વિજયભાઈના વિજયની નરેન્દ્ર-જડીબુટ્ટી

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Wednesday 21st September 2016 05:40 EDT
 
 

સંયોગ એવો છે કે વડા પ્રધાન અને ગુજરાતના પનોતાપુત્ર નરેન્દ્ર મોદી હવે વારંવાર ગુજરાત આવવાના છે કારણ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, પણ એમના સત્તાવાર કાર્યક્રમો પણ ગોઠવાયે જાય છે. હવે આગામી ૧૦ જાન્યુઆરીના આઠમા વાઈબ્રન્ટ સમિટ માટે વડા પ્રધાન મોદી નવમી જાન્યુઆરી ૨૦૧૭ના રોજ આવી જાય એવું ગોઠવાયું છે. એ પહેલાં પણ એમના કાર્યક્રમોનું આયોજન વિજયભાઈની વિજયકૂચ માટે થઈ શકે.

હમણાં હમણાં બે વાર વડા પ્રધાન વતન રાજ્યમાં આવી ગયા. સૌરાષ્ટ્રની ‘સૌની’ યોજનાના પ્રથમ તબક્કાનું ઉદઘાટન કરવા નિમિત્તે અને પોતાના જન્મદિન ૧૭ સપ્ટેમ્બરના રોજ માતા હીરાબાના આશીર્વાદ લેવા આવ્યા એ ટાણે લીમખેડામાં આદિવાસીઓ અને નવસારીમાં દિવ્યાંગ બાળકો સાથેના સત્તાવાર કાર્યક્રમો નિમિત્તે પ્રજા સમક્ષ હાજર થયાં. યોજનાઓનું બીજારોપણ તો હતું તત્કાલીન મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલનું, પણ યોજનાઓના ઉદઘાટનનો પ્રસંગ આવ્યો એટલામાં તો વિજયભાઈ રૂપાણી મુખ્ય પ્રધાન પદે આવી ચૂક્યા હતા. અગાઉ કેશુબાપાના પરિશ્રમનો મોલ લણવાની તક નરેન્દ્રભાઈને રાજમાર્ગોનાં ઉદઘાટનમાં મળી જ હતી.

આઝાદી પૂર્વેના અંગ્રેજશાસને પણ જે કાંઈ કર્યું, વારસામાં સ્વતંત્ર ભારતની સરકારોને મળ્યું અને એમાં ઉમેરણ પણ થતાં રહ્યાં છતાં કેટલાક ભાજપી શાસકોને કોંગ્રેસના શાસનને યશ આપવાનું ગમતું નથી. શાસન એ સતત ચાલતી પ્રક્રિયા છે. એમાં સારું-નરસું થતું રહે અને પ્રજા સત્તાધીશો બદલતી રહે છે. ૪૯-૫૧નો લોકશાહીનો ખેલ સ્વીકૃતિ પામ્યો છે. અન્યથા ફ્રાન્સ જેવું ૫૦ ટકાથી વધુ વોટ મેળવવાનું અનિવાર્ય બનાવાય તો ભારતમાં કોણ જાણે કૈંક કેટલીય વાર ચૂંટણી યોજીને ધાર્યા આંકે પહોંચી શકાય! વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પક્ષને માત્ર ૩૧ ટકા મત મળ્યા, પણ લોકસભામાં ભારે બહુમતી બેઠકો મળી એટલે પ્રજાની એમની કનેથી અપેક્ષાઓ પણ એટલી જ વધી જાય છે.

સત્તાપક્ષ અને વિપક્ષમાંય સ્વયંસેવક

ગુજરાતમાં મુખ્ય પ્રધાન તરીકે ઓક્ટોબર ૨૦૦૧માં નરેન્દ્ર મોદી દિલ્હીથી આવ્યા ત્યાં લગી એમણે ક્યારેય સરપંચની પણ ચૂંટણી લડી નહોતી. એમણે મુખ્ય પ્રધાન તરીકેના શાસનની ધુરા સંભાળી એ પછી ભાજપ માટે હરખના જ સમાચાર મળતા રહ્યા છે. બિહાર, બંગાળ અને દિલ્હી વિધાનસભાના માઠા સમાચાર ભાજપ, સંઘ અને નરેન્દ્રભાઈ પચાવી શક્યા, પણ ગુજરાતનો ગઢ ગુમાવવો પરવડે નહીં. નરેન્દ્રભાઈના ભક્તોની દૃષ્ટિએ મોદીયુગ બેઠો ત્યારથી એટલે કે ઓક્ટોબર ૨૦૦૧થી અને સંઘની દૃષ્ટિએ કેશુબાપાના વડપણ હેઠળ ૧૯૯૫ના માર્ચમાં ભાજપની સરકાર રચાઈ ત્યારથી ભગવી પાર્ટી માટે ઓચ્છવના જ દિવસો છે. એમ તો શંકરસિંહ વાઘેલાની ખજૂરાહોવાળી સરકાર પણ સંઘના સ્વયંસેવકની જ સરકાર ગણાવી શકાય. આવતી ચૂંટણીમાં સત્તા મેળવવા હરખપદૂડા એવા શંકરસિંહની સોગઠી વાગે તો પણ નાગપુરના સંઘના મુખ્યાલયે તો મીઠાઈ વહેંચવાનો જ પ્રસંગ આવે એવું સમજવું.

સંઘમાં સ્વયંસેવક કાયમ માટે હોય છે એ વાત હમણાં પાછી સંઘના સત્તાવાર પ્રવક્તાએ જ નથુરામ ગોડસેના સ્વયંસેવક હોવાની વાતને સ્વીકારીને પુનઃ પ્રતિપાદિત કરતાં ઉમેર્યું જરૂર કે ગોડસેના ગાંધીજીની હત્યાના દુષ્ટકૃત્યને સંઘ વખોડે છે અને એના દુષ્ટકૃત્ય પાછળ સંઘનો હાથ હોવાની વાત નકારે છે. સ્વાભાવિકપણે સંઘના પ્રવક્તાની વાતને સાચી માનવા પ્રેરાવું પડે. સંઘ કે અન્ય કોઈ સંગઠનનો કોઈ કાર્યકર કાંઈ કરે એના દોષનો ટોપલો સંઘને કે અન્ય સંગઠનને શિરે લાદી શકાય નહીં. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં સ્વયંસેવકો વચ્ચેનો મુખ્ય જંગ રહેશે. ગોવા પ્રકરણને ટાઢું પાડવા માટે સંઘ થકી જે ભૂમિકા લેવાઈ એ પણ સાચી છે કે સંઘનો સ્વયંસેવક કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાઈ શકે છે. પી. વી. નરસિંહ રાવ પરભણીના બાળ સ્વયંસેવક ગણાય અને વસંત સાઠે તો આજીવન સ્વયંસેવક. આ બેઉ ઉપરાંત બીજા અનેક કોંગ્રેસી વડાં પ્રધાન ઈંદિરા ગાંધીના લાડકા કોંગ્રેસી નેતા અને સ્વયંસેવક તેમજ પ્રધાન તેમજ વડા પ્રધાન તરીકે પણ સ્થાન પામી શક્યા હતા. આવતા દિવસોમાં સત્તા અને વિપક્ષ બેઉમાં ગુજરાત સિવાયનાં રાજ્યોમાં પણ નાગપુરની વાત માનનારા સ્વયંસેવકોના રાજકીય પક્ષ હશે એટલી ભવિષ્યવાણી નિઃસંકોચ આજના તબક્કે કરી શકાય.

વાઈબ્રન્ટમાં નોબેલ-વિજેતા

વર્ષ ૨૦૦૩માં નરેન્દ્ર મોદીના વડપણવાળી ગુજરાત સરકારે વાઈબ્રન્ટ સમિટના આયોજન થકી વિશ્વસ્તરે પોતાના પ્રભાવને પાથરવાનો શુભારંભ કર્યો ત્યારથી જ એમના દિલ્હી જવાના સંકેતનો રોડમેપ તૈયાર થઈ ચૂક્યો હતો. ચોવીસ કલાકના જાગતા રાજનેતા મોદી એકસાથે અનેક ક્ષેત્રે કામમાં લક્ષ આપતા રહ્યા છે. એમને સંઘનું પીઠબળ જરૂર મળ્યું, પણ દૂરગામી આયોજનોની સફળતા માટે જે કાંઈ અનિવાર્ય જણાય એ મેળવવામાં એમને સંઘના બંધન ક્યારેય નડ્યાં નથી. નરેન્દ્રભાઈની રાજકીય સફળતાનું રહસ્ય આ એક જ કથનમાં સમાઈ જાય છે. નોખું કરવું અને નંબર વન થવું એના ધખારા એને થાકવા દેતાં નથી. એમની સાથે દોડનારા માણસોને પણ એ જંપવા દેતા નથી. સો ટકા સમર્પણભાવ સાથે એમની ટીમમાં જોડાવા સક્ષમ વ્યક્તિ એની પોતીકી બની શકે, બાકીના એની આસપાસના વર્તુળની સીમા પરના પ્રેક્ષક જ બની શકે.

વાઈબ્રન્ટ ઉત્સવોને કોંગ્રેસના સત્તાધીશોએ તાયફા ગણાવ્યા, પણ મોદી કેન્દ્રની કોંગ્રેસ સરકારોના આ તાયફાઓને જીતી લેવાની કવાયતમાં જોડાઈને મનમોહન સરકારને દિલ્હીથી ગાદીએથી ગબડાવવાનાં યોજનાબદ્ધ આયોજન કરતા રહ્યા. એ સફળ પણ થયા. વાઈબ્રન્ટ ઉત્સવોમાં મૂડીરોકાણના મોટા આંકડા અને રોજગારી અંગેની લોભામણી તકોની ગાજવીજ ખૂબ થઈ, પણ એના પાલનમાં રહેલી કચાશોને રેણ કરીને કે પછી ખાનગી ક્ષેત્રની રોજગારીને ગુજરાતની રોજગારીના આંકડાઓમાં મેળવીને કે ખાનગી ઉદ્યોગોમાં નોકરી અપાવવાના ઉત્સવો સરકારી ધોરણે યોજવાનું આરંભીને પણ મોદીએ પ્રજા અને પરદેશીઓને આંજી નાંખ્યા. કોંગ્રેસ એમની ટીકા-ટિપ્પણમાં રહી. મોદી આક્રમક રહ્યા, કોંગ્રેસ બચાવપક્ષે રહી. સત્તામાં હોવા છતાં બચાવની દુર્ગતિમાં કોંગ્રેસની નૈયા ડૂબી ગઈ.

મોદીના પેંગડામાં પગ ઘાલવાનું ઢીલાપોચાનું કામ નહીં, પણ વાઈબ્રન્ટના સમારંભો અને મહાત્મા મંદિરના સ્થાપત્યો મૂકીને નરેન્દ્રભાઈ દિલ્હીશ્વર બન્યા પછી એમના પગલે ચાલવાનું એમના અનુગામીઓ માટે સરળ બન્યું. દરેક વ્યક્તિ નોખો ચીલો ચાતરી શકે એવું નથી. મોદીના મારગ આગળ વધવા માટે પણ અનુગામીઓએ પરસેવો પાડવો પડે. વાઈબ્રન્ટ ૨૦૧૭ના જાન્યુઆરીમાં નોબેલ પારિતોષિક વિજેતાઓને તેડાવાશે, મૂડીરોકાણની તકો અને ધંધા રોજગાર તો ચાલશે, પણ આઠમી વાઈબ્રન્ટ સમિટને વડા પ્રધાનની હૂંફ સાથે ૧૪ જેટલા દેશોની એમાં સહભાગિતા (પાર્ટનરશિપ) પણ ખૂબ નિર્ણાયક બની રહેવાની અત્યાર લગી અમેરિકા, ઓસ્ટ્રેલિયા, થાઈલેન્ડ સહિતના આઠ દેશોની સહભાગિતા નોંધાઈ ચૂકી છે.

૮૫ ટકા સ્થાનિકોને રોજગાર

ગુજરાતમાં રોકાણ કરનારી કંપનીઓએ ૮૫ ટકા સ્થાનિકોને રોજગાર આપવો જે તે કંપની માટે સરકારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની પૂર્વશરત છે. જોકે આ શરતનું પાલન કોઈ કરતું નથી અને સત્તાવાળા પણ એનાથી સુવિદિત છે. આજકાલ ચર્ચામાં રહેલા ઓબીસી મંચના અગ્રણી અલ્પેશ ઠાકોરે દારૂના અડ્ડાઓ પર જનતા રેઈડ્સ પાડવાના કાર્યક્રમ પછી ગુજરાતના ઉદ્યોગોમાં સ્થાનિકોને ૮૫ ટકા રોજગાર આપવાની માગણી કરી છે. આ દિશામાં સરકાર પગલાં ના ભરે તો ગુજરાત સરકાર આયોજિત વાઈબ્રન્ટ સમિટનો ઘેરા કરવાની ચીમકી આપી છે. વર્તમાન મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ૩૧ જુલાઈ ૨૦૧૬ના રોજ એ જ્યારે શ્રમપ્રધાન હતા ત્યારે તેમણે અમારી સાથેની વાતચીતમાં કહેલા શબ્દો કાંઈક આવા હતાઃ ‘સંબંધિત કંપનીમાં ૮૫ ટકા સ્થાનિક (લોકલ-ડોમિસાઈલ) કર્મચારી લેવા ફરજિયાત છે. આ નીતિના અમલ માટે અમે દબાણ કરીએ છીએ. પગલાં પણ લઈએ છીએ છતાં ગેપ રહે છે. આઈઓસી (ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન) જેવી કંપનીઓને યોગ્ય માણસો ગુજરાતમાંથી મળતા નહીં હોવાની ફરિયાદ રહે છે.’ ગુજરાત સરકારના મુખ્ય સચિવ રહેલા પ્રવીણ ક. લહેરીએ કહ્યું કે, ૧૯૮૮માં અમરસિંહ ચૌધરીની સરકારે ૮૫ ટકાનો સરકારી પરિપત્ર (જીઆર) કર્યો ત્યારે ઓએનજીસીએ એને વડી અદાલતમાં પડકાર્યો હતો. જોકે, ૧૯૯૧માં ચીમનભાઈ સરકારે નવી ઉદ્યોગનીતિમાં એને સામેલ કર્યો હતો.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter