સંઘનિષ્ઠ ભાજપી શાસનમાં સ્વયંસેવક કર્મચારી પ્રતિબંધિત!

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Wednesday 22nd June 2016 08:53 EDT
 
 

ભારતના ભાજપશાસિત બટુક રાજ્ય ગોવામાં થયુંઃ સરકારી કર્મચારીઓની ભરતીમાં ઉમેદવારોએ કબૂલાતનામું આપવાનું હતું કે તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) કે જમાત-એ-ઈસ્લામી જેવી ‘કોમવાદી’ સંસ્થાઓ સાથે સંકળાયેલા નથી. છમકલું એટલા માટે કે આવી ઘટના અજાણતાં બનવી શક્ય નથી. ઓછામાં પૂરું જ્યારે ભારત સરકારમાં ભારે બહુમતી સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા વડા પ્રધાનથી લઈને રાજ્યોમાં સંઘના સ્વયંસેવકો મુખ્ય પ્રધાન કે પ્રધાનપદે બેઠા હોય ત્યારે હિંમત કોની છે કે સંઘનિષ્ઠોને સરકારી નોકરીઓથી વંચિત રાખે? ગોઠવણ મુજબનું જ આ કોરસગાન હોવું અનિવાર્ય છે. છેક ૧૯૬૬માં ભારત સરકારે સ્વયંસેવકો અને જમાતીઓને સરકારી નોકરીમાંથી છેટા રાખવા માટે એવા નિયમોમાં આવી આભડછેટની જોગવાઈ કરીને તમામ વિભાગો અને રાજ્યોને એ પાઠવવામાં આવી હતી. એ વેળા સંઘ પ્રત્યે સૂગ (પ્રગટ સ્વરૂપે રાજકીય વ્યૂહ રચવામાં) ધરાવતાં ઈંદિરા ગાંધી વડાં પ્રધાન હતાં.

મોરારજી સરકાર આવી - ગઈ

૧૯૭૫માં અલ્લાહાબાદ વડી અદાલતના ચુકાદાએ શ્રીમતી ગાંધીની રાયબરેલીની ચૂંટણી રદ કરી અને એમને ગેરલાયક ઠેરવ્યાં એટલે એમણે સર્વોચ્ચ અદાલતમાં એ ચુકાદાને પડકારવા સાથે જ તત્કાલીન મુખ્ય પ્રધાન બેરિસ્ટર સિદ્ધાર્થ શંકર રે અને બેરિસ્ટર રજની પટેલ સહિતના કીચન-કેબિનેટના કહ્યાગરાઓની સલાહથી ૨૫ જૂન, ૧૯૭૫ની મધરાતે આંતરિક સુરક્ષા જોખમમાં હોવાના સંજોગોનો આધાર લઈને બંધારણીય જોગવાઈ મુજબ ઈમર્જન્સી (કટોકટીઃ આપાતકાલ)ની ઘોષણા કરીને વિરોધી અવાજ રૂંધવા માટે વિપક્ષના તમામ મહત્ત્વના નેતાઓ અને સ્વતંત્ર વિચારકોને જેલમાં ઠાંસી દીધા. ૧૯ મહિનાની આ ઈમર્જન્સી પછી ઈંદિરાજીએ લોકસભાની જે ચૂંટણી આપી એમાં તેઓ અને તેમના નાના પુત્ર અને સંભવિત અનુગામી સંજય ગાંધી સહિતની કોંગ્રેસની કરુણ હાર થઈ.

મોરારજી દેસાઈના વડપણ હેઠળની જનતા પાર્ટીની સરકારમાં પહેલી વાર અટલ બિહારી વાજપેયી અને લાલ કૃષ્ણ આડવાણી જેવા સ્વયંસેવક અને પૂર્વ પ્રચારકોએ સત્તાનો સ્વાદ માણ્યો. ૧૯૮૦ આવતાં સુધીમાં તો અભૂતપૂર્વ બહુમતી સાથે ઈંદિરા ગાંધી ફરી વડાં પ્રધાન થયાં. ૧૯૭૫માં ઈમર્જન્સી દરમિયાન અને ૧૯૮૦માં સત્તામાં આવ્યા પછી એમણે ફરીને ૧૯૬૬નો સંઘનિષ્ઠો અને જમાતીઓને સરકારી નોકરીમાં અછૂત ગણવાનો આદેશ તાજો કરીને સ્વયંસેવકોને રાષ્ટ્રહિતવિરોધી અને પ્રતિકૂળ રાજકીય પ્રવૃત્તિ કરનાર ગણવાનું ચાલુ રાખ્યું.

હમણાં ગોવામાં જે કાંઈ બન્યું એના પડઘા દિલ્હીના વડા પ્રધાન કાર્યાલયમાં પડવા સ્વાભાવિક હતા. રાજ્યપ્રધાન જિતેન્દ્ર સિંહે સ્પષ્ટતા કરતાં કહ્યું કે આવા કોઈ સેવા નિયમની સમીક્ષા કરાશે. નાગપુરથી સંઘ મુખ્યાલયના પ્રવક્તા (પ્રચાર પ્રમુખ) ડો. મનમોહન વૈદ્યે આવા કોઈ સરકારી આદેશની સંઘને પરવા નહીં હોવાનું ગજગામી વક્તવ્ય આપ્યું. સંઘસુપ્રીમો ડો. મોહનરાવ ભાગવત સરકારને આવા સેવાનિયમમાં પરિવર્તન માટે આજીજી કરવાના પક્ષે નહોતા. આ સઘળું કોરસગાન અપેક્ષિત ભૂમિકા પર જ આગળ વધતું હતું. આઝાદીથી આજ લગી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભૂમિકા વિવાદાસ્પદ રહ્યા છતાં એણે પોતાને સાંસ્કૃતિક સંગઠન લેખાવીને ગજગામી ઢબે આગળ વધતાં રહેવાનું પસંદ કર્યું છે. એના પર ત્રણ-ત્રણ વાર પ્રતિબંધ આવ્યા છતાં સંઘની સત્તાવાર ભૂમિકા એ છે કે એ પ્રત્યેક પ્રતિબંધ પછી વધુ મજબૂત થઈને જ બહાર આવે છે.

ગાંધીહત્યા, સંઘ અને સરદાર

૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ બિરલા હાઉસમાં સંઘના ‘ભૂતપૂર્વ’ સ્વયંસેવક અને હિંદુ મહાસભાના અગ્રણી નથુરામ ગોડસેએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા કરી એ પછી ભારત સરકારના નાયબ વડા પ્રધાન અને ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે સંઘ પર પ્રતિબંધ લાદ્યો હતો. એ વેળાના સંઘના સરસંઘચાલક માધવ સદાશિવ ગોળવળકર (ગુરુજી) સહિતના ‘સંઘના ૫૦૦ કરતાં થોડાક જ વધુ તૈયાર કરવા’ ‘આરએસએસ જેવી ગુપ્ત સંસ્થા’ થકી ‘ઝેરી કોમવાદી વાતાવરણ તૈયાર કરવા’ માટે જેલભેગા કરાયા હોવાનું સરદાર પટેલે ‘આરએસએસ બીજાં ઘણાં પાપ અને ગુનાઓ માટે નિઃશંકપણે જવાબદાર છે, પણ આ પાપ (ગાંધીહત્યા) માટે નહીં’ એવું જણાવ્યું હતું. સરદારે તત્કાલીન વડા પ્રધાન જવાહર લાલ નહેરુને ૨૮ માર્ચ, ૧૯૫૦ના રોજ લખેલા પત્રમાં જણાવ્યું હતુંઃ ‘બાપુનું ખૂન આરએસએસના કાવતરાનું નહીં, પણ હિંદુ મહાસભાના એક વિભાગનું પરિણામ હતું એવી મારી મૂળ માન્યતા સાચી ઠરી છે અને અંગત રીતે હું આરએસએસ કરતાં હિંદુ મહાસભાને વધારે મોટું જોખમ ગણું છું.’

સરદાર મહાત્માની હત્યા માટે ‘હિંદુ મહાસભાની સાવરકરના હાથ નીચે એક ઝનૂની પાંખે આ કાવતરું ઘડ્યું હતું અને પાર ઉતાર્યું હતું’ એવું દૃઢપણે માનતા હતા. આરએસએસ ‘ગુપ્ત સંસ્થા’ હોવાથી અને ‘એના સભ્યોનાં રજિસ્ટર નથી હોતાં’ તથા ‘દિલ્હી કે બીજે સ્થળે પોલીસ અને સ્થાનિક સત્તાવાળાઓમાં આરએસએસ પ્રત્યે સહાનુભૂતિ ધરાવનારાઓની સંખ્યા સારા પ્રમાણમાં છે’ એટલે સરદારને ગૃહપ્રધાન તરીકે પણ આવા માણસોને શોધી કાઢવામાં મુશ્કેલી પડતી હોવાનું એમના પત્રોમાં ઝળકે છે. એટલે જ એમણે સંઘ પરથી પ્રતિબંધ ઊઠાવતાં પહેલાં ગુરુજીને જેલમુક્ત કરીને તેમની પાસે લિખિત બંધારણ તથા રાષ્ટ્રધ્વજ (ત્રિરંગા) પ્રત્યેની નિષ્ઠાની પૂર્વશરત મૂકી હતી.

ઈંદિરાજીનો સંઘપ્રેમ અને સંઘદ્રોહ

વડા પ્રધાન નેહરુનો સંઘદ્રોહ એમનાં વડાં પ્રધાન-પુત્રી ઈંદિરા ગાંધીને વારસામાં મળ્યો હતો એટલે એમનું રાજકારણ સંઘ અને જમાતને ‘કોમવાદી ઝેર ઓકનાર સંગઠન’ ગણાવવાની આસપાસ ભમતું હતું, છતાં વ્યક્તિગત રીતે સંઘના અનેક વરિષ્ઠો અને પ્રચારકો સાથે ઈંદિરાજીને અંતરંગ સંબંધ હતા. એટલું જ નહીં, સંઘના મુખપત્ર ‘પાંચજન્ય’ના તંત્રી રહેલા ભાનુપ્રતાપ શુક્લ જેવા વરિષ્ઠ પ્રચારક અને સંઘનિષ્ઠ પત્રકાર શિરોમણિ મુઝ્ફફર હુસૈનની દૃષ્ટિએ તો, ‘ઈંદિરાજી સંઘના મુખપત્રોનાં પ્રથમ વાચક હતાં અને એમના રાજકીય વ્યૂહ એ વાંચીને ઘડતાં હતાં.’ વડા પ્રધાન રહેલા અટલ બિહારી વાજપેયી સાથે પંડિત નેહરુ અને શ્રીમતી ગાંધીના સુમધુર સંબંધોને કારણે વાજપેયીદ્વેષી ભાજપી સાંસદ ડો. સુબ્રમણિન્ સ્વામી થકી જાહેરમાં વિવિધ પ્રકારના આક્ષેપો પણ થતા રહ્યા છે.

પ્રત્યેક સરકારી કર્મચારીએ રાજકીય દૃષ્ટિએ તટસ્થ અને નિરપેક્ષ વલણ જાળવવું એ ભારતીય નોકરશાહીનો મૂળભૂત સિદ્ધાંત હોવા છતાં કોંગ્રેસ કે કમ્યૂનિસ્ટોના શાસન દરમિયાન ‘અપનેવાલે’ ઝળકતા રહ્યા છે. સંઘ પોતાને સાંસ્કૃતિક સંગઠન ગણાવવાનું પસંદ કરે છે અને તે રાજકીય પ્રવૃત્તિમાં સહભાગી નહીં થાય એવું સરદાર પટેલે એની પાસે કબૂલ કરાવ્યા છતાં સંઘ પરિવારનાં સંગઠનો રાજકીય પ્રવૃત્તિમાં ખાસ્સી સક્રિયતા દાખવીને સંઘ-પ્રચારક રહેલા વાજપેયીથી લઈને મોદી સુધીનાને વડા પ્રધાનપદે પહોંચાડી શક્યા છે.

મોદી સરકારના નિર્દેશનો અર્થ

મોદી સરકાર ૨૭ નવેમ્બર, ૨૦૧૪ના રોજ પ્રત્યેક સરકારી કર્મચારી ‘પોલિટિકલ ન્યુટ્રાલિટી’ જાળવે એવો સેવાનિયમ સુધારો બહાર પાડે ત્યારે એની પાછળના ગર્ભિતાર્થો ભાજપ-વિરોધી રાજકીય પક્ષો ભણી સહાનુભૂતિ ભણી કરડાકી નજર રાખવામાં આવશે એવું સમજવામાં વિપક્ષોને વાર લાગતી નથી. જોકે, અમેરિકા સિવાય મહદ્અંશે લોકશાહી રાષ્ટ્રોમાં સરકારી કર્મચારીઓ રાજકીય પક્ષના સભ્ય થાય એ અપેક્ષિત મનાતું નથી. ભારતનું બંધારણ ઘડતી વખતે સરદાર પટેલે સનદી સેવકોને ‘તટસ્થભાવે નીડર રહીને, રાષ્ટ્રહિતમાં’ કાર્યરત રહેવા અને સાચા અર્થમાં રાષ્ટ્રનાં હિતોના કસ્ટોડિયન બની રહેવાનું અપેક્ષિત માન્યું હતું. જોકે સમયાંતરે બંધારણ નિર્માતાઓના સ્વપ્ન બંધારણ અને કાયદા-કાનૂનની જોગવાઈઓ પૂરતાં જ સીમિત રહે છે. પ્રત્યેક શાસક નોકરશાહી (બ્યુરોક્રસી)ને જ નહીં, ન્યાયતંત્ર (જ્યુડિસિયરી)ને પણ કહ્યાગરી અવસ્થામાં જાળવવા ઈચ્છુક હોય છે.

કેશુભાઈ સરકારનો ગજગામી નિર્ણય

સંઘ પર મહાત્મા ગાંધીની હત્યા વખતે પ્રતિબંધ આવ્યો તે પછી ઈમર્જન્સીમાં બીજો અને અયોધ્યા વિવાદાસ્પદ ધર્મસ્થળ ધ્વંશ પછી ત્રીજો અને છેલ્લો પ્રતિબંધ આવ્યો. જોકે, આવા પ્રતિબંધો અને ૧૯૬૬ પછી ૧૯૭૫ તેમજ ૧૯૮૦માં સરકારી કર્મચારી તરીકે સંઘના સ્વયંસેવકોને ‘ગેરલાયક’ ઠેરવતી જોગવાઈઓ સ્વયંસેવકોને સરકારી નોકરીઓમાં મહત્ત્વના હોદ્દે જતાં રોકી શકી નથી. હવે તો મોસાળમાં મા પીરસનારી હોય એવો ઘાટ થયો છે.

ગુજરાતમાં કેશુભાઈ પટેલના વડપણવાળી ભાજપ સરકારે વર્ષ ૨૦૦૦માં સરકારી કર્મચારી પસંદગીના સેવાનિયમમાંથી સ્વયંસેવકોને બાકાત રાખવાની જોગવાઈ દૂર કરી ત્યારે રાષ્ટ્રીય કક્ષાએ ભારે હોબાળો મચ્યો હતો, પરંતુ એમણે એની પરવા કરી નહોતી. હકીકતમાં તો આવો પ્રતિબંધ ઊઠાવી લીધા પહેલાં પણ પ્રધાનોનાં નિવાસસ્થાન સંકુલમાં શાખાના સંઘશિક્ષક તરીકે એ વેળા અને અત્યારના મુખ્ય પ્રધાન કાર્યાલયના અધિકારી જ કાર્યરત હોવાનું અમે વ્યક્તિગત રીતે અનુભવ્યું છે!

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter