ભારતની સૌથી સમૃદ્ધ મહાનગરપાલિકા ગણાતી મુંબઈની આગામી ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૭ના રોજ યોજાનારી ચૂંટણીમાં ત્રણ દાયકાથી વધુ સમયથી મિત્રપક્ષ રહેલા શિવસેના અને ભારતીય જનતા પક્ષ વચ્ચેની યુતિ તૂટી જતાં પ્રતિષ્ઠાનો જંગ જોવા મળે છે. લગભગ ૪૦ હજાર કરોડ રૂપિયાના વાર્ષિક બજેટની આ મહાનગરપાલિકા પર બાળ ઠાકરેની શિવસેના એના બદલાતા જતા અથવા નવા ઉમેરાતા સાથી પક્ષો સાથે દાયકાઓથી શાસન કરે છે. ભાજપ અહીં એનો નાનો ભાઈ હતો ત્યાં લગી વાંધો નહોતો. ૧૯ જૂન ૧૯૬૬ના રોજ કોંગ્રેસના ટેકે મરાઠી રાષ્ટ્રવાદ અને હિંદુ રાષ્ટ્રવાદનો ઝંડો લઈને શિવતીર્થ (શિવાજી પાર્ક) શાખાના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના બાળ સ્વયંસેવક બાળ ઠાકરેએ શિવસેનાની સ્થાપના કરી હતી.
૧૯૭૫થી ૭૭ લગીની ઈમર્જન્સી દરમિયાન વડાં પ્રધાન ઈંદિરા ગાંધીના ટેકેદાર રહેલા ઠાકરેએ ‘પ્રેક્ટિકલ સોશિયલિઝ’ના ‘નવાકાળ’કાર નીળુભાઉ ખાડિલકરના વિચારને સ્વીકારીને ૧૯૮૨માં શરદ પવાર, જ્યોર્જ ફર્નાન્ડિઝ સાથે મળીને કોંગ્રેસવિરોધી ત્રિમૂર્તિ મેળાવાનું આયોજન કર્યું હતું.
એ પછી છેક ૧૯૬૬માં સ્થપાયેલી શિવસેનાનું પહેલું અધિવેશન ૨૨-૨૩ જાન્યુઆરી ૧૯૮૪ દરમિયાન દાદરસ્થિત સ્વાતંત્ર્યવીર સાવરકર સભાગૃહમાં યોજ્યું. હિંદુત્વની લહેર કોંગ્રેસ વિરુદ્ધ પ્રભાવી બનતી નિહાળીને ઠાકરેએ ભાજપ નેતા પ્રમોદ મહાજન મારફત રાષ્ટ્રીય નેતા લાલ કૃષ્ણ આડવાણી સાથે સંધાણ કરવામાં શ્રેય લેખ્યું. બસ, ત્યારથી અત્યાર લગી આ ભગવી યુતિ ઉબડખાબડ રસ્તે પણ ટકી.
૧૯૯૫-૯૯ દરમિયાન મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપની રાજ્ય સરકાર પણ આવી. કેન્દ્રસ્તરે ભાજપ અને રાજ્યસ્તરે શિવસેનાની બિગ બ્રધરની ભૂમિકા ટકી ત્યાં લગી અને બાળાસાહેબ હયાત હતા ત્યાં લગી બધું સમુંસૂતરું ચાલ્યું. એ પછી મોદીનિષ્ઠ ભાજપ અને ઉદ્ધવ બાળ ઠાકરે નિષ્ઠ શિવસેના વચ્ચે ખટરાગ સાથે રાજકીય સંવનન ચાલ્યું. મહારાષ્ટ્ર સરકાર અને કેન્દ્ર સરકારમાં ભાજપના લઘુબંધુ તરીકેની ભૂમિકા શિવસેનાને ખૂબ કઠી. હવે મુંબઈ નગરપાલિકામાં યુતિ તૂટી છતાં મહારાષ્ટ્ર સરકારમાં શિવસેનાના પ્રધાનો ‘ખિસ્સામાં રાજીનામાં લઈ ફરે છે.’ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીના ૨૩ ફેબ્રુઆરીએ પરિણામ એ પછી ભગવી યુતિ રાખવી કે તોડવી એ નક્કી થશે, પણ મોતી ભાંગ્યું છે એટલે એ રેણ કરીને ઝાઝું નહીં જ ટકે.
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ગુજરાતી મતદારોની નિર્ણાયક ભૂમિકા રહે છે. ‘પાસ’ (પાટીદાર અનામત આંદોલન સમિતિ) નેતા હાર્દિક પટેલનાં માનપાન ઠાકરે પરિવાર તરફથી થવા પાછળ આ જ કારણ છે. આ પહેલાં શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(એનસીપી)માંથી હેમરાજ શાહનું શિવસેનામાં જોડાવું એ પણ ભાજપની ગુજરાતી વોટબેંકમાં બાકોરું પાડવાના વ્યૂહનો એક ભાગ ગણાવી શકાય.
સેનાનું મુસ્લિમ લીગ - હાજી મસ્તાન કનેક્શન
સત્તાપ્રાપ્તિ અને સત્તાને ટકાવવા માટે ઘણાં કજોડાં યોજાતાં રહે છે. કોંગ્રેસ સરકારના પ્રધાન બાળાસાહેબ દેસાઈના ઈશારે ૧૯૬૬માં બાળ ઠાકરેને શિવસેનાની સ્થાપનાની પ્રેરણા મળી હતી. એની પાછળની ભૂમિકા બહુ સ્પષ્ટ હતી. મુંબઈમાં ગુજરાતી અને મારવાડી માલિકોની કાપડ મિલોમાં ડાબેરી-કોમ્યુનિસ્ટ કામદાર સંગઠનની જોહુકમી અને હડતાળ થકી માલિકો પરેશાન હતા. ઓછામાં પૂરું, આ લાલબાગ-પરેલ વિસ્તારમાં કૃષ્ણા દેસાઈ નામના ડાબેરી કામદાર નેતા ધારાસભ્ય બન્યા એટલે ધારાસભામાં પણ કોંગ્રેસી સરકારની ફજેતી કરતા હતા. શિવસેનાની સ્થાપના થઈ. કૃષ્ણા દેસાઈની હત્યા થઈ, બેઠક ખાલી પડી. એ બેઠક પરથી શિવસેનાના વામનરાવ મહાડિક ચૂંટાયા. શિવસેનાનો રાજકીય પ્રવેશ અને હાક વાગવાની શરૂઆતમાં કોંગ્રેસ સરકારનો સાથ રહ્યો.
સમયાંતરે મુંબઈ મહાનગરપાલિકામાં કોંગ્રેસના વળતાં પાણી થયાં અને શિવસેનાએ મુસ્લિમ લીગ (જી. એમ. બનાતવાલાના નેતૃત્વવાળી) સાથે જોડાણ કરવાથી લઈને દાણચોર તરીકે નામચીન હાજી મસ્તાનની દલિત તથા લઘુમતી માટેની પાર્ટી સાથે જોડાણ કરીને પણ પોતાના મેયરને ચૂંટવા સુધી પ્રગતિ કરી. છેલ્લા દિવસોમાં તો શિવસેના, ભાજપ અને મસ્તાન પાર્ટીની યુતિ ચાલી.
ખંડણીખોર સેના ભાજપીમિત્ર
મિત્રો દુશ્મન થાય ત્યારે હમામ (સ્નાનગૃહ)ની વાતો બહાર લાવે એવો માહોલ અત્યારે રચાયેલો છે. શિવસેનાની છબિ ખંડણી ઉઘરાવનારાઓની પાર્ટી તરીકેની હતી ત્યારે પણ ભાજપ મુંબઈ અને મહારાષ્ટ્રની સરકારમાં શાસનમાં સાથે રહ્યાં છે. હવે વાંધો પડ્યો એટલે ભાંડણલીલા શરૂ થઈ છે. ઉદ્ધવ ઠાકરે ભાજપી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને બદલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જ પડકારે છે. ફડણવીસ નાગપુરના છે. ભાજપના ચૂંટણીઢંઢેરામાં અલગ વિદર્ભ રાજ્ય આપવાનો સમાવેશ છે. સામા પક્ષે શિવસેના મહારાષ્ટ્રના વિભાજનની વિરુદ્ધમાં છે. સંઘની નેતાગીરી તરફથી મહારાષ્ટ્રનાં ચાર રાજ્યોની વાતને આગળ કરાય છે. ડો. બાબાસાહેબ આંબેડકર પણ રાજ્યનાં ચાર રાજ્યો કરવાના પક્ષે હોવાની વાત ચર્ચામાં છે. આવા સંજોગોમાં ભાંજગડ વધે છે.
હજુ તો મહારાષ્ટ્ર સરકારના ૩૮ પ્રધાનોના પ્રધાનમંડળમાં ૧૩ પ્રધાનો શિવસેનાના છે છતાં ભાજપી નેતાગીરી શિવસેનાને ગુંડાઓની પાર્ટી અને ખંડણીખોર ગણાવે છે.
દાઉદ, પપ્પુ કલાની અને મોદી-શાહ
શિવસેનાના મુખપત્ર ‘સામના’માં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનાં આગ ઝરતાં નિવેદન રોજેરોજ છપાય છે. ભાજપ ઉલ્હાસનગરના જેલવાસી ગેંગસ્ટર પપ્પુ કલાનીથી લઈને દાઉદ ઈબ્રાહિમને પોતીકા ગણે છે અને એ બેઉની તસવીરો પોતાનાં પોસ્ટર પર નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે મૂકે એવી ગર્જના શિવસેના કરે છે.
રાજ્યની ૧૦ મહાનગરપાલિકામાં ચૂંટણી છે. મુંબઈ ઉપરાંત ઉલ્હાસનગરમાં પણ છે. ઉલ્હાનસગરમાં ભાજપની કાલની સાથે યુતિ છે. શિવસેના પોતાને છત્રપતિ શિવાજીની વારસ ગણાવે છે. વડા પ્રધાન મોદીએ સમુદ્રમાં શિવાજી સ્મારકના કામકાજને પાલિકા ચૂંટણીને કેન્દ્રમાં રાખીને લીલી ઝંડી આપ્યાનો આક્ષેપ કરે છે.
શિવસેનામાં ફાટફૂટ અને પક્ષાંતર
આરએસએસના પ્રવક્તા રહેલા મા. ગો. વૈદ્ય વારંવાર નિવેદન કરીને નવા વિવાદ સર્જે છે. એમણે શિવસેનાના પ્રધાનોનાં રાજીનામાં ખિસ્સામાં રાખવા માટે નહીં, આપવા માટે હોય, પણ આપે તો બળવો થાય એવું કહ્યું છે. વૈદ્યનું કહેવું છે કે રાજ્યના શિવસેના પ્રમુખ સુભાષ દેસાઈ સારું કામ કરે છે, એટલે રાજીનામું આપવાને બદલે એ સેનામાં બળવો કરે. જોકે, ૧૧ ફેબ્રુઆરીએ સુભાષ દેસાઈ સાથે આ લખનારે વાત કરી ત્યારે એમણે કહ્યુંઃ ‘મુંબઈ મહાનગરપાલિકામાં શિવસેનાનો મેયર બેસશે. પછી પ્રધાનોની વાત.’ અગાઉ શિવસેનાના મુખ્ય પ્રધાન રહેલા નારાયણ રાણે અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન રહેલા છગન ભુજબળ શિવસેનાથી કોંગ્રેસ ભણી ગતિ કરી ગયા છે. બાળ ઠાકરેના ભત્રીજા રાજ ઠાકરેએ પણ બળવો કરીને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ) રચી છે. લોકસભાના સ્પીકર અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન રહેલા મનોહરપંત જોશી હજુ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેને ભેગા થવા સમજાવી રહ્યા છે. જોકે, આ વખતે ૨૩ ફેબ્રુઆરીએ સેના અને ભાજપનાં પાણી મપાઈ જશે.
(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)