અંતરંગ સંબંધ હતા. સ્વાર્થ પૂરતાં સંબંધો જાળવવામાં નરેન્દ્ર માને એવું કોઈ કહે તો એ માની શકાય એવું નથી.

સંઘ પરિવાર સાથે દલિત સમાજને જોડવા માટે સામાજિક સમરસતા મંચની સ્થાપના કરવામાં આવી હતી અને એના પ્રભારી તરીકે પૂણેના જ ડો. અનિરુદ્ધ દેશપાંડે જેવા બૌદ્ધિક પ્રમુખ અને વાણિજ્ય કોલેજના આચાર્ય રહેલા મહાનુભાવની વરણી થયેલી હતી. આ એ જ પૂણે હતું જ્યાં ક્યારેક પેશવાના શાસનમાં દલિતોને મોંઢા આગળ કૂલડી અને પાછળ સાવરણો બાંધીને નીકળવું પડતું હતું. કારણ? પૂણેરી બ્રાહ્મણો દલિતોના થૂંકથી કે પગલાંથી પણ અભડાઈ જતા હતા.

પૂણે યુનિવર્સિટીના કુલપતિ તરીકેની ઓફર આવ્યાનો શ્રીમતી વસુ અને નરેન્દ્ર વચ્ચેનો સંવાદ ક્યારેક ડો. જાધવ અમને તાજો કરે ત્યારે પેશવાઈની વાત જરૂર ઝળકે છે, પણ દલિત - દલિતેતર વચ્ચેની કટૂતા અમોને નરેન્દ્ર જાધવના વ્યવહારમાં ક્યારેકય જોવા મળી નથી. એ ખરા અર્થમાં સામાજિક સમરસતાનું જીવતું જાગતું ઉદાહરણ છે. સાથે જ ડો. બાબાસાહેબ આંબેડકરના ગહન અભ્યાસી તરીકે એમના વિશેની ગેરસમજોને દૂર કરીને ભીમરાવ રામજી આંબેડકરનાં હજુ સુધી સમાજથી અજાણ્યાં રહેલાં પાસાંનો સમાજને પરિચય કરાવવા માટે અધિકૃત છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter