મહારાષ્ટ્રના ભાજપી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તે ભારતીય દલિત સમાજના આસ્થાપુરુષ એવા ડો. બાબાસાહેબ આંબેડકરના લંડન નિવાસના સંગ્રહાલયનું ઉદઘાટન કરાવે છે ત્યારે ઘરઆંગણે સત્તાના ભાગીદાર એવા શિવ સેનાના રિમોટ કંટ્રોલની ‘ટિંગળ’ (મશ્કરી) કરે છે. ભારતમાં આજકાલ ડો. આંબેડકરની રાષ્ટ્રીયસ્તરે ઊજવણી કરવા પાછળની ભાજપી કવાયત ૨૨ ટકા દલિત વોટબેંકને રાજી કરવાની વ્યૂહરચના સવિશેષ છે. ડો. બાબાસાહેબને માત્ર દલિતોના નેતા તરીકે નહીં, પણ રાષ્ટ્રના નેતા તરીકે ઉપસાવવાની કવાયતો કરીને ભગવીશક્તિ અને ભીમશક્તિ (હિંદુવાદી અને દલિતવાદી) એકત્ર આણીને સત્તાને વધુ મજબૂત કરવાની કોશિષો સવિશેષ ચાલી રહી છે.
ભારતની આર્થિક રાજધાની મુંબઈ પર શાસન કરવામાં ‘બિગ બ્રધર’ વિષયક ભૂમિકા બદલાઈ ચુકી છે. શિવ સેનાના સંસ્થાપક પ્રમુખ બાળાસાહેબ ઠાકરેએ કોંગ્રેસનો સાથ છોડીને ૧૯૮૪થી હિંદુ કાર્ડ ખેલવા માટે ભારતીય જનતા પક્ષ સાથે જોડાણ કરવાનું પસંદ કર્યું ત્યારથી લઈને ૧૯૯૫-૯૯ સેના-ભાજપના સત્તાકાળ દરમિયાન પણ શિવ સેના ‘બિગ બ્રધર’ની ભૂમિકામાં હતી. મહારાષ્ટ્રમાં શિવ સેના મોટા ભાઈની અવસ્થામાં અને રાષ્ટ્રીયસ્તરે ભાજપ ‘બિગ બ્રધર’ની ભમિકામાં. એ યુગ ભાજપી નેતાઓ અટલ બિહારી વાજપેયી અને લાલ કૃષ્ણ આડવાણીનો હતો. હવે યુગ બદલાયો છે. હવે નરેન્દ્ર મોદી યુગ ચાલે છે.
બાળાસાહેબ જીવિત હતા ત્યાં લગી ભાજપનેતા પ્રમોદ મહાજન અને તેમના જ બનેવી ગોપીનાથ મુંડેનું મહારાષ્ટ્ર ભાજપ પર વર્ચસ્વ હતું. અત્યારે એ ત્રણેય હયાત નથી. મોદી યુગમાં મહારાષ્ટ્ર ભાજપ નાગપુરના આદેશથી કેન્દ્રના પ્રધાન નીતીન ગડકરી અને મુખ્ય પ્રધાન ફડણવીસના નેતૃત્વમાં ‘બિગ બ્રધર’ની ભૂમિકામાં આવી ગયો છે. બાળાસાહેબની શિવ સેના વેરવિખેર થતી ચાલી.
નેતાગીરીનો વારસો પુત્ર ઉદ્ધવ ઠાકરે અને પૌત્ર આદિત્ય ઠાકરે કને જતો નિહાળીને ભત્રીજા રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)નો અલગ ચોકો કર્યો. શિવ સેનાના મુખ્ય પ્રધાન રહેલા નારાયણ રાણે કોંગ્રેસગમન કરી ચુક્યા અને શિવ સેનાના પ્રથમ મુખ્ય પ્રધાન મનોહરપંત જોશી ભલે શિવ સેનામાં હોય, પણ છાસવારે રૂસણે બેસતા રહ્યા છે. ક્યારેક બાળાસાહેબના બ્લ્યુ-આઈડ બોય રહેલા છગન ભુજબળ હવે શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા છે. એ નાયબ મુખ્ય પ્રધાન પણ રહ્યા છે.
લોકસભાના અધ્યક્ષ અને કેન્દ્રમાં પ્રધાન રહેલા મનોહરપંત જોશી છેક ૧૯૬૬માં ઠાકરેએ કોંગ્રેસના ટેકે શિવ સેનાની સ્થાપના કરી ત્યારથી બાળાસાહેબના અનન્ય સાથી રહ્યા છે. મુંબઈના મેયર પણ રહ્યા છે. ઠાકરેનો પડ્યો બોલ ઝીલનાર મનોહરપંતને ઠાકરેપુત્ર ઉદ્ધવની સાથે વાંકું પડતું રહ્યું હોવા છતાં આજે ૭૯ વર્ષની વયે પણ એ શિવ સેનાના ગણમાન્ય નેતા છે. સ્વયં જોશી પણ ઉદ્ધવમાં બાળાસાહેબનો અવતાર નિહાળતાં એકલે હાથે સત્તામાં આવવાની ક્ષમતા જુએ છે!
શિવ સેનામાં અને મહારાષ્ટ્રમાં ‘સર’ તરીકે ઓળખાતા મનોહરપંત જોશીએ હમણાં અહમદનગરમાં ધડાકો કર્યો અને ભાજપ-શિવ સેનાની સરકારના ખટરાગમાં નવા વિખવાદનું ઉમેરણ કર્યું છે. હવેના ‘બિગ બ્રધર’ ભાજપની નેતાગીરીને જોશીની ‘ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક થાય તો શિવ સેના એકલે હાથે રાજ્યમાં સત્તામાં આવી શકે એટલી શક્તિશાળી છે’ એવું નિવેદન માફક આવે એવું નથી. અત્યાર લગી ભાજપના સર્વોચ્ચ નેતા નરેન્દ્ર મોદી શિવ સેનાના વર્તમાન પ્રમુખ ઉદ્ધવ બાળ ઠાકરે અને મનસેના પ્રમુખ રાજ શ્રીકાંત ઠાકરે બેઉને નર્તન કરાવતા રહ્યા છે. બેઉ છેલ્લી ચૂંટણીઓમાં મોદી ચાલીસાનું ગાન કરતા હતા. જોકે બંનેના રસ્તા ફંટાયેલા છે છતાં સત્તાકાજે શિવ સેનાથી મને-કમને ભાજપ સાથે ઘર માંડ્યા છતાં મહારાષ્ટ્રમાં જાણે કે વિરોધ પક્ષની ભૂમિકામાં હોય એ રીતે વર્તે છે.
મનામણાં-રિસામણાંનાં સત્રમાં ભાજપી મુખ્ય પ્રધાન ફડણવીસે હમણાં ટોણો મારવાની શૈલીમાં (મરાઠીમાં એને માટે ‘ટિંગળ’ શબ્દ છે) ઉદ્ધવે શિવ સેનાનો રિમોટ પોતાને સોંપ્યાની વાત કરીને વિવાદ વકરાવ્યો છે.
શિવ સેનાના નેતા મનોહરપંત જોશીનો રાષ્ટ્રવાદી કોંગ્રેસના સુપ્રીમો શરદ પવાર સાથે સારો ઘરોબો છે. જોકે બાળાસાહેબનો પણ પવાર સાથે જૂનો નાતો રહ્યો હોવા છતાં શિવ સેના નેતાઓનો શિકાર કરનાર પવારથી ‘માતોશ્રી’ એટલે કે વાંદરાસ્થિત શિવ સેના પ્રમુખનું નિવાસસ્થાન નારાજ રહેતું આવ્યું છે.
જોશી વાર-તહેવાર પવારને મળતા રહ્યા છે, પરંતુ હવે ઢળતી ઉંમરે નવું ઘર માંડવામાં એમને સંકોચ છે. ક્યારેક ‘માધુકરી’ પર જીવતા એટલે કે ચપટી લેવા આવતા બાવાની અવસ્થામાં મુંબઈમાં દિવસો ગુજારનાર મનોહરપંતે શિવ સેના અને પોતાના પ્રયત્નોથી અબજોનું સામ્રાજ્ય સ્થાપિત કરેલું છે. કોહિનૂર ટેકનિકલ ઈન્સ્ટિટ્યુટના સામ્રાજ્યની તો વાત જ નિરાળી છે.
શિવ સેનામાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચે સમાધાન કરાવવાની કોશિશો કરતા રહેલા મનોહરપંત હજુ પણ માને છે કે રાજ ઠાકરે એમના અલગ પક્ષનો વાવટો સંકેલી લઈને ફરી સ્વગૃહે પાછા ફરે તો શિવ સેનાને મહારાષ્ટ્ર પર શાસન કરવા માટે ભાજપની જરૂર ના પડે. જોકે મોદી યુગમાં જોશીનું આ દિવાસ્વપ્ન સાકાર થવાની શક્યતા નથી કારણ શિવ સેનાના ગઢમાં ક્યાં, ક્યારે, કેવાં બાકોરાં પાડવાં એની કુનેહ નરેન્દ્રપંત સુપેરે ધરાવે છે.
ઉપરાંત વડા પ્રધાન મોદીને વિરોધી ભાષાવાળાઓને રાજકીય રીતે પૂરા કરવામાં સવિશેષ રસ રહે છે. ઉદ્ધવ અને રાજ અલગ રહીને મોદીનાં ગુણગાન કરતા રહે, પણ ભેળા થાય નહીં એવી વ્યૂહરચના, મહારાષ્ટ્રમાં ‘બિગ બ્રધર’ તરીકે હવે સ્થાપિત થયેલી, ભારતીય જનતા પાર્ટીની રાજ્યથી લઈને રાષ્ટ્રીય સ્તર સુધી રહી છે.
શિવ સેનામાં રાજના ભળવાની વાત ચાલી રહી હોય ત્યાં શિવ સેના પ્રમુખ બાળ ઠાકરેની અબજોની સંપત્તિને લઈને નિતનવા વિવાદ સર્જાતા રહ્યા છે. બાળાસાહેબના ત્રણ પુત્રો જયદેવ ઠાકરે, બિંદુ માધવ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેમાંથી બિંદુ માધવનું તો અગાઉ નિધન થઈ ચૂક્યું છે. બાળાસાહેબ જીવિત હતા ત્યારે જ એમણે મોટા દીકરા જયદેવને ઠાકરે પરિવારથી ફારેગ કર્યો હતો. એની સાથે છૂટાછેડા લીધા પછી ય તેની પૂર્વ પત્ની સ્મિતા ઠાકરેના બાળાસાહેબના નિવાસ ‘માતોશ્રી’માં રહેવા વિશે પણ જયદેવે અગાઉ અનેક વિવાદ સર્જ્યા હતા.
સ્મિતા ઠાકરે જાણીતાં ફિલ્મનિર્માતા છે. ઉદ્ધવ અને એમનાં પત્ની રશ્મિ સાથે તેમને અણબનાવ રહ્યા છતાં સ્મિતાને ઘરબહાર હડસેલવાનું તેમના માટે પણ શક્ય નહોતું. જયદેવે ૩૧ જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ અદાલતમાં દાખલ કરેલી ફરિયાદમાં બાળાસાહેબની સંપત્તિમાં પોતાનો હિસ્સો માંગ્યો હતો. હવે એક વર્ષ પછી એણે વડી અદાલતમાં નવી ફરિયાદ દાખલ કરીને સંપત્તિ વિવાદને વધુ વકરાવ્યો છે. જયદેવની નવી અદાલતી ફરિયાદ આવતા મહિને સુનાવણી માટે આવશે એટલે રાજકીય દૃષ્ટિએ ગૂંચવાયેલા ઉદ્ધવ ઠાકરે માટે નવી ઉપાધિ ડોકું ફાડીને રાહ જોઈ રહી છે.
જોકે, સામાન્ય રીતે બાળ ઠાકરે અને રાજ ઠાકરેની આક્રમક શૈલીથી વિપરીત ઉદ્ધવ ઠાકરે ઠંડા કલેજે રાજકીય દાવપેચ રમવા માટે જાણીતા છે. તેમના નેતૃત્વમાં શિવ સેના સંગઠિત રહી છે એટલું જ નહીં, થોડી ઘણી દ્વિધાભરી રાજકીય જોડાણની સ્થિતિ છતાં એમણે ભાજપ સાથેનો સત્તામોરચો ટકાવી રાખ્યો છે. શિવ સેના ગમે ત્યારે સત્તામોરચામાંથી નીકળી જવાની ધમકી ઉચ્ચારે છે ત્યારે એનો ખાલીપો ભરવા પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ તૈયાર જણાય છે. પવારના ભત્રીજા અજિતદાદા પવાર અને કેન્દ્રમાં ઊડ્ડયન પ્રધાન રહેલા સાથી પ્રફુલ્લ પટેલ વિરુદ્ધ કૌભાંડોની તપાસની ચોટલી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાથમાં હોવાથી કોંગ્રેસ સાથે યુતિ ધરાવનાર પવાર ઘણી બધી બાબતોમાં મોદીના રાજકારણ ભણી ઢળતા રહે છે. આવતા દિવસોમાં મુંબઈ ભણી સૌની મીટ રહેશે.
(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)