મહારાષ્ટ્રમાંથી અલગ વિદર્ભ અને અલગ મરાઠવાડા રાજ્ય નિર્માણ કરવાના મુદ્દે નવો ભડકો સર્જયો છે. મહારાષ્ટ્રના એડવોકેટ જનરલનું આ મુદ્દે તો રાજીનામું પડ્યું છે. ગુજરાતમાં એક કહેવત છેઃ ભેંસનાં શિંગડાં ભેંસને ભારે. ભારત સરકાર અને મહારાષ્ટ્ર સરકારમાં જે પક્ષનું શાસન છે એ ભારતીય જનતા પક્ષે અગાઉની ચૂંટણીઓમાં નાનાં રાજ્યોની રચનાનું સમર્થન પોતાના ચૂંટણીઢંઢેરામાં કરીને હવે નવી મૂંઝવણો વહોરવાનો વારો આવ્યો છે. એવું નથી કે ચૂંટણીઢંઢેરામાં અપાતાં વચન પાળવાનાં જ હોય. દાયકા વીત્યા છતાં અયોધ્યામાં રામમંદિર બનાવવાનું વચન ભાજપની કેન્દ્ર અને રાજ્યમાં સરકાર આવ્યા છતાં હજુ અગત્સ્યના વાયદા જેવું જ રહ્યું છે. હા, એના થકી હિંદુ વોટબેંક ભાજપને ચૂંટણીમાં મત ઠાલવીને જરૂર મદદ કરે છે. આવું જ કાંઈક મહારાષ્ટ્રના વિદર્ભ પ્રદેશનું અલગ રાજ્ય બનાવવાના ભાજપી વચનનું થયું છે.
અગાઉ વડા પ્રધાનપદે ભાજપ નેતા અટલ બિહારી વાજપેયી આવ્યા ત્યારે નવા રાજ્યો ઉત્તરાખંડ, ઝારખંડ અને છત્તીસગઢ રચાયાં, પણ વિદર્ભ અને તેલંગણને તડકે મૂકાયાં હતાં. ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ અલગ રાજ્ય કર્યું, બિહારમાંથી અલગ ઝારખંડ રાજ્યનું નિર્માણ થયું અને મધ્ય પ્રદેશમાંથી અલગ છત્તીસગઢ રાજ્યનું નિર્માણ થયું. ભાજપના રાજકારણને એક માત્ર છત્તીસગઢ સિવાયનાં બે નવસર્જિત રાજ્યોમાં સત્તાના સાતત્યનું સુખ મળ્યું નહીં, છતાં આ નાનાં રાજ્યોથી વહીવટ પ્રભાવી બનાવી શકાય એવી ભ્રામક પ્રચારની વાતોને ખુબ ચગાવાઈ. ભાજપના ચૂંટણીઢંઢેરાઓમાં મહારાષ્ટ્રમાંથી અલગ વિદર્ભ અને આંધ્ર પ્રદેશમાંથી અલગ તેલંગણ રાજ્ય સ્થાપવાના વચનનું એણે પાલન ના કર્યું.
તેલંગણની રચનાની બાજી કોંગ્રેસે કેન્દ્રમાંથી વિદાય થતાં સુધીમાં મારી લીધી, પણ આંધ્ર અને તેલંગણ બેઉમાં સત્તા ખોઈ. અગાઉની વાજપેયી સરકારને ટેકો આપનાર અને સૌથી વધુ લાભ આંધ્ર માટે ખાટનાર તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) થકી તેલંગણ રાજ્યની રચનાના વિરોધને કારણે ભાજપના વડપણવાળી એનડીએ સરકારે આ રાજ્યની રચના ટાળવી પડી હતી. એવું જ કાંઈક મહારાષ્ટ્ર માટે પણ થયું. શિવ સેના જેવા મિત્ર પક્ષને નારાજ કરીને વિદર્ભ રાજ્યની રચના કરવાનું જોખમ અટલજી ઊઠાવી શક્યા નહીં.
આજે મહારાષ્ટ્રમાં નાગપુરના એટલે કે વિદર્ભના જ પ્રતિનિધિ એવા ભાજપી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ થકી જ મહા અધિવક્તા (એડવોકેટ જનરલ)ના હોદ્દે નિયુક્ત કરાયેલા શ્રીહરિ અણેએ સર્જેલા વિદર્ભ જ નહીં, મરાઠવાડા રાજ્યની રચનાના જાહેર વિવાદને પગલે મુખ્ય પ્રધાને પોતાના ગુરુ રહેલા શ્રીહરિ અણેને મહા અધિવક્તાના હોદ્દેથી રાજીનામું આપવા જણાવવું પડ્યું છે.
ફડણવીસ મૂળ ધારાશાસ્ત્રી છે. શ્રીહરિ અણેના જુનિયર તરીકે નાગપુરમાં એમની જ ઓફિસે કામ કરતા હતા. શ્રીહરિ અણેનાં ધારાશાસ્ત્રી-પત્ની વિજયલક્ષ્મી અણેએ મુખ્ય પ્રધાન ફડણવીસને ભણાવેલા છે. મહારાષ્ટ્રમાંથી વિદર્ભને અલગ રાજ્યનો દરજ્જો આપવાની ચળવળના સૂત્રધાર રહેલા અને ભારતની બંધારણ સભાના સભ્ય રહેલા ડો. માધવ શ્રીહરિ અણેના પૌત્ર શ્રીહરિ અણેએ મહા અધિવક્તા બન્યા પછી પણ અલગ વિદર્ભ રાજ્ય માટેની ચળવળને આગળ ધપાવી ત્યારે ભાજપના મિત્રપક્ષ શિવ સેનાએ ભારે હોબાળો મચાવ્યો હતો. શ્રીહરિ અણેનું રાજીનામું પણ માંગ્યું હતું, પણ અલગ વિદર્ભની ચળવળમાં શ્રીહરિ અણેનો સાથ આપી રહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો. મોહન ભાગવતના ભાઈ અને સંઘચાલક રહેલા રવિ ભાગવત સહિતના પ્રભાવને કારણે એ વાતને સત્તાકેન્દ્ર કનેથી કોઈ કાન દેવાયા નહીં. વાત આટલેથી અટકી નહીં.
શ્રીહરિ અણેએ તો જાહેરસભામાં મરાઠવાડાને પણ અલગ રાજ્ય બનાવવાની જરૂર હોવાનું કહીને વિવાદનો એવો મધપૂડો છંછેડ્યો કે શિવ સેના અને કોંગ્રેસ-રાષ્ટ્રવાદી કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાગીરીએ એમના રાજીનામાની જ નહીં, તેમની સામે રાષ્ટ્રદ્રોહનો ખટલો દાખલ કરવાની માગણી કરવા માંડી. શ્રીહરિ અણેએ મહારાષ્ટ્રમાં સૂતા સાપ જગાડવા જેવું છમકલું કર્યું અને અગાઉથી અન્યાયની લાગણી અનુભવતા વિદર્ભ અને મરાઠવાડા પ્રદેશની જનતાને મહારાષ્ટ્રથી અલગ થવા માટે પ્રેરવાનું ચાલકબળ જનમત લેવાની વાત કરીને પૂરું પાડ્યું.
દ્વિભાષિક મુંબઈ રાજ્યમાંથી ૧ મે, ૧૯૬૦ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર બેઉ અલગ રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં એ પૂર્વે વિદર્ભ અને મરાઠવાડાનો જ નહીં, સૌરાષ્ટ્ર અને કચ્છનો પણ અલગ રાજ્યોમાં સમાવેશ હતો. શ્રીહરિ અણેના ઉંબાડિયાએ મહારાષ્ટ્રમાં ભડકો સર્જ્યો.
ઓછામાં પૂરું, આરએસએસના પૂર્વ પ્રવક્તા અને સંઘના મુખપત્ર મરાઠી દૈનિક ‘તરુણ ભારત’ (નાગપુર)ના તંત્રી રહેલા મા. ગો. વૈદ્ય (બાબુરાવજી)એ તો બળતામાં ઘી હોમતાં શ્રીહરિ અણેના નિવેદનને ટેકો આપતાં ત્રણ રાજ્યો નહીં, પણ ચાર રાજ્યોની રચનાની વાત કરી. બાબુરાવજી સંઘ પરિવારમાં આદરપાત્ર વ્યક્તિ છે એટલું જ નહીં, સંઘના વર્તમાન અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ ડો. મનમોહનજી વૈદ્યના પિતાશ્રી છે. એમણે ૧૨ કરોડની વસ્તી ધરાવતા મહારાષ્ટ્રમાંથી મુંબઈ-કોંકણ, પશ્ચિમ મહારાષ્ટ્ર, વિદર્ભ અને મરાઠવાડા-ખાનદેશ એમ ચાર રાજ્યોની રચનાની તરફેણ કરીને બળતામાં ઘી જ નહીં, રીતસર પેટ્રોલ રેડવાનું કામ કર્યું છે.
મૂળે ભારતીય જનતા પક્ષની નેતાગીરીને ભારતમાં કુલ ૫૦ રાજ્યોની રચના થકી કાર્યક્ષમ અને પ્રજાલક્ષી વહીવટ કરવાની મહેચ્છા છે. સરદાર વલ્લભભાઈ પટેલે ૫૬૨ રજવાડાંને એકઠાં કરીને અખંડ ભારતના વર્તમાન નક્શાનું નિર્માણ કર્યું હતું. ભાજપને સરદારના એ મહાપુરુષાર્થને ખેદાનમેદાન કરીને અત્યારના તેલંગણ સહિતનાં ૨૯ રાજ્યો અને ૭ કેન્દ્રશાસિત પ્રદેશોને સ્થાને ૫૦ રાજ્યો અસ્તિત્વમાં લાવવાં છે.
ભાજપની માતૃસંસ્થા આરએસએસની નીતિ નિર્ધારક એવી પ્રતિનિધિ સભાએ ઠરાવ (૨૦૦૨) કરીને જમ્મુ-કાશ્મીરમાં ત્રણથી ચાર રાજ્યો (ચોથો પ્રદેશ કાશ્મીરી પંડિતોને વસાવવા માટેનો) સ્થાપિત કરવાં છે. કાશ્મીર ખીણના મુસ્લિમ બહુલ પ્રદેશને અલગ રાજ્ય, બૌદ્ધ બહુમતીવાળું લડાખ અલગ રાજ્ય અને હિંદુ બહુમતીવાળું જમ્મુ અલગ રાજ્ય બને એવી નાગપુર મુખ્યાલયની ઈચ્છા છે. રાજ્યોની આર્થિક સદ્ધરતાનો વિચાર કર્યા વિના સ્થાનિક પ્રજાને રાજી કરવાની અપેક્ષા સાથે મોટાં રાજ્યોમાંથી નાનાં નવાં રાજ્યો સ્થાપિત કરવામાં પ્રજાલક્ષી હિતનાં કામો કેટલાં થાય એ કહેવું મુશ્કેલ છે, પરંતુ રાજકીય પક્ષો માટે પ્રધાનપદાં કે વિપક્ષના હોદ્દા બેસુમાર શક્ય બને છે.
અંગ્રેજોના શાસન દરમિયાન માત્ર ત્રણ જ પ્રેસિડેન્સી થકી સમગ્ર ભારતનો વહીવટ થઈ શકતો હતો. કોલકાતા પ્રેસિડેન્સી, મુંબઈ પ્રેસિડેન્સી અને મદ્રાસ (હવેનું ચેન્નઈ) પ્રેસિડેન્સી થકી બ્રિટિશ હકૂમત હેઠળના પ્રદેશ ઉપરાંત ૫૬૫ રજવાડાંનો વહીવટ અંગ્રેજ સલ્તનત થકી થતો હતો. આજે તો લૂંટો ભાઈ લૂંટોનો જ જાણે કે ન્યાય ચાલે છે. ગાંધી-સરદારનાં સ્વપ્ન તો ક્યારનાંય બળીને ખાક થઈ ગયાં છે.
નવાં રાજ્યોનાં નિર્માણની તરફેણ કરીને સંઘ-ભાજપની નેતાગીરી સમગ્ર દેશને સંગઠિત કરવાને બદલે વિભાજિત કરી રહ્યાની ચિંતા કરતી નથી. ગુજરાત અસ્તિત્વમાં આવ્યું એ પહેલાં સૌરાષ્ટ્ર અલગ રાજ્ય હતું અને કચ્છ ‘ક’ વર્ગનું કેન્દ્રશાસિત રાજ્ય હતું. રાજ્યના બધા પ્રદેશો સમરસ થાય એને બદલે મહારાષ્ટ્રનો ઘટનાક્રમ ગુજરાતમાં પણ ભવિષ્યમાં વધુ બે રાજ્યોની રચનાની ચળવળને ફરી જગાડે એવી શક્યતા રહે છે.
ઉત્તર પ્રદેશ વિધાનસભામાં તત્કાલીન મુખ્ય પ્રધાન માયાવતીએ ચતુર્ભાજનનો ઠરાવ મંજૂર કરાવ્યો હતો, એ મુજબ બુંદેલખંડ, પૂર્વાંચલ, અવધ પ્રદેશ અને પશ્ચિમ પ્રદેશ એમ ચાર રાજ્યોના વિભાજનની લોકેચ્છા છે. પંજાબમાં પણ તેને બે રાજ્યોમાં વિભાજિત કરવાની ચળવળ શરૂ થઈ છે. પશ્ચિમ બંગાળમાંથી ગોરખાલેન્ડ અલગ કરવાની માગણી તો ઊભી જ છે, ત્યાં બીજા રાજ્યોમાંથી પણ નવાં રાજ્યોની રચનાની માંગ ઊઠવાની. સમગ્ર દેશમાં આ નવાં રાજ્યોના ભડકા અનેકતામાં એકતાવાળા ભારતનાં હિતોને નુકસાન પહોંચાડે એ પહેલાં જાગીએ.
(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)