ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને પોતાને કોંગ્રેસના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર લેખાવતા શંકરસિંહ વાઘેલાએ સાથે મળીને વિધાનસભામાં વિપક્ષના નેતાના કાર્યાલયમાં ગોષ્ઠિ કરી એ મુદ્દે ભારે વિવાદવંટોળ જાગ્યો છે. શંકરસિંહે જેમને આંગળી પકડાવીને જનસંઘ-ભાજપની પેઢીઓનું રાજકારણ શીખવ્યું એ હવે બળવાખોર બાપુને ચેકમેટ કરવાના વ્યૂહ ખેલે છે.
ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ શંકરસિંહ સાથે અમિત શાહ ચા પીવા ઈચ્છુક હોવાનો સમય માંગ્યો. વિધાનસભા ચાલુ હતી. અમિત શાહ પાંચમાંથી ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણી ફતેહ કરીને વાજતેગાજતે ગાંધીનગર પધાર્યા હતા. વિધાનસભાની આગામી ચૂંટણી જીતવા માટેના વ્યૂહ ઘડવા મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલનો ક્લાસ લેવામાં પરમ પૂજ્ય અમિતભાઈ (૧૯૯૭થી વિધાનસભ્ય. ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન રહ્યા પછી હવે એ નારણપુરાના ધારાસભ્ય છે અને સાથે જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે) વ્યસ્ત હતા. આ વ્યસ્તતાની વચ્ચે વિધાનસભામાં એમણે ૪૦ મિનિટ સુધી ભાજપના સુવર્ણયુગીન શાસન વિશેનું ભાષણ કર્યું અને વિજયભાઈ તેમજ નીતિનભાઈથી લઈને પક્ષના પ્રવક્તા લગીના સૌ આફરીન પોકારી ગયા.
વિધાનસભામાં વિપક્ષના નેતા અને મુખ્ય પ્રધાન વચ્ચેની શિષ્ટાચાર મુલાકાતો ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી આવ્યા ત્યારાથી બંધ થઈ હતી. અમિતભાઈ લાવલશ્કર સાથે શંકરસિંહની ચા પીવા વિપક્ષના નેતાના કાર્યાલયે ગયા. એ જ દિવસે અમિત શાહને બાપુની કોંગ્રેસના ધારાસભ્યો ‘જનરલ ડાયર (અમિત શાહ)’ જેવાં ફલક સાથે દેખાવો કરતા હતા. વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાએ તમામ ધારાસભ્યોને ભોજન માટે નિમંત્ર્યા પણ શંકરસિંહ એ ભોજનનો પક્ષ વતી બહિષ્કાર કરતા હતા.
આ બધાની વચ્ચે અમિત શાહ આણિ મંડળી સાથે હરખપદૂડા થઈ ચા પીવા દીકરા અને ધારાસભ્ય મહેન્દ્રસિંહના વેવાઈ અને કોંગ્રેસી ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત સહિનાઓ સાથે બાપુ ટીવી ચેનલો પર ઝળકતા હતા. ભાજપના પ્રધાનો અને સ્વયં અમિત શાહ વિધાનસભામાં ૧૩ પાનાંનાં ભાષણમાં સોનિયા-મનમોહન સિંહ અને કોંગ્રેસને ભાંડી રહ્યા હતા ત્યારે શંકરસિંહ હરખભેર અમિતભાઈને ચા પીરસી રહ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શાહ પાછા જાહેર નિવેદન પણ કરે છે કે જેમને પોતાના પક્ષમાં ફાવતું ના હોય એમનું ભાજપમાં સ્વાગત છે!
દિલ્હીનું તેડું, ભરતસિંહનું મૌન
સંઘ પરિવારમાં ઉછરેલા અને ક્યારેક ખજૂરાહોવાળી કરીને મુખ્ય પ્રધાન પણ બનેલા શંકરસિંહ વાઘેલા ૭૫ વટાવી ગયા હોવાથી પોતાની બાજી ગોઠવવાને બદલે દીકરા મહેન્દ્રસિંહનું ચોખટું ભાજપમાં ફીટ કરવા ઉધામા મારી રહ્યા હોવાના સંકેત ઘણા વખતથી મળતા રહ્યા છે. ભાજપ રાજ્યમાં બે દાયકા કરતાં પણ વધુ સમયથી રાજ કરે છે, કોંગ્રેસ પક્ષમાં અને નેતા-કાર્યકરમાં લડી લેવાનો મિજાજ ઝાઝો જોવા મળતો નથી. પાટીદાર અનામત આંદોલન વખતે ભાજપ ભણી પટેલોના રોષનો લાભ કોંગ્રેસને મળ્યો અને ૩૩ જિલ્લા પંચાયતોમાંથી ૨૩ જિલ્લા પંચાયતો પર કોંગ્રેસનો ઝંડો લહેરાયો. જોકે, જિલ્લા પંચાયતોને નર્તન કરાવતો રિમોટ તો ગાંધીનગરમાં સત્તા ધરાવતી ભાજપ સરકાર પાસે અને સંબંધિત જિલ્લાના વિકાસ અધિકારી પાસે હોય છે.
ઉત્તર પ્રદેશ સહિતનાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ચાર રાજ્યો ભાજપને ફાળે જતાં ગુજરાત નિશ્ચિતપણે ભાજપ જીતશે, એવી હવા બંધાઈ છે. જોકે, શંકરસિંહ મહિનાઓથી ૧૦, જનપથ (પક્ષનું મોવડીમંડળ) એમને મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર જાહેર કરે એની પ્રતિક્ષામાં છે. પ્રતિક્ષા લાંબી ચાલી. દ્રાક્ષ હવે ખાટી હોવાનો અનુભવ થવા માંડ્યો ત્યારે એમણે અમિત શાહ સાથેની ટી-પાર્ટી થકી પક્ષના મોવડીમંડળને સંકેત આપવાનો પ્રયાસ કર્યો.
આમ પણ બાપુ ‘આપણે તો ભૈ પછેડી ખંચેરી નાંહીન ઊભા થૈ જવા’માં માનનારા છે. કોંગ્રેસમાં હજુ એમને ગોઠતું નથી. ૧૦, જનપથ એમનો ભરોસો કરે એવું નથી. સોનિયા દરબારમાં અહેમદ પટેલનું ચલણ છે એટલે ધૂંઆપૂંઆ બાપુ પોતે મૃત્યુને ભેટીને કોઈને વિધવા કરવા જેવી પેલી કહેવતના મૂડમાં આવી ગયા છે.
વિધાનભવનમાં અમિત શાહ સાથે હરખપદૂડા થઈને ‘એફણ-કહૂંબા’ની જેમ ટી-પાર્ટી યોજી એટલે મોવડીમંડળે એમને અને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ માધવસિંહ સોલંકીને દિલ્હી તેડાવ્યા. ઓછામાં પૂરું સંયોગ એવો થયો કે જે વિમાને ચડીને દિલ્હી જવાનું થયું એમાં પાછા અમિત શાહ ભેટી ગયા. ‘૧૦, જનપથ’ પોતે જ ચાર રાજ્યોના પરાજયનો શોક મનાવવામાં છે એટલે શંકરસિંહની ગુસ્તાખી બદલ હકાલપટ્ટી કરવા જેવો અંતિમવાદી નિર્ણય એ કરવાની સ્થિતિમાં નથી, પણ બાપુના વર્તન ભણી અણગમો જરૂર વ્યક્ત કર્યો છે. ભરતસિંહ પાછા મગનું નામ મરી પાડે નહીં એટલે હવે આવતા દિવસોના ઘટનાક્રમ ભણી જ મીટ માંડવી પડે.
બાપુ સમર્થકો ભગવી પાર્ટીને મારગ
શંકરસિંહ પણ મોદી-અમિત શાહના ગોત્રના જ હોવાથી અન્ય નેતાઓની પ્રતિષ્ઠા ખરડાય એવા વ્યૂહ રચવામાં ખૂબ નિષ્ણાત તો ખરા. મીડિયાનો ચસ્કો પણ ખરો. મીડિયાને ભાંડવા અને વાળી લેવાની ફાવટ પણ સારી. દિલ્હી જતાં પહેલાં બાપુએ સંકેત આપ્યા કે તેમને મહત્ત્વની જવાબદારી સોંપાઈ રહી છે. પાછું સ્પષ્ટતા પણ કરી કે ના, ભૈ એવું કાંઈ નથી. અમારી દિલ્હીની મુલાકાત રાહુલજી વિદેશથી પાછા ફર્યા હોવાથી અગાઉથી નક્કી કરાયેલી જ હતી. એ બેઠકમાં ભરતસિંહ પણ ચૂંટણીના વ્યૂહ અંગેની ચર્ચા થયાની વાત કરે ત્યારે એમના શબ્દો ગળે ઊતરે નહીં એ સ્વાભાવિક હતું.
જોકે અમિત શાહને વિપક્ષના નેતાના કાર્યાલયમાં ચા પીવા સંમતિ આપનાર શંકરસિંહની છબિ પક્ષમાં પણ તોફાની બારકસ જેવી છે. ભરતસિંહ એ બાબતમાં સંભાળીને બોલવું કે કોની બાજુમાં ઊભા રહેવું અને કોને દૂરથી નમસ્કાર કરવા એ સુપેરે જાણે છે.
વિપક્ષનો સભાત્યાગ કે સસ્પેન્ડ થવું
વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યો વારંવાર સભાત્યાગ કરી ગયા અથવા તો વિધાનસભાના અધ્યક્ષ થકી એમને સસ્પેન્ડ કરાયા. સત્તાપક્ષ અને વિપક્ષ બેઉની સંયુક્ત જવાબદારી બને છે કે સંસદીય લોકશાહીમાં પ્રજાના પ્રશ્નોને વાચા આપીને ઉકેલવામાં સક્રિયતા દાખવવી. ગુજરાત વિધાનસભામાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે મૈત્રીપૂર્ણ મુકાબલનાં દૃશ્યો જોવા મળે છે અને વિપક્ષ એવી તજવીજમાં હોય કે સત્તાપક્ષ માટે કોઈ મૂંઝવણ સર્જાય નહીં. માત્ર ગૃહમાં જ નહીં, ગૃહની બહાર પણ વિપક્ષ કોંગ્રેસ થકી પ્રજાના પ્રશ્નોને વાચા આપવા કે આંદોલન કરવાને બદલે ‘ફ્રેન્ડલી મેચ’ રમાતી વધુ લાગે છે.
સરકારના કામકાજ અને ખર્ચની નિગરાની રાખતી બંધારણીય સંસ્થા ‘કેગ’ના હેવાલો વિધાનસભાની કાર્યવાહીના અંતિમ દિવસે જ ગૃહમાં રજૂ થતા હોવાને કારણે સરકારની ટીકા થાય નહીં. એ માટે પણ વિપક્ષનો પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ સહકાર પણ મળતો રહે છે. વિધાનસભાની ચૂંટણી પૂર્વેના છેલ્લા અધિવેશનમાં પણ સત્તાપક્ષ અને વિપક્ષની જુગલબંધી જ ચાલતી રહી. વિધાનસભા ચૂંટણીમાં પણ મૈત્રીપૂર્ણ લડત થશે.
(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)