વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ત્રિદિવસીય વિદેશયાત્રા ભણી સૌની મીટ મંડાયેલી હોય ત્યારે ચીન, મોંગોલિયા અને દક્ષિણ કોરિયાના પ્રવાસમાં સૌથી વધુ મહત્ત્વ ચીન સાથેના સંબંધોમાં કેવી નવી ઉષ્મા ભરવામાં એ સફળ રહેશે એ ગણાશે.
ભારત અને ચીન બેઉ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતાં રાષ્ટ્રો હોવા ઉપરાંત વિશ્વનાં સૌથી મોટાં રાષ્ટ્ર હોવાની હકીકત કેન્દ્રસ્થાને છે. વર્ષ ૨૦૦૩ના જૂનમાં તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી ચીનની મુલાકાતે ગયા હતા. ભારત તરફથી તિબેટને ચીનનું અવિભાજ્ય અંગ ગણાવવા સાટે સિક્કિમને ભારતીય પ્રદેશ તરીકેની આડકતરી કબૂલાત કરાવવામાં વાજપેયી સફળ રહ્યા હતા. સિક્કિમને ૧૯૭૫માં તત્કાલીન વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીએ જનમત લેવડાવીને ભારત સાથે જોડવાના સંજોગો સર્જ્યા હતા અને એ ભારતનું રાજ્ય બન્યું હતું. જોકે, ચીન એને ભારતનું અંગ સ્વીકારતું નથી. વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીની જેમ ભૂતાનમાં જનમત લેવડાવીને એને ભારત સાથે જોડવામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સફળ રહે તો એમની વાહ વાહ થવી સ્વાભાવિક છે.
ભારતીય વડા પ્રધાનોમાં સર્વશ્રેષ્ઠ વડા પ્રધાન તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક કુપ્પહલ્લી સીતારામૈયા સુદર્શને એનડીટીવી ન્યૂસ ચેનલના વોક-ધ-ટોક કાર્યક્રમમાં શેખર ગુપ્તાને ઈન્દિરા ગાંધીનું નામ આપ્યું હતું એનાં અનેક કારણો હતાં. પાકિસ્તાનને ભાંગીને એની પૂર્વ પાકિસ્તાન પાંખને બાંગલાદેશમાં રૂપાંતરિત કરવામાં ઈન્દિરાજીનું યોગદાન બેનમૂન હતું. ‘નંબર વન’ના આકાંક્ષી નરેન્દ્ર મોદીએ હજુ ઘણું કરવાનું છે.
ચીનની વાત આવે ત્યારે વડા પ્રધાન વાજપેયીના કાર્યાલયમાં કાર્યરત પ્રધાન રહેલા પ્રમોદ મહાજને (હવે સદ્ગત) ‘સો ચૂહે માર કે બિલ્લી ચલી હજ કરને’ જેવો શબ્દપ્રયોગ કરીને ક્ષમાપ્રાર્થના કરવી પડી હતી એ વાતનું સ્મરણ થવું સ્વાભાવિક છે. વિદેશનીતિ અને રાજનીતિમાં ઘણું અંતર છે. ઘરઆંગણે રાજકારણના ખેલ ખેલવામાં પણ સરદાર પટેલ કે જવાહરલાલ નહેરુ જેવા નેતાઓ પરિપક્વતા જાળવે અને વિદેશી સંબંધોમાં પણ એટલી જ ગરિમા જાળવીને રાજનેતાથી વિશેષ રાજપુરુષ (સ્ટેટ્સમેન)નું બિરુદ હાંસલ કરે છે ત્યારે વર્તમાન શાસકોએ એ પરિપક્વતા કેળવવાની ખૂબ જરૂર છે.
વિદેશમાં જઈને ઘરઆંગણાના રાજકારણની વાતને છેડવાનું ઈન્દિરા ગાંધીની ઈમર્જન્સી જેવા અપવાદરૂપ સંજોગોમાં જ વિપક્ષના નેતાઓ કરે તો એને લોકશાહીના જતન કે બચાવના ઘટનાક્રમ સાથે મેળ બેસાડવાનું શક્ય ગણાય, પરંતુ વિદેશની ધરતી પર ભારતીય સત્તાપક્ષના અગ્રણીઓ કે પ્રધાનો પોતાના દેશના વિપક્ષ કે પૂર્વ સત્તાપક્ષની બદબોઈ કરે તો એને સારા સંકેતોમાં ગણાતું નથી.
ભાજપના વરિષ્ઠ નેતા અને વાજપેયી સરકારમાં નાયબ વડા પ્રધાન - ગૃહ પ્રધાન રહેલા લાલ કૃષ્ણ અડવાણી પાકિસ્તાનની મુલાકાતે ગયા ત્યારે એમને ત્યાંનાં પ્રસાર માધ્યમોના પ્રતિનિધિઓએ સોનિયા ગાંધી વિશે ઘણા સવાલ કર્યા હતા. અડવાણીની જીભ ત્યાં એકેય વાર લસરી નહોતી. એમણે સતત એક જ ઉત્તર વાળ્યો હતોઃ ‘શી ઈઝ અવર લીડર...’ ઘરઆંગણે સોનિયા ગાંધી પર આક્ષેપોની ઝડી વરસાવનાર અડવાણીએ વિદેશમાં સોનિયા ગાંધીને કોંગ્રેસનાં નેતા નહીં, પણ અમારાં નેતા ગણાવ્યાં હતાં એ ઘણું બધું સૂચક છે. ભાજપી નેતાઓએ આ બોધપાઠ લેવો ઘટે.
ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં સુધારણાની અપેક્ષા જરૂર કરીએ, પરંતુ ચીનનો વિશ્વાસ કેટલો કરી શકાય એ વીતેલા દાયકાઓ દરમિયાનના એના આચરણમાંથી સમજી શકાય છે. બંને દેશોની પ્રાચીન સંસ્કૃતિની વાતનાં ગાણાં ગાવા માત્રથી ભારત અને ચીન વચ્ચે ફરીને ભાઈ-ભાઈના સંબંધ પુનઃસ્થાપિત થઈ જાય એવું નથી. વડા પ્રધાન મોદી ત્રણ દિવસ ચીનની મુલાકાત લઈને ચીની રાષ્ટ્રપતિથી લઈને ત્યાં પ્રજા સુધી સૌની સાથે હળેમળે એટલા માત્રથી ભારત-ચીન સંબંધો સારા થઈ જાય એવું નથી. રાજદ્વારી સંબંધોની પ્રગતિ ધીમી હોય છે. અમેરિકી પ્રમુખ બરાક ઓબામા કે ચીની પ્રમુખ શી જિનપિંગને ચા પીરસવાથી ‘ચાય પે ચર્ચા’ની ઘોષણાથી સંબંધો સુધારવામાં વર્ષો કે દાયકા લાગે છે, પણ એ કથળવાના હોય તો જરા અમથું છમકલું એના માટે પૂરતું હોય છે.
ચીન હોય કે મોંગોલિયા, દક્ષિણ કોરિયા હોય કે અમેરિકા, રખે આપણે માની લઈએ કે કોઈને ભારત કે ભારતીય સંસ્કૃતિ માટે પ્રેમ ઉભરાઈ જાય છે અથવા તો કોઈ ભારતને વિશ્વગુરુ તરીકે સ્વીકારી લેવા તલપાપડ છે. પ્રત્યેક દેશ પોતાનું હિત જોઈને જ અન્ય દેશ સાથેના સંબંધોમાં હૂંફ કે બરછટપણું દર્શાવે છે. બે દેશ વચ્ચેના સંબંધો સુધારવાની દિશામાં અનુકૂળતા જોવા મળે તો એ સુધારા માટેના અનેક ‘કોમન ગ્રાઉન્ડ્સ’ મળી આવે છે.
ભારતમાંથી બૌદ્ધ ધર્મ ચીન, તિબેટ, મોંગોલિયા, કોરિયા કે બર્મા (મ્યાંમાર), સિલોન (શ્રીલંકા) ભણી પ્રસર્યો. બુદ્ધ જન્મ્યા તો લુમ્બિની (નેપાળ)માં પણ ઉત્તર ભારતમાં બૌદ્ધ ધર્મનો પ્રસાર-પ્રચાર વધ્યો. એમના ધર્મને રીતસર દેશવટો દેવામાં આવ્યો. ૧૨૦૦ વર્ષ પછી ડો. બાબાસાહેબ આંબેડકરે બૌદ્ધ ધર્મને ભારતમાં પુનઃસ્થાપિત કરવાનું કામ કર્યું. એ પહેલી સદીઓમાં બૌદ્ધ ધર્મને કોઈએ જાળવ્યો તો ચીન, તિબેટ, બર્મા કે શ્રીલંકાએ.
પ્રાચીન સંસ્કૃતિના અંતરંગ મિલનો ભારત અને ચીનને ક્યારેક એક કરતાં હતાં. ૧૯૨૪માં કવિવર રવીન્દ્રનાથ ટાગોર ચીનના પ્રવાસે ગયા અને ત્યાં એમનો આદર સત્કાર થયો. તેમણે વ્યાખ્યાનો આપ્યાં. એ વેળા ભારત ચીનના મોટા ભાઈની અવસ્થામાં ગણાનાર દેશ હતો. આજે એ સ્થિતિ રહી નથી.
૧૯૪૯માં માઓની ક્રાંતિને પગલે ચીન સામ્યવાદી બન્યું. એ સમયાંતરે ભારતથી દૂર થતું ગયું. ૧૯૫૦માં નેહરુ વડા પ્રધાન હતા અને સરદાર પટેલ નાયબ વડા પ્રધાન. બંનેના ચીનવિષયક અભિગમ નોખા હતા. નેહરુને ‘હિંદી-ચીની ભાઈ ભાઈ’માં વિશ્વાસ હતો. સરદાર પટેલને તિબેટને ગપચાવનાર ચીનની આંખોમાં રમતાં સાપોલિયાં અને એનાં દુષ્ટ ઈરાદા દેખાતા હતા. તિબેટના ધાર્મિક નેતા અને રાજકીય શાસક દલાઈ લામા ૧૯૫૯માં ભારત ભાગી આવ્યા અને હજારો તિબેટવાસીઓ સાથે આજ લગી એમણે ભારતમાં રાજ્યાશ્રય મેળવ્યો છે. દલાઈ લામાને રાજ્યાશ્રય આપવાના મુદ્દે જ ચીને છંછેડાઈને ૧૯૬૨માં ભારત પર આક્રમણ કર્યું અને આપણું નાક કાપ્યું. નેહરુ માટે વિશ્વાસુ મિત્ર કનેથી દગો થયાનો આઘાત અસહ્ય થઈ પડ્યો અને ૧૯૬૪માં એ જ આઘાતથી એમનું અવસાન થયું.
બેઉ દેશો વચ્ચેના સંબંધોમાં કટુતા છેક ૧૯૮૮માં રાજીવ ગાંધીએ વડા પ્રધાન તરીકે ચીનની મુલાકાત લીધી ત્યાં લગી જળવાઈ. સમયાંતરે ભારત અને ચીનના નેતાઓની મુલાકાતો અને મંત્રણાઓ વધતી ચાલી એટલે સંબંધોમાં ઉષ્મા જોવા મળી, પણ ગમેત્યારે ચીની સૈનિકોની ઘૂસણખોરીના અટકચાળા ચાલતા રહ્યા એટલે તંગદિલીનો મામલો અખંડ રહ્યો.
ચીન અને ભારત વચ્ચેના વેપારી સંબંધો અને કૈલાસ-માનસરોવરની યાત્રાના વધુ એક રૂટની છૂટછાટ સહિતના કરારો છતાં બેઉ દેશ અરુણાચલ પ્રદેશ અને સિયાચીનના મુદ્દે હજુ સંમતિ સાધી શક્યા નથી. બંને દેશો વચ્ચેની સરહદને અંતિમ સ્વરૂપ અપાયું નથી. ભારત કરતાં પાકિસ્તાન ચીનને નજીકનું લાગે છે કારણ કે જમ્મુ-કાશ્મીર પ્રદેશમાં પાકિસ્તાને ગપચાવેલી ભૂમિ અને ચીને બથાવેલી જમીન ભારતને પરત કરવાની વૃત્તિ એનામાં નથી.
વાજપેયી સરકાર વેળા તિબેટને ચીનનો પ્રદેશ જાહેર કરવાનું પગલું ભારતે ભર્યાં છતાં બેઉ દેશો વચ્ચે વિશ્વાસ બેસે એવી પ્રગતિ સાધી શકાઈ નથી. ઓછામાં પૂરું, સરહદી પ્રદેશમાં ચીની સૈનિકોની ઘૂસણખોરી અને અરુણાચલ પ્રદેશને પોતાનો પ્રદેશ ગણાવવાની બદદાનત જ નહીં, એ પ્રકારના નક્શા પણ પ્રકાશિત કરવાની એની નીતિ ઉપરાંત ભારતને ચોમેરથી ઘેરવાની વૃત્તિને અનુસરવા જેવા પગલાં સરદાર પટેલને ૭ નવેમ્બર, ૧૯૫૦ના રોડ પંડિત જવાહરલાલ નેહરુને લખેલા તિબેટ અને ચીનવિષયક પત્રમાં વ્યક્ત કરેલી શંકાઓને સુદ્દઢ કર્યા વિના રહેતાં નથી.
નવાઈ એ વાતની છે કે ચીન વારંવાર ભારતીય પ્રદેશમાં ઘૂસણખોરી કરે છે, ભારત સરકાર એ સામે વિરોધ નોંધાવે છે છતાં ભારતીય સંસદમાં સંરક્ષણ પ્રધાન મનોહર પારિકર લિખિત ઉત્તરમાં ૫ મે, ૨૦૧૫ના રોજ એવું કહે છે કે છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન ચીની લશ્કરી દળોએ ભારતીય પ્રદેશોમાં આવી કોઈ ઘૂસણખોરી કરી નથી!
૧૯૫૪માં ભારતીય વડા પ્રધાન જવાહરલાલ નહેરુ ચીનની મુલાકાતે ગયા એ પછી છેક ૧૯૮૮માં એમના દોહિત્ર અને ભારતીય વડા પ્રધાન રાજીવ ગાંધી ચીનની મુલાકાતે જનારા બીજા વડા પ્રધાન હતા. ૧૯૯૩માં વડા પ્રધાન પી. વી. નરસિંહ રાવ અને ૨૦૦૩માં વડા પ્રધાન અટલ બિહાર વાજપેયી ચીનની મુલાકાતે ગયા હતા. એમના અનુગામી ડો. મનમોહન સિંહ ૨૦૧૩માં ત્રિદિવસીય ચીનની મુલાકાતે ગયા પછી વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ત્રિદિવસીય ચીન મુલાકાત યોજાતી હોય ત્યારે બેઉ દેશો વચ્ચે સંબંધ સુધારવાની કવાયતનું સાતત્ય જોવા મળે છે.
વાજપેયી ચીન ગયા ત્યારે ચીની વિદ્યાર્થીઓ સમક્ષ કવિ તરીકે પેશ થયા હતા અને ભારતીય બાબતોના અભ્યાસ કેન્દ્રનો શુભારંભ કરીને આવ્યા હતા. વડા પ્રધાન મોદી પણ કવિહૃદય છે. એ ચીનમાં મહાત્મા ગાંધી કેન્દ્રનો શુભારંભ કરાવીને તોપના નાળચામાંથી સત્તાને પ્રગટતી નિહાળનાર માઓ ઝેડાંગના ચીનને અહિંસાનો સંદેશ આપવાનો સંકલ્પ કર્યો હોય એવું લાગ્યા વિના રહેતું નથી. વર્ષ ૨૦૧૧માં ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે ચીનના પ્રવાસે ગયેલા અને ગુજરાત સાથે ચીનનાં ઘણાં એમઓયુ કરાવવામાં સફળ રહેલા વડા પ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદી ૧૯ મેના રોજ સ્વદેશ પાછા ફરે ત્યારે ૧૪મેથી ત્રિદેશીય પ્રવાસની ઉપલબ્ધિઓ અંગે સમગ્ર દેશને માહિતગાર કરીને સંબંધોના નવા સેતુ સ્થાપિત કર્યાના સંકેત આપે એવી અપેક્ષા કરીએ.