સનદી અધિકારીઓને સરદાર પટેલના બોધને આચરણમાં લાવીએ

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Monday 23rd October 2017 06:30 EDT
 
 

હમણાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયુડએ હૈદરાબાદમાં મારી ચન્ના રેડ્ડી હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યુટ ખાતે અખિલ ભારતીય સનદી સેવાના અધિકારીઓને સંબોધનમાં આઈએએસ (ઈંડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ)ના સંસ્થાપક અને દેશના પ્રથમ નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શોના અનુસરણની સલાહ આપી. સરદાર પટેલનો સત્તાવાર ઊજવાતો જન્મદિવસ ૩૧ ઓક્ટોબર હોવાને કારણે સનદી સેવકોને આઝાદીના ઉષાકાળે સરદાર થકી મેટકાફે હાઉસમાં ૨૧ એપ્રિલ ૧૯૪૭ના રોજ અપાયેલા સરદારના વ્યાખ્યાનનું સ્મરણ કરવું યોગ્ય થઈ પડશે.

ભારતભરમાં ૨૧ એપ્રિલને આઈએએસના સ્થાપના દિવસ તરીકે મનાવાય છે અને સત્તાધીશો એ દિવસ નિમિત્તે ભવિષ્યના સનદી અધિકારીઓને ઉપદેશ કરવામાં ભાગ્યે જ કોઈ મણા રાખે છે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ તેલંગણની રાજધાની હૈદરાબાદમાં સરદારનું સ્મરણ કરીને એમનાં કેટલાંક વાક્યો ટાંક્યાં અને કહ્યું કે ભવિષ્યના સનદી અધિકારીઓએ ‘પ્રજા પ્રત્યે સહાનુભૂતિ જાળવીને, પોતાની શ્રેષ્ઠ ક્ષમતા દાખવી, તટસ્થાપૂર્વક અને ભ્રષ્ટાચારથી મુક્ત રહીને રાષ્ટ્રના હિતમાં સદૈવ કાર્યરત રહેવું જોઈએ.’ સંયોગવશાત્ વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે ૨૧ એપ્રિલ ૨૦૧૩ના રોજ લખેલા બ્લોગને વાંચવાનું થયું. એમણે સરદાર પટેલના રાષ્ટ્રીય એકતાના પ્રયાસોને અનુસરવાની સાથે જ લોકતાંત્રિક વહીવટી માળખામાં રહીને સનદી સેવકો દેશના હિતમાં કામ કરે એવી અપેક્ષા કરી હતી.

સનદી સેવકોવાળા એમના બ્લોગમાં તેમણે કોંગ્રેસના વડપણ હેઠળની યુપીએ સરકારની ટીકા તો કરી હતી, પરંતુ બ્રિટીશ રાજ વખતે સનદી સેવકો (આઈસીએસ અધિકારીઓ) અને આઝાદી પછીના કાળમાં સનદી સેવકો (આઈએએસ અધિકારીઓ)ની ભૂમિકામાં આવેલા પરિવર્તનને તાજું કર્યું હતું.

સરદારે મેટકાફે હાઉસમાં શું કહ્યું હતું?

આઈએએસ સંસ્થાપક અને દેશી રજવાડાંના એકીકરણના પ્રણેતા એવા પ્રથમ ગૃહપ્રધાન સરદાર પટેલે ભારતીય સનદી સેવા (આઈએએસ)ની પ્રથમ બેંચના પ્રોબેશનર્સ સમક્ષ જે માર્ગદર્શિકા રજૂ કરી હતી એને ગુજરાત સરકારના મુખ્ય સચિવ રહેલા પ્રવીણ કનુભાઈ લહેરી પ્રત્યેક સનદી અધિકારી માટે ગૂંજે બાંધવા જેવી ગણાવે છે. સરદાર થકી ૨૧ એપ્રિલ ૧૯૪૭ના એ વ્યાખ્યાનમાં ત્રણ બાબતો પર ભાર મૂકાયો હતોઃ

