મરાઠી સાહિત્ય સંમેલન અને ગુજરાતી સાહિત્ય અધિવેશન

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Wednesday 27th January 2016 05:34 EST
 
 

હમણાં પિંપરી-ચિંચવડમાં ૮૯મું અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલન ડો. ડી. વાય. પાટીલ વિદ્યાપીઠના યજમાનપદે એક લાખ જેટલા સાહિત્યપ્રેમીઓની ઉપસ્થિતિમાં યોજાયું. ચાર દિવસના આ સંમેલનમાં સર્વપક્ષી રાજનેતા, બહુભાષી સર્જકો અને ભિન્ન ભિન્ન વિચારના લોકોએ ૧૫થી ૧૮ જાન્યુઆરી, ૨૦૧૬ દરમિયાન ચિંતન, મનન અને આનંદ કર્યો. દેશમાં સહિષ્ણુતા-અસહિષ્ણુતાના વાતાવરણ અંગે પેટછૂટી વાતો થઇ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરનાર સંમેલનાધ્યક્ષ ડો. શ્રીપાલ સબનીસના વાણી-વર્તન વિશે એમના પુરોગામી ડો. સદાનંદ મોરેએ અણગમો જરૂર વ્યક્ત કર્યો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના મુખપત્ર એવા નાગપુર ખાતેથી પ્રકાશિત થતા દૈનિક ‘તરુણ ભારત’ના તંત્રીલેખમાં ડો. સબનીસનો ઉધડો લેવાયો અને ‘ચપરાક’ નામના ઘનશ્યામ પાટીલના સામયિકમાં ‘કૂતરાને ખીર પચી નહીં’ એવા શબ્દોમાં ડો. સબનીસની ટીકા થઇ.

મહારાષ્ટ્રના ભાજપી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના સુપ્રીમો શરદ પવાર, મોદી સરકારના કેબિનેટ પ્રધાન નીતિન ગડકરી, મહારાષ્ટ્રના સાંસ્કૃતિક બાબતોના ભાજપી પ્રધાન વિનોદ તાવડે, જગવિખ્યાત વૈજ્ઞાનિક ડો. રઘુનાથ માશેલકર, ગીતકાર ગુલઝાર અને જાવેદ અખ્તર, લેખક ચેતન ભગત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. બાળસાહિત્ય, દલિત-ગ્રામીણ સાહિત્યથી લઇને બદલતા સામાજિક-રાજકીય વાતાવરણની ચર્ચામાં મનમોકળાશથી ભિન્ન મત આ સંમેલનના મંચ પરથી રજૂ થયા. એટલું જ નહીં, ભાજપના વરિષ્ઠ પ્રધાનોની મંચ પર ઉપસ્થિતિમાં જ સરકારની ટીકા થાય એવા ઠરાવ પણ પસાર થયા.

પૂણે નજીકની ઉદ્યોગનગરીમાં વિશ્વના ૧૫ કરોડ જેટલા મરાઠીભાષીઓના પ્રતિનિધિરૂપ યોજાયેલા સાહિત્ય-કુંભની મરાઠી દૈનિકો અને ટીવી માધ્યમોમાં પણ ખૂબ ચર્ચા થઇ. ચાર દિવસમાં પાંચ કરોડ રૂપિયાનાં પુસ્તકોનું વેચાણ થયું. વાર્ષિક સંમેલન યોજવા મહારાષ્ટ્ર સરકારે દર વર્ષની જેમ આ વર્ષે પણ મરાઠી સાહિત્ય મહામંડળને આપેલા રૂપિયા ૨૫ લાખ ‘મરાઠી ભાષાના વિકાસ કામમાં વાપરવા માટે’ યજમાન સ્વાગતાધ્યક્ષ ડો. પી. ડી. પાટીલે મહામંડળને પરત કર્યા. એટલું જ નહીં, સંમેલનના પૂર્વ અધ્યક્ષ ડો. મોરે અને અધ્યક્ષ ડો. સબનીસ ઉપરાંત થોડા વખત પહેલાં આંદામાનમાં યોજાયેલા વિશ્વ મરાઠી સાહિત્ય સંમેલનના અધ્યક્ષ ડો. શેષરાવ મોરેને પાંચ-પાંચ લાખ રૂપિયાની થેલી અર્પણ કરી સન્માનિત કર્યા. મહારાષ્ટ્રના દુષ્કાળગ્રસ્તો માટે ૮૯મા મરાઠી સંમેલને ૭૦ લાખ રૂપિયાનું યોગદાન પણ કર્યું.

ભાષાભગિની મરાઠીના અખિલ ભારતીય સાહિત્ય સંમેલનની વાત નીકળી હોય ત્યારે સ્વાભાવિક હતું કે ગુજરાતી સાહિત્ય પરિષદનાં અધિવેશનોની પૃચ્છા કરીએ. સાહિત્ય પરિષદના આજીવન સભ્ય તરીકે, આંતરાવર્ષે યોજાતા એના અધિવેશન અને જ્ઞાનસત્રમાં, હાજરી આપવાનો અનેક વાર અવસર મળ્યો હોવા છતાં અધિકૃત માહિતી મેળવવા માટે પરિષદના ઉત્સાહી ઉપપ્રમુખ રાજેન્દ્ર પટેલને પૂછી લીધું કે ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં કેટલા પ્રતિનિધિ હાજરી આપે છે? રાજેન્દ્રભાઇ કહેઃ ‘પાંચસોથી આઠસો.’ સૌથી વધુ પ્રતિનિધિ નારાયણ દેસાઇના પ્રમુખપદે ગાંધીનગરમાં ૨૦-૨૧ ડિસેમ્બર, ૨૦૦૭ દરમિયાન ગાંધીનગર કલ્ચરલ ફોરમના યજમાનપદે યોજાયેલા ૪૪મા અધિવેશનમાં ઉપસ્થિત હોવાનું એમણે કહ્યું. સંખ્યા હતી માંડ ૧૦૦૦ જેટલી! ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં સ્ટાર-અટ્રેક્શન તરીકે પ્રસિદ્ધ રામકથાકાર મોરારિબાપુને નિમંત્રવાનું ચલણ સવિશેષ જોવા મળે છે.

થોડા દિવસ પૂર્વે ૨૫, ૨૬ અને ૨૭ ડિસેમ્બર, ૨૦૧૫ દરમિયાન ભુજમાં મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજના યજમાનપદે ચંદ્રકાંત ટોપીવાળાના પ્રમુખપદે યોજાયેલા ૪૮મા અધિવેશનનો ‘ઉદ્ઘાટન સમારંભ ૧૦૦૦ની બેઠક ક્ષમતાવાળા વાતાનુકૂલિત સભાખંડમાં યોજાયો’ હોવાનું પરિષદની સત્તાવાર વેબસાઇટ પર અને એના મુખપત્ર ‘પરબ’માં અજય પાઠકના અહેવાલમાં જણાવાયું છે. ગુજરાતી સાહિત્યના અધિવેશનમાં લોકોની વધુ સહભાગિતા નહીં હોવા વિશે હમણાં જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર ડો. રઘુવીર ચૌધરીથી લઇને પરિષદના ઉપપ્રમુખ રાજેન્દ્ર પટેલ સુધીનાને ચિંતા જરૂર થાય છે. રાજેન્દ્રભાઇ તો કહે છેઃ ‘આસામી ભાષાના સાહિત્ય સંમેલનમાં ત્રણથી ચાર લાખ લોકો સહભાગી થાય છે.’

દુનિયામાં સાડા સાત કરોડ કરતાં વધુ ગુજરાતીભાષીઓમાંથી, માંડ ત્રણસો રૂપિયાની ડેલિગેટ ફી ભરીનેય, પાંચસો-સાતસો જ પ્રતિનિધિ અધિવેશનમાં સહભાગી થતા હોવા વિશે ચિંતા અને ચિંતન જરૂરી ખરું. મરાઠી સંમેલનની ડેલિગેટ ફી રૂપિયા ૧૨૦૦ થી ૨૦૦૦ સુધીની હોવા છતાં તેમાં ૫૦ હજારથી લાખ પ્રતિનિધિ સહભાગી કેમ થાય છે એ ખરા અર્થમાં સંશોધનનો વિષય છે. ગુજરાતી સાહિત્યના મંચ પર ‘અહો રૂપમ્ અહો ધ્વનિ’ના કોરસગાનથી વિપરીત મરાઠી સાહિત્ય મંચ ‘લાગ્યું તેવું અભિવ્યક્ત’ કરનારો છે.

ગુજરાતી સાહિત્ય પરિષદના ગાંધીનગર અધિવેશનના પ્રમુખ નારાયણ દેસાઇએ અધિવેશન પૂર્વે પૂર્વપ્રમુખોનાં અધિવેશન-ભાષણો વાંચવા ચાહ્યાં હોવાનું ઉપપ્રમુખ રાજેન્દ્ર પટેલ કહે છે. એમને સૌથી નબળું વ્યાખ્યાન ગાંધીજીનું લાગ્યું હોવાનું સદ્ગત પ્રમુખ નારાયણભાઇએ રાજેન્દ્રભાઇને કહ્યાનું અમને જણાવ્યું એટલે ૧૯૩૬ના ૧૨મા અધિવેશનના પ્રમુખ મોહનદાસ કરમચંદ ગાંધીનું એ વ્યાખ્યાન ફરીને વાંચવાનું અમારું કુતૂહલ વધુ તીવ્ર બન્યું. ‘ગાંધીજીનો અક્ષરદેહ’ના ૬૩મા ગ્રંથમાં ૩૧ ઓક્ટોબર, ૧૯૩૬ના રોજ અમદાવાદમાં ‘ગુજરાતી સાહિત્ય પરિષદમાં ભાષણ’ અને ૨ નવેમ્બર, ૧૯૩૬ના રોજનું ‘સાહિત્ય પરિષદનું ઉપસંહારનું ભાષણ’ વાંચતાં અમને એ વ્યાખ્યાન નબળું નહીં, પણ સબળું લાગ્યું.

ગુજરાતી સાહિત્ય પરિષદને શહેરવાસી સર્જકો પૂરતી સીમિત રાખવાને બદલે જનસામાન્ય સુધી પહોંચવા માટે ગ્રામીણ પ્રજાની સાથે અનુબંધ સાધવાની જાદુઈ સલાહ ગાંધીજીએ એમાં આપેલી અનુભવાઇ. એમની વાતને અનુસરવામાં આવી હોત તો સાક્ષરો સુધી સીમિત સાહિત્ય અધિવેશન ‘ગામડિયાઓ’ સુધી પહોંચ્યું હોત. મહારાષ્ટ્રમાં દલિત સાહિત્યના ચારેક દાયકાઓ પૂર્વેના ઉદ્ભવ પછી હવે ગુજરાતમાં દલિતો, શોષિતો અને વંચિતોનાં સર્જન કે એમની અભિવ્યક્તિને સ્વીકારવાનું વલણ શરૂ થયેલું અનુભવાય છે. જોકે હજી પણ ઉચ્ચભ્રૂ સુધી સાહિત્ય પ્રવૃત્તિ સીમિત રહી છે. એટલું જ નહીં, ગુજરાતી સાહિત્ય પ્રવૃત્તિમાં સમાજકારણ અને રાજકારણ, બાળસાહિત્ય કે ગ્રામીણ સાહિત્ય, બળવાખોર અવાજને વ્યક્ત કરતું સાહિત્ય સંસ્થાગત સ્વીકૃતિની પરિધિમાંથી બહાર હોવાનું અનુભવાય છે.

ગુજરાતી પ્રજાની પ્રકૃતિ મહદ્અંશે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન હતા ત્યારે જે શબ્દોમાં વ્યક્ત કરતા તેવી ‘મારે શું?’ અને ‘મારું શું?’ ની આસપાસની રહી છે. ગુજરાતી સાહિત્યના મંચ પરથી અલગ ભીલીસ્તાન, અલગ સૌરાષ્ટ્ર કે અલગ કચ્છ રાજ્યની ચળવળો વિશે કોઇ ભૂમિકા લેવાય કે ઠરાવ પસાર થાય એવું ભાગ્યે જ બને. સરકારને અનુકૂળ ભૂમિકા લેવામાં ગુજરાતી સાહિત્યકારો હોંશેહોંશે અગ્રક્રમે રહેવાનું પસંદ કરે છે. નર્મદા યોજનાને ગુજરાતની જીવાદોરી ગણાવવાના કોરસગાનમાં જોડાનારા સર્જકો નર્મદા યોજનાની કેનાલોનાં કામ નહીં થયાની વાતને ચીપિયાથી પણ પકડવાનું પસંદ કરતા નથી. કંઠીબંધ સાહિત્યકારોના અપવાદને બાદ કરતાં સાહિત્યિક સંગઠનો સાથે સંકળાયેલા ગુજરાતી સર્જકો સામે પૂર તરવાની ભૂમિકાનાં જોખમ વહોરતા નથી.

ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના ૧૯૦૫માં રણજિતરામ વાવાભાઇના પ્રયાસોથી થઇ અને સાક્ષરયુગના શિરોમણિ ગો. મા. ત્રિપાઠી અમદાવાદમાં મળેલા પ્રથમ અધિવેશનના પ્રમુખ રહ્યા. વર્ષ ૧૯૨૮થી ’પપ સુધી સાહિત્ય પરિષદનું સુકાન કનૈયાલાલ મુનશીના હાથમાં રહ્યું. ૧૯૫૫માં ઉમાશંકર જોશી અને યશવંત શુક્લે નડિયાદમાં ક. મા. મુનશીના પ્રમુખપદવાળા અધિવેશનમાં ‘પરિષદના લોકશાહી સ્વરૂપનો’ આગ્રહ સેવ્યો. પરિષદને સમાંતર સંસ્થા રચાય અને ભાગલા પડે એવા સંજોગો ટાળવા મુનશી સંમત થયા. એ પછી ઉ.જો. યુગ આરંભાયો. અત્યારે રઘુવીરયુગ ચાલી રહ્યો છે. જોકે વચ્ચે થોડો વખત રઘુવીર સાહિત્ય પરિષદથી અળગા થયા કે નિષ્ક્રીય બન્યા એટલે બધું ઠપ થયું હતું.

રઘુવીરના વિરોધીઓએ પણ કબૂલવું પડે છે કે ગુજરાતી સાહિત્ય પરિષદનું ચાલકબળ રઘુવીર જ છે. ક્યારેક રઘુવીર ઉ.જો.ની આંગળીએ પરિષદકારણમાં પ્રવીણ થયા હશે, પણ હવે ઉ.જો.પુત્રી સ્વાતિ જોશી અને નિરંજન ભગતે દિલ્હી-ગાંધીનગરનાં સત્તાકેન્દ્રોને પ્રતિકૂળ અવાજને વ્યક્ત કરતા વકતાઓ અમદાવાદને આંગણે આણવા માંડ્યા ત્યારથી ઉ.જો. પણ સાહિત્ય પરિષદવટે અનુભવાય છે.

ગાંધીજી ૧૯૩૬માં ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનના પ્રમુખપદે હતા ત્યારે અંગત રીતે પુત્ર હરિલાલના ધર્મપરિવર્તનના ઘટનાક્રમ તથા મિલમાલિકો-મજૂરોના વિવાદના સમાધાનમાં રમમાણ હતા. જોકે ગાંધીજીએ પરિષદના એ વેળાના મુનશીપ્રેરિત બિનલોકશાહી બંધારણ અંગે કહ્યું હતું: ‘‘હું ડેમોક્રેટ છું છતાં કહું છું કે આવી પરિષદો ‘ડેમોક્રસી’ને ધોરણે ન જ ચાલી શકે... ચલાવવામાં આવે તો એ ‘ડેમોક્રસી’ નહીં, પણ ‘મોબોક્રસી’ થાય.’’ બંને વ્યાખ્યાનોમાં ગાંધીજી માટે કેન્દ્રમાં તો ગામઠી માણસ અને મહિલાઓ પ્રત્યે આદરભાવ હતો.

‘આપણે સાહિત્ય કોને માટે રચીશું? કસ્તૂરભાઇ એન્ડ કંપની માટે, કે અંબાલાલભાઇ માટે કે સર ચીનુભાઇ માટે? એમની પાસે તો પૈસા છે એટલે ગમે તેટલા સાહિત્યકારો રાખી શકે. ગમે તેટલાં પુસ્તકાલયો વસાવી શકે. પણ પેલા કોશિયાનું શું?’ ‘જીવંત સાહિત્ય ત્યાંના (ગામડિયા) લોકો આપી શકશે.’

રવિશંકર રાવળનાં ચિત્રોને શહેરીઅર્થને બદલે ગામઠી અર્થમાં સાચી દૃષ્ટિએ જોવાનું ગાંધીજી પસંદ કરે છે. સ્વભાષામાં વિજ્ઞાન સહિતનાં બળૂકાં પુસ્તકો પ્રકાશિત કરવાની એમની મહેચ્છા અહીં વ્યકત થઇ છે. ‘ખરી રીતે બુદ્ધિના વિકાસને માટેનું ક્ષેત્ર જ ગામડું છે, નગર નહીં. હું તો તમને કહું છું કે તમે સ્ત્રી વિશે કલમ ઉઠાવો ત્યારે તમારી જનનીને તમારી આંખ આગળ રાખો.’

મહાત્મા ગાંધી શિષ્ટ સાહિત્યના અને પ્રજા સાથે અનુબંધ બાંધવાના આગ્રહી હતાઃ ‘ઉપનિષદો, કુરાન, બાઇબલમાં શું કશું મેલું વાંચવામાં આવે છે કે?... કહે છે કે અંગ્રેજી ભાષા પોણો ભાગ બાઇબલ અને પા ભાગ શેક્સપિયરની બનેલી છે. એ વિના અંગ્રેજી ક્યાં, અને કુરાન વિના અરબી ક્યાં, અને તુલસી વિના હિંદી ક્યાં? તમે શા સારુ એવું સાહિત્ય નથી આપતા? મેં જે આ કહ્યું છે તેની ઉપર વિચારજો, હજીયે વિચારજો, અને નિરર્થક લાગે તો એને ફગાવી દેજો.’

ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનના પ્રમુખપદેથી ગાંધીજીએ કહેલી આ વાત કોઇ પણ માપદંડથી કાંઇ નબળી તો ના જ કહેવાય.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter