ગુજરાતમાં ભારતીય જનતા પક્ષની સરકાર આવી તો ખરી, પણ પેલી ફિલ્મ ‘થ્રી ઈડિયટ્સ’ના સંવાદની જેમ ‘આલ ઈઝ નાટ વેલ ઈન બીજેપી’ એની પ્રતીતિ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની નારાજગીએ પ્રગટ કરી જ દીધી. નીતિનભાઈએ રીતસર ત્રાગું કર્યું. શક્તિપ્રદર્શન પણ આદર્યું. મોવડીમંડળ માટે નીચાજોણું કરવાના સંજોગો સર્જ્યા.
રવિવારે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે વહેલી સવારે ફોન કરીને નાયબ મુખ્યપ્રધાન પટેલને ગાંધીનગર જઈને પ્રધાનપદ સંભાળી લેવા જણાવવાની સાથે જ ‘તમારા મોભાને શોભે એવું ખાતું આજે જ અપાશે’, એવું જણાવ્યું. નીતિનભાઈએ આ વાત મીડિયાને જણાવીને પોતે પક્ષની શિસ્ત જાળવીને મહત્વનું ખાતું મેળવી રહ્યાની ઘોષણા કરતાં સ્વર્ણિમ સંકુલ-૧ પહોંચીને પ્રધાનપદનો અખત્યાર સંભાળ્યો. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મોવડીમંડળના આદેશાનુસાર સૌરભ પટેલ પાસેથી નાણા ખાતું લઈને નીતિનભાઈને આપ્યાનો પત્ર રાજભવન પહોંચાડી દીધો.
નરેન્દ્ર મોદીના ભાજપમાં કોઈ પ્રધાનપદ માટે લોબિંગ ના કરી શકે એવી સામાન્ય છાપ હતી અને અહીં તો રૂસણે બેસીને ધાર્યું કરાવી શક્યા એનો સંદેશ પક્ષના કાર્યકરોમાં અને ધારાસભ્યોમાં કેવો જાય છે એના ભણી સૌની મીટ છે. ગુજરાતીમાં કહેવત છે કે ડોશી મરે એનો વાંધો નહીં પણ જમ ઘર ભાળી જાય એ જરા જોખમી લેખાય. પ્રતીક્ષા હવે એટલી કરવાની કે મોવડીમંડળ સામે આવાં ત્રાગાં કરવાની વધુ કોઈ હિંમત કરે છે કે પછી નીતિનભાઈનો વારો કાઢી લેવાનો કારસો રચાય છે.
ભાજપ અને એના પૂર્વ અવતાર જનસંઘમાં રૂસણે બેસનાર નેતાઓ પતી જવાની પરંપરા જાણીતી છે. જનસંઘના સંસ્થાપક અને સંઘનિષ્ઠ નેતા બલરાજ મધોક હોય કે મૌલીચંદ્ર શર્મા, નાગપુરના રિમોટથી એમને અધ્યક્ષપદેથી દૂર કરી દેવાયા હતા એટલું જ નહીં પક્ષમાંથી તગેડી મૂકાયા હતા. ક્યારેક પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રહેલા લાલ કૃષ્ણ અડવાણી, ડો. મુરલી મનોહર જોશી અને નીતિન ગડકરીની સંઘનિષ્ઠા છતાં એમની સ્થિતિ દયનીય કરી દેવાયાના સંજોગોમાં ભાજપના કોઈ નેતાઓ હવે શંકરસિંહવાળી કરવાની હિંમત કરવાની સ્થિતિમાં નથી જ નથી.
જોકે, હવે ગુજરાતમાં સત્તા અને વિપક્ષ વચ્ચે આસમાની સુલતાની થવા માટે માંડ દસ ધારાસભ્યોની આઘાપાછી જવાબદાર ઠરી શકવાના સંજોગો છે. કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપના હાથમાંથી બાજી હજુ કોઈ છીનવી શકે એની શક્યતા નથી. રાજ્યપાલ પર રિમોટ કેન્દ્રના ગૃહપ્રધાનનો ચાલે છે. ગૃહપ્રધાન રાજનાથ સિંહ પર રિમોટ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો ચાલે છે.
આવા સંજોગોમાં નાગપુર એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ વિવશતા અનુભવવાની સ્થિતિમાં હોવાથી ગાંધીનગરમાં આરૂઢ વિજય રૂપાણીની સરકારને ઉથલાવવાનું અશક્ય લાગે છે. ખજૂરાહોવાળી કરનાર શંકરસિંહ વાઘેલા પોતે પણ જ્યાં વડા પ્રધાન મોદીના પગમાં પડવાની સ્થિતિએ આવી ગયા હોય ત્યાં અહીં કોઈનો પતંગ ઊડતો નથી કે જેને કોઈ કાપવાની હિંમત કરી શકે.
ઘીના ઠામમાં ઘી પડી રહેવું
રાજકીય પક્ષના ધારાસભ્યો કે નેતાઓ મહત્ત્વાકાંક્ષા લઈને જ રાજકારણમાં આવતા હોય છે. વાતો સેવાની ભલે કરે, વાસ્તવમાં મેવાની અપેક્ષા છતી થયા વિના રહેતી નથી. રાજકારણમાં કોઈ મંજીરા વગાડવા માટે આવતું નથી. ગુજરાત વિધાનસભામાં ચૂંટાયેલા બહુમતી ધારાસભ્યો ભાજપના હોવાને કારણે પ્રધાનપદાંની અપેક્ષા રાખે એ સ્વાભાવિક છે. જોકે, માથે લોકસભાની ચૂંટણી ઊભી હોય અને સત્તાપક્ષ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઝંઝાવાતી પ્રચાર અને વ્યૂહને કારણે માંડમાંડ વિજયી થયો હોય ત્યારે જૂના તમામ પ્રધાનોને ફરી પ્રધાનપદાં આપવાને બદલે લોકસભાની આગામી ચૂંટણી મદદરૂપ થઈ શકે એવાં વ્યક્તિત્વોને પ્રધાનપદાં અપાવાનું સ્વાભાવિક ગણાય.
ગુજરાતની વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણી વચ્ચેના સમયગાળામાં જે આઠ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એમાંનાં ભાજપશાસિત રાજ્યોમાં પણ મુખ્યપ્રધાન અને પ્રધાનમંડળમાં ફેરફાર કરવાની અનિવાર્યતા પક્ષનું મોવડીમંડળ પોતે અનુભવી રહ્યું છે. એવા સંજોગોમાં લોકસભાની કુલ ૫૪૫ બેઠકોમાંથી ૫૪૩ બેઠકોની ૨૦૧૯ની ચૂંટણીમાં ફરીને ૨૮૨ બેઠકો પ્રાપ્ત કરવાનું ભાજપ માટે અશક્ય જણાય છે. બે બેઠકો એંગ્લો-ઈન્ડિયન્સ માટે નામનિયુક્ત હોય છે.
ભાજપની નેતાગીરી અને સંઘની નેતાગીરી વર્તમાનમાં એકાકાર હોવાને કારણે ભાજપી નેતાઓ માટે સંઘ મુખ્યાલયમાં દાદ-ફરિયાદ કરવા જવાની સ્થિતિ નથી. ઉલટાનું ભાજપના મોવડીમંડળના આદેશની અવગણના કરવા જતાં રાજકીય દૃષ્ટિએ પતી જવાના સંજોગો સર્જાય. એટલે ભાજપમાં અસંતોષનો ચરુ ઊકળતો હોય તો પણ ભાજપમાંથી કોંગ્રેસ તરફ જવાનું નીતિનભાઈ સહિતના માટે જોખમી છે અને સાથે જ કોંગ્રેસ પણ પોતાનું ઘર સાચવીને ધીરગંભીરપણે ભાજપના આક્રમણને ખાળવાની કોશિશમાં છે. એટલે ગુજરાતમાં જે ધારાસભ્યો પ્રધાનપદાથી પહેલા તબક્કામાં વંચિત રહ્યા છે એમણે બીજા તબક્કાના ૭ પ્રધાનની વરણીમાં પોતાની લોટરી લાગે એની પ્રતીક્ષા કર્યા વિના છૂટકો નથી.
વળી એમાં પણ નંબર લાગે નહીં તો સંસદીય સચિવ થઈને સચિવાલયમાં કચેરી મેળવ્યાનો હરખ અનુભવો પડે. કારણ બહુ સ્પષ્ટ છે. ભાજપની લોકપ્રિયતાનો જુવાળ શમતો જણાતો હોવા છતાં કમ સે કમ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન મોદી બીજી વાર વિજય પતાકા લહેરાવે એવી વ્યૂહાત્મક સ્થિતિમાં આગેકૂચ કરી રહ્યા છે. આવા તબક્કે કોંગ્રેસમાં જવાનું ભાજપના નેતાઓ માટે આત્મઘાતી લેખાવું સ્વાભાવિક છે.
ગુજરાતમાં તલવારની ધાર પર નર્તન
ગુજરાતમાં ભાજપ સત્તારૂઢ થવા છતાં સરકાર ચલાવવાનું મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે ખૂબ કપરું કામ બની રહેવાનું છે. પ્રધાનોનાં ખાતાંના વિતરણથી જ અપશુકનની સ્થિતિ નિર્માણ થઈ છે. સામાન્ય રીતે જે દિવસે નવું પ્રધાનમંડળ શપથ ગ્રહણ કરે એ જ દિવસે તમામ પ્રધાનોને પોતપોતાના વિભાગોની વહેંચણી કરી દેવા માટે કેબિનેટની બેઠક મળતી હોય છે. ૨૬ ડિસેમ્બરે વડા પ્રધાન મોદી અને વિવિધ રાજ્યોના મુખ્યપ્રધાનોની ઉપસ્થિતિમાં રૂપાણી કેબિનેટનો શપથવિધિ યોજાયો. નીતિનભાઈએ નાયબ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા.
બધા પ્રધાનો અને રાજ્ય કક્ષાના પ્રધાનોનો શપથવિધિ પત્યો, પણ કેબિનેટની બેઠક ૨૮ ડિસેમ્બરે રાત્રે યોજાઈ. ૨૭ ડિસેમ્બરે સિમલામાં હિમાચલ પ્રદેશના નવા ભાજપી પ્રધાનમંડળના શપથવિધિમાં મુખ્યપ્રધાન રૂપાણી જવાની અપેક્ષા હતી, પણ ગયા નહીં. ગુરુવાર, ૨૮ ડિસેમ્બરના રોજ સાંજે પાંચ વાગ્યે કેબિનેટ મળવાની હતી, પણ ખાતાંના વિતરણના મુદ્દે નીતિનભાઈએ ગ્રહણટાણે જ સાપ કાઢ્યો એટલે ચાર-ચાર કલાક સુધી બેઠકો ચાલી. મોવડીમંડળ સાથે સંપર્ક થતો રહ્યો. પ્રદેશ ભાજપના અધ્યક્ષ જિતુ વાઘાણી અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ વચ્ચે સુમેળ સાધવાના પ્રયાસો થયા.
અંતે કેબિનેટમાં ખાતાંની ફાળવણી થઈ. એ પછી અખબારનવેશોને સંબોધવા માટે મુખ્યપ્રધાન અને પ્રદેશ ભાજપ અધ્યક્ષની સાથે નીતિનભાઈ બેઠા તો ખરા, પણ મૌન રહ્યા. બીજા દિવસે સ્વર્ણિમ સંકુલ-૧ ખાતે પોતાની કચેરીએ ના ગયા. નારાજગી દર્શાવતા ઘરે રહ્યા એટલે સરકારનું સંચાલન વિકટ બન્યાનું અનુભવાયું. મોતી ભાંગ્યું છે, પણ રેણ ક્યાં લગી ચાલશે એ જોવાનું છે.
ઉત્સવો અને આંદોલનોની પરંપરા
નરેન્દ્ર મોદીના યુગમાં ભાજપ ગુજરાતથી લઈને દિલ્હી લગી સત્તારૂઢ થયો અને ઉત્સવો કરનારા પક્ષ તરીકે એની કીર્તિ રહી છે. જોકે, આ પરંપરા આ વખતે કેટલી અખંડ રહેશે અને ક્યારે ક્યારે ખંડિત થશે એ કહેવું મુશ્કેલ છે. કારણ બહુ સ્પષ્ટ છે. વિપક્ષ મજબૂત બનીને ઉપસ્યો છે. વિધાનસભામાં અને વિધાનસભાની બહાર સત્તાપક્ષ સામે કોંગ્રેસના મજબૂત અને યુવા નેતાઓ નવા પડકાર ઊભા કરશે. સાથે જ આંદોલનત્રિપુટી હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી થકી આંદોલનોની પરંપરા પણ અખંડ રહેશે.
વીતેલી વિધાનસભામાં વિપક્ષના કોંગ્રેસી નેતા શંકરસિંહ વાઘેલા ભાજપની બી-ટીમ તરીકે રમતા હતા એવું આ વખતની વિધાનસભામાં નહીં થાય. વિપક્ષ હવે સત્તાપક્ષના દાંત ખાટા કરવા માટે પ્રજાના પ્રશ્નોને આગળ કરીને ઝંપવા નહીં દે. ઉત્સવોમાં લોકોને રમમાણ રાખવાની ભાજપી પરંપરાને બદલે વિપક્ષ તથા આંદોલનકારીઓ નક્કર પરિણામલક્ષી શાસન પૂરું પાડવા વિવશ કરશે. મજબૂત વિપક્ષ વ્યૂહાત્મક રીતે સરકાર સામે ભીડાશે. મોદીની અનુપસ્થિતિ ભાજપને કઠશે.
ભાજપના મિત્રપક્ષોની ભૂમિકા
ગુજરાત વિધાનસભામાં ભાજપ થકી ભલે તમામ ૧૮૨ બેઠકો પર ચૂંટણી લડવામાં આવી હોય, પરંતુ એના મિત્રપક્ષ શિવસેના તથા બી-ટીમ ગણાતી રાષ્ટ્રવાદી કોંગ્રેસ (શરદ પવારની) હવે ભાજપશાસિત મહારાષ્ટ્રમાં બ્રાહ્મણ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પજવવામાં કશું બાકી નહીં રાખે. ભાજપના ચૂંટણીઢંઢેરામાં નાગપુર રાજધાની સાથેના અલગ વિદર્ભ રાજ્યની રચનાનો મુદ્દો કાયમ સામેલ કરાયો છે, પરંતુ ૧૯૮૪થી હિંદુત્વના મુદ્દે તેના મિત્રપક્ષ શિવસેનાના આગ્રહને કારણે વાજપેયી યુગમાં અલગ ત્રણ રાજ્યોના નિર્માણ ટાણે વિદર્ભનો મુદ્દો બાજુએ સારવામાં આવ્યો હતો.
ભાજપ થકી મહારાષ્ટ્રમાં શિવસેના સાથે મળીને સરકાર રચવામાં આવી છે અને વિદર્ભના દેવેન્દ્ર ફડણવીસને મુખ્યપ્રધાન બનાવાયા છે. મહારાષ્ટ્રના મરાઠા સમાજ માટે આ બાબત અસહ્ય છે. ક્યારેક ૧૯૬૬માં કોંગ્રેસની પ્રેરણાથી રચાયેલી શિવસેના અને શિવસેના પ્રમુખ સ્વ. બાળ ઠાકરેની સાથે અંતરંગ સંબંધ ધરાવતા શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ મહારાષ્ટ્રમાં ફરી નવી ધરી અને સમીકરણો રચે એવી શક્યતા છે.
પૂર્વાંચલમાં મેઘાલય-ત્રિપુરા સર કરવા મેદાને પડેલા ભાજપના હાથમાંથી આવતા વર્ષમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર સહિતનાં રાજ્ય નીકળી જાય એવા વ્યૂહ ઘડાઈ રહ્યા છે. ટીપુ સુલતાનના મુદ્દાને ટેકે ભાજપને કોંગ્રેસશાસિત કર્ણાટક મળી જ જાય એવું નથી. ભાજપ અહીં જીતને પાકી કરી લેવા ફરીને પૂર્વ વડાપ્રધાન એચ. ડી. દેવેગોવડાના પક્ષ જનતાદળ (સેક્યુલર) સાથે જોડાણ કરવાની વેતરણમાં છે.
મોદી-અમિતની જોડીની સફળતા
ભાજપમાં વડા પ્રધાન મોદી અને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ શાહની જોડીએ વિજયરથને આગળ ધપાવ્યો છે. ભાજપની સત્તા હેઠળ વધુને વધુ રાજ્યો આવતાં ગયાં છે. ભાજપ હવે માત્ર સંઘ પરિવાર સાથે સંકળાયેલા લોકોનો પક્ષ રહ્યો નથી. કોંગ્રેસના જૂના સાથીઓને પણ સમાવીને વિજયપતાકા લહેરાવવામાં સફળતા મળે એ દિશામાં આગળ વધવાનું મોદી-શાહની જોડીએ નિર્ધારિત કર્યું છે. એમાં ક્યારેક આનંદીબહેન પટેલ જેવાં મોદીનિષ્ઠ ભાજપી નેતાનો ભોગ લેવાયો છે, પણ દેશભરમાં આગેકૂચ કરતાં ક્યારેક આવા કટુનિર્ણય લેવામાં આવે એ અનિવાર્ય બની જાય છે. આવતા દિવસોનું રાજકીય ચિત્ર રસપ્રદ બનતું જશે.
(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)