હમણાં ૧૨ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ રાષ્ટ્રીય યુવા સંસદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકારણમાં પરિવારવાદ કે વંશવાદને સમાપ્ત કરવા અને ભ્રષ્ટાચારને નાથવા માટે યુવા વર્ગને રાજકારણમાં જોડાવા માટે હાકલ કરી. કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ અને દ્રવિડ મુનેત્રમ કડગમ (દ્રમુક)નો ઉલ્લેખ કરીને એમને વંશવાદને પોષતા પક્ષો ગણાવીને આવા વંશવાદ અને પરિવારના રાજકારણને પોષતા પક્ષોના પ્રભાવના જુલમને ખતમ કરવાની વાત પણ કરી. તેમણે આવા પરિવારવાદને લોકશાહી માટે ઘાતક પણ લેખાવ્યો હતો.
વડા પ્રધાન વાત તો આદર્શની કરે છે, પણ આચરણમાં એમનો પક્ષ ભારતીય જનતા પક્ષ (ભાજપ) પણ એના પૂર્વ અવતાર જનસંઘના કાળથી વર્તમાન લગી પરિવારવાદ અને વંશવાદથી ફાટફાટ થઇ રહ્યો હોવાની વાત એ વિસારે પાડે છે. નવાઈ એ વાતની છે કે જયારે જયારે ભાજપના નેતાઓ કોંગ્રેસના વંશવાદ કે અન્ય પ્રાદેશિક પક્ષોના પરિવારવાદની વાત કરે છે ત્યારે એ અનુકૂળતા મુજબ એ હકીકત બાજુએ સારવાનું પસંદ કરે છે કે એમણે ભૂતકાળમાં કે વર્તમાનમાં જે પક્ષો સાથે જોડાણો કર્યાં છે એ પક્ષો પણ પરિવારવાદને જ પોષતા રહ્યા છે.
તૃણમૂલ કોંગ્રેસનાં સુપ્રીમો અને અત્યારે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીનો તૃણમૂલ કોંગ્રેસ પક્ષ, ‘શેર (શ્યામાપ્રસાદ) હમારા મારા હૈ, અબદુલ્લાને મારા હૈ...’વાળા શેખ અબદુલ્લાના પરિવારનો પક્ષ નેશનલ કોન્ફરન્સ (એનસી) તેમજ કરુણાનિધિના પરિવારનો દ્રમુક હજુ ગઈકાલ સુધી એટલે કે ભાજપના નેતા અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન હતા ત્યારે તેમની સરકારમાં સાથી પક્ષ હતા. વર્ષ ૨૦૧૪માં મોદી વડા પ્રધાન બન્યા એ પછી શિવસેના, અકાલી દળ, લોક જનશક્તિ પાર્ટી, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) સહિતના પરિવારવાદને પોષતા પક્ષો સાથે ભાજપનું ગઠબંધન રહ્યું છે અને કેન્દ્ર-રાજ્યોમાં પણ એમની સાથે સંયુક્ત સરકારો ચલાવી છે.
બીજા પક્ષોની વાત કરવાને બદલે ભાજપની જ વાત કરવામાં આવે તો આજે અને ગઈકાલોમાં પણ પરિવારવાદ ઝગારા મારતો હોય એવું હોવા છતાં ‘પરોપદેશે પાંડિત્યં સર્વેષાં સુકુરં નૃણામ્’ એટલે કે અન્યોને ઉપદેશ કરવામાં મણા કાં રાખવી? એના જેવું જોવા મળે છે.
ઉત્તરનાં રાજ્યોમાં પરિવારવાદ
ભાજપના વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા અગાઉ હિમાચલ પ્રદેશની પ્રેમ કુમાર ધુમલ સરકારમાં અને કેન્દ્રમાં પણ મોદી સરકારમાં પ્રધાન રહ્યા છે. એ રાજ્યસભા સભ્ય છે. એમનાં સાસુ જયશ્રી બેનરજી જનસંઘ - જનતા પાર્ટી - ભાજપનાં જબલપુરનાં વિધાનસભ્ય અને લોકસભા સભ્ય રહ્યાં હતાં. એટલું જ નહીં, એ મધ્ય પ્રદેશ સરકારમાં કેબિનેટ પ્રધાન પણ હતાં. ક્યારેક બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ) નામની અબજોનો ધંધો કરનારી સંસ્થાના મંત્રીપદેથી સીધા જ ઠેકડો મારીને અધ્યક્ષપદે પહોંચી ગયેલા વર્તમાન કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુર ચાર-ચાર મુદતથી ભારતીય જનતા પક્ષના હિમાચલ પ્રદેશમાંથી લોકસભે ચૂંટાયેલા સભ્ય છે એટલું જ નહીં, તેઓ હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન રહી ચૂકેલા ભાજપના નેતા પ્રેમકુમાર ધુમલના રાજકીય વારસ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી જે રાજ્યના ભાજપના પ્રભારી હતા એ રાજ્યમાં પક્ષના જ મુખ્ય પ્રધાન શાંતાકુમારને ઉથલાવીને મુખ્ય પ્રધાન બનેલા પ્રેમકુમાર મોદીનિષ્ઠ હોવાને કારણે જ લોકસભાના સભ્ય એવા અનુરાગ ઠાકુર અખિલ ભારતીય યુવા મોરચાના અધ્યક્ષ પણ રહ્યા છે. અનુરાગનાં પત્ની શેફાલી ઠાકુર પણ હિમાચલ પ્રદેશના જાહેર બાંધકામ પ્રધાન રહેલા ગુલાબસિંહનાં દીકરી છે.
બાજુમાં આવેલા રાજ્ય ઉત્તરાખંડના કોંગ્રેસી મુખ્ય પ્રધાન રહેલા વિજય બહુગુણા અને ઉત્તર પ્રદેશનાં કોંગ્રેસ અધ્યક્ષ રહેલાં એમનાં બહેન રીતા બહુગુણા જોશી ભાજપમાં જોડાયાં છે. આ બંને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન રહેલા હેમવતી નંદન બહુગુણાનાં સંતાન છે. વિજય બહુગુણાના પુત્ર સૌરભ ભાજપના ધારાસભ્ય છે. રીતા યોગી સરકારમાં પ્રધાન રહ્યાં અને અત્યારે ભાજપનાં સાંસદ છે.
ભાજપની નેતાગીરી જે નેહરુ-ગાંધી ખાનદાનના પરિવારવાદને ભાંડવાનું પસંદ કરે છે એ જ પરિવારનાં શ્રીમતી મેનકા ગાંધી (ઈમર્જન્સીના ખલનાયક સંજય ગાંધીનાં પત્ની) અને એમના પુત્ર ફિરોઝ વરુણ ગાંધી ભાજપના સાંસદ છે. મેનકા તો મોદી સરકારમાં પ્રધાન પણ હતાં. સદગત વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રી પ્રથમ વડા પ્રધાન પંડિત નેહરુના વિશ્વાસુ અને કોંગ્રેસના નેતા હતા. એમના પરિવારના અનિલ લાલબહાદુર શાસ્ત્રી સિવાયના મોટા ભાગના સભ્યો જ નહીં, ભાણેજ પણ ભાજપમાં છે. શાસ્ત્રીજીનાં દીકરી સુમનના પુત્ર સિદ્ધાર્થ સિંહ ઉત્તર પ્રદેશ સરકારમાં પ્રધાન છે.
નેતાજી સુભાષચંદ્ર બોઝના પરિવારના ચંદ્રકુમાર બોઝ અને બીજા કેટલાક સભ્યો ભાજપમાં છે, જયારે તેમના પિતરાઈ અને હાર્વર્ડમાં પ્રાધ્યાપક રહેલા સુગત બોઝ તૃણમૂલ કોંગ્રેસના લોકસભા સાંસદ રહ્યા છે. આંધ્ર પ્રદેશના સુપરસ્ટારમાંથી મુખ્ય પ્રધાન બનેલા તેલુગુ દેશમ પક્ષના સંસ્થાપક એન.ટી. રામારાવનાં પુત્રી દગ્ગુબતી પૂરંધરેશ્વરી કોંગ્રેસના વડપણવાળી કેન્દ્ર સરકારમાં પ્રધાન હતાં અને અત્યારે ભાજપનાં સાંસદ છે. જમ્મૂ-કાશ્મીરના મહારાજા હરિસિંહના પુત્ર ડો. કર્ણસિંહ કોંગ્રેસના સાંસદ અને કેન્દ્રીય પ્રધાન રહ્યા. એમના પુત્ર મિયાં (સરદાર) અજાતશત્રુ સિંહ ડો. ફારુક અબદુલ્લાની નેશનલ કોન્ફરન્સ સરકારમાં પ્રધાન હતા. અત્યારે તેઓ ભાજપના નેતા છે.