એક, ભારતીય શાસન વિદેશીને બદલે સ્વદેશીઓના હાથમાં આવે છે. બીજું, ભારતીય સનદી સેવા સંપૂર્ણપણે સ્વદેશી એટલે કે ભારતીયોના અખત્યાર હેઠળ મૂકાય છે. ત્રીજું, સનદી સેવા હવે સ્વદેશી હિતની સુરક્ષા માટે ખરા અર્થમાં ભારતીય સેવા કરવા માટે મુક્ત બની રહેશે અને ભૂતકાળનો અનુભવ આડે આવશે નહીં.

સરદારના વડપણ હેઠળ ભારતીય સનદી સેવાને દેશનાં હિતના ખરા અર્થમાં સંરક્ષક (કસ્ટોડિયન) ગણાવવાનું નક્કી થયું હતું. ભૂતકાળમાં બાબુશાહી અને સાહેબગીરીની પરંપરા બ્રિટિશ માલિકોના માલિકીના ભાવમાંથી પ્રગટી હતી, એમાંથી નવી સનદી સેવા મુક્ત થાય એવી સરદારને અપેક્ષા હતી. જોકે, હજુ આજે પણ ભારતીય સનદી સેવાના અધિકારીઓ પેલા પ્રજાના સેવક બની રહેવાના સંકલ્પમાં ઝાઝી સફળતા મળી નથી. હજુ પણ પ્રજાના માલિક હોય એ રીતે પ્રજાના પ્રતિનિધિઓ આવેદનપત્ર આપવા આવે ત્યારે બેઠાં બેઠાં જ એને સ્વીકારવાની મોટાઈ પ્રજાના કરમાંથી પગાર મેળવનારા આઈએએસ અધિકારીઓ જ નહીં, જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ પણ જાળવે છે. રાજનેતાઓ એમને વિવેક શીખવવા જેટલા વિવેક દાખવનાર રહેવાને બદલે ‘ભાગીદાર’ બની ગયા છે. પોતાને લાભ કરાવનાર સત્તાધીશો સમક્ષ લળીલળીને જીહજુરી કરનારા સનદી અધિકારીઓ પ્રજાના પ્રશ્નોને ત્વરાથી ઉકેલવાની સંવેદના હજુ સુધી કેળવી શક્યા નથી. થોડાક રાજકીય શાસકોને સાચવી લઈને કે એમની સાથે આર્થિક ભાગીદારી કરીને પ્રજાવિરોધી નિર્ણય લેવામાં સંકોચ નહીં કરનારા અધિકારીઓ અને એમના મળતિયા શાસકો સવાર-સાંજ સરદાર પટેલનું નામ લેવાની વિધિ જાળવે છે, પણ સરદારના આદર્શો કે સાદગીનું આચરણ કરવાનું વીસરી ગયા છે. અહીં કોંગ્રેસ કે ભાજપ કે અન્ય પક્ષના રાજકીય શાસકો વચ્ચેનો ભેદ પણ લુપ્ત થઈ ચૂક્યો છે.

ગરિમા, નિષ્ઠા અને ભ્રષ્ટાચારમુક્તિ

સરદાર પટેલના શાસન-પ્રશાસનમાં સંબંધિતોની ગરિમા જળવાય, નિષ્ઠા સચવાય અને પ્રજા પ્રત્યે સહાનુભૂતિ દાખવીને જનહિતના પ્રશ્નો ત્વરાથી તથા ભ્રષ્ટાચાર આચર્યા વિના ઉકેલાય એ દિશામાં બ્યૂરોક્રસી કાર્યરત રહે તેવી શીખ સરદારે ગૂંજે બંધાવી હતી. બ્યૂરોક્રસી પ્રજા પ્રત્યે સંવેદના ધરાવતી હોય અને રાજકીય પક્ષાપક્ષીથી પર રહે એ સરદારનો મુખ્ય મંત્ર હતો.

જોકે, ક્યારેક સત્તાપક્ષ અને બ્યૂરોક્રસીમાં મહત્ત્વના હોદ્દે બેઠેલાઓ એકાકાર થઈ જાય એવું જોવા મળે છે ત્યારે તટસ્થપણે નિર્ણય લેવાની અપેક્ષા ધૂળમાં મળવી સ્વાભાવિક છે. ‘તમે કોઈ અનપેક્ષિત લાભ ખાટીને કોઈની તરફેણમાં નિર્ણય નહીં કરતા’ એવી સ્પષ્ટ વાત સરદારે કરી હતી. જોકે, ઉદ્યોગ ગૃહોની લોબીમાં રાજકીય પક્ષોના નેતાઓ, શાસકો, બ્યૂરોક્રેટ્સ અને જનપ્રતિનિધિઓના હિતમાં કાર્ય કરનાર મનાતાં સંગઠનો પણ જોડાવામાં હરખ અનુભવતા હોય એવા દૃશ્યો નિહાળીને સરદારનો આત્મા જ્યાં પણ હોય ત્યાં કણસતો હોવો સ્વાભાવિક છે. મહાત્મા ગાંધી કે સરદાર પટેલ પોતાનાં કે અન્યોનાં પૂતળાં મૂકવાના વિરોધી હતા, પરંતુ આઝાદ ભારતના તમામ પક્ષના શાસકોએ એમની એ વાતો કાને ધરવાને બદલે સરદાર પટેલ કે છત્રપતિ શિવાજી કે પછી ભગવાન રામની સૌથી ઊંચી પ્રતિમાઓ મૂકીને પ્રજાને આંજી દેવાની પરંપરા આદરી છે.

શાસકોથી નોખો મત રજૂ કરવાની શીખ

સરદાર પટેલે ભારતીય બંધારણ સભામાં સનદી સેવકોને બંધારણીય સુરક્ષા પ્રદાન કરતી જોગવાઈઓ બંધારણમાં જોડવા સંદર્ભે કરેલા આગ્રહને પગલે બ્યૂરોક્રસીને કહ્યાગરી બની રહેવાને બદલે રાષ્ટ્રના હિતમાં નીડર અને સ્પષ્ટ મત વ્યક્ત કરનારી થવાનો આગ્રહ રાખ્યો હતો. બ્યૂરોક્રસી એના રાજકીય શાસકોની કહ્યાગરી ના થાય અને તટસ્થપણે નિર્ણયો લેનારી બની રહે એવી સરદારે પોતાનાથી જ શરૂઆત કરી હતી. સાચી વાત કરનાર કે તટસ્થ નિર્ણય કરનાર અધિકારી દંડાય નહીં એ માટેની બંધારણીય સુરક્ષા બક્ષવાના પક્ષધર નાયબ વડા પ્રધાને બંધારણ સભામાં જ પોતાના પક્ષના વિવિધ મુખ્ય પ્રધાન - પ્રધાનો થકી અધિકારીઓને નોકર ગણીને દબડાવવાની વૃત્તિનો પણ ઉધડો લીધો હતો. અત્યારે જે રીતે તટસ્થ નિર્ણયો લેનારા અધિકારીઓને તમામ પક્ષના શાસકો થકી દંડિત કરવાની વૃત્તિની બોલબાલા જોવા મળે છે ત્યારે સરદારને અભિપ્રેત રાષ્ટ્રના હિતના સાચા કસ્ટોડિયનો પણ હવે લુપ્ત થવા માંડ્યા હોય એવું લાગ્યા વિના રહેતું નથી. સાથે જ ૨૭ એપ્રિલના રોજ વડા પ્રધાન કે મુખ્ય પ્રધાનો થકી સનદી અધિકારીઓને અપાતી શીખમાં સૂચક રