સંઘ-ભાજપને અભિપ્રેત રાષ્ટ્રનાયક ડો. બાબાસાહેબ આંબેડકર

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Wednesday 25th March 2015 06:10 EDT
 
ડો. બાબાસાહેબ આંબેડકર અને મોહનરાવ ભાગવત
 

સરદાર વલ્લભભાઈ પટેલ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સંઘ પરિવાર ડો. બાબાસાહેબ આંબેડકરને ‘રાષ્ટ્રનાયક’ ગણવાની વ્યાપક ઝુંબેશમાં જોતરાઈને ભારતીય પ્રજાજનોના ઘણા મોટા વર્ગ એટલે કે દલિત વર્ગને રાજી કરવાની વેતરણમાં હોવાનું અનુભવાય છે. ૧૪ એપ્રિલ એટલે ડો. ભીમરાવ રામજી આંબેડકરનો જન્મદિવસ. એમને માત્ર ‘દલિતોના મસીહા’ કે ‘બંધારણના ઘડવૈયા’ કે પછી ‘આધુનિક મનુ’ ગણવામાં થતા અન્યાયના નિવારણ માટે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (આરએસએસ)ના વર્તમાન સરસંઘચાલક ડો. મોહનરાવ ભાગવતથી લઈને સહ-સરકાર્યવાહ ડો. કૃષ્ણ ગોપાલ સુધીનાએ ડો. આંબેડકરને સંઘના વિચારોના પુરસ્કર્તા ગણાવવાનું શરૂ કર્યું છે.

ક્યારેક ડો. આંબેડકરના નાગપુર ખાતે ચૂંટણી-પ્રતિનિધિ રહેલા સંઘના સદગત વરિષ્ઠ પ્રચારક અને ભારતીય મજદૂર સંઘ, ભારતીય કિસાન સંઘ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, સ્વદેશી જાગરણ મંચ સહિતની સંઘ પરિવારની મજબૂત સંસ્થાઓના સંસ્થાપક દત્તોપંત ઠેંગડીના અભિપ્રાયોને ટાંકીને બાબસાહેબ ડો. ભીમરાવ આંબેડકરને સંઘ પરિવાર સાથે જોડવાનો પ્રયાસ થતો રહે છે. બાબાસાહેબના વ્યક્તિત્વના અમુક જ હિસ્સાને લઈને એમને મુસ્લિમવિરોધી, ભારતના તમામ મુસ્લિમોને પાકિસ્તાન મોકલી આપવાના સમર્થક ગણાવવાનું સંઘ પરિવારની નીતિરીતિને અનુકૂળ આવતું હશે, એકાદ-બે વાર ડો. આંબેડકર સંઘના ઉત્સવમાં અતિથિ તરીકે પધાર્યા હતા, પણ એટલા માત્રથી એમને સંઘની વિચારધારાના જ્યોતિર્ધર ગણી લેવામાં આવતા હોય તો એમના હિંદુ ધર્મ વિશેનાં એમનાં લખાણો (રિડલ્સ ઈન હિંદુઈઝમ - હિંદુધર્મના કૂટપ્રશ્નોમાં), હિંદુ કોડ બિલ વિશેનાં એમના ખ્યાલો અને હિંદુ તરીકે નહીં મરવાના ૧૯૩૫માં યેવલા (ઉત્તર મહારાષ્ટ્ર) ખાતેના જાહેર સંકલ્પ પછી ૧૯૫૬માં બૌદ્ધધર્મ અંગીકાર કરતાં નાગપુરમાં પોતાના અનુયાયીઓને તેમણે લેવડાવેલી અને અત્યારે દીક્ષાભૂમિ પરના સ્તંભ પર અંકિત ૨૨ પ્રતિજ્ઞાઓ સાથે સંઘ પરિવાર સંમત છે કે કેમ એ નવા કોયડારૂપ બાબત બની રહેવાની છે. ડો. બાબાસાહેબ લિખિત ‘હિંદુ ધર્મના કૂટપ્રશ્નો’ (‘રિડલ્સ ઈન હિંદુઈઝમ’) વિશે સંઘના સુપ્રીમો ભાગવત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાનુકૂળ અભિપ્રાય ધરાવે છે કે કેમ એ સ્પષ્ટ થવાની અનિવાર્યતા ખરી.

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ ‘હિંદુ રાષ્ટ્ર’ના ખ્યાલને ‘ગાંડાઓનો ખ્યાલ’ ગણાવતા હતા અને આઝાદી પછીના હિંદુસ્તાનને માત્ર હિંદુઓનો જ નહીં, તમામ હિંદુસ્તાનીઓનો દેશ ગણતા હતા. એમને હિંદુનેતા લેખાવનારાઓ આ રાષ્ટ્રનેતા સાથે જે પ્રકારનો અન્યાય કરી રહ્યા છે એવું જ કાંઈક ડો. આંબેડકરને સંઘના વિચારો સાથે સંમત લેખાવીને ‘રાષ્ટ્રનાયક’ ગણાવી દલિત સમુદાયને રાજી કરવાની સંઘના સહ-સરકાર્યવાહ ડો. કૃષ્ણ ગોપાલ લિખિત ‘આંબેડકર ચિંતન કા ધરાતલઃ સમ્યક્ દૃષ્ટિ’ (ભીમરાવ આંબેડકર ચેર, હિમાચલ પ્રદેશ યુનિવર્સિટી-સિમલા, પૃષ્ઠ-૪૪)માં એમના વ્યક્તિત્વને રજૂ કરવા જતાં અન્યાય થઈ રહ્યો છે.

સંઘ પરિવારની સંસ્થા ‘સામાજિક સમરસતા મંચ’ના માધ્યમથી દલિત-સવર્ણ ભેદ તોડવાનું આવકાર્ય કામ ભલે થતું હોય, પરંતુ ડો. આંબેડકર કે સરદાર પટેલના વિચારોના વિકૃતિકરણ કે અનુકૂળતા મુજબ જ એમને ટાંકવાથી ડિપ્રેસ્ડ ક્લાસ ફેડરેશનના નેતાને કે કોંગ્રેસના સૌથી શક્તિશાળી નેતાને અન્યાય કરી રહ્યા હોઈએ એવું વધુ લાગે છે. સૌથી વધુ નોંધપાત્ર હકીકત તો એ છે કે ૧૯૨૫માં કોંગ્રેસી નેતા ડો. કેશવ બલિરામ હેડગેવાર દ્વારા સ્થાપિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) હિંદુઓને સંગઠિત કરવા, એમના હિત માટે સ્થપાયેલું સાંસ્કૃતિક સંગઠન હતું. એના સંસ્થાપક ડો. હેડગેવાર સાથે વર્ધાની બજાજવાડીમાં ૧૯૩૪માં સંઘ શિક્ષાવર્ગ નિમિત્તે પધારેલા મહાત્મા ગાંધીને સંઘમાં કોઈ હિંદુ-દલિતના ભેદ નહીં હોવાનું અને બધા હિંદુ હોવાનું જણાવાયું હતું. ગાંધીજીને એ ગમ્યું પણ હતું, પણ આજે સંઘ અને એના રાજકીય ફરજંદ જેવા ભારતીય જનતા પક્ષમાં અનુસૂચિત જનજાતિના મોરચા અસ્તિત્વમાં છે. એ શું દર્શાવે છે? બીજી ઓગષ્ટ, ૨૦૧૪ના ‘ઓર્ગેનાઈઝર’ (સંઘના અંગ્રેજી મુખપત્ર)માં ડો. આંબેડકરને ‘રાષ્ટ્રનાયક’ ગણાવવામાં આવ્યા છે, પણ સંઘના સંતાન જનસંઘ-ભાજપના નેતા અટલ બિહારી વાજપેયીની સરકારમાં કેબિનેટ પ્રધાન રહેલા ભાજપી નેતા અને પત્રકાર શિરોમણિ અરુણ શૌરિ લિખિત ‘વર્શિપિંગ ફોલ્સ ગોડ’માં ડો. આંબેડકરને ‘અંગત સ્વાર્થમાં રાચનાર, રાષ્ટ્રદ્રોહી, સત્તાકાંક્ષી, રાષ્ટ્રવિરોધી અને અંગ્રેજોના કહ્યાગરા (સ્ટૂજ કે એજન્ટ)’ ગણાવ્યા ત્યારે સંઘ કાને હાથ દે એ કેટલું યોગ્ય ગણાય?’

