ક્યારેક ક.મા. મુનશીએ ‘ગુજરાતની અસ્મિતા’નો આહલ્લેક જગાવ્યો હતો. આજકાલ જાહેર મંચ પરથી ગુજરાતની અસ્મિતા અને ગરિમા તેમજ સંસ્કૃતિનાં ચીરહરણ થઈ રહ્યાં છે. ભાજપ હોય કે કોંગ્રેસ, ભાષાની ગરિમા સાચવવામાં કોઈને વખાણવા જેવા નથી. હમણાં ધ્રાંગધ્રાના મોટા માલવણમાં પાટીદારોને ન્યાય માટે મહાપંચાયતમાં હજારોની જનમેદની ઉમટી. પાટીદાર નેતા હાર્દિક પટેલના આ આયોજનમાં પધારેલા કોંગ્રેસના ૧૩ જેટલા પાટીદાર ધારાસભ્યોએ માઝા મૂકીને સંબોધન કરી તાળીઓ તો પડાવી, પણ ગુજરાતની અસ્મિતા અને સંસ્કાર કલંકિત થાય એવું બન્યું.
અમરેલી જિલ્લાના વીરજીભાઈ ઠુમ્મર જેવા સાંસદ રહી ચૂકેલા મહારથીએ પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને ભાવનગરના પાટીદાર ધારાસભ્ય જિતુ વાઘાણીના પાટીદાર ગોત્ર અંગે સવાલો ઊભા કરીને ડાયરાને હસાવ્યો હતો ખરો, પરંતુ તેમના શરમજનક શબ્દો સામે બીજા દિવસે ભાજપના યુવા કાર્યકરો અને વડીલોએ યુવા ભાજપના પ્રદેશાધ્યક્ષ અને પટેલ અગ્રણી ડો. ઋત્વિજ પટેલના નેતૃત્વમાં કોંગ્રેસના મુખ્યાલય ‘રાજીવ ગાંધી ભવન’ સામે ઠુમ્મરનું પૂતળું બાળવામાં આવ્યું. પોલીસ મૂક પ્રેક્ષક બની રહી. સામે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમાર અને હિંમતસિંહ પટેલ ભાજપના વર્તન સામે વિરોધ નોંધાવતા રહ્યા. કોંગ્રેસના ધારાસભ્ય વીરજીભાઈએ તો પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી કે ભાજપવાળાએ મારું પૂતળું બાળ્યું. એટલે તેમની સામે કેસ દાખલ કરીને અટકાયત કરો.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને સારી એવી બેઠકો મળી અને સાતેક જિલ્લા તો ભાજપમુક્ત થઈ ગયા તથા ૩૩માંથી ૨૪ જિલ્લા પંચાયતો કોંગ્રેસ હસ્તક હોવાને કારણે કોંગ્રેસ બે પાંદડે થાય એ સમજી શકાય છે. પણ સંસ્કારિતા છોડીને વાત કરવા સમાન વાણી વિલાસ એને શોભતો નથી. હજુ થોડાં વખત પહેલાં જ ગુજરાત વિધાનસભામાં ગાળાગાળી અને મારામારીનાં દૃશ્યો સર્જાયાં હતાં એ પછી પણ ભાજપ અને કોંગ્રેસ બેઉ કાંઈ સુધર્યા લાગતા નથી.
ભાજપના નેતાઓ પણ સખણા રહ્યા નથી
પાટીદાર મહાપંચાયતમાં કોંગ્રેસના ધારાસભ્યોએ માઝા મૂકીને સંબોધન કર્યા તો એમને ઉશ્કેરવાનું નિમિત્ત ભાજપના પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય જિતુ વાઘાણીએ જ પૂરું પાડ્યું હતું. વાઘાણીએ પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલને કોંગ્રેસનો પિઠ્ઠુ કહેવાની ગુસ્તાખી કરી હતી. આ મુદ્દે હાર્દિક સેના ગિન્નાવી સ્વાભાવિક હતી. હાર્દિક હજુ ૨૪ વર્ષનો છે અને ધારાસભા કે લોકસભાની ચૂંટણી લડવાની એની ઉંમર નથી. એનો પરિવાર ભાજપનો રહ્યો છે, પરંતુ પાટીદાર અનામત આંદોલનને પગલે એ રાજ્ય સરકાર વિરુદ્ધ થઈ ગયો હતો. હાર્દિકના મોટા ભાગના સાથીઓ ભાજપમાં ગોઠવાઈ ગયા છે અને પક્ષના પ્રવક્તા બની ગયા છે.
હાર્દિકનું કહેવું છે કે મહાપંચાયતમાં અમે તો ભાજપ અને કોંગ્રેસ બેઉના પટેલ નેતાઓ અને ધારાસભ્યોને આમંત્રણ આપ્યું હતું. ભાજપના ધારાસભ્યો આવ્યા નહીં અને કોંગ્રેસના આવ્યા એટલે અમને કોંગ્રેસના પીઠ્ઠુ કહીને ભાંડવામાં આવે એ યોગ્ય નથી. અમે કોઈ પક્ષમાં જોડાયેલા નથી અને માત્ર પાટીદારોના હિતની વાત કરીએ છીએ ત્યારે અમારા માટે આવા હીન શબ્દો વપરાય એ યોગ્ય નથી. ભાજપની નેતાગીરીનું ગોત્ર સંઘનું હોવા છતાં રાજકીય વિરોધીઓને ભાંડવામાં કોઈ મણા કે મર્યાદા રાખવાનું એમણે પણ કબૂલ્યું નથી. ‘ગાય-વાછરડું’ અને ‘પચાસ કરોડની ગર્લફ્રેન્ડ’ જેવા શબ્દપ્રયોગો ભાજપની ટોચની નેતાગીરીના મોંઢામાં શોભતા નહોતા.
ઉકળાટ નીતિન પટેલના મુદ્દાનો છે
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ત્રાગું કરીને નાણાં ખાતું મેળવ્યા પછી પક્ષનું મોવડીમંડળ એમનો વારો કાઢી લેવાની વેતરણમાં છે. આજકાલ એમના રાજીનામા કે તેમને કાઢી મૂકવાની ચર્ચા સોશિયલ મીડિયામાં ચાલી રહી છે. અગાઉ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ વિશે પણ આવી ચર્ચા ચાલ્યા પછી એમનું રાજીનામું આવી પડ્યું હતું. ભાજપમાં કોઈ મોવડીમંડળને પડકારે અથવા ત્રાગું કરે એ સહન કરી લેવામાં આવતું નથી. છેક જનસંઘના સમયથી આવી જ પરંપરા રહી છે. જનસંઘના સંસ્થાપક સભ્ય બલરાજ મધોક જ્યારે અધ્યક્ષ હતા ત્યારે એમને પક્ષમાંથી તગેડી મૂકાયા હતા કારણ એ નાગપુર મુખ્યાલયના એટલે કે સંઘના આદેશોને માનવા તૈયાર નહોતા. એવું જ બીજા અધ્યક્ષ મૌલિચંદ્ર શર્માનું થયું હતું. સ્વયં લાલ કૃષ્ણ અડવાનીએ પણ સંઘની અવકૃપાને કારણે પાકિસ્તાનની મુલાકાત પછી ભાજપનું અધ્યક્ષપદ છોડવું પડ્યું હતું.
હાર્દિકનો નીતિનભાઈને આવકાર
નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઈ વારંવાર રૂસણે બેસતા હોવાથી પાટીદાર અનામત આંદોલનનો ચહેરો બનેલા હાર્દિક પટેલે એમને ભાજપ છોડીને નીકળી જવા વારંવાર હાકલ કરી છે. નીતિનભાઈ પોતાના રાજીનામાની કે પક્ષ છોડવાની વાતનો ઈનકાર કરતા રહ્યા હોવા છતાં હાર્દિક એમને છંછેડતો રહ્યો છે. ભાજપવાળાને ચિંતા પણ પેઠી છે કે નીતિનભાઈને નારાજ કરવા જતાં ગુજરાતમાં સરકાર ખોવી પડે એવો વખત આવી શકે. ઘણા બધા ભાજપી ધારાસભ્યો અને નેતાઓની નારાજગી નીતિનભાઈ આસપાસ સંગઠિત થઈ જાય તો વિજય રૂપાણી સરકારને ગબડાવવાનું અશક્ય નથી. ભાજપની નેતાગીરી કોંગ્રેસમાં ધાડ પાડતી રહી છે. એનાથી ઉલટું પણ થઈ શકે છે. હમણાં પાછા શંકરસિંહ વાઘેલાના સમર્થકો કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા પછી અવગણાઈ રહ્યાની અનુભૂતિને કારણે બેઠકો કરવા માંડ્યા છે.
ગુજરાત વિધાનસભામાં ૧૮૨ સભ્યોમાંથી ભાજપ પાસે માત્ર ૯૯ સભ્યો છે. જ્યારે કોંગ્રેસ પાસે ૮૧નું સંખ્યાબળ છે. દસેક ભાજપી ધારાસભ્યો આઘાપાછા થાય તો ભાજપની રાજ્ય સરકાર ગબડી શકે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પછી કેન્દ્રથી લઈને દેશભરમાં સૌથી વધુ રાજ્ય સરકારો ભાજપ અને મિત્રપક્ષોની હોવા છતાં બેંગલૂરુમાં જનતા દળ (એસ) અને કોંગ્રેસની સરકારે વિશ્વાસનો મત મેળવ્યો, એ પછી ભાજપવિરોધી મોરચો ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં પરિવર્તન લાવવા બાબત આશાવાદી બન્યો છે. ભાજપના સાથીપક્ષો પણ વાડ ઠેકવા માંડ્યા છે. આવા સંજોગોમાં કોંગ્રેસમાંથી ધાડ પાડીને ભાજપમાં લવાયેલા નેતાઓ આસમાની સુલતાની સર્જી શકે છે.
(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)