વિશ્વ હિંદુ પરિષદની સાધ્વીઓ અને સંઘપ્રણિત શંકરાચાર્યો કે પછી ભાજપી સાંસદો હિંદુ મહિલાઓને પાંચથી દસ બાળકો પેદા કરવાની હાકલ કરતાં રહ્યાં છે. અનકૂળતા પ્રતિકૂળતામાં પલટાતી જોવા મળે ત્યારે ક્ષમાપ્રાર્થના કરીને મોકળાં થાય છે. કોરસ ગાન ચાલે છે. શિવ સેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનો સૂર જુદો છે. એ ‘વધુ છોકરાં નહીં, તેજસ્વી છોકરાં’ની ફોર્મ્યુલા આગળ ધરે છે. વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૦૧૨ની ચૂંટણી સભાઓને ગજવતાં ‘હમ પાંચ, હમારે પચીસ’ની ગર્જના કરીને મુસ્લિમોની ચાર પત્નીઓ અને પચીસ બાળકોનો સંકેત આપતા હતા. ક્યારેક ૨૦૦૨નાં રમખાણો પછી શરૂ કરાયેલી રાહત છાવણીઓને છોકરાં પેદા કરવાની છાવણી કહેવાતી હતી.
સંઘપ્રણિત ટ્રસ્ટીમંડળ ધરાવતી ચેન્નઈની સંસ્થા ‘વિઝિલ’નાં પ્રકાશનો કેન્દ્ર સરકારનાં નાણાં અને તત્કાલીન નાયબ વડા પ્રધાન લાલ કૃષ્ણ આડવાણીના આશીર્વાદ સાથે વર્ષ ૨૦૬૦માં ભારતમાં મુસ્લિમ વસ્તીને હિંદુ વસ્તી કરતાં વધુ ગણાવવાની કોશિશ કરતાં હતાં. એટલું ઓછું હોય તેમ તત્કાલીન સરસંઘચાલક કુપ્પહલ્લી સીતારામૈયા સુદર્શન એવી પ્રગટ ઘોષણાઓ કરીને હિંદુઓને વધુ છોકરાં પેદા કરવા હાકલ કરતા હતા.
હિંદુ વિરુદ્ધ મુસ્લિમના ખેલનાં રાજકારણ આઝાદી પૂર્વે અંગ્રેજોના ‘ભાગલા પાડો અને રાજ કરો’ વ્યૂહના ભાગરૂપે ચાલતાં હતાં. એ પછી આજ લગી સત્તાકાંક્ષી રાજકીય નેતાઓ અને પક્ષોના ઈશારે એ ખેલ અખંડ ચાલતા રહ્યા છે. સ્થિતિ ગંભીર એટલા માટે છે કે સત્તાધીશો આ ખેલ ખેલીને પોતાની વોટબેંક મજબૂત કરવાની કોશિશ કરતા રહે ત્યારે દેશના બંધારણનો સર્વધર્મ સમભાવનો આત્મા કણસતો રહેવો સ્વાભાવિક છે.
ભારતીય બંધારણને હિંદુ રાષ્ટ્રના વાઘા પહેરાવવા સરદાર પટેલ જેવા મહારથીઓ ભલે આડા હાથ દેતા રહ્યા હોય, દેશમાં ઉપસેલાં હિંદુત્વનાં ઘોડાપૂર ભારતીય બંધારણને ફગાવીને હિંદુસ્તાનને હિંદુ રાષ્ટ્ર બનાવવા ભણી આગળ વધારે અને એને કાનૂની-બંધારણીય સ્વરૂપ આપી દે તો નવાઈ નહીં લાગે.
બંધારણને બદલી શકાય કે ફગાવી દઈને નવું બંધારણ અપનાવી શકાય કે નહીં? દેશની પ્રજા ઈચ્છે તો ભારત સૌથી મજબૂત લોકશાહી રાષ્ટ્રમાંથી તાનાશાહ રાષ્ટ્ર બની શકે. બંધારણ ફગાવીને નવું બંધારણ સ્વીકારી શકે. સેક્યુલર અને સમાજવાદી રાષ્ટ્રની જોગવાઈઓને દૂર કરી શકે. કશું અશક્ય નથી. જર્મનીમાં હિટલરનો ઉદય લોકશાહી મારગે અને પ્રજાની આકાંક્ષાઓ-અપેક્ષાઓ થકી જ થયો હતો. એનો અસ્ત પણ સર્વવિદિત છે.
વિશ્વના અનેક દેશો સામ્યવાદી (સમાજવાદી) તાનાશાહમાંથી લોકતાંત્રિક બન્યા છે તો ઘણા લોકતાંત્રિકમાંથી તાનાશાહ કે મજહબી બન્યા છે. વિશ્વનું એકમાત્ર હિંદુ રાષ્ટ્ર નેપાળ હવે માઓવાદીઓના પ્રભાવતળે હિંદુ રાષ્ટ્ર રહ્યું નથી. ક્યારેક ઈસ્લામના નામે અલગ પાકિસ્તાન મેળવીને એના ગુજરાતી રાષ્ટ્રપિતા કાયદેઆઝમ મોહમ્મદ અલી ઝીણા (ઝીણાભાઈ વાલજીભાઈ ઠક્કરના પુત્ર) એને સર્વધર્મ ભણી સમભાવ રાખનારું રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ બંધારણ સભામાં રજૂ કરતા હતા, પણ એ જ ઝીણાના સાથીઓએ બંધારણ સભાના હિંદુ જ નહીં, મુસ્લિમ સભ્યોના વિરોધ વચ્ચે એને મજહબીમાં ફેરવી નાંખ્યું. આજના પાકિસ્તાન કે બાંગલાદેશીની વલેનો વિચાર કર્યા વિના જ હિંદુ રાષ્ટ્રના પક્ષધરો બે પાંદડે થયા હોય ત્યારે આવતીકાલનું ભારત કેવું હશે એની કલ્પના કરતાંય કમકમાં આવી જાય છે.
હમણાં શિવ સેના જેવા ભાજપના મિત્રપક્ષે બંધારણના આમુખમાંથી સેક્યુલર અને સોશિયલિસ્ટ શબ્દો દૂર કરવાની જાહેર માગણી કરી. કેન્દ્ર સરકારની જાહેરાતમાં ય કાંઈ આવું થયું. ભાજપના કેટલાક નેતાઓએ એને સમર્થન આપ્યું છતાં ભાજપની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) થકી હાથ ઊંચા કરી દેવાયા. ભારત હિંદુ રાષ્ટ્ર છે જ એવું સંઘના વડાઓ કહેતા રહ્યા છે.
૨૨ ફેબ્રુઆરીએ જેમનો જન્મદિન આવે છે એ સંઘની વૈચારિક ભૂમિકાના સંસ્થાપક એવા દ્વિતીય સરસંઘચાલક માધવ સદાશિવ ગોલવલકર (ગુરુજી)ને ‘બંચ ઓફ થોટ્સ’ કે ‘વિચાર નવનીત’માં વાંચનારને વર્તમાન વડા પ્રધાન મોદી સહિતના સત્તાધીશોની વિચારધારાનું બીજારોપણ કેવું થયું છે એ સ્પષ્ટ થઈ જશે. એ સંદર્ભે વિવાદસ્પદ નિવેદનો થતાં રહે ત્યારે સત્તાધીશોનું સૂચક મૌન પણ એ સંદર્ભમાં ઘણુંબધું સૂચક હોય છે એ વાત રખે કોઈ ભૂલે.
સંઘ, ભાજપ, વિશ્વ હિંદુ પરિષદ, શિવ સેના કે હિંદુ મહાસભા અમારી દૃષ્ટિએ તો એક જ માળાના મણકા છે. અનુકૂળતા મુજબ અપનેવાલે સાથે સંબંધ કબૂલવો કે નકારવો એના વ્યૂહ મુજબનાં પ્રગટ નિવેદન થતાં રહે કે પછી સૂચક મૌન જળવાય છે. ક્યારેક વડા પ્રધાનપદની રેસમાં પોતાને મૂકનારા વિશ્વ હિંદુ પરિષદના સુપ્રીમો ડો. પ્રવીણ તોગડિયાએ હમણાં હમણાં મોદીચાલીસા આરંભીને અનેકોને ચોંકાવી દીધા છે. સામે પૂર તરવામાં ડૂબવાનાં જોખમ વધુ હોય છે!
મુંબઈમાં છેક ૧૯૭૭થી ૮૧ લગી સંઘપ્રણિત હિંદુસ્થાન સમાચાર નામની રાષ્ટ્રીય સમાચાર સંસ્થામાં હિંદી વિભાગમાં સંવાદદાતા તરીકે કાર્યરત રહેતાં સંઘ અને ગોડસે પરિવારની નિકટતાનો અનુભવ જરૂર થયો છે. મહાત્મા ગાંધીની હત્યા કરાયા પછી નથુરામ ગોડસે સંઘના સ્વયંસેવક હતા એ વાતને નકારવામાં આવતી હોવા છતાં વર્ષો સુધી સંઘ કાર્યાલયોમાં ‘ગાંધીવધ ક્યોં?’ નામક ગ્રંથને ખૂબ જ આસ્થાથી વાંચવાનું ચલણ હતું એ ભાગ્યે જ કોઈ નકારી શકે.
ગાંધીહત્યા પ્રકરણમાં બેરિસ્ટર વિનાયકરાવ દામોદરરાવ સાવરકર (સ્વાતંત્ર્યવીર સાવરકર)ની સંડોવણી રદ કરવા માટે દિગંબર બડગેની જુબાની ધ્યાને લેવાઈ નહોતી અને એમને બચાવી લેવા માટે મહારાષ્ટ્રના કોંગ્રેસી અને બ્રાહ્મણ અગ્રણીઓનું દબાણ હતું એ વાત રખે કોઈ ભૂલે. ક્યારેક સંઘના વિશેષ સમારંભોમાં સાવરકરને તેડાવાતા હતા, પણ ‘ગાંધીવધ’ (ગાંધીહત્યાને બદલે સંઘ પરિવારમાં ‘ગાંધીવધ’ શબ્દ પ્રચલિત છે!) પછી સાવરકર સાથે રીતસર સંઘ પરિવારે આભરછેડ રાખી તે છેક છેલ્લા બે દાયકામાં જ દૂર થયાનું કહી શકાય. સંઘ પરિવાર અને હિંદુ મહાસભા સહગામી હતાં એટલું જ નહીં, ૧૯૫૧માં ગુરુજીની પ્રેરણાથી જનસંઘની સ્થાપના કરવા માટે પણ હિંદુ મહાસભાના અધ્યક્ષ રહેલા ડો. શ્યામાપ્રસાદ મુખરજી જેવા ઉધારીના નેતાને તેડાવવામાં આવ્યા હતા એ વાત રખે આપણે વીસરીએ.
નરીમાન પોઈન્ટસ્થિત યોગક્ષેમ ભવન સામેનાં સરકારી હટમેન્ટ્સમાં હિંદુસ્થાન સમાચારના અમારા કાર્યાલયે એકથી વધુ વખત નથુરામ ગોડસેના નાના ભાઈ ગોપાલ ગોડસે પધાર્યા હતા. એટલું જ નહીં, ૧૮ વર્ષના જેલવાસ પછી મુક્ત થયેલા ગોપાલરાવ સાથે આ લખનારે એમની દીકરી હિમાની સાવરકર (અસીલતા ગોડસે)ના નિવાસસ્થાનની મુલાકાત પણ લીધી. હિમાની સાવરકર સ્વાતંત્ર્યવીર સાવરકરના ભાઈ અને આરએસએસ સાથે ઘરોબો ધરાવનાર નારાયણરાવ સાવરકરનાં પુત્રવધૂ રહ્યાં છે. ૬૭ વર્ષની વય વટાવી ગયેલાં હિમાની સાવરકર હિંદુ મહાસભાનાં અધ્યક્ષ અને અભિનવ ભારત સંસ્થા (સ્વાતંત્ર્યવીર સાવરકરની સંસ્થાના નવસંસ્કરણ)નાં વડાં રહ્યાં છે. એ ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેની વેબસાઈટ www.menathuramgodse.comના ઉદઘાટન પ્રસંગે પણ હોંશેહોંશે હાજર રહ્યાં હતાં, પણ પોતે જેમને રાષ્ટ્રભક્ત ગણાવે છે એવા નથુરામ ગોડસેની પ્રતિમાઓ સ્થાપિત કરવાનાં પ્રગટપણે પક્ષધર નથી.
હિંદુ મહાસભાએ નથુરામ ગોડસેની પ્રતિમાઓ દેશભરમાં સ્થાપિત કરવાની ઘોષણા કરી છે અને હજુ પુણેસ્થિત નથુરામ ગોડસેના વંશજોએ નથુરામનાં અસ્થિ - ગાંધીજીના હત્યારાના ૧૪ નવેમ્બર, ૧૯૪૯ના રોજ લખાયેલા વસિયતનામા મુજબ - સિંધુ નદી ભારતવર્ષનો હિસ્સો બને ત્યારે તેમાં વિસર્જિત કરવા જાળવી રાખ્યાં છે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડીને નિષ્ફળ રહેલાં હિમાનીએ આર્કિટેક્ટ તરીકે સારું એવુ ગજું કાઢવા ઉપરાંત હિંદીમાં સાવરકર સમગ્રના ગ્રંથોનું પ્રકાશન કરાવીને સ્વાતંત્ર્યવીર સાવરકરના સાહિત્યને સમાજને ઉપલબ્ધ કરાવવાનું સુંદર કામ કર્યું છે.
ગોડસે અને સાવરકરના પરિવારના સંઘ સાથેના સંબંધની વાત હવે છૂપી નથી. શિવતીર્થ(શિવાજી પાર્ક)ની સંઘની શાખાના બાળ સ્વયંસેવક રહેલા બાળ ઠાકરેએ શિવ સેનાની ૧૯૬૬માં કોંગ્રેસના ઈશારે સ્થાપના કરીને ઈન્દિરા ગાંધીની ઈમર્જન્સીને ટેકો આપવાની સાથે જ છેક ૧૯૮૪માં પવનની દિશા જોઈને ભાજપ સાથે સંધાણ કર્યું હોવાની હકીકત હવે અજાણી નથી.
મહારાષ્ટ્રમાં શિવ સેના ભાજપની બિગ બ્રધર હતી, પરંતુ બાળ ઠાકરેના નિધન અને ભાજપમાં મોદીયુગના ઉદય પછી શિવ સેનાએ સત્તાની ગરજે ભાજપને બિગ બ્રધર તરીકે સ્વીકારીને નીચી મુંડીએ મહારાષ્ટ્ર સરકારમાં પ્રધાનપદાંની ખેરાત સ્વીકારવી પડી છે. જોકે અપનેવાલેને માન-અપમાનની ક્યાં ચિંતા હોય છે! વચ્ચેવચ્ચે વર્તમાન શિવ સેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેમાં બાળાસાહેબનો આત્મા પ્રગટે ત્યારે થોડાં ત્રાગાં કરી લે છે, પણ બાળ ઠાકરેની તોલે એ આવે નહીં એટલે મન મારીને બેસી રહેવા સિવાય એમને છૂટકો જ નથી.
ભૂતકાળમાં સંઘ પરિવાર અને એના સ્વયંસેવકોનાં ટ્રસ્ટો થકી ભારતીય બંધારણને કચરા ટોપલીમાં નાંખવાની ઝુંબેશો ચલાવાઈ હતી. અમારા ૯૫ વર્ષીય યુવામિત્ર એવા રાજકીય સમીક્ષક પ્રા. નગીનદાસ સંઘવીને રાજકોટની ભૂમિ પર અરવિંદ મણિયાર ટ્રસ્ટના ઉપક્રમે બંધારણ પર વ્યાખ્યાન માટે સંઘ-ભાજપના એ વેળાના સંયોજક અને જાણીતા ધારાશાસ્ત્રી પ્રવીણભાઈ મણિયારે તેડાવ્યા ત્યારે એજન્ડા બહુ સ્પષ્ટ હતો. બંધારણની સમીક્ષા માટે વાજપેયી સરકારે ઉચ્ચ સ્તરીય સમિતિ પણ નિયુક્ત કરી હતી, પણ પાસા ઉલટા પડ્યા હતા. હવે મોદી ભણી મીટ છે.