અત્રે એ સ્મરણ રહે કે વી. પી. સિંહ વડા પ્રધાન હતા ત્યારે એમણે મંડળ પંચના અહેવાલની સદગત ઈંદિરા ગાંધીએ અભેરાઈએ ચડાવેલી ઓ.બી.સી. (અધર બેકવર્ડ ક્લાસ) અનામતની ભલામણોને અમલમાં લાવવાનું કાર્ડ ખેલ્યું હતું. એ વેળા કમંડળ (અડવાણીની સોમનાથથી અયોધ્યાયાત્રા) અને ચૌધરી દેવીલાલ સામે વી. પી. સિંહે મંડળ કાર્ડ ખેલ્યું હોવાની ચર્ચા હતી. એ યુગમાં ભાજપ ઓબીસી અનામત વિરુદ્ધ હતો અને ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ના એ વેળાના મુખ્ય તંત્રી અરુણ શૌરિ મંડળ આંદોલનની વિરુદ્ધમાં ઉશ્કેરણી કરવા માટે મશહૂર બન્યા હતા.

ગોસ્વામી નામક યુવકે મંડળ પંચના અમલ વિરુદ્ધ અગ્નિસ્નાન કર્યું એનો દોષ શૌરિને શિરે હતો. ભાજપની ભૂમિકામાં મતપ્રેરિત પરિવર્તન એવું આવ્યું કે પાછળથી ભાજપ જ ઓબીસી અનામતના મસીહા તરીકે પોતાને પ્રોજેક્ટ કરતાં છત્તીસગઢના તત્કાલીન મુખ્ય પ્રધાન ડો. રમણ સિંહ (રાજપૂત) સિવાયના તમામ ભાજપી મુખ્ય પ્રધાન - નાયબ મુખ્ય પ્રધાન ઓબીસી હોવાનું પ્રચારિત કરાતું રહ્યું હતું. એમાં ગુજરાતના એ વેળાના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી, બિહારના નાયબ મુખ્ય પ્રધાન સુશીલ મોદી (બિહારમાં જૈન ઓબીસીમાં વર્ગીકૃત) રાજસ્થાનનાં મુખ્ય પ્રધાન વસુંધરા રાજે સિંધિયા (ઓબીસી રાજપરિવારમાં પરણેલાં) અને મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ ઓબીસી હોવાનો લાભ ભાજપ થકી મતનો મોલ લણવા કામ લાગ્યો હતો.

ભારતીય બંધારણ ઘડનારી સમિતિના અધ્યક્ષ તરીકે બેનમૂન સેવા દેશને અર્પણ કરનાર ડો. ભીમરાવ આંબેડકર ‘બીમાર વ્યક્તિ તરીકે નહીં, પરંતુ નિરાશ વ્યક્તિ તરીકે’ નેહરુ પ્રધાનમંડળમાંથી ઓક્ટોબર ૧૯૫૧માં છૂટા થયાનું એમના અધિકૃત જીવનકથાકાર ધનંજય કીર ‘ડો. બાબાસાહેબ આંબેડકરઃ લાઈફ એન્ડ મિશન’માં વિગતે નોંધે છે. કીર લિખિત જીવનકથા સ્વયં બાબાસાહેબ વાંચી ગયા હતા અને એમાં રજૂ થયેલી વિગતો અને દસ્તાવેજો એમની કનેથી પણ પ્રાપ્ત થયા હોવાથી એની વિગતોને પડકારવી મુશ્કેલ છે.

સરદાર પટેલ અને ડો. રાજેન્દ્ર પ્રસાદ જ હિંદુ કોડ બિલના વિરોધમાં હતા એટલું જ નહીં, નેહરુ પણ આ બિલને ટેકો આપ્યા બાદ ફસકી ગયા હતા. ભાજપના પ્રેરણાપુરુષ અને હિંદુ મહાસભા તેમ જ જનસંઘના અધ્યક્ષ ડો. શ્યામાપ્રસાદ મુખરજી જ્યાં લગી નેહરુ સરકારમાં પ્રધાન હતા ત્યાં લગી એમણે ક્યારેય હિંદુ કોડ બિલનો વિરોધ કર્યો નહોતો, પરંતુ તેમણે જ્યારે સરકારમાંથી રાજીનામું આપ્યું એ પછી જ તેનો વિરોધ કરવાનું શરૂ કર્યું હતું એવું ડો. આંબેડકરે લોકસભામાં કાયદા પ્રધાન તરીકે જણાવ્યું હતું.

૧૧ ઓક્ટોબર, ૧૯૫૧ના રોજ નેહરુ પ્રધાનમંડળમાંથી ડો. આંબેડકરે રાજીનામું આપ્યું. એમના રાજીનામાનું કારણ હિંદુ કોડ બિલ જ હતું. એમણે નોંધ્યુંઃ ‘હિંદુ કોડ બિલ પાસ થયા પછી હું રાજીનામું આપવાનો હતો, પરંતુ મને લાગતું નથી કે આ બિલ પાસ થશે. એટલે હું રાજીનામું આપી રહ્યો છું.’ જોકે, એમને સંસદમાં પોતાના રાજીનામા વિશે વક્તવ્ય દેવાની છૂટ અપાઈ નહોતી, પરંતુ લાહોરના જાતપાત તોડક મંડળના એમના નહીં અપાયેલા વ્યાખ્યાનની જેમ જ કાયદા પ્રધાન તરીકેના રાજીનામાના નહીં અપાયેલા છતાં લખવામાં આવેલા વ્યાખ્યાનની ચર્ચા સૌથી વિશેષ થતી રહી છે.

ડો. આંબેડકરે પોતાના રાજીનામા પાછળનાં પાંચ મુખ્ય કારણ સ્પષ્ટ કર્યાં હતાંઃ (૧) પ્રધાનમંડળમાં મને મહત્ત્વપૂર્ણ વિભાગોની જવાબદારીથી વંચિત રાખવામાં આવ્યો હતો. (૨) અછૂત સમાજની સમસ્યાઓ ભણી સરકાર જાણીજોઈને ઉપેક્ષાવૃત્તિ સેવી રહી હતી. (૩) કમ્યુનિસ્ટ ચીનને જરૂર કરતાં વધુ મહત્ત્વ આપવાથી અમેરિકા નારાજ રહે એ પ્રકારની નેહરુ સરકારની વિદેશનીતિ મને જરાય પસંદ નહોતી. (૪) કાશ્મીરના પ્રશ્ને નેહરુ દ્વારા તૈયાર કરાયેલી પરદા પાછળની નીતિઓ મને પસંદ નહોતી કારણ કે તેઓ પ્રધાનમડંળની સલાહ લેતા નહોતા. (૫) રૂઢિવાદી હિંદુઓના ડરથી નેહરુએ હિંદુ કોડ બિલને એક ખૂણામાં ધકેલી દીધું. એ મને પસંદ નહોતું.

ડો. બાબાસાહેબ આંબેડકર જમ્મુ-કાશ્મીરના હિંદુ અને બૌદ્ધ ઈલાકા (જમ્મુ અને લડાખ) સિવાયના મુસ્લિમ બહુમતીવાળા પ્રદેશ (ખીણ પ્રદેશ)ને પાકિસ્તાનને સોંપવાની તરફેણમાં હતા. એટલું જ નહીં, ઓક્ટોબર ૧૯૫૧માં સરકારમાંથી છૂટા થઈ તેમણે સ્થાપેલા નવા પક્ષ ડિપ્રેસ્ડ ક્લાસ ફેડરેશનના ચૂંટણી ઢંઢેરામાં પણ તેમણે કાશ્મીરનો ખીણપ્રદેશ પાકિસ્તાનને સોંપી દેવાનું સમર્થન કર્યું હતું.

હૈદરાબાદના નિઝામ તરફથી ઈસ્લામ કબૂલવા માટે ઘણી લોભામણી ઓફરો ડો. આંબેડકરને કરાઇ હોવા છતાં તેમણે ઈસ્લામ કબૂલવાને બદલે બૌદ્ધધર્મ અંગીકાર કર્યો એટલે હિંદુસ્તાનમાંથી જ પ્રગટેલા ધર્મમાં એ ગયા એવું આશ્વાસન હિંદુવાદી સંગઠનો લેવાની કોશિશ કરે છે, પરંતુ આંબેડકર હિંદુ ધર્મ અને એની સમાજ વ્યવસ્થાના કટ્ટર ટીકાકાર હોવાનું છેક ૧૯૨૪ પછીના એમનાં જાહેર ભાષણો કે લખાણોમાં ખૂબ ઝળકે છે. ૧૯૩૫માં ભલે એમણે હિંદુ ધર્મ છોડવાનો નિર્ણય જાહેર કર્યો હોય, એ પહેલાં અને પછી એમણે ઘણા વિકલ્પોની તલાશનું ગહન ચિંતન કરીને છેવટે ૧૯૫૬માં બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. એને હિંદુ ધર્મના ખુલ્લા નકાર તરીકે જ જોવું પડે.

બૌદ્ધ ધર્મ સ્વીકારતી વેળા પોતાના અનુયાયીઓને બાબાસાહેબે જે ૨૨ પ્રતિજ્ઞાઓ લેવડાવી હતી એ સાથે સંમત થઈને સંઘના વડા કે ભાજપની નેતાગીરી એમને ‘રાષ્ટ્રનાયક’ તરીકે ‘ઓર્ગેનાઈઝર’માં સ્વીકારવા તૈયાર ભલે હોય, બહુમતી હિંદુ એવા બાબાસાહેબને સ્વીકારી શકે કે કેમ એ વિચારણીય મુદ્દો જરૂર છે. ડો. આંબેડકર હિંદુ ધર્મની મૂળભૂત માન્યતાઓ અને પરંપરાઓ પર જ હુમલો કરતા હોય ત્યારે એ ૨૨ પ્રતિજ્ઞાઓમાંથી વિવાદાસ્પદ પ્રતિજ્ઞાઓને અલગ તારવવી ઘટે.

ડો. આંબેડકર હિંદુ ધર્મને નકારતાં જે મૂળભૂત વાત કરે છે તેમાં...

(૧) હું બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને ઈશ્વર માનીશ નહીં અને તેમની પૂજા કરીશ નહીં.

(૨) હું રામ અને કૃષ્ણને ઈશ્વર માનીશ નહીં અને તેમની પૂજા કરીશ નહીં.

(૩) હું ગૌરી - ગણપતિ વગેરે ધર્મના કોઈ પણ દેવી-દેવતાઓને માનીશ નહીં અને તેમની પૂજા કરીશ નહીં.

(૪) હું એવું કદાપિ માનીશ નહીં કે ઈશ્વરે અવતાર લીધો છે.

(૫) હું એવું કદાપિ માનીશ નહીં કે ભગવાન બુદ્ધ વિષ્ણુનો અવતાર છે. હું તેને પાગલ પ્રચાર સમજીશ.

(૬) હું શ્રાદ્ધ કદી કરીશ નહીં અને પિંડદાન પણ કરીશ નહીં.

(૭) હું બૌદ્ધ ધર્મ વિરુદ્ધ કોઈની વાત માનીશ નહીં.

(૮) હું કોઈ પણ ક્રિયાકર્મ બ્રાહ્મણો જોડે કરાવીશ નહીં.

ડો. આંબેડકર હિંદુ રાષ્ટ્ર કે હિંદુ રાજ વિશે સરદાર પટેલની જેમ જ કાંઈક આવા વિચાર ધરાવતા હતાઃ

"If Hindu Raj does become a fact, it will, no doubt, be the greatest calamity for this country. No matter what the Hindus say, Hinduism is a menance to liberty, equality and fraternity. On that account, it is incompatible with democracy. Hindu Raj must be prevented at any cost."

(Dr. Babasaheb Ambedkar writings and speeches Vol-8 - P-358)

ભારત હિંદુરાષ્ટ્ર બની જાય તો તેને દેશ માટેની સૌથી મોટી રાષ્ટ્રીય આપદા ગણાવનાર ડો. આંબેડકરનો સંઘવિચાર સાથે મેળ કઈ રીતે જામી શકે એ જ સમજાતું નથી. સંઘનું કામ હિંદુઓને સંગઠિત, સુરક્ષિત અને સબળ બનાવવાનું હોય ત્યારે માત્ર રાજકીય લાભાલાભનો જ વિચાર કરવામાં આવે એ લાંબેગાળે ડો. કેશવ બલિરામ હેડગેવારને અભિપ્રેત ખ્યાલ નહીં મનાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter