રાષ્ટ્રપિતાના હત્યારા નથુરામ ગોડસેનું મહિમામંડન

અતીતથી આજ

ડો. હરિ દેસાઈ Monday 20th May 2019 09:37 EDT
 
 

આજકાલ રાજકીય મંચ પર નાહક વિવાદ અને માફામાફી ચાલી રહી છે. સત્તારૂઢ ભાજપના હોદ્દેદારો થકી મહાત્મા ગાંધીને ‘પાકિસ્તાનના રાષ્ટ્રપિતા’ કહેવા અને મહાત્માના હત્યારા નથુરામ ગોડસેને ‘દેશભક્ત’ કહેવા વિશે ગુજરાતના પનોતા પુત્ર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી થકી દુઃખ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.

૩૦ જાન્યુઆરી ૧૯૪૮ના રોજ અનેકવારના હત્યાના પ્રયાસોમાંથી નથુરામનો કુપ્રયાસ સફળ થયો અને મહાત્માને ગોળીએ દેવાયા. ગાંધીજીના પટ્ટશિષ્ય અને એમની જેમ જ ગુજરાતના પનોતા પુત્ર તથા નાયબ વડા પ્રધાન અને ગૃહ પ્રધાન વલ્લભભાઈએ વડા પ્રધાન નેહરુને ૨૭ ફેબ્રુઆરી ૧૯૪૮ના પત્રમાં લખ્યું:

‘આ નિવેદનોમાંથી એ સ્પષ્ટ બહાર આવે છે કે આરએસએસ આમાં (મહાત્માની હત્યામાં) બિલકુલ સંડોવાયેલો નહોતો. હિંદુ મહાસભાની સાવરકરના હાથ નીચેની એક ઝનૂની પાંખે આ કાવતરું ઘડ્યું હતું અને પાર ઉતાર્યું હતું... ઘણીખરી માહિતી વિવિધ કેન્દ્રોના આરએસએસના માણસોની પ્રવૃત્તિ વિશેની છે. આપણે તેની તપાસ કરી છે, અને મીઠાઈ વહેંચવામાં આવેલી કે આનંદ દર્શાવવામાં આવેલો એવા અસ્પષ્ટ આક્ષેપો સિવાય બીજું કંઇ મહત્વનું એમાં ભાગ્યે જ હાથમાં આવ્યું છે.’ (નવજીવન પ્રકાશિત અને વી. શંકર સંપાદિત ‘સરદાર પટેલ: પસંદ કરેલો પત્રવ્યવહાર ૧૯૪૫-૧૯૫૦’ ભાગ-૨ પૃષ્ઠ: ૨૭૧) એ ઐતિહાસિક હકીકત છે કે માત્ર ગાંધીજીની જ નહીં, પંડિત નેહરુ, સરદાર પટેલ, નેતાજી સુભાષચન્દ્ર બોઝ, મૌલાના આઝાદ સહિતનાની હત્યાનાં કાવતરાં પણ ઘડાયાં હતાં.

ગાંધીજીના ચરિત્રહનનની ઝુંબેશ

સત્તારૂઢ ભાજપનાં લોકસભાની ભોપાલ બેઠકનાં ઉમેદવાર અને માલેગાંવ બોમ્બવિસ્ફોટ કાંડનાં આરોપી સાધ્વી પ્રજ્ઞાએ હમણાં રાષ્ટ્રપિતાના હત્યારા નથુરામ ગોડસેને દેશભક્ત ગણાવવા ઉપરાંત મુંબઈના આતંકી હુમલા વેળા શહીદ થયેલા ત્રાસવાદવિરોધી દસ્તાના વડા હેમંત કરકરે વિશે વિવાદાસ્પદ નિવેદનો કરી વડા પ્રધાન મોદી માટે નવી મૂંઝવણો પેદા કરી છે. મોદીએ રાષ્ટ્રપિતાના હત્યારા અંગે પ્રજ્ઞાના નિવેદન અંગે ખિન્નભાવ વ્યક્ત કર્યો હતો. કારણ બહુ સ્પષ્ટ હતું કે આવાં બેજવાબદાર નિવેદનો ભાજપને ચૂંટણીમાં નુકસાન કરી શકે. ભાજપના મધ્ય પ્રદેશના મીડિયા સંપર્ક પ્રમુખ અનીલ સૌમિત્રે તો મહાત્મા વિશે ફેસબુક પર લખ્યું: ‘રાષ્ટ્રપિતા હતા, પણ પાકિસ્તાનના.’

છેલ્લાં કેટલાંક વર્ષોમાં મહાત્મા ગાંધી વિરુદ્ધ છડેચોક નિવેદનો કરવા ઉપરાંત ગોડસેનું મહિમામંડન કરવામાં કેન્દ્રના પ્રધાનો અને સાંસદો જ નહીં, ઇતિહાસના પ્રાધ્યાપકો કે કેન્દ્રીય અકાદમી પુરસ્કૃત સર્જકોનો પણ સમાવેશ થતો રહ્યો છે. બાકી હતું તે ૨૦ મે ૨૦૧૯ના રોજ સુરતમાં પણ ગોડસેના જન્મદિવસની ઉજવણી થઇ અને ગાંધીજીના ‘વધ’ને યોગ્ય ઠરાવવાનું ધૃણાસ્પદ કૃત્ય થયું.

સુભાષ-દીનદયાળની ભૂમિકા

વર્ષ ૧૯૩૮ અને ૧૯૩૯માં કોંગ્રેસના અધ્યક્ષ ચૂંટાયા પછી ગાંધીજી અને સરદાર પટેલ સાથે મતભેદ સર્જાતાં પક્ષ છોડીને અલગ ફોરવર્ડ બ્લોક પક્ષ સ્થાપવા ઉપરાંત સિંગાપુરમાં આઝાદ હિંદ ફોજનું સરસેનાપતિપદ સાંભળનાર નેતાજી બોઝે ૧૯૪૪માં રેડિયો પ્રસારણમાં સૌપ્રથમ ગાંધીજીને રાષ્ટ્રપિતા તરીકે સંબોધ્યા હતા. જોકે સંઘ-ભાજપમાં મહાત્માને રાષ્ટ્રપિતા કહેવાનું ચલણ નથી.

જનસંઘના સંસ્થાપક મહામંત્રી અને પછીથી અધ્યક્ષ રહેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાયે વર્ષ ૧૯૬૧માં કહ્યું હતું કે ગાંધીજી પ્રત્યે તમામ પ્રકારનો આદર ખરો, પણ આપણે એમને રાષ્ટ્રપિતા કહેવાનું તો માંડી વાળવું કે બંધ કરવું જોઈએ. સંઘ ગાંધીજીને પ્રાતઃ સ્મરણીય જરૂર ગણે છે અને પ્રાર્થનામાં એમનું નામ પણ જોડે છે, પરંતુ સંઘ પરિવાર અને હિંદુ મહાસભામાં ગાંધીજી માટે ઝાઝો પ્રેમભાવ અનુભવાતો નથી. આનાથી ઉલટું હિંદુ મહાસભાના અધ્યક્ષ રહેલા બેરિસ્ટર વિ. દા. સાવરકર અંગે રાજસ્થાનનાં પાઠ્યપુસ્તકોમાં કોંગ્રેસની નવી અશોક ગેહલોત સરકારે કરેલા થોડાક ફેરફાર અંગે ભાજપ અને વસુંધરા રાજે સરકારમાં શિક્ષણ રાજ્ય પ્રધાન રહેલા વાસુદેવ દેવનાનીએ ભારે ઉહાપોહ મચાવ્યો છે.

ભાજપના પૂર્વાવતાર જનસંઘના સંસ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુકરજી પણ બેરિસ્ટર સાવરકરની હિંદુ મહાસભાના કાર્યાધ્યક્ષ અને પછીથી અધ્યક્ષ હતા. મોહમ્મદઅલી ઝીણાના મુસ્લિમ લીગે માર્ચ ૧૯૪૦માં લાહોરમાં મુસ્લિમો માટે અલગ રાષ્ટ્ર માટે ‘પાકિસ્તાન ઠરાવ’ કર્યાં પછી પણ બંગાળ, સિંધ અને વાયવ્ય પ્રાંતમાં ૧૯૪૧ અને ૧૯૪૩ દરમિયાન લીગ અને હિંદુ મહાસભાની સંયુક્ત સરકારો હતી!

અભ્યાસક્રમમાં સાવરકરની દયા અરજીઓ

ગાંધીજીની હત્યાના મુદ્દે સાવરકર સાથે અંતર રાખનાર સંઘ-જનસંઘ-ભાજપની નેતાગીરીએ છેલ્લા બે દાયકાથી સાવરકરને પણ આરાધ્યદેવ લેખવા માંડ્યા છે. પાઠ્યપુસ્તકોમાં સાવરકર ભણાવવા બાબત ભાજપ અને કોંગ્રેસ સરકારની ભૂમિકા ભિન્ન હોવાનું સ્પષ્ટ થાય છે. રાજસ્થાનની અગાઉની વસુંધરા રાજે સરકાર માત્ર ત્રણ વાક્યોમાં જ સાવરકરને ભણાવતી હતી: ‘સાવરકરનો દીર્ઘકાળ આંદામાનની સેલ્યુલર જેલમાં વિત્યો. ૧૯૨૪માં નાદુરસ્ત તબિયતને કારણે તેમને રત્નાગિરીમાં નજરબંધ રાખવામાં આવ્યા. ૧૯૩૭માં તેમને જેલમુક્ત કરાયા. એમણે ભારતના વિભાજનને રોકવા માટે પણ ભારે પ્રયાસ કર્યાં.’

હમણાં રાજ્યમાં કોંગ્રેસની સરકાર આવતાં તેણે ઇતિહાસના સમીક્ષકોની સમિતિ નિયુક્ત કરીને દસમા ધોરણમાં ભણાવાતા સાવરકર વિશે વધુ વિસ્તૃત લખાણને સ્થાન આપ્યું. જોકે એમાં સેલ્યુલર જેલમાં ખૂબ યાતનાઓ અપાતાં સાવરકરે ૩૦-૮-૧૯૧૦, ૧૪-૧૧-૧૯૧૧, ૧૯૧૭ અને ૧-૨-૧૯૧૮ એમ ચાર વાર ‘દયાની અરજીઓ’ (મર્સી પિટીશનો) કરીને સરકારના કહ્યા મુજબ વર્તવાની તૈયારી દર્શાવ્યાની વાત ઉમેરી. પાંચ વર્ષ રાજકીય પ્રવૃત્તિમાં ભાગ નહીં લેવાની શરતે છૂટ્યા છતાં એ શરતનો ભંગ કરી હિંદુ મહાસભાના સભ્ય અને અધ્યક્ષ બન્યા, ભારતને હિંદુરાષ્ટ્ર બનાવવાની ઝુંબેશ ચલાવી, ૧૯૪૨ની હિંદ છોડો ચળવળનો વિરોધ કર્યો, ૧૯૪૬માં પાકિસ્તાનની સ્થાપનાનો વિરોધ કર્યો, ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ના રોજ ગાંધી હત્યા પછી તેમની સામે હત્યાનું ષડયંત્ર રચવાનો અને ગોડસેને સહયોગ કરવાના આરોપ સાથે મુકદ્દમો ચલાવ્યો, પણ એમાં એ છૂટી ગયા... આ બધી બાબતો ભણાવવાનું નવા શિક્ષણ પ્રધાન ગોવિંદસિંહ ડોટાસરાએ નિષ્ણાતોની સમિતિની ભલામણ મુજબ સ્વીકાર્યું. એને પૂર્વ રાજ્યપ્રધાન દેવનાનીએ કોંગ્રેસ સરકારની ‘હિંદુત્વ વિરોધી માનસિકતા’ લેખાવીને વખોડવાનું પસંદ કર્યું છે. કમનસીબે સરકાર બદલાતાં નવો દરબારી ઈતિહાસ ભણાવવામાં આવે તો વિદેશી અને સ્વદેશી શાસકોમાં ફરક શું એ જ સમજાતું નથી.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter