વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે ઐતિહાસિક કામ કરવાની તક ભારત, પાકિસ્તાન અને બાંગલાદેશના મહાસંઘની રચનાની દિશામાં પહેલ કરવામાં છે. માત્ર વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી જીતવા માટે પાડોશી રાષ્ટ્રો સાથે યુદ્ધજવરની સ્થિતિ નિર્માણ કરવાની હાકાહીક તો ભારતનું વધુ અહિત કરી મૂકશે. ચીનમાં તાજેતરમાં જ ‘વન બેલ્ટ વન રોડ’ (‘ઓબોર’) અંગે મળેલી વિશ્વના દેશોની પરિષદનો બહિષ્કાર કરીને ભારતે પોતાના પગ પર જ કુહાડો માર્યો છે એટલે હજુ પણ વખત છે કે છેલ્લા બે દાયકાથી ચાલતી બાંગલાદેશ-ચીન-ભારત-મ્યાનમાર (બીસીઆઈએમ) કોરીડોરની મંત્રણાઓને આગળ ધપાવીને ચીનના કુમ્મીંગ, ભારતના કોલકાતા અને અફઘાનિસ્તાનના કાબૂલ લગીના વ્યાપાર મહામાર્ગને સાકાર કરવામાં સક્રિયતા દાખવવામાં આવે.
પાકિસ્તાનમાં આજે ચીનનો વધતો જતો પ્રભાવ ‘ઈસ્ટ ઈંડિયા કંપની’ના પુનરાગમન જેવો ગણવામાં આવી રહ્યો છે ત્યારે ભારતીય નેતાગીરીએ નિરર્થક ઉછળકૂદ કરવાને બદલે ભારતના હિતને કાજે, કાશ્મીર કોકડું સમાધાન ભણી લઈ જઈને, રાજદ્વારી અને વેપારસંબંધો સુધારવાની જરૂર છે.
સંવાદગૃહમાં અહો રૂપમ્, અહો ધ્વનિ નહીં
જાણીતા કથાકાર મોરારિબાપુના સાંનિધ્યમાં, એમના મહુવાસ્થિત કૈલાસ ગુરુકુળના જગદ્ગુરુ આદિ શંકરાચાર્ય સંવાદગૃહમાં યોજાયેલા ત્રિદિવસીય આઠમા સદ્ભાવના પર્વમાં વિવિધ વક્તાઓ અને સહયોગીઓ થકી આવો વિચાર ભવિષ્યનું પાથેય (ભાથું) બનીને પ્રગટ્યો. સ્વયં મોરારિબાપુ વિશ્વશાંતિના સંકલ્પને આગળ વધારવા માટે ઈસ્લામાબાદમાં પોતાની કથાના માધ્યમથી અને કાશ્મીરના વિકટ સંજોગોને ઠારવા સહિતના પ્રયાસોમાં સામેલ થવા ઉત્સુક છે.
સદ્ભાવના પર્વના ઉપક્રમે ત્રિદિવસીય કાર્યક્રમમાં શાહબાનો પ્રકરણમાં રાજીનામું આપનાર પૂર્વ કેન્દ્રીય પ્રધાન આરીફ મોહમ્મદ ખાન, વિભાજન-સાહિત્ય પર વિશદ કાર્ય કરનાર અધ્યાપિકા શરીફા વીજળીવાળા, વરિષ્ઠ પત્રકાર અને સંશોધક ડો. હરિ દેસાઈ, એનડીટીવીના વરિષ્ઠ પત્રકાર રવીશ કુમાર, વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના ખાસ ફરજ પરના અધિકારી રહેલા પત્રકાર-વિશ્લેષક સુધીન્દ્ર કુલકર્ણી, દેશના પૂર્વ નૌસેના અધ્યક્ષ અને શાંતિદૂત એડમિરલ રામદાસ મુખ્ય વક્તા હતા. આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કબીર ગાયક શબનમ વીરમાણી અને વિપુલ રીકીએ કબીરનાં ભજનો રેલાવીને રાત્રિબેઠકને સંગીતમય કરી હતી.
પર્વના અંતિમ દિવસે સાહિત્યકાર શરીફા વીજળીવાળા અને કબીર પ્રોજેક્ટનાં શબનમ વીરમાણી અને વિપુલ રીકીને મોરારિબાપુને હસ્તે સદ્ભાવના એવોર્ડ એનાયત કરાયા પછી બાપુએ સમાપન વ્યાખ્યાન આપ્યું હતું. મોરારિબાપુએ ઈસ્લામાબાદ અને અંકારા-તુર્કીમાં કથા કરવા જવા ઈચ્છુક હોવાની વાત ભારપૂર્વક મૂકી. સાથે જ ૨૦૦૨ના ગોધરાકાંડ અને અનુગોધરાકાંડ કે પછી ભારતના વિભાજનની વસમી યાદોને હવે બાજુએ સારીને બંને દેશની પ્રજા અને બંને દેશ વચ્ચે સદ્ભાવના કેળવવા માટે સંવાદ પર આપણે ભાર મૂકીએ, એવું એમણે ઉમેર્યું હતું.
ઈતિહાસ-સર્જક આરીફ મોહમ્મદ ખાનનું અદભૂત વ્યાખ્યાન
છેક ૧૯૮૬માં શાહબાનો પ્રકરણના ઉહાપોહ વચ્ચે રાજીવ ગાંધીની સરકારમાંથી મુસ્લિમ મહિલાઓને ન્યાય અપાવવાના મુદ્દે રાજીનામું આપનાર આરીફ મોહમ્મદ ખાને ભારતીય સંસ્કૃતિના એકત્વને વેદ-ઉપનિષદ-ગીતા સહિતના હિંદુ ધર્મગ્રંથો અને પવિત્ર કુર્રાનની આયાતો અને હદીસ સહિતના ઈસ્લામ શ્રદ્ધાગ્રંથોને અસ્ખલિત રીતે ટાંકીને સુપેરે સર્વધર્મ સમભાવ અને સેક્યુલરવાદના કાયમી તત્વનો પરિચય કરાવ્યો હતો. એમના મતે ભારતની હસ્તી અને એમાં કોમી એખલાસ તથા લોકશાહી મૂલ્યો નિરંતર અને અખંડ રહેશે.
તેમણે એ વાતે હરખ પણ વ્યક્ત કર્યો કે ૧૯૮૬માં ૪૦૪ બેઠકવાળા રાજીવ ગાંધીની કેન્દ્ર સરકારમાંથી જે મુદ્દાઓ પર રાજીનામું આપ્યું હતું એ બધા મુદ્દા હવે મુસ્લિમ સમાજ સુપ્રીમ કોર્ટમાં પણ સ્વીકારતો થયો છે. વડા પ્રધાન વાજપેયીના આગ્રહથી ભાજપમાં જોડાયેલા ખાન અત્યારે રાજકારણથી વિમુખ થઈ સમાજસેવામાં લાગ્યા છે.
બીજાં વક્તા પ્રા. શરીફા વીજળીવાળાએ માનવધર્મના આચરણના મહાત્મ્ય પર ભાર મૂક્યો હતો. બીજા દિવસે સવારની બેઠકના પ્રથમ વક્તા ડો. હરિ દેસાઈએ વર્તમાન સંજોગોની સમસ્યાઓના ઉકેલને ઈતિહાસની ઘટનાઓનાં વિકૃત વર્ણનોને નામે સર્જાતા ઉહાપોહને બદલે સમૂહ માધ્યમો થકી સમાજમાં સંવાદિતા સ્થાપવાની અનિવાર્યતા પર ભાર મૂક્યો હતો. એનડીટીવીના રવીશ કુમારે પ્રજાલક્ષી પ્રશ્નો અને એના ઉકેલ શોધવામાં અવરોધક સત્તાતત્વો વચ્ચેથી માર્ગ કાઢવાની જાત અનુભવની વાત વર્ણવી હતી.
ચીન-પાક. સાથેના સંબંધોનું મહત્ત્વ
સૌથી વધુ મહત્ત્વની બેઠકના બે મુખ્ય વક્તાઓ એડમિરલ રામદાસ અને પત્રકાર-સંશોધક સુધીન્દ્ર કુલકર્ણીએ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં સુધારો લાવવાના પ્રયાસોમાં આવતા અવરોધો તથા કાશ્મીર કોકડાના સાર્વત્રિક ઉકેલની દિશામાં આદરવામાં આવેલા પ્રયત્નોની પ્રથમદર્શી વાતો રજૂ કરી હતી. ખાસ કરીને હમણાં જ ચીનમાં નવ-રેશમી માર્ગ અંગેની વૈશ્વિક પરિષદમાં બિનસરકારી સભ્ય તરીકે સહભાગી થઈને પાછા ફરેલા કુલકર્ણીએ ભારતીય નેતૃત્વ, વાજપેયી ચીંધ્યા માર્ગે ચાલીને, પાકિસ્તાન તથા ચીન બેઉ સાથેના સંબંધોમાં સુધારો લાવવા આગળ વધે, એવો આગ્રહ સેવ્યો હતો. તેમણે ચીનની તાજી પરિષદના ભારત થકી બહિષ્કારને ભૂલભરેલું પગલું ગણાવ્યું હતું. આનાથી વિપરીત ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધોમાં સામાન્યીકરણ સર્જાય અને એ બેઉ મળીને સ્થિતિ અને સંજોગોનો પોતાના હિતમાં ઉપયોગ કરે એવો આગ્રહ સેવ્યો હતો. તેમનું કહેવું હતું કે આ પ્રયાસોમાં ભારતને જ વધુ લાભ થવાની અપેક્ષા છે.
વાજપેયીના સંવાદના વિચારનું સ્મરણ
કાશ્મીરની વણસેલી સ્થિતિને મંત્રણાથી જ અંકુશમાં લાવીને સમાધાનભણી લઈ જઈ શકાય અને એ માટે વાજપેયીના ‘ઈન્સાનિયત, જમ્હૂરિયત અને કશ્મીરિયત’ને અનુસરવાની અનિવાર્યતા કુલકર્ણી અને એડમિરલ રામદાસ બેઉએ વ્યક્ત કરી હતી. સંયોગ પણ કેવો કે એનડીટીવીના રવીશ કુમારને વર્તમાન સત્તાધીશોને પ્રતિકૂળ લાગે એવાં સત્ય પ્રકાશમાં આણવા બદલ ‘રાષ્ટ્રદ્રોહી’ અને અન્ય વિશેષણોથી સોશિયલ મીડિયામાં ભાંડવામાં આવે છે. એ જ રીતે સ્વયં એડમિરલ રામદાસે કહ્યું કે મને અને મારાં પત્નીને પણ ‘રાષ્ટ્રદ્રોહી’ ગણાવવામાં આવે છે. ૮૪ વર્ષના રામદાસ ૨૪ વર્ષ પહેલાં નૌકાદળના વડાના હોદ્દેથી નિવૃત્ત થયા પછી અત્યારના વડા પ્રધાન સિવાયના તમામ વડા પ્રધાનોને મળીને રાષ્ટ્રના હિતમાં સલાહસૂચન કરવા માટેના નિમંત્રણ મેળવી ચૂક્યા છે. જોકે, એ અત્યારે મહારાષ્ટ્રના પનવેલમાં સુખેથી રહીને બંને દેશો વચ્ચે શાંતિદૂત તરીકે કાર્યરત છે. એમને પ્રતિષ્ઠિત મેગસાયસાય એવોર્ડ પણ મળેલો છે.
ચાર દાયકા પૂર્વે દીનદયાળ-લોહિયાની મહાસંઘની પહેલ
વડા પ્રધાન વાજપેયીના અંગત અધિકારી રહેલા અને નાયબ વડા પ્રધાન લાલ કૃષ્ણ અડવાણીના સચિવ તેમજ ભાજપના રાષ્ટ્રીય મંત્રી રહેલા સુધીન્દ્ર કુલકર્ણી ભારત-પાક-બાંગલાદેશ વચ્ચેના શાંતિભર્યા સંબંધો સ્થાપીને મહાસંઘ (ફેડરેશન)ની ઝુંબેશ ચલાવી રહ્યા છે. છેલ્લાં ચાર વર્ષથી ભાજપથી ફારેગ થયેલા કુલકર્ણી મૂળ કન્નડભાષી છે. આઈઆઈટી-મુંબઈમાંથી સ્નાતક થયેલા છે. ડાબેરી ચળવળથી જમણેરી ચળવળ સુધીની એમની કારકિર્દી રહી છે.
જાણીતા પત્રકાર શિરોમણિ રુસી કરંજિયાના ‘બ્લિટ્ઝ’ના તંત્રી રહેલા કોમરેડ કુલકર્ણીથી ભગવાભાઈ કુલકર્ણી સુધીની એમની યાત્રાને એમણે ક્યારેય છૂપાવી નથી. અત્યારે ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન-મુંબઈના અધ્યક્ષ એવા કુલકર્ણીએ લખેલા ‘August Voices’ પુસ્તકનું ભારત અને પાકિસ્તાનમાં લોકાર્પણ થયું અને વિશદ ચર્ચા પણ થઈ છે. એમાં એમણે ચાર દાયકા પહેલાં જનસંઘના અગ્રણી પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને સમાજવાદી અગ્રણી ડો. રામમનોહર લોહિયાએ સંયુક્ત રીતે ભારત-પાકિસ્તાન વચ્ચે મહાસંઘ રચવાની કરેલી વાતને અત્યારે પણ એટલી જ સમસામાયિક ગણાવી છે.
પાકિસ્તાન બન્યા પછી ઝીણાને પસ્તાવો
કાયદે આઝમ મોહમ્મદ અલી ઝીણાને ભારતમાં ખલનાયક લેખવાની દૃષ્ટિને ઈતિહાસનાં તથ્યોને આધારે બદલવાની આવશ્યક્તા પર પણ કુલકર્ણી ખૂબ જ ભાર મૂકે છે. એ કહે છે કે ઝીણાએ જ ભારતના ભાગલા કરાવ્યા એવું કહેવાની જરૂર નથી. બ્રિટિશ ઈન્ડિયાના વિભાજન પછી પાકિસ્તાન મેળવીને પણ ઝીણા પોતાને ‘ભારતીય’ જ ગણાવતા હતા. ઝીણા વિશે આપણે ઈતિહાસને સુધારવાની જરૂર છે. પાકિસ્તાન બનાવનાર ઝીણાએ ત્યાં મુસ્લિમ લીગની બેઠકમાં પણ પોતાને ભારતીય લેખાવ્યા હતા. અને પોતે ભારત પાછા ફરવા ઈચ્છુક હોવાની વાત કરી હતી. આ બધી હકીકતો પાકિસ્તાન પ્રજાથી પણ છુપાવાઈ છે. આવું જ એમણે કરાચી (એ વેળાના પાકિસ્તાનની રાજધાની) ખાતેના ભારતીય રાજદૂત શ્રીપ્રકાશ સાથેની વાતચીતમાં કહ્યું હતું એટલું જ નહીં, ઝીણા અને શ્રીપ્રકાશ વચ્ચેનો આ સંદર્ભમાં પત્રવ્યવહાર પણ મોજૂદ છે.
કમનસીબે ઝીણાનું ૧૧ સપ્ટેમ્બર ૧૯૪૮ના રોજ મૃત્યુ થઈ ગયું, અન્યથા એ પાકિસ્તાન રચવાને ‘મહાભૂલ’ ગણાવતાં પ્રાયશ્ચિત કરવા તૈયાર હતા. એ ભારત આવીને વસવા ઈચ્છુક હોવાની જાણ એ વેળાના વડા પ્રધાન જવાહર લાલ નેહરુને પણ કરાઈ હતી. બીજી બાજુ, ગાંધીજી પણ પાકિસ્તાન જવા ઈચ્છુક હતા, પણ એમની ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ના રોજ હત્યા થઈ હતી.
મહાસંઘનું સ્વરૂપ યુરોપીયન યુનિયન જેવું
ભારત, પાક. અને બાંગલાદેશના મહાસંઘનું સ્વરૂપ કેવું હશે, એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે. કુલકર્ણી એને યુરોપીયન યુનિયનના દેશોના સંગઠન જેવું ગણાવે છે. કારણ પાકિસ્તાન અને બાંગલાદેશ ભારતમાં ભળી જઈને પોતાનું અસ્તિત્વ ગુમાવવા તૈયાર ના પણ થાય. આમ પણ પાકિસ્તાનના વિચારના જનક અને ‘સારે જહાં સે અચ્છા’ના રચયિતા ડો. મોહમ્મદ ઈકબાલ બ્રિટિશ ઈન્ડિયામાં જ મુસ્લિમોના અલાયદા પ્રાંતના આગ્રહી હતા. ૧૯૩૦માં એમણે અલ્લાહાબાદમાં મુસ્લિમ લીગના અધિવેશનના અધ્યક્ષ તરીકેના પ્રવચનમાં આ વિચાર રજૂ કર્યો હતો. ૧૯૩૮માં એમનું નિધન થયું હતું. છેવટે ૧૬ ઓગસ્ટ ૧૯૪૬ના ‘ડાયરેક્ટ એક્શન ડે’ની ઝીણાની હાકલ પછી ભારત અને પાકિસ્તાન અલગ દેશ બન્યા અને ભારે ખૂનામરકી સર્જાઈ હતી. જમ્મૂ-કાશ્મીર ભારત સાથે જોડાયા છતાં સાત દાયકાથી અડધું જમ્મુ-કાશ્મીર પાકિસ્તાન કબજા હેઠળ રહ્યું છે.
કુલકર્ણીની વાતમાં ડો. મનમોહન સિંહ-જનરલ પરવેઝ મુશર્રફ ફોર્મ્યુલાને વર્તમાન શાસકો મોદી અને નવાઝ શરીફ જે પણ નામ આપે, પણ એ ચાર મુદ્દાની ફોર્મ્યુલામાં જમ્મુ-કાશ્મીર વિવાદ અને હિંસાચારનો હાલપૂરતો ઉકેલ છે. બંને દેશો પાસે જે પ્રદેશ છે એ ચાલુ રહે, પણ બંને કાશ્મીર વચ્ચે પ્રજાની અવરજવર અને વેપારવણજ ચાલુ રહે. ચીન અને વિયેટનામ, ચીન અને મ્યાનમારના અમુક વિવાદ પ્રદેશ હતા ત્યાં આવી અવરજવર શરૂ થયાનો બંને દેશોને લાભ થયા છે. કાશ્મીરની જેમ જ બે પંજાબ, પશ્ચિમ બંગાળ-બાંગલાદેશ અને સિંધ-ગુજરાત વચ્ચે અવરજવર અને વેપાર શરૂ થાય, બંને બાજુની પ્રજામાં વિશ્વાસ બંધાય ત્યાં લગી અમુક આતંકવાદી હુમલા પણ ચાલતા રહેશે, પણ સંવાદ ચાલુ રહે તો સમસ્યાઓ જરૂર ઉકેલાશે. મોરારિબાપુએ પણ સંવાદથી સંવાદિતા પર ભાર મૂક્યો હતો.