ભારતીય રાજકારણને સંપૂર્ણપણે પચાવીને નરેન્દ્ર દામોદરદાસ મોદીએ રીતસર પોતાના વશમાં કર્યું છે. એ વડા પ્રધાન હોવાની સાથે જ ભારતીય જનતા પક્ષના એકમેવ તારણહાર છે.
સવારે જે નેતાઓ કે કર્મશીલો કે પછી ઝોલાવાળા (એનજીઓવાળા) કોંગ્રેસ કે કમ્યૂનિસ્ટ કે પછી તૃણમૂલ સાથે હોય એ સાંજ પડતાં જ ‘નરેન્દ્રભાઈના વિકાસ થકી શાસનથી પ્રભાવિત થઈને’ હજુ ગઈકાલ સુધી જે ભારતીય જનતા પક્ષને ગાળો દીધી હોય કે એની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ને ભાંડવામાં કોઈ મણા રાખી ના હોય કે પછી વ્યક્તિગત રીતે ‘મોદીની સંહારલીલા ૨૦૦૨ સામે ધરણાં’ કરવાની જેમણે કસમ ખાધી હોય, તેઓ કોઈક જાદૂઈ અસર હેઠળ હૃદયપરિવર્તનની અનુભૂતિ કરે અને જાહેર કરે કે સમગ્ર દેશના એકમેવ તારણહાર નરેન્દ્ર મોદી અને તેમના હનુમાન નામે અમીત શાહ જ છે. સાંજે તો ભાજપના ભગવો ખેસ પહેરાવાય અને સંબંધિત નેતા, કર્મશીલ કે પછી ઝોલાવાળાને રીતસર ભાજપમાં પ્રવેશ સાથે છોગામાં ભાજપની લોકસભા, વિધાનસભા કે અન્ય ટિકિટ આપીને મીડિયાની સાક્ષીએ ઈટાલિયન અમ્માની કોંગ્રેસને ભાંડતાં કે અણ્ણા હજારેના સાથી રહેલા અરવિંદ કેજરીવાલને ભાંડતાં નિવેદનો દેશ-વિદેશમાં અને ફેસબુક-ટ્વિટર પર ફોટોસહ વહેતાં થાય.
ક્યારેક સિદ્ધાંતોની નાગચુડમાં વીંટળાઈને વિપક્ષે બેસવાની હેસિયત કેળવનારી જનસંઘ-ભાજપ ‘ગુજરાતના ચાણક્ય’ નરેન્દ્ર મોદીના વ્યૂહ થકી સત્તાના સિંહાસને આરૂઢ થઈ રહી છે અને ક્યારેક દુનિયાભરમાં ખલનાયક તરીકે પ્રસારિત ગુજરાતના આ નાયકનાં ઓવારણાં લેવા માટે દેશ-વિદેશના હૂઝ હૂની કતારો લાગે છે. હવે સિદ્ધાંતોની વાતો કે બૌદ્ધિકો સંઘ-વિશ્વ હિંદુ પરિષદની શાખાઓ કે ત્રિશૂળ વિતરણ સમારંભો પૂરતી સીમીતિ ઘટનાઓ બની રહ્યાં છે. સત્તાના સિંહાસને પહોંચવા માટે મોદી નામના પારસમણિનો સ્પર્શ વર્તમાન ભારતીય રાજકારણને ચમત્કારિક અસર કરી રહ્યો છે. સંઘ પરિવારને સત્તારોહણ માફક આવ્યું છે. ચણા-મમરા ખાઈને રડીખડી વિપક્ષની બેઠકો મેળવી ઉહાપોહ મચાવીને મીડિયામાં નેહરુ કે ઈન્દિરા કે પછી રાજીવ - સોનિયા - રાહુલને ભાંડવાથી મીડિયામાં ઝળકવા પૂરતો સીમિત આનંદ કે થોડાં કામ કઢાવી લેવાની વૃત્તિ-પ્રવૃત્તિ કરતાં મોદીને મારગ ચાલીને દોમદોમ સાહ્યબીના સુવર્ણયુગમાં તેમનો પ્રવેશ આનંદપર્વની અનુભૂતિ કરાવે છે.
જે કોંગ્રેસના નેતા ડો. કેશવ બલિરામ હેડગેવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી અને દ્વિતીય સરસંઘચાલક એવા માધવ સદાશિવ ગોલવલકર (ગુરુજી)એ ઉધારીના હિંદુ મહાસભાના બંગાળી નેતા ડો. શ્યામાપ્રસાદ મુખરજીને લઈને જનસંઘની સ્થાપના કરાવી હતી એના ભાજપી ફરજંદ ક્યારેક કોઈના ટેકે રાજ સિંહાસને પહોંચતાં હતાં, તેર દિવસ કે તેર મહિના કે પછી માંડ ચાર વર્ષના વાજપેયી યુગથી ધન્ય ધન્ય થતાં હતાં, એ બધાને માટે આજે મોદીનો સુવર્ણ સત્તાયુગ સોળે કળાએ હિંદુ પતપાદશાહીના નવઅવતારની જેમ ઊગ્યો છે.
ક્યારેક જનસંઘ-ભાજપ કોંગ્રેસના રિજેક્ટેડ માલ પર પોતાનો વ્યાપ વધારવાનો પ્રયાસ કરવાની મથામણમાં બિચારા-બાપડાની અનુભૂતિ કરતા હતા. આજે મોદીના ભાજપનો ફડકો કોંગ્રેસ કે તૃણમૂલને એવો તો છે કે ક્યારે ભરદરબારમાં એમનું ચીરહરણ થશે એનાથી આંતકિત છે. મોદી ગુજરાત સર કરીને સમગ્ર ભારત પર વિજયપતાકા લહેરાવીને વિશ્વવિજય માટેના અશ્વમેઘ માટે ઘોડો છુટ્ટો મૂકી ચુક્યા છે.
ઉધારીના નેતાઓથી પોતાનાં તરભાણાં ભરવા જતાં ક્યારેક કેવી વિવશતા અનુભવવી પડતી એ લાચારયુગના અભ્યાસી નરેન્દ્ર દામોદરદાસ મોદીએ હવે સામ, દામ, દંડ કે ભેદની ચાણક્યનીતિને અપનાવીને ક્યારેક ચાણક્યની ભૂમિકામાં હતા એ હવે સંપૂર્ણ રીતે રાજા ચંદ્રગુપ્ત મૌર્યની ભૂમિકામાં આવી ચૂક્યા છે. પક્ષમાંય બધાને હંફાવીને હવે રાજકારણને સર કરી રહ્યા છે.
કોંગ્રેસ ક્યારેક હિંદુ પાર્ટી હતી. આજે કોંગ્રેસને મુસ્લિમ અને ખ્રિસ્તી પાર્ટીના વાઘા પહેરાવીને આતંકવાદ કે ઈટાલી સાથે જોડીને ભાજપ ભણી સમગ્ર દેશની હિંદુ વોટબેંકને વાળવામાં મોદી સફળ રહ્યા છે. મુસ્લિમ - ખ્રિસ્તી નેતાઓ અને પ્રજાને પોતાને ત્યાં કોંગ્રેસી કે સમાજવાદી કે કમ્યુનિસ્ટી કુશાસનમાંથી મુક્ત કરાવવાનો મોદીનો વિકાસમંત્ર એક બાજુ હિંદુ વોટબેંકને મજબૂત કરે છે, અસ્સલ ગુજરાતની જેમ જ, અને બીજી બાજુ સત્તાના સિંહાસને આવ્યા પછી વશ કરવા જેવાઓને ‘સાથે આવો અથવા અસ્તિત્વ ગુમાવી દ્યો’ની ફરજ પાડી રહ્યો છે. હિંદુ પતપાદશાહીનો શિવાજી યુગ માત્ર ચાર વર્ષનો હતો એ ઈતિહાસ સુપેરે જાણનાર મોદી આવતા દાયકાઓના શાસક બની રહેવા યેનકેન પ્રકારેણ સર્વસત્તાધીશ બની રહ્યા છે. ક્યારેક કોંગ્રેસી વડા પ્રધાનના કહ્યાગરા પ્રમુખ દેવકાન્ત બરુઆ ‘ઈંદિરા ઈઝ ઈન્ડિયા’ અને ‘ઈન્ડિયા ઈઝ ઈંદિરા’નો રાગ આલાપતા હતા. એ વાત પણ મોદીએ ગૂંજે બાંધીને એનાં દુષ્પરિણામોનું ડિસેક્શન કરીને સત્તાના કેન્દ્રમાં પોતે જ રહે અને પોતે જ ‘શોટ કોલ’ કરે એવા વ્યૂહ રચ્યા છે.
૧૯૬૭ની ચૂંટણી વખતે ઈંદિરા ગાંધીની કોંગ્રેસ નબળી પડી અને સામ્યવાદીઓના ટેકે નૈયાને ડૂબતી બચાવવાની એની વિવશતા વખતે ઈંદિરા મિત્ર રાજમાતા વિજયરાજે સિંધિયા અને જનસંઘ તેમ જ સમાજવાદી નેતાઓ તેમ જ કોંગ્રેસના અસંતુષ્ટોથી સંયુક્ત વિધાયક દળ (સંવિદ)ની સરકારો કેટલાક પ્રાંતોમાં રચાઈ અને તૂટી હતી. એ પછીના દાયકામાં ઈંદિરા ગાંધીની ઈમરજન્સી પછી કેન્દ્રમાં મોરારજી દેસાઈ જેવા સમર્થ કોંગ્રેસી નેતાના નેતૃત્વમાં જનતા પાર્ટીના શંભુમેળાની સરકાર બની ત્યારે ભગવી બ્રિગેડના અટલ બિહારી વાજપેયી અને લાલ કૃષ્ણ અડવાણીનું સત્તા-બ્રહ્મચર્ય તૂટ્યું હતું. એ વેળા પણ હરિયાણામાં ડો. મંગલ સેન જેવા જનસંઘી નેતા ભજનલાલના વડપણવાળી જનતા પાર્ટીની સરકારમાં બેઠા, પણ ભજનલાલે સ્વગૃહે પાછા ફરવા સમૂળી હરિયાણા સરકારને કોંગ્રેસી વાઘા ચડાવ્યા ત્યારે સિદ્ધાંતને ખાતર ડો. મંગલ સેન એમની સાથે ગયા નહોતા. ક્યારેક ભાજપના પ્રમોદ મહાજન ઉત્તર પ્રદેશના ડોન (બાહુબલિ) ગણાતા ડી. પી. યાદવને પક્ષમાં લાવ્યા, ત્યારે સાંજ પડતાં પહેલાં એમને (યાદવને) તગેડી મૂકાયા હતા. આજે હવે એવું રહ્યું નથી. ક્યારેક મોદીને ભાંડનારા સ્મૃતિ ઈરાની એમનાં લાડકાં કેન્દ્રીય પ્રધાન છે. શોહરાબુદ્દીન મુદ્દે ચોંટિયા ભરનારાં કિરણ બેદી મોદીના હનુમાનની સોડમાં બેસી દિલ્હીમાં ભાજપી મુખ્ય પ્રધાન તરીકે પ્રોજેક્ટ થાય છે. સમય સમયની બલિહારી છે.