વિવાદસર્જક સાંસદ રંજન ગોગોઈ

અતીતથી આજ

ડો. હરિ દેસાઈ Monday 23rd March 2020 05:18 EDT
 
 

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કેન્દ્ર સરકારની ભલામણથી રાજ્યસભાના ૧૨ નામનિયુક્ત (નોમિનેટેડ) સભ્યોમાંથી કાયદાવિદ્ કે. ટી. એસ. તુલસીની મુદત પૂરી થતાં એ બેઠક પર હજુ નવેમ્બર ૨૦૧૯ સુધી દેશના મુખ્ય ન્યાયાધીશ રહેલા રંજન ગોગોઈની નિમણૂક કરી અને ભારે રાજકીય ઉહાપોહ મચ્યો. તુલસી તો ફરીને છત્તીસગઢ ધારાસભામાંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે બિનહરીફ તરીકે ૧૮ માર્ચ ૨૦૨૦ના રોજ રાજ્યસભામાં વધુ છ વર્ષ માટે ચૂંટાયેલા જાહેર થયા છે.

૧૯ માર્ચે જસ્ટિસ (નિવૃત્ત) ગોગોઈ રાજ્યસભામાં સભ્ય તરીકે શપથ લઇ રહ્યા હતા ત્યારે સમાજવાદી પક્ષના અપવાદ સિવાય કોંગ્રેસ, સીપીઆઇ, ડીએમકે અને એમડીએમકે સહિતના વિપક્ષોએ એમની વિરુદ્ધમાં ‘શેમ શેમ’ જેવા સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુએ વિપક્ષના સભ્યોને વારંવાર વારવાની કોશિશ કરી, પણ એ એકના બે ના થયા.

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ રહી ચૂકેલા મદન લોકુર, એ. કે. પટનાયક અને કુરિયન જોસેફ તો ગોગોઈની રાજ્યસભામાં નિયુક્તિને ન્યાયતંત્રમાં દખલ સમાન અને ન્યાયતંત્રના સ્વાતંત્ર્યને માથે જોખમ ગણાવવા સુધી ગયા.

સંયોગ તો એવો હતો કે ક્યારેક આ જ ન્યાયાધીશ રંજન ગોગોઈ સુપ્રીમ કોર્ટના એ વેળાના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા સામે પત્રકાર પરિષદ ભરીને ખુલ્લેઆમ ન્યાયતંત્રની સ્વતંત્રતા માટે અવાજ ઉઠાવનાર ન્યાયાધીશ ત્રિપુટીમાં સામેલ હતા એટલું જ નહીં, ન્યાયતંત્રમાં સરકારી દખલના એ વિરોધી રહ્યા છે.

એવું નથી કે દેશના મુખ્ય ન્યાયાધીશો નિવૃત્તિ પછી રાજ્યસભામાં સભ્યપદે આવ્યા નથી, પરંતુ પોતાની મહિલા કર્મચારીની જાતીય સતામણીના ખટલામાં વિવાદમાં આવેલા જસ્ટિસ ગોગોઈ વિવાદાસ્પદ રામજન્મભૂમિ ખટલા સહિતના કેટલાક ચુકાદાઓ આપવામાં સરકારને અનુકૂળ રહ્યાનો આક્ષેપ પણ તેમના પર થતો રહ્યો છે. અગાઉ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીના શાસનકાળ દરમિયાન કહ્યાગરી નોકરશાહી અને કહ્યાગરા ન્યાયતંત્રની ટીકાઓ થતી હતી, એવું જ કંઇક આજે પણ પ્રગટપણે અને ખાનગી ખૂણે દેશવાસીઓની આસ્થાના પ્રતીકસમા ન્યાયતંત્ર અને નોકરશાહી વિશે કહેવાવું શરૂ થયું છે.

રાજ્યસભામાં મુખ્ય ન્યાયાધીશો

દેશના મુખ્ય ન્યાયાધીશો નિવૃત્તિ પછી સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય અદાલતમાં નિમણૂક પામે છે અથવા ભારતમાં બંધારણીય હોદ્દાઓ પર અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા પછી સમયાંતરે રાજ્યસભામાં આવતા હોય એવી પરંપરા છે. જોકે આદર્શ પરિસ્થિતિ તો એ લેખી શકાય કે નિવૃત્તિ પછી આવાં પદ પર કોઈની નિયુક્તિ ના જ થાય. આવા કોઈ હોદ્દા પર નિયુક્તિ પામીને ગાડી-બંગલા, નોકરચાકર કે અન્ય સાહ્યબીની અપેક્ષા કરનારા ન્યાયાધીશો સરકારને અનુકૂળ ચુકાદા આપવા પ્રેરાતા હોવાનું ભાજપના નેતા અને ભાજપના વડપણવાળી એનડીએ સરકારમાં હજુ થોડા વખત પહેલાં દિવંગત થયેલા પ્રધાન અરુણ જેટલી જાહેરમાં કહેતા રહ્યા છે.

રાજ્યસભામાં વિપક્ષના નેતા તરીકે જાણીતા ધારાશાસ્ત્રી જેટલીએ ૨૦૧૨માં કહ્યું હતું: ‘જજોના સેવાનિવૃત્તિ પહેલાંના ચુકાદાઓ સેવાનિવૃત્તિ પછીની નોકરીની લાલચથી પ્રભાવિત રહે છે... મારી ભલામણ છે કે જજોની સેવાનિવૃત્તિ પછી નવી નિયુક્તિ વચ્ચે બે વર્ષનો સમયગાળો (કૂલિંગ પીરિયડ) રાખવામાં આવે, અન્યથા સરકાર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ન્યાયતંત્રને પ્રભાવિત કરી શકે છે. દેશમાં સ્વતંત્ર, નિષ્પક્ષ અને સ્વચ્છ ન્યાયતંત્રનું સ્વપ્ન ક્યારે પણ વાસ્તવિકતા બની નહીં શકે.’

દેશના મુખ્ય ન્યાયાધીશ રહેલા રંગનાથ મિશ્રા એટલે કે જસ્ટિસ દીપક મિશ્રાના સગા કાકા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિવૃત્ત થયા એનાં સાત વર્ષ પછી ૧૯૮૮માં કોંગ્રેસના સભ્ય તરીકે રાજ્યસભામાં ચૂંટાયા હતા. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે રાજીનામું આપીને જસ્ટિસ બહારુલ ઇસ્લામ ૧૯૮૩માં કોંગ્રેસની ટિકિટ પર રાજ્યસભાની ચૂંટણી લડીને સાંસદ બન્યા હતા.

દેશના મુખ્ય ન્યાયાધીશ રહેલા જસ્ટિસ એમ. હિદાયતુલ્લા અને જસ્ટિસ આર. એસ. પાઠક ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી લડીને વિજયી થતાં હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ તરીકે સેવા આપી ચૂક્યા છે. જોકે જસ્ટિસ આર. એમ. લોઢા, જસ્ટિસ ટી. એસ. ઠાકુર, જસ્ટિસ એચ. એસ. કાપડિયા જેવા દેશના ઘણા મુખ્ય ન્યાયાધીશોએ સેવાનિવૃત્તિ પછી સરકારી હોદ્દે નિમણૂક અંગે સરકારો અને ન્યાયાધીશોને ચેતવ્યા હોવા છતાં એમની વાત બહેરાકાને અથડાઈ છે. વાજપેયી યુગમાં સર્વપક્ષી નેતાઓની સાથે જ ભાજપના નેતા લાલ કૃષ્ણ આડવાણીને હવાલા કૌભાંડમાં નિર્દોષ છોડનાર મુખ્ય ન્યાયાધીશ જે. એસ. વર્માને રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના અધ્યક્ષપદે નિયુક્ત કરાયા હતા.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ આર. કે. અગ્રવાલ ૪ મે ૨૦૧૮ના રોજ નિવૃત્ત થયા અને ૧ જુલાઈ ૨૦૧૮ના રોજ તેમને નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશનના અધ્યક્ષપદે નિયુક્ત કરાયા. આવું જ કંઇક નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના અધ્યક્ષપદે નિયુક્ત કરાયેલા જસ્ટિસ એ. કે. ગોયલનું છે. વર્ષ ૨૦૧૮માં જ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પર અત્યાચાર અંગેના કાયદાને હળવો કરતો ચૂકાદો આપીને રાષ્ટ્રીય વિવાદવંટોળ જગાવનાર જસ્ટિસ ગોયલને થોડા જ વખતમાં પાંચ વર્ષ માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના અધ્યક્ષપદે નિયુક્ત કરાયા એટલું જ નહીં એમની નિમણૂકના થોડા જ કલાકોમાં એમના પુત્ર નીખીલ ગોયલને હરિયાણામાં એડિશનલ એડવોકેટ જનરલ નિયુક્ત કરાયા એને સંયોગ જ માનવો પડે. એપ્રિલ ૨૦૧૪માં નિવૃત્તિ પછી સપ્ટેમ્બર ૨૦૧૪માં જ દેશના મુખ્ય ન્યાયાધીશ પી. સદાશિવમને કેરળના રાજ્યપાલ બનાવાયા ત્યારે પણ વિવાદ તો સર્જાયો જ હતો.

નિવૃત્તિના ત્રણ મહિનામાં નિયુક્તિ

નિવૃત્તિ પછી ન્યાયાધીશોની નિમણૂકો ન્યાયતંત્રની સ્વતંત્રતાને જોખમમાં મૂકે છે એવું કહીને રોજર મેથ્યુ ખટલામાં બંધારણ પીઠના વડા ન્યાયાધીશ તરીકે ટ્રિબ્યુનલના નિયમોને રદ કરી દેનારા જસ્ટિસ ગોગોઈ પોતે જ હવે વિવાદના કઠેડામાં છે. એમની નિવૃત્તિ પછી ઝાઝો કૂલિંગ પીરિયડ પસાર થયો નથી અને એમની નિમણૂક રાજ્યસભામાં થાય અને એમને અનેક મિત્રોએ વાર્યા છતાં એ એમણે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા.

૧૭ નવેમ્બર ૨૦૧૯ના રોજ દેશના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિવૃત્ત થનારા જસ્ટિસ ગોગોઈ અને તેમનાં પત્ની રૂપાંજલિને એમના ગૃહરાજ્ય આસામની હાઇ કોર્ટના તમામ ૧૮ ન્યાયાધીશોએ ૩૦ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ બેઠક યોજીને એક ઠરાવ પસાર કરી જે સુવિધાઓ આપવાનું ઠરાવ્યું એ વિગતો લોકસભાનાં તૃણમૂલ કોંગ્રેસનાં સાંસદ મહુવા મોઇત્રાએ એક લેખ લખીને પ્રકાશમાં આણી સૌને ચોંકાવી દીધા છે.

નિવૃત્તિના માત્ર બે મહિના પહેલાં જ ગુવાહાટી હાઇ કોર્ટના ખર્ચે (૧) જસ્ટિસ ગોગોઈ અને તેમનાં પત્નીને એક અંગત સચિવ આપવામાં આવે. (૨) જસ્ટિસ ગોગોઈના ગુવાહાટી ખાતેના બંગલે એક ચોથા વર્ગના નોકર ઉપરાંત એક બંગલાના પ્યુનની સુવિધા પૂરી પડાય. (૩) હાઇ કોર્ટનું એક સારી સ્થિતિમાં હોય એવું વાહન એના શોફર (ડ્રાઈવર) સાથે જયારે જસ્ટિસ ગોગોઈને જરૂર પડે ત્યારે તેમને હવાલે મૂકાય. આવી સુવિધા અભૂતપૂર્વ કહી શકાય. હવે ગોગોઈ રાજ્યસભામાં ગયા છે ત્યારે એમને આ સુવિધા ઉપલબ્ધ કરાવાશે કે કેમ એ પ્રશ્ન છે.

રાજ્યસભાના સભ્ય બન્યા પછી તેઓ ન્યાયતંત્રને સરકારમાં ન્યાય અપાવવા પ્રયત્નશીલ રહેવા ઉપરાંત કેન્દ્રમાં પ્રધાન થવાને માટે પણ લાયકાત ધરાવે છે. એમની સામે જાતીય સતામણીનો ખટલો દાખલ કરનાર મહિલા કર્મચારી અને એના પરિવાર સામે કેટલાક કેસ દાખલ થયા હતા તથા એને નોકરીમાંથી રુખસદ અપાઈ હતી. હવે એ ફરી નોકરીમાં બહાલ કરાઈ છે. ગૂંચવાડો તો રહે જ છે. એ મહિલા નિર્દોષ હતી તો એણે કરેલા આક્ષેપો સાચા હતા કે કેમ એ વિવાદ હજુ જસ્ટિસ ગોગોઈનો પીછો છોડવાનો નથી.

એરમાર્શલ ગોગોઈ રાજ્યપ્રધાન સમકક્ષ

આસામના માત્ર બે મહિના માટે (૧૩ જાન્યુઆરી ૧૯૮૨ - ૧૯ માર્ચ ૧૯૮૨) કોંગ્રેસી મુખ્ય પ્રધાન રહેલા કેશબ ચંદ્ર ગોગોઈના નાના પુત્ર એટલે જસ્ટિસ ગોગોઈ. એમના મોટા ભાઈ એરમાર્શલ અંજન ગોગોઈ ઉપરાંત નાનો લંડનનિવાસી તબીબ ભાઈ નિરંજન અને બે બહેનોનો આ પરિવાર છે. જસ્ટિસ ગોગોઈનો દીકરો રક્તિમ અને દીકરી રશ્મિ ધારાશાસ્ત્રી છે.

૨૩ ફેબ્રુઆરી ૨૦૧૩ના રોજ ભારતીય હવાઈ દળમાંથી નિવૃત્ત થયેલા એરમાર્શલ ગોગોઈને પણ વર્તમાન કેન્દ્ર સરકારે ઇશાન ભારતનાં રાજ્યો માટેની નોર્થ ઇસ્ટર્ન કાઉન્સિલમાં પૂર્ણકાલીન સભ્ય તરીકે ૨૪ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ કેન્દ્રના રાજ્ય પ્રધાન સમકક્ષ હોદ્દે નિયુક્તિ આપી છે. એરમાર્શલ ગોગોઈ ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં આવેલા હવાઈદળના સાઉથ વેસ્ટર્ન કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ રહી ચૂક્યા છે.

સામાન્ય રીતે ઇશાન ભારતમાં ઝાઝી સેવા નહીં બજાવનાર એરમાર્શલ ગોગોઈ અને એમના ભાઈ જસ્ટિસ ગોગોઈના કોંગ્રેસી ગોત્ર છતાં કેન્દ્ર સરકાર એમના પર વારી જાય ત્યારે વિવાદ જાગવો સ્વાભાવિક છે. જોકે જસ્ટિસ ગોગોઈએ રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા પછી કોઈ એમનો વિરોધ નહીં કરે એવી શ્રદ્ધા વ્યક્ત કરી છે. એમની સામે માત્ર જસ્ટિસ રંગનાથ મિશ્રા જ નહીં, જસ્ટિસ હિદાયતુલ્લા અને જસ્ટિસ આર. એસ. પાઠક જેવા મુખ્ય ન્યાયાધીશો પણ આદર્શ છે. હવે તો આગે આગે ગોરખ જાગે.

સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર

ન્યાયતંત્રને રાજકારણથી અને સત્તાકારણથી પર રાખવા માટે બંધારણ સભામાં નામાંકિત ધારાશાસ્ત્રી અને અર્થશાસ્ત્રી કે. ટી. શાહે નિવૃત્તિ પછી ન્યાયાધીશોને રાજકીય દૃષ્ટિએ કોઈ સરકારી હોદ્દા આપવા પર પ્રતિબંધ ફરમાવવાની જોગવાઈ કરવાનો આગ્રહ સેવ્યો હતો. સ્વયં બંધારણ મુસદ્દા સમિતિના અધ્યક્ષ બાબાસાહેબ ડો. ભીમરાવ આંબેડકર પણ ન્યાયાધીશો પર સરકારી પ્રભાવ ના પડે એવા મતના હતા.

આમ છતાં, સમયાંતરે સુપ્રીમ કોર્ટ અને હાઇ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશો વિવિધ સરકારી હોદ્દે કે રાજ્યસભા કે કેન્દ્રમાં પણ પ્રધાન પદે આવતા રહ્યા છે. ૧૯૫૨માં સુપ્રીમમાંથી નિવૃત્ત થયા પછી જસ્ટિસ ફાઝલ અલી એ વેળાના ઓરિસ્સાના રાજ્યપાલ નિયુક્ત થયા હતા. મુંબઈ હાઇ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એમ. સી. ચાગલા કેન્દ્રમાં નેહરુ સરકાર અને ઇન્દિરા સરકારમાં પ્રધાન રહ્યા હતા. મુંબઈની હાઇ કોર્ટના ન્યાયાધીશ આર. આર. ભોળે રાજ્યસભામાં કોંગ્રેસના સભ્ય ઉપરાંત ડો. બાબાસાહેબે સ્થાપેલી પીપલ્સ એજ્યુકેશન સોસાયટીના અધ્યક્ષ અને મંડળ કમિશનના સભ્ય રહ્યા હતા.

બિહારના કોંગ્રેસી મુખ્ય પ્રધાન અને નિધન પૂર્વે ભાજપમાં રહેલા જગન્નાથ મિશ્રાને હોદ્દાના દુરુપયોગમાં છોડી મૂકનારા જસ્ટિસ બહારુલ ઈસ્લામે સુપ્રીમના ન્યાયાધીશ તરીકે રાજીનામું આપીને કોંગ્રેસી ઉમેદવાર તરીકે ૧૯૮૩માં રાજ્યસભામાં જવાનું પસંદ કર્યું હતું. એ પહેલાં દેશના મુખ્ય ન્યાયાધીશ સુબ્બારાવે એપ્રિલ ૧૯૬૭માં રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માટે રાજીનામું આપ્યું હતું.

આવા તો કંઇક કેટલાંય દાખલા છે. અંતે ન્યાયાધીશો સમાજમાંથી આવે છે. એમને એમની વિચારધારા પણ હોઈ શકે, પણ એ વિચારધારાને અદાલતમાં ન્યાયાધીશની ખુરશી પર બેસવા જતાં દરવાજા બહાર મૂકીને બંધારણના જતનના એકમેવ હેતુસર તેઓ અદાલતી ચુકાદા આપે એટલી અપેક્ષા રાખવી અસ્થાને નહીં ગણાય.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter