નવ દાયકા જેટલા લાંબા સમયગાળા પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ભારતમાં સ્પષ્ટ બહુમતી સાથે પોતાના વિચારોથી પ્રભાવિત ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને સત્તારૂઢ જુએ ત્યારે એના માટે હરખ થવો સ્વાભાવિક છે. અગાઉ સંઘના જ સ્વયંસેવક અને પ્રચારક એવા કવિવર અટલ બિહારી વાજપેયી વડા પ્રધાનપદ સુધી પહોંચી શક્યા હતા, પરંતુ એમણે અન્ય બચુકડા પક્ષોના ટેકે શાસન કરવાની મર્યાદા સહન કરવી પડી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપને લોકસભામાં ભવ્ય બહુમતી અપાવ્યા છતાં પક્ષ સાથે જોડાણ કરનારા બીજા પક્ષોને પણ સરકારમાં સામેલ રાખ્યા છે. જોકે મોદીની નિર્ણયશક્તિ અન્યો પર અવલંબિત નથી. સંઘના સ્વયંસેવક અને પ્રચારક તરીકે તેમને છેલ્લી લોકસભા ચૂંટણીમાં સમગ્રપણે સંઘ પરિવારનો ટેકો મળ્યો. એમના સત્તારોહણનો હરખ સંઘના સરસંઘચાલક ડો. મોહનજી ભાગવત સહિતના સંઘના ‘અધિકારીઓ’ અને સ્વયંસેવકો પણ કરે એ સ્વાભાવિક છે.
મોહનજીના પિતા મધુકરરાવ ભાગવત સંઘના પ્રારંભિક દિવસોમાં ગુજરાતમાં પ્રાંત પ્રચારક રહ્યા એટલે વર્તમાન સરસંઘચાલક માટે ગુજરાત ભણી વિશેષ લાગણી હોય એ સ્વાભાવિક છે. મોદી અને ભાગવત હમઉમ્ર છે, પણ બંનેની સ્વતંત્ર જવાબદારીઓ છે. એક દેશના વડા પ્રધાન છે અને બીજા સંઘના સરસંઘચાલક છે.
સ્વાભાવિક છે કે ડો. ભાગવત ગુજરાત આવે ત્યારે એમના ભણી સૌની મીટ મંડાય. અગાઉ મોદી મુખ્ય પ્રધાન હતા ત્યારે પણ એવું થતું, આજે નરેન્દ્રભાઈ વડા પ્રધાન છે ત્યારે વિરોધીઓ તેમના પર સંઘનો એજન્ડા લાગુ કરવાનો આક્ષેપ કરે ત્યારે આશ્ચર્ય થાય છે, કારણ ભાજપ અને સંઘ વચ્ચે નાડસંબંધ છે. ૧૯૮૦માં ભાજપની સ્થાપના પણ એ જ મુદ્દે થઈ હતી. મધુ લિમયે જેવા સમાજવાદી નેતાઓ જનતા પાર્ટીમાંના જનસંઘ જૂથના નેતા-કાર્યકર્તાઓને સંઘ સાથેનો સંબંધ વિચ્છેદ કરવા આગ્રહ કરીને બેવડા સભ્યપદનો મુદ્દો ઊઠાવતા રહ્યા હતા.
ભાજપ માટે સંઘ માતૃસંસ્થા છે અને એટલે જ ૧૯૮૦માં સત્તાવિમુખ ભાજપથી આજના બહુમતી સાથે ભારત સરકારમાં સત્તારૂઢ ભાજપ સુધીની મજલમાં સંઘ પરિવારની હૂંફ અને સમર્થનનું યોગદાન સવિશેષ છે.
હમણાં સંઘના સુપ્રીમો ડો. મોહનરાવ ભાગવત ગુજરાત આવીને ગયા. વર્ષ પ્રતિપદા ઉત્સવમાં એમનું બૌદ્ધિક (ભાષણ = પ્રબોધન) પણ અમદાવાદ ખાતે થયું. સત્તાકાંક્ષી સ્વયંસેવકોને સંઘવિચાર ગૂંજે બંધાવવા ઉપરાંત સામાજિક સમરસતા વિષયક પ્રબોધન થકી ડો. ભાગવતે વધતી જતી ‘વ્યક્તિપૂજા’ અને ‘માર્કેટિંગ’ ભણી અણગમો વ્યક્ત કરતાં સંઘવિચારના ચિંતનબીજ રજૂ કરીને જે કાંઈ કહ્યું એ સંઘની નીતિરીતિ તથા સત્તારૂઢ ભાજપની કાર્યશૈલી વિશે પણ ખૂબ સાંકેતિક ગણાવી શકાય.
ડો. ભાગવત અસ્ખલિત હિંદીમાં ભાષણ કરી રહ્યા હતા ત્યારે પાર્શ્વભૂમાં સંઘની ૧૯૨૫માં સ્થાપના કરનાર ડો. કેશવ બલિરામ હેડગેવાર (ડોક્ટરજી) અને દ્વિતીય સરસંઘચાલક માધવ સદાશિવ ગોળવળકર (ગુરુજી) ઉપરાંત તૃતીય સરસંઘચાલક મધુકર દત્તાત્રેય દેવરસ (બાળાસાહેબ) સાથે જ રાષ્ટ્રનેતા બાબાસાહેબ ડો. ભીમરાવ આંબેડકરની છબિ ઝલકતી હતી.
ડોક્ટરજી છેક ૧૯૩૭ એટલે કે મૃત્યુનાં ત્રણ વર્ષ પૂર્વ લગી કોંગ્રેસ અગ્રણી રહ્યા અને સમગ્ર સમાજના હિંદુઓને સંગઠિત કરીને એમના કલ્યાણ માટે અને ભારતને વિશ્વગુરુપદે સ્થાપિત કરવાના સંકલ્પ સાથે કાર્યરત રહ્યા. એમના અનુગામી ગુરુજીએ સાંસ્કૃતિક સંગઠન એવા સંઘના રાજકીય પ્રભાવને વિસ્તારવા માટે હિંદુ મહાસભાના અધ્યક્ષ અને નેહરુ સરકારમાં ઉદ્યોગપ્રધાન રહેલા ડો. શ્યામાપ્રસાદ મુકરજીના વડપણ હેઠળ જનસંઘની સ્થાપના કરાવીને સમાજનાં વિભિન્ન ક્ષેત્રોમાં સંઘ પ્રભાવ વિસ્તારવાનું નિમિત્ત બનેલા બાળાસાહેબે ૧૪ એપ્રિલ, ૧૯૮૩ના રોજ ડોક્ટરજી અને બાબાસાહેબ આંબેડકરના જન્મદિને જ ‘સામાજિક સમરસતા મંચ’ની સ્થાપના કરાવી.
સંઘમાં અનેક સંસ્થાઓના સ્થાપક-સંવાહક બનેલા વરિષ્ઠ પ્રચારક રહેલા દત્તોપંત ઠેંગડી ‘સંકેતરેખા’માં ‘સમરસતા ઔર સમતા’ની સંઘની ભૂમિકાની માંડણી કરતાં નોંધે છેઃ ‘ડો. હેડગેવારજીની સમરસતા અને શ્રદ્ધેય ડો. બાબાસાહેબ આંબેડકરની સમતા એ બંનેની જરૂર છે. પરંતુ સમરસતા વિના સમતાનું નિર્માણ ક્યારેય સંભવ નથી.’
વડા પ્રધાન મોદીના વડપણ હેઠળ સમગ્ર દેશ જ્યારે બાબાસાહેબ ડો. ભીમરાવ આંબેડકરની ૧૨૫મી જન્મજયંતી મનાવતો હોય ત્યારે સ્વાભાવિક છે કે સંઘ પણ આ ઊજવણીમાં સામેલ હોય. ડો. આંબેડકરે અસ્પૃશ્યોને સમાન અધિકાર અપાવવા માટે અને સામાજિક ન્યાય સાથેની લોકશાહી સ્થાપિત થાય એવા બંધારણ માટે સંઘર્ષ કર્યો એટલે એમણે અસ્તાચળે હિંદુ ધર્મ છોડીને બૌદ્ધ ધમ્મને આત્મસાત્ કરવાનું પસંદ કર્યાં પછી પણ હિંદુ સમાજ માટે એ પોતીકા રહ્યાનું સંઘ પરિવાર પ્રતીત કરાવે છે. ડો. આંબેડકર પોતે પણ વ્યક્તિપૂજાના વિરોધી હતા અને પોતાને ભગવાન ગણાવવાના વિરોધીમાં અનુયાયીઓને ટકોરતા હતા.
સંઘના સરસંઘચાલકના અમદાવાદ ખાતેના પ્રબોધનમાં ડો. આંબેડકરે બંધારણ સભામાં ભારતીય બંધારણને અંતિમ ઓપ આપતાં વ્યક્ત કરેલી ચિંતાનું સ્મરણ પણ કરાવ્યું. ભારત વારંવાર ગુલામ બનવા પાછળ બાહ્ય દુશ્મનો કરતાં આંતરકલહ અને ભીતરી પાંચમા કતારિયાઓ જ સવિશેષ જવાબદાર રહ્યા હોવાથી ડો. આંબેડકરે પ્રશ્ન કર્યો હતોઃ ‘આપણે આઝાદીને સુરક્ષિત રાખી શકીશું કે? કે પછી ફરી ગુલામી આવશે?’
ડો. ભાગવતે પણ આ જ વાતને બુલંદી સાથે રાષ્ટ્ર સમક્ષ મૂકીને સ્વયંસેવકોને રાષ્ટ્રની આઝાદીને ટકાવવા માટે જાગતા રહેવા એલાન કર્યું. ડો. ભાગવતના પ્રબોધનમાં સ્વયંસેવકોને સંઘના મૂળ સિદ્ધાંતો ભણી વાળવાની કોશિશ વારંવાર ઝલકતી હતી. રાજકીય હોદ્દા, વ્યક્તિપૂજા અને કામનાં ઢોલ પીટવાની વૃત્તિને ત્યાગવાની અપીલ એમાં સવિશેષ હતી.
સંઘસુપ્રીમોએ ડોક્ટરજીના મૂળ વિચારને પ્રતિધ્વનિત કરતાં વિરોધીઓને પણ સંઘવિચારથી પ્રભાવિત કરીને પોતીકા બનાવવાની જે હાકલ કરી એ ઘણી બધી બોલકી હતી. સંઘની સ્થાપના હિંદુ હિતની જાળવણી અને સંગઠન માટે કરાઈ હતી. હિંદુઓને સંગઠિત કરવા અને તેમના કલ્યાણ માટે કાર્યરત રહેવું એનો અર્થ મુસ્લિમો - ખ્રિસ્તીઓનો વિરોધ થતો નથી. છતાં સંઘ - વિહિંપ - બજરંગ દળના કેટલાક બટકબોલા નેતા સાંસદ-ધારાસભ્યો અજ્ઞાનવશ સંઘની છબિને ધૂમિલ કરે છે ત્યારે નવા પ્રશ્નો પેદા થાય કે ટકરાવનો માહોલ સર્જાવો સ્વાભાવિક છે.
ડોક્ટરજી આઝાદી પહેલાં કોંગ્રેસમાં હતા અને એ વેળા કોંગ્રેસ અનેક વિચાર પ્રવાહોનો પક્ષ હોવા છતાં આઝાદીની લડતનું માધ્યમ અને હિંદુ છબિ ધરાવનાર પક્ષ હતો. અલગ પાકિસ્તાન માંગનારા મૂળ કોંગ્રેસી પણ પાછળથી કટ્ટરવાદી મુસ્લિમ લીગી થયેલા મોહમ્મદ અલી ઝીણા જ નહીં, સ્વયં ડો. આંબેડકર પણ કોંગ્રેસને હિંદુ પાર્ટી જ લેખતા હતા.
ડો. આંબેડકર અસ્પૃશ્યો અને કચડાયેલા સમાજના નેતા તરીકે પોતાને હિંદુ લેખતા નહોતા અને ૭ કરોડ દલિતોના એ નેતા લઘુમતી અધિકારો માટે સંઘર્ષરત હતા. પરિનિર્વાણના બે મહિના પહેલાં જ એમણે બૌદ્ધ ધમ્મને અંગીકાર કરવા માટે નાગપુરને પસંદ કર્યું ત્યારે પણ સ્પષ્ટ કર્યું હતું કે એ આરએસએસનું મુખ્યાલય છે માટે નહીં, પણ આર્યોના કટ્ટર શત્રુ નાગ લોકો મુખ્યત્ત્વે બૌદ્ધ ધમ્મનો પ્રચાર કરનાર અને નાગપુર તથા આસપાસના વિસ્તારમાં વસતા હોવાથી એની સ્થળ તરીકે પસંદગી થઈ હતી.
સમયાંતરે સંઘ અને ડો. આંબેડકરના અનુયાયીઓના વિચારોમાં પરિવર્તન આવતું રહ્યું. બાબાસાહેબના ઘણા અનુયાયી હિંદુ તરીકેની ઓળખ પસંદ કરતા થયા. બૌદ્ધ ધમ્મ અંગીકાર કર્યા પછી પણ જ્યારે ડો. આંબેડકરે સામ્યવાદીઓથી ચેતતા રહેવાનું કહ્યા છતાં એમના પૌત્ર એડવોકેટ પ્રકાશ આંબેડકર સહિતના ભારતીય રિપબ્લિકન પાર્ટી - બહુજન મહાસંઘના માધ્યમથી સામ્યવાદી અને માર્કસવાદી પક્ષની સાથે રાજકીય જોડાણ કરે છે. સંઘ ગજગામી ઢબે આગળ વધે છે. એમાં વ્યક્તિપૂજાને સ્થાન નહીં હોવા છતાં રાજકીય પક્ષોમાં વ્યક્તિપૂજા જોવા મળે છે. ડો. ભાગવતનું બૌદ્ધિક અનેકોને ટકોર કરનાર રહ્યું.
(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)