બ્રિટિશ ઇન્ડિયાના ભારત અને પાકિસ્તાનમાં ભાગલાને સાત-સાત દાયકા વિત્યા છતાં હજુ મુંબઈના ઝીણા હાઉસ(સાઉથ કોર્ટ મેન્શન)ની માલિકીનું કોકડું ગૂંચવાયેલું જ રહ્યું છે. હમણાં વાવડ આવ્યા છે કે ઝીણા હાઉસને પોતાના સ્વપ્નના મહાલય તરીકે બંધાવનાર બેરિસ્ટર મોહમ્મદ અલી ઝીણાના દોહિત્ર અને મુંબઈના ઉદ્યોગપતિ નસલી વાડિયાનો આ સંપત્તિના વારસદાર તરીકેનો દાવો અદાલતે દાખલ કર્યો છે.
વર્ષ ૨૦૦૭માં મુંબઈની હાઇ કોર્ટમાં દીના વાડિયાએ ઝીણા હાઉસ માટે દાવો કર્યો હતો. હવે દીનાના ૨૦૧૭માં મૃત્યુ પછી એમના કાયદેસરના વારસ તરીકે નસલીએ અબજો રૂપિયાની મનાતી આ સંપત્તિ માટે દાવો કર્યો છે. ભારત સરકારે પોતાના ધારાશાસ્ત્રી એ. એમ. શેઠના મારફત આ દાવાને પડકાર્યો છે. વળી, ઝીણા હાઉસ જે વિસ્તારમાં આવે છે તે વાલકેશ્વરના ભાજપી ધારાસભ્ય અને બિલ્ડર મંગળ પ્રભાત લોઢાએ તો દેશના ભાગલાની નિશાની ગણાતી આ ઈમારતને તોડી પાડીને અહીં સાંસ્કૃતિક કેન્દ્ર બાંધવાનો સરકારને અનુરોધ કર્યો છે.
અગાઉ પાકિસ્તાન સરકારે ઝીણા હાઉસમાં પોતાનો દૂતાવાસ શરૂ કરવા માટે મહાલયની માંગણી કરી હતી. ભારત સરકારે એને ફગાવી દીધી હતી. સામાન્ય રીતે ભાગલા વખતે સ્થળાંતરિત થનારાઓની સંપત્તિને દુશ્મન સંપત્તિ જાહેર કરીને હસ્તગત કરી લેવાતી હોય છે. જોકે ઝીણાની ઈચ્છાને માન આપીને એમના સ્વપ્નના મહાલયને અત્યાર સુધી અકબંધ જાળવી રખાયું છે. મુંબઈ હાઇ કોર્ટના ન્યાયાધીશો રણજીત મોરે અને અંજુ પ્રભુદેસાઈની ખંડપીઠ સમક્ષ વિચારાધીન આ બહુચર્ચિત ખટલો ક્યારે કેવો વળાંક લેશે, એ કહેવું મુશ્કેલ છે.
દીના પિતાના જીવતે પાકિસ્તાન ના ગયાં
બોમ્બે ડાઈંગ ગ્રુપ, બ્રિટાનિયા અને ગો-એરના સંચાલક એવા નસલી વાડિયા સત્તારૂઢ ભાજપ સાથે નિકટતા ધરાવતા રહ્યા છે. પાકિસ્તાનના નિર્માતા કાયદ-એ-આઝમ ઝીણા અને તેમનાં પારસીમાંથી મુસ્લિમ થયેલાં પત્ની રુટી કે રતનબાઇ પીટીટનું એકમાત્ર સંતાન દીના હતાં. ૪૨ વર્ષના બેરિસ્ટર ઝીણાએ પોતાના મિલમાલિક મિત્ર સર દિનશા પીટીટની ૧૮ વર્ષની કન્યા રુટી સાથે વિવાદ વચ્ચે પ્રેમલગ્ન કર્યાં હતાં. રુટીની માતા સાયલા તાતા-પીટીટ એ દેશના ટોચના ઉદ્યોગપતિ જે. આર. ડી. તાતાનાં બહેન હતાં. મુંબઈના પારસીમાંથી ખ્રિસ્તી થયેલા ઉદ્યોગપતિ નેવિલ વાડિયા સાથે દીનાએ પણ પિતાની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કર્યાં હતાં. જોકે એ લગ્ન ઝાઝાં ટક્યા નહીં, પણ તેમને આ લગ્નથી એક પુત્ર નસલી અને એક દીકરી હતાં.
૧૯૯૬માં મૃત્યુ પામેલા નેવિલ સ્વિત્ઝર્લેન્ડમાં રહેતા હતા અને ૨૦૧૭માં મૃત્યુ પામેલાં દીના ન્યૂ યોર્કમાં રહેતાં હતાં. વર્ષ ૧૯૪૬માં એ પોતાના પિતા ઝીણાને છેલ્લે મળ્યાં હતાં. પિતાની કલ્પનાનું પાકિસ્તાન મળ્યા પછી એ જીવતા હતા ત્યાં લગી દીના ક્યારેય પાકિસ્તાન ગયાં નહોતાં. જોકે ૧૯૪૮માં ઝીણાની અંતિમવિધિમાં સામેલ થયાં હતાં. એ પછી ક્રિકેટ મેચ જોવા નિમિત્તે પુત્ર નસલી અને પૌત્રો સાથે પાકિસ્તાન ગયાં હતાં.
મુસ્લિમ લીગના વિરોધી ઝીણા
એ પણ શું જમાનો હતો કે કરાચીમાં જન્મેલા નામદાર આગાખાન સર સુલતાન મુહમ્મદ શાહ અને મેરઠમાં જન્મેલા ઢાકાના નવાબ વકાર ઉલ માલિક (મુસ્તાક હુસૈન ઝુબેરી)ના નેતૃત્વમાં મુસ્લિમ લીગની સ્થાપના માટે આશીર્વાદ મેળવી રહ્યા હતા, ત્યારે કરાચીમાં જન્મેલા કોંગ્રેસી બેરિસ્ટર મોહમ્મદ અલી ઝીણાએ પોતાના ગઢ મુંબઈમાંથી આ મુસ્લિમ લીગની સ્થાપનાનો જ વિરોધ કર્યો હતો. તેમણે તો એને ભારતને તોડવાનું કાવતરું લેખાવ્યું હતું. એ વેળા ઝીણાના સચિવ રહેલા જસ્ટિસ મોહમ્મદઅલી કરીમ (એમ.સી.) ચાગલાએ આત્મકથા ‘રોઝીઝ ઇન ડિસેમ્બર’માં આ વાતને વિગતે નોંધી છે.
મુસ્લિમ લીગના પહેલા માનદ અધ્યક્ષ નામદાર આગાખાન અને ઢાકાના નવાબના નેતૃત્વમાં ઓક્ટોબર ૧૯૦૬માં અંગ્રેજ વાઇસરોય લોર્ડ મિન્ટોને સિમલામાં મળીને મુસ્લિમોના હિત માટેના આશીર્વાદ મેળવી રહ્યા હતા. સમયાંતરે મુસ્લિમ લીગની સ્થાપનાના વિરોધી ઝીણા જ મુસ્લિમ લીગના સુપ્રીમો તરીકે દેશને તોડીને ઓગસ્ટ ૧૯૪૭માં પાકિસ્તાન મેળવવાનું નિમિત્ત બન્યા! જે ના તો ધાર્મિક માણસ હતા, ના ઇસ્લામના મૂળ સિદ્ધાંતોના અનુયાયી અને આચરણ કરનાર હતા, એવા ઝીણાએ ‘હિંદુ અને મુસ્લિમ બંને અલગ રાષ્ટ્ર છે’ એવા દ્વિ-રાષ્ટ્રના સિદ્ધાંતને આધારે મુસ્લિમો માટે અલગ પાકિસ્તાન મેળવ્યું. એ વેળાના પાકિસ્તાનમાં અત્યારના પાકિસ્તાન ઉપરાંત બાંગલાદેશ (પૂર્વ પાકિસ્તાન)નો પણ સમાવેશ હતો.
ઝીણાનો પશ્ચાતાપ અને વતનઝૂરાપો
પોતાના સ્વપ્નના રાષ્ટ્રની પ્રાપ્તિ પછી એકાદ વર્ષમાં ઝીણાનો ઇન્તકાલ થયો. જોકે એ પહેલાં પાકિસ્તાનના રચયિતા અને પહેલા ગવર્નર-જનરલ ઝીણાએ રાજધાની કરાંચીમાં ભારતીય હાઈકમિશનર શ્રીપ્રકાશને તેડાવીને પોતાનો વતન ઝૂરાપો વર્ણવ્યો હતો. એમણે ભારત પરત આવવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. એમણે મુંબઈમાં બાંધેલા પોતાના સ્વપ્નના મહાલય ઝીણા હાઉસમાં આવીને રહેવું હતું. તેમણે ભારતીય વડા પ્રધાન અને એકસમયે આઝાદીની લડતના સાથી એવા પંડિત નેહરુને સંદેશ પાઠવીને ઝીણા હાઉસને હસ્તગત નહીં કરવાની વિનંતી કરી ત્યાં આવીને રહેવાની પોતાની ઈચ્છા પહોંચાડી હતી.
શ્રીપ્રકાશે પોતાનાં સંસ્મરણોમાં આ વાતને નોંધી છે અને ઉમેરણ પણ કર્યું છે કે જૂનાગઢના નવાબ મહાબતખાનજી ત્રીજાને પણ પાછા ફરવાની ઈચ્છા હતી. એમણે જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડ્યું હતું, પણ સરદાર પટેલની કુનેહથી થોડાક મહિનામાં આરઝી હકૂમતના માધ્યમથી જૂનાગઢને ભારતમાં ભેળવી દેવાયું હતું. પૂર્વ પાકિસ્તાન છૂટું પડતાં ઝીણાનો દ્વિ-રાષ્ટ્રનો સિદ્ધાંત ૧૯૭૧માં વિફળ સાબિત થયો હતો. તાનાશાહ અયુબખાનના અનુગામી જનરલ યાહ્યાખાન અને તેમની ફોજની અત્યાચારી નીતિને પ્રતાપે ભારતીય વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી અને લશ્કરી દળોના સહયોગથી વર્ષ ૧૯૭૧માં પૂર્વ પાકિસ્તાન બંગબંધુ મુજીબુરહેમાનનું બાંગલાદેશ બની શક્યું હતું.
વર્ષો સુધી દીકરી સાથે અબોલાં
કાઇદ પોતાની દીકરી સાથે એનાં પ્રેમલગ્ન બાબતે નારાજ હતા અને વર્ષો સુધી મુંબઈમાં હોવા છતાં અબોલાં પણ રહ્યાં, પણ બાપ પર હુમલો થયો ત્યારે દીકરી દોડી ગઈ હતી. કઠોર દિલના મનાતા ઝીણા પણ છેલ્લે ૧૯૪૬માં દીકરી અને તેનાં બંને સંતાનોને મળ્યા હતા, લાડ કર્યાં હતાં. જોકે પાકિસ્તાનની વાતને માન્યતા મળી ત્યારે કાઇદે દીકરીને ફોન કર્યો અને બંનેએ એ માટે હરખ કર્યો હતો.
જોકે ઓગસ્ટ ૧૯૪૭માં પિતા પાકિસ્તાન ગયા અને એના ગવર્નર જનરલ બન્યા ત્યારે દીના એમની સાથે ગઈ નહોતી. ઝીણાની સાથે તેમનાં બહેન ફાતિમા ગયાં. બીજી બહેનોનો પરિવાર પણ મુંબઈ જ રહ્યો હતો. દીનાની જિંદગી એમણે એકાકી અવસ્થામાં પસાર કરી. તેમ છતાં કેટલાક ઇતિહાસકારોના મતથી વિપરીત પિતા-પુત્રી વચ્ચે પ્રેમસંબંધ કાયમ જળવાયો હતો.
નેવિલ વાડિયા પોતાનું ઉદ્યોગ સામ્રાજ્ય વેચી મારીને વિદેશ સ્થાયી થવા આતુર હતા, પણ એ વેળા માત્ર ૨૬ વર્ષના નસલી વાડિયાએ માતા અને બહેનના શેર થકી કંપનીને વેચાતી બચાવી. ૧૯૭૭ સુધી નેવિલ બોમ્બે ડાઈંગના ચેરમેન રહ્યાને એ પછી નસલીએ એનો હવાલો સંભાળી લીધો. પોતાના નાના પાકિસ્તાનના રચયિતા હોવા છતાં નસલીને પોતાના મુંબઈના ઘરમાં એમની વિશાળ છબિ મૂકવાનો આજે ય છોછ નથી!
(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)