બોલીવુડમાંથી એક જ પરિવારના ત્રણ-ત્રણ સભ્યો ભાજપી સાંસદ થાય એવું ઉદાહરણ અભિનેતા ધર્મેન્દ્ર દેઓલ, એમની અભિનેત્રી પત્ની હેમા માલિની તેમજ એમના પુત્ર સન્ની દેઓલ છે. સન્ની દેઓલનું સત્તાવાર નામ અજયસિંહ ધર્મેન્દ્ર દેઓલ છે.
રાજસ્થાન - મધ્ય પ્રદેશમાં સિંધિયા
ગુજરાતમાં તો ભાજપ છેલ્લા અઢી દાયકાથી શાસન કરે છે અને ગણ્યાગણાય નહીં એટલા પ્રમાણમાં સત્તારૂઢ પક્ષમાં પરિવારવાદ જોવા મળે છે. એક વાર ટીવી ડિબેટમાં અમે ૫૦ પરિવારોની યાદી લઈને ગયા હતા અને ૨૫ની યાદી તો વાંચી સંભળાવી હતી. જોકે એ યાદી પણ સાવ જ અધુરી ગણાવી શકાય. રાજસ્થાનના પોલીસ અધિકારીમાંથી ઘણી વાર મુખ્ય પ્રધાન બનેલા અને ઉપરાષ્ટ્રપતિ રહેલા સર્વમિત્ર જનસંઘ - જનતા પાર્ટી - ભાજપના નેતા ભૈરોસિંહ શેખાવતના જમાઈ નરપત સિંહ રાજવી રાજ્ય સરકારમાં પ્રધાન પણ હતા અને ધારાસભ્ય છે.
મધ્ય પ્રદેશના ગ્વાલિયરનાં મહારાણી અને કોંગ્રેસી સાંસદ રહેલાં રાજમાતા વિજયારાજે સિંધિયાએ પોતાનાં સખી ઈંદિરા ગાંધી સાથેની મૈત્રી તોડીને ૧૯૬૭ના ગાળામાં સંયુક્ત વિધાયક દળની સરકારો સ્થાપવામાં જનસંઘના કેસરિયા વાઘા ધારણ કર્યા. એ વેળા તેઓ જનસંઘ અને સ્વતંત્ર પક્ષ એમ બંને પક્ષની ટિકિટ પર લડ્યાં અને જીત્યાં હતાં. એ વેળા તેમણે જેમને સંવિદ સરકારનાં મુખ્ય પ્રધાન બનાવ્યા હતા એ નર્મદા ડેમના વિરોધી એવા રાજા ગોવિંદનારાયણ સિંહના બંને પુત્રો ભાજપના ધારાસભ્યો અને હોદ્દેદાર રહ્યા છે. રાજમાતા ૧૯૮૦માં ભાજપનાં સંસ્થાપક ઉપાધ્યક્ષ પણ બન્યાં. એ પહેલાં ઇંદિરાની ઇમર્જન્સીમાં જેલવાસ પણ ભોગવ્યો.
ભાજપનાં ઉપાધ્યક્ષ અને સાંસદ રહેલાં રાજમાતા સિંધિયાએ પુત્ર માધવરાવ સિંધિયાને કેસરિયા વાઘા ચડાવવાનો આગ્રહ કર્યો; પણ માધવરાવ જ નહીં, એમના પુત્ર જ્યોતિરાદિત્યે પણ ઈંદિરા-રાજીવ-સોનિયા-રાહુલ ગાંધીની કોંગ્રેસ સાથે રહેવાનું પસંદ કર્યું. રાજમાતાના ભાઈ ધ્યાનેન્દ્ર સિંહ અને ભાભી માયાસિંહ બંને પણ ભાજપનાં અનુક્રમે નેતા અને પ્રધાન રહ્યાં. કેન્દ્રમાં કોંગ્રેસના વડપણવાળી સરકારમાં સિંધિયા પિતા-પુત્ર પ્રધાન રહ્યા. જ્યોતિરાદિત્ય હમણાં કમલ નાથની કોંગ્રેસ સરકાર તોડીને ફરી ભાજપના શિવરાજ સિંહને મુખ્ય પ્રધાન બનાવ્યા પછી ભાજપના રાજ્યસભાના સાંસદ છે.
રાજમાતાની બે દીકરીઓ વસુંધરા રાજે અને યશોધરા રાજેએ ભાજપમાં રહીને સંસદસભ્ય, પ્રધાનપદ અને મુખ્ય પ્રધાનપદ મેળવવાનું પસંદ કર્યું. વસુંધરા રાજે રાજસ્થાનનાં મુખ્ય પ્રધાન હતાં અને અત્યારે વિધાનસભામાં વિપક્ષનાં નેતા છે. યશોધરા રાજે મધ્ય પ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણની સરકારમાં કેબિનેટ પ્રધાન છે એટલું જ નહીં, વસુંધરાના પુત્ર દુષ્યંતસિંહ છેલ્લી ચાર - ચાર મુદતથી લોકસભાના સભ્ય છે. વસુંધરા રાજે અને યશોધરા રાજે બેઉનાં લગ્નજીવન સુખી નહોતાં. બેઉના છૂટાછેડા થયેલા છે.
મહારાષ્ટ્રમાં તો આસ્થાસ્થાન
નાગપુર એ જનસંઘ - ભાજપની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)નું મુખ્યાલય છે. કેન્દ્રમાં વર્તમાન પ્રધાન, મહારાષ્ટ્રમાં પૂર્વ પ્રધાન અને ભાજપના પૂર્વ અધ્યક્ષ રહેલા નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન રહેલા દેવેન્દ્ર ફાડણવીસ નાગપુરના છે. રાજ્યમાં પક્ષની બાંધણી કરવાનો યશ જેમને ફાળે જાય એ સાળા-બનેવી પ્રમોદ મહાજન અને ગોપીનાથ મુંડે સહિતના રાજ્યના નેતાઓમાં પરિવારવાદ અકબંધ છે. પ્રમોદ-પુત્રી પૂનમ મહાજન-રાવ ભાજપી સાંસદ છે. અગાઉ એ યુવા જનતાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહ્યાં છે. મુંડે મોદી સરકારમાં પ્રધાન રહ્યા. એ અગાઉ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન પણ હતા. એમના નિધન પછી એમનાં જેષ્ઠ પુત્રી પંકજા મુંડે-પાલવે મહારાષ્ટ્રમાં પ્રધાન રહ્યાં અને અત્યારે અ.ભા. હોદ્દેદાર છે. પંકજાની નાની બહેન ડો. પ્રીતમ મુંડે ભાજપની સાંસદ છે.
અત્યારે વિધાનસભામાં વિપક્ષના નેતા દેવેન્દ્રના પિતા ગંગાધરરાવ પણ જનસંઘના સમયથી પક્ષના નેતા હતા. ભાજપના વરિષ્ઠ નેતા અટલ બિહારી વાજપેયીના પ્રધાનમંડળમાં કેબિનેટ પ્રધાન અને પક્ષના લાંબો સમય રાષ્ટ્રીય કોષાધ્યક્ષ રહેલા વેદપ્રકાશ ગોયલની હયાતીમાં જ એમનાં પત્ની ચંદ્રકાંતા ગોયલ મહારાષ્ટ્ર વિધાનસભાનાં સભ્ય હતાં. આજે એમના પુત્ર પીયૂષ ગોયલ કેન્દ્રમાં મોદી સરકારમાં કેબિનેટ પ્રધાન છે.
ભાજપી મુખ્ય પ્રધાન અને સંતાનો
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન રહેલા વર્તમાન સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના પુત્ર પંકજ સિંહ ભાજપના ધારાસભ્ય અને પ્રદેશ ભાજપના મહામંત્રી છે. પ્રદેશના જ મુખ્ય પ્રધાન અને રાજસ્થાનના રાજ્યપાલ રહેલા કલ્યાણ સિંહના પુત્ર રણવીર સિંહ ઉત્તર પ્રદેશ સરકારમાં પ્રધાન અને લોકસભાના સભ્ય હતા. વડા પ્રધાન ચંદ્રશેખરના પુત્ર નીરજ શેખર અનેક પક્ષો બદલીને ભાજપમાં જોડાયા. તેઓ સાંસદ રહ્યા. છત્તીસગઢના વર્ષો સુધી મુખ્ય પ્રધાન રહેલા ડો. રમણ સિંહના પુત્ર અભિષેક સિંહ પણ સાંસદ છે.
જનસંઘના સંસ્થાપકોમાં રહેલા ઠાકુર પ્રસાદના પુત્ર રવિશંકર પ્રસાદ મોદી સરકારમાં પ્રધાન છે. વાજપેયી સરકારમાં પ્રધાન રહેલા યશવંત સિંહાના પુત્ર જયંત સિંહા કેન્દ્ર સરકારમાં પ્રધાન છે. મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન રહી ચૂકેલા વીરેન્દ્રકુમાર સક્લેચાના પુત્ર ઓમ સક્લેચા રાજ્યના પ્રધાન છે. રાજ્યના મુખ્ય પ્રધાન રહેલા સુંદરલાલ પટવાના ભત્રીજા સુરેન્દ્ર પટવા ધારાસભ્ય હતા. મુખ્ય પ્રધાન કૈલાશ જોશીના પુત્ર દીપક જોશી પણ પ્રધાન હતા. મુખ્ય પ્રધાન બાબુલાલ ગૌડનાં પુત્રવધૂ ધારાસભ્ય છે. જમ્મૂ-કાશ્મીરમાંથી સાંસદ અને શેખ અબદુલ્લાની સરકારમાં પ્રધાન રહેલા ગિરધારી લાલ ડોગરાના જમાઈ અરુણ જેટલી વાજપેયી અને મોદી સરકારમાં પ્રધાન રહ્યા. અરુણ જેટલીના પુત્ર રોહન જેટલી દિલ્હી અને જિલ્લા ક્રિકેટ સંઘના બિનહરીફ અધ્યક્ષ બનીને પિતાએ અગાઉ ભોગવેલા સ્થાને આવ્યા.
કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહના પુત્ર જય શાહ પણ ગુજરાત ક્રિકેટ એસોશિએશનના હોદ્દેથી બીસીસીઆઈના હોદ્દેદાર (મંત્રી) બન્યા. વાજપેયી અને મોદી સરકારમાં પ્રધાન તેમજ દિલ્હીનાં મુખ્ય પ્રધાન રહેલાં સદગત સુષ્મા સ્વરાજના પતિ સ્વરાજ કૌશલ પણ બીજા પક્ષમાં રહીને મિઝોરમના રાજ્યપાલ બન્યા હતા. તેમની દીકરી બેરિસ્ટર બાંસુરી સ્વરાજ હરિયાણામાં ભાજપ સરકારના સરકારી વકીલના હોદ્દે છે. સ્વયં સુષ્મા પણ હરિયાણામાં ચૌધરી દેવીલાલની સરકારમાં સૌથી યુવા પ્રધાન હતાં. મધ્યપ્રદેશનાં મુખ્ય પ્રધાન અને મોદી સરકારમાં પ્રધાન રહેલાં સાધ્વી ઉમા ભારતીના ભાઈ સ્વામી પ્રસાદ લોધી ધારાસભ્ય અને સરકારી નિગમના અધ્યક્ષ રહ્યા. સાધ્વીના ભત્રીજા રાહુલ સિંહ લોધી પણ ભાજપના નેતા છે.
કર્ણાટકના ભાજપી મુખ્ય પ્રધાન બી.વાય. યેદિયુરપ્પાના પુત્ર બી.વાય. રાઘવેન્દ્ર લોકસભા સભ્ય છે. ગોરખપુરના મહંત ગોરખનાથ પછી એમના અનુગામી મહંત અવૈધનાથ અને હવેના મહંત યોગી આદિત્યનાથ સાંસદ રહ્યા. યોગી તો અત્યારે મુખ્ય પ્રધાન છે. દિલ્હીના મુખ્ય પ્રધાન રહેલા સાહિબ સિંહ વર્માના પુત્ર પ્રવેશ વર્મા અત્યારે ભાજપના સાંસદ છે. દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ રહેલા ચરતી લાલ ગોયલના પુત્ર વિજય ગોયલ અત્યારે દિલ્હીના સાંસદ છે. અગાઉ વાજપેયી અને મોદી સરકારમાં એ પ્રધાન રહ્યા છે. આમાં ભાજપી પરિવારવાદનાં અનેક નામો હજુ જોડી શકાય તેમ છે.
કોંગ્રેસી વિ. ભાજપી ડાયનેસ્ટી
વર્ષ ૧૯૪૭થી આજ લગીના સમયગાળાનો મોટો ભાગ કોંગ્રેસ પક્ષ અને ખાસ કરીને નેહરુ-ગાંધી પરિવાર દેશ પર રાજ કરતો રહ્યો. એ જ પરિવારનાં બબ્બે વડા પ્રધાનો ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીએ દેશકાજે જ શહીદી વહોરી હતી. કોંગ્રેસની તુલનામાં ભારતીય જનતા પક્ષનું દેશ અને વિવિધ રાજ્યોમાં શાસન ઘણાં ઓછાં વર્ષો રહ્યા છતાં ભગવી બ્રિગેડમાં વંશવાદની ભારે બોલબાલા જોવા મળે છે. કોંગ્રેસના ડાયનેસ્ટી રૂલને ખતમ કરવાના સંકલ્પની ભારે ગાજવીજ કરનાર ભાજપમાં ડાયનેસ્ટી રૂલનાં કે વંશવાદની પરંપરાનાં થોડાં ઘણાં ઉદાહરણ આપ્યાં, પણ આ યાદીને લંબાવવામાં આવે તો ભાગ્યે જ કોઈ રાજ્યમાં ભાજપના વંશવાદનો અભાવ જોવા મળે છે. ઓછામાં પૂરું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તો પ્રત્યેક રાજ્યમાં કોંગ્રેસના નેતાઓનાં સંતાનોને કે સગાંસંબંધીઓને ભાજપ સાથે જોડીને એમના પૂર્વજોના નામે વોટ મેળવવા માટેના ભરસક પ્રયાસ કર્યા છે.
આ ‘પાર્ટી વિથ અ ડીફરન્સ’!
કયારેક ભાજપના વ્યૂહકાર પ્રમોદ મહાજન ઉત્તર પ્રદેશના બાહુબલિ નેતા ડી.પી. યાદવને ભાજપમાં લઇ આવ્યા હતા કે ઇંદિરા ગાંધીની ઇમર્જન્સીના ગોબેલ્સ ગણાતા હવે સદગત એવા વિદ્યાચરણ શુકલને ભાજપમાં લવાતાં કાગારોળ મચાવાતી હતી. યાદવને તો એ જ દિવસે સાંજ પડતાં જ પક્ષમાંથી રુખસદ અપાઇ હતી. ભાજપના લોકસભાના ઉમેદવાર તરીકે હાર્યા પછી પૂર્વ મુખ્ય પ્રધાન અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન શુકલ સ્વગૃહે પાછા ફર્યા હતા.
અત્યારે તો વડા પ્રધાન મોદી કે તેમના ‘હનુમાન’ લેખાતા પક્ષના સર્વોચ્ચ રહેલા વર્તમાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ જૂના કોંગ્રેસી જ નહીં, માર્ક્સવાદીઓને પણ પક્ષમાં સામેલ કરે ત્યારે એને ચાણક્યવ્યૂહનો ભાગ ગણાવીને બિરદાવવાના કોરસગાનમાં ભાજપના આસ્થાસ્થાન નાગપુરથી લઇને કાર્યકર્તા સુધી તમામ જોડાય છે. કારણ કે મોદી સત્તાની સીડી જ નહીં, તારણહાર લાગે છે.
નવાઈ એ વાતની લાગે છે કે સામે પક્ષેથી તોડીને લવાતા નેતાઓના ટેકે સત્તામાં ટકી રહેવાની ભાજપની નીતિરીતિ હવે ‘પાર્ટી વિથ અ ડીફરન્સ’ની રહી નહીં હોવા છતાં સત્તા સાથે સંવનન કરવા માટે વંડી ઠેકવા આતુર વિરોધીઓને ઝીલી લેવા અને તેમનો ઉપયોગ કરવાની ફાવટ ભાજપને કોઠે પડી ગઈ છે. મજબૂત વિપક્ષની ગેરહાજરીમાં દેશ એક પક્ષના શાસન ભણી તણાતો જાય ત્યારે લોકશાહીનું કેવું સ્વરૂપ આકાર લેશે એ કહેવું મુશ્કેલ છે.