છેક ૧૮૯૩ના સપ્ટેમ્બર મહિનામાં અમેરિકાના શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપીને વિશ્વફલક પર છવાઈ ગયેલા સ્વામી વિવેકાનંદે ૩૯ વર્ષની વયે જીવનલીલા સંકેલી લીધી, પરંતુ શિકાગોની વિશ્વ ધર્મ પરિષદમાં એમણે પ્રબોધેલા વિશ્વ ધર્મના માધ્યમથી આતંકવાદ જેવી સમસ્યાઓનો અક્સીર ઈલાજ કરવાને બદલે એમને ‘પ્રજ્ઞાચક્ષુઓના હાથી (આંધળાના હાથી)’ તરીકે નિહાળવાની પરંપરા આજેય અખંડ છે. સ્વામી વિવેકાનંદ ૩૧ મે, ૧૮૯૩ના રોજ ‘અજ્ઞાત સંન્યાસી’ તરીકે અમેરિકા જવા ઉપડ્યા હતા, પરંતુ વિશ્વ ધર્મ સંસદમાં સહભાગી થઈને સ્વદેશ પાછા ફર્યા ત્યાં લગી તો એ વિશ્વમાં ચર્ચાસ્પદ વ્યક્તિ તરીકે ઉપસ્યા હતા.
ભુવનેશ્વરી દેવીની કુખે ૧૨ જાન્યુઆરી, ૧૮૬૩ના રોજ જન્મેલા વીરેશ્વરનું પાછળથી નામકરણ નરેન્દ્રનાથ થયું. ૪ જુલાઈ, ૧૯૦૨ના રોજ શ્રી રામકૃષ્ણના પરમ શિષ્ય નરેન્દ્રએ સ્વામી વિવેકાનંદ તરીકે કોલકાતામાં મહાસમાધિ ગ્રહણ કરી. દેશ-વિદેશમાં બેલુડ મઠના શ્રી રામકૃષ્ણ મઠ અને મિશનના માધ્યમથી સ્વામી દેશી-વિદેશી ભક્તો અને શ્રદ્ધાળુઓમાં ગજબનાક બૌદ્ધિક અને સેવાભાવી વ્યક્તિત્વ તરીકે છવાઈ ચુક્યા હતા. સ્વામી વિવેકાનંદે શિકાગોની ધર્મસંસદમાં ‘હિંદુ યોગી’ (હિંદુ મોન્ક) તરીકેની ઓળખને પ્રસ્થાપિત કરી હતી, પરંતુ સમયાંતરે સર્વે ધર્મોનો સરવાળો કરતા વિશ્વ ધર્મના એ પ્રણેતા બની રહ્યા.
‘આ વિશ્વ ધર્મ, વૈદિક-બ્રાહ્મણ ધર્મ નહીં હોય, એ બૌદ્ધ ધર્મ નહીં હોય, એ ખ્રિસ્તી ધર્મ નહીં હોય, એ ઈસ્લામ પણ નહીં હોય, એ સર્વેનો સરવાળો હશે. અને તેમ છતાં વિકાસ માટે અનંત અવકાશવાળો હશે. આ વિશ્વ ધર્મ વિશાળ હૃદયી હશે અને એના અનંત બાહુઓમાં દરેક માનવને સ્થાન મળશે.’
‘શિકાગો વ્યાખ્યાનો’માં ‘હિંદુ ધર્મ વિશે નિબંધ’ રજૂ કરતાં સ્વામીએ કહેલા શબ્દો કાંઈક આવા હતાઃ ‘આ વિશ્વ ધર્મના બંધારણમાં ત્રાસવાદને સ્થાન નહીં હોય, અસહિષ્ણુતાને સ્થાન નહીં હોય. આ વિશ્વ ધર્મ દરેક માનવ - પુરુષ અને સ્ત્રીમાં રહેલી દિવ્યતાનો સ્વીકાર કરશે. આ વિશ્વ ધર્મ માનવજાતને પોતાની સત્ય અને દિવ્ય પ્રકૃતિનો સાક્ષાત્કાર કરાવવામાં સહાયભૂત થવા માટે પોતાની સર્વશક્તિ તેમ જ સર્વ અનુકૂળતાનો ઉપયોગ કરશે.’ સમન્વયનો ધ્વજ ધારણ કરીને સંસ્કૃતિને મોખરે ચાલનાર સ્વામી વિવેકાનંદને માત્ર હિંદુ ધર્મના યોગી-સાધુ તરીકે ઓળખવામાં આવે તો એમનું અપમાન જ થાય.
સ્વભાવે ‘સંશયવાદી’ એવા નરેન્દ્રને શ્રી રામકૃષ્ણ આશ્રમ દ્વારા પ્રકાશિત ‘સ્વામી વિવેકાનંદઃ જીવનચરિત્ર’માં ‘હિંદુ દેવોમાં શ્રદ્ધા નહીં ધરાવનાર’ અને ‘હિંદુ શાસ્ત્રોના ઘણાખરા કર્મકાંડની મશ્કરી કરનાર’ તરીકે રજૂ કરાયા છે.
‘પાન, સોપારી કે તમાકુનો ઉપયોગ કરનાર’ સ્વામીજી મહિસૂરના મહારાજ કનેથી હુક્કો લઈને ગગડાવતા અને ‘કામ-કાંચનનો ત્યાગ એ જ સાચો ત્યાગ’ માનતા. શ્રી રામકૃષ્ણ જેવા અવતારી પુરુષને ક્યારેક પાગલ માની લેનાર નરેન્દ્રે પોતાના ગુરુ વિશે નોંધ્યું છેઃ ‘આ પુરુષે પોતાની એકાવન વર્ષની આવરદામાં રાષ્ટ્રના આધ્યાત્મિક જીવનનાં પાંચ હજાર વર્ષો જીવી બતાવ્યાં અને ભાવિ પેઢીઓ માટે એ એક આદર્શ બની રહેવાની કોટિએ પહોંચી ગયા.’ રાજા રામમોહન રાયના બ્રહ્મસમાજની બેઠકોમાં હાજરી આપનાર અને બ્રહ્મસમાજમાં ૧૮૭૮માં ફાટફૂટ થતાં ‘સાધારણ બ્રહ્મસમાજ’ની બેઠકોમાં ઉપસ્થિત થનાર નરેન્દ્ર ૧૮૮૧માં શ્રી રામકૃષ્ણ સાથે પ્રથમ મુલાકાત કરે છે. ઈશ્વરદર્શનની તીવ્ર ઝંખનાએ તેમને ગુરુ સાથે ‘અદભુત ધન્યતાનો અનુભવ’ કરાવ્યો.
બેલુડ મઠ અને શ્રી રામકૃષ્ણ મિશનના માધ્યમથી દેશ-દેશાવરમાં પ્રભાવ પાથરનાર સ્વામી વિવેકાનંદે ભગવાન ગૌતમ બુદ્ધના ઉપદેશને એમના શિષ્યો અને અનુયાયીઓ સમજવામાં ભૂલ કરી બેસતા હોવાની વાત છેક ૧૮૯૩ની શિકાગો ધર્મ પરિષદમાં કરી હતી. સ્વયં સ્વામી વિશે પણ એવું જ ચાલતું રહ્યું. એમના ઉપદેશ અને આચરણથી વિપરીત એમના નામનો દુરુપયોગ રાજકીય પક્ષો અને નેતાઓ કરતા રહ્યા છે.
સ્વામીના શબ્દો હતાઃ ‘હું કોઈ રાજકીય નેતા કે ચળવળખોર નથી. હું તો કેવળ આત્માની જ પરવા કરું છું એટલે જ તમે કલકત્તાના લોકોને ચેતવી દેજો કે મારાં કોઈ પણ લખાણોને કે વ્યાખ્યાનોને કદી ખોટી રીતે રાજકીય મહત્ત્વ ન આપે.’ એમના આ શબ્દોનું ધરાર ઉલ્લંઘન થતું હોય એવા રાજકીય તમાશાઓ કે યાત્રાઓ યોજીને રાજકીય લાભ ખાટવા મેદાને પડનારાઓને પ્રજાએ સ્વામીના શબ્દોના સાચા સંદર્ભમાં પિછાણી લેવાની જરૂર છે.
હકીકતમાં શિકાગોની ૧૮૯૩ની વિશ્વ ધર્મ પરિષદ ‘ખ્રિસ્તી ધર્મની સર્વશ્રેષ્ઠતા સાબિત કરવાના જે ખ્યાલથી યોજાઈ હતી, એ ખ્યાલની જ એમાં આહુતિ અપાઈ.’ એ માટે સ્વામી વિવેકાનંદનું યોગદાન નાનુસૂનું નહોતું. સોળ દિવસની એ પરિષદમાંથી વીરચંદ ગાંધી અને સ્વામીએ વટાળવૃત્તિનો વિરોધ કર્યો હતો. ઘરઆંગણે રાજા રામમોહન રાય કે પછી વિપિનચંદ્ર પાલ ‘અંગ્રેજી શાસનને ઈશ્વરીય વરદાન’ લેખાવતા હતા, પણ ધર્મના ક્ષેત્રમાં સ્વામી વિવેકાનંદ ભારતને સર્વોચ્ચ માનતા હતા અને કહેતા હતા કે ધર્મ-પિપાસુઓએ ભારતનાં ચરણમાં બેસવું જ પડશે!
લક્ષ્મીનિવાસ ઝુંઝુનવાલા લિખિત ‘વિશ્વ ધર્મ-સંમેલન’ પાશ્ચાત્ય સભ્યતાને તમામ દૃષ્ટિએ શ્રેષ્ઠ માનનાર રાજા રામમોહન રાય અને ‘ભારતીય ગ્રામની તુલનામાં પશ્ચિમના ગામને નરક’ ગણાવનાર સ્વામી વિવેકાનંદ વચ્ચેની ભેદરેખા અંકિત કરવાનો પ્રયાસ કર્યો છે. લક્ષ્મીનિવાસે તો રાજા રામમોહન રાયના જીવનીકારે તેમનો પ્રથમ અને મૂળ મજહબ ઈસ્લામ ગણાવ્યાનો ઉલ્લેખ કર્યો છે. વિવેકાનંદના ગુરુ શ્રી રામકૃષ્ણે છ મહિના ઈસ્લામનું અનુસરણ કર્યું હતું. કૃષ્ણ અને જિસસને પણ એ સમાન દરજ્જે ગણતા હતા. સાથે સ્વામી વિવેકાનંદ મુસલમાનોને પણ પ્રેમ કરતાં હોવાની વાત નોંધીને લક્ષ્મીનિવાસે ઉમેર્યું છે કે ‘તેઓ (વિવેકાનંદ) રામમોહન રાયની જેમ કટ્ટર મૌલવી બની શક્યા નહોતા.’ અરબી, ફારસી, અંગ્રેજી અને સંસ્કૃતના બહુ મોટા વિદ્વાન રાજા રામમોહન રાયે ૧૮૨૮માં બ્રહ્મસમાજની સ્થાપના કરી હતી. ‘મુસલમાનોની ગુલામીમાં નિરંકુશ તાનાશાહી કરતાં અંગ્રેજી રાજ એમને વધુ સારું લાગતું હતું. પણ રાજા રામમોહન રાય ખ્રિસ્તી પાદરીઓના ધર્માંતરણના ધૃણાસ્પદ માર્ગનો વિરોધ કરતા હતા.’
૧૮૩૦માં બ્રિટિશ સરકારે રામમોહન રાયને ‘રાજા’ની પદવી એનાયત કરી. એ પૂર્વે ૧૮૨૯માં સતીપ્રથા વિરોધી કાયદો ભારતના ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિકના માધ્યમથી કરાવવામાં એમના યોગદાનને ખૂબ જ યાદ રાખવામાં આવે છે.
સ્વામી વિવેકાનંદ ભલે પોતાને કોઈ રાજનેતા કે સમાજ સુધારક ગણાવવાનું નાપસંદ કરતા હોય, પણ હિંદુ ધર્મમાંની કુરીતિઓને દૂર કરવાની દિશામાં યોગદાન કરવા ઉપરાંત ભારતમાંથી વિદેશી સત્તાની ધૂંસરીને ફગાવવા માટે રાજાઓને સંગઠિત કરવા એમણે હિમાલયથી કન્યાકુમારી સુધી દેશભરમાં ઘૂમી વળવાનું પસંદ કર્યાનું એમની સત્તાવાર અને અધિકૃત જીવનકથામાં જરૂર નોંધવામાં આવ્યું છે.
પાંડિચેરીમાં તો સ્વામી વિવેકાનંદે ભાવિની આગાહી કરતા હોય એમ કહ્યું હતુંઃ ‘એવો સમય આવશે કે જ્યારે શુદ્રો જાગશે અને પોતાના હક્કોની માગણી કરશે.’ જ્ઞાતિપ્રથા અને ધર્મમાં પેસી ગયેલી વિકૃતિને કારણે રાષ્ટ્ર છિન્નભિન્ન થઈ ગયું છે, એટલે સુશિક્ષિત ભારતવાસીઓએ રાષ્ટ્રની એકતા માટે અને પદદલિત લોકોના ઉત્કર્ષ માટે આગળ આવવું પડશે.’
યુગનાયક વિવેકાનંદના જન્મદિન ૧૨ જાન્યુઆરીએ ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ તરીકે દેશભરમાં મનાવવાનું ૧૯૮૪માં તત્કાલીન વડાં પ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીએ જાહેર કર્યું હતું. એમની સરકારે એ મુજબનો ઠરાવ પણ કર્યો હતો, પરંતુ ૧૯૮૫ની ૧૨ જાન્યુઆરીએ પ્રથમ ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ની ઊજવણી માટે શ્રીમતી ગાંધી જીવિત નહોતાં. એમની ૩૧ ઓક્ટોબર, ૧૯૮૪ના રોજ હત્યા થતાં એમના પુત્ર રાજીવ ગાંધી વડા પ્રધાન બન્યા હતા. ૧૨ જાન્યુઆરી, ૨૦૧૩નાં રોજ તત્કાલીન વડા પ્રધાન ડો. મનમોહન સિંહે સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતીની ચાર વર્ષ ચાલનારી ઊજવણીની જાહેરાત કરી હતી. ગુજરાતમાં તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ વિધાનસભાની ચૂંટણીલક્ષી મહિનાભરની ‘સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા’નું આયોજન કર્યું હતું. સ્વયં સ્વામી વિવેકાનંદે પોતાનાં લખાણો કે વ્યાખ્યાનોનો રાજકીય ઉપયોગ નહીં કરવાની આપેલી શીખ વર્તમાન યુગના રાજનેતાઓ થકી એળે ગઈ લાગે છે.
સ્વામી વિવેકાનંદ દ્વારા સંસ્થાપિત શ્રી રામકૃષ્ણ મિશન થકી શ્રી રામકૃષ્ણને અવતાર ગણાવીને પોતાના અનુયાયીઓ હિંદુ ધર્મથી નોખા ધર્મ શ્રી રામકૃષ્ણઈઝમ - શ્રી રામકૃષ્ણવાદ નામક ધર્મના હોવાની વાતને આગળ કરીને છેક સુપ્રીમ કોર્ટ સુધી લડત આપી હતી. જોકે સુપ્રીમ કોર્ટે એમની રજૂઆતને ફગાવી દીધી એ પછી પણ શ્રી રામકૃષ્ણ મિશનના વડા પોતાના તરફથી સુપ્રીમ કોર્ટમાં રજૂ થયેલા સોગંદનામાને વળગી રહ્યા હોવાનો સંદેશ વર્તમાન લેખકને કેટલાંક વર્ષો પહેલાં પાઠવ્યો હતો. બિહાર, બંગાળ અને કેરળમાં શ્રી રામકૃષ્ણવાદીઓને ભારતીય બંધારણ મુજબ ધાર્મિક લઘુમતીના વિશેષાધિકાર થકી તેમની શિક્ષણ સંસ્થાઓને સંરક્ષણ મળે એ દિશામાં કેટલીક સફળતા પણ મળી હતી. જોકે શ્રી રામકૃષ્ણ મિશનની સત્તાવાર ભૂમિકા આજે પણ ‘જેટલા મત તેટલા પંથ’ની શ્રી રામકૃષ્ણની ભૂમિકામાં વિશ્વાસ ધરાવે છે અને વિશ્વ ધર્મનું સહઅસ્તિત્વ કબૂલે છે.
(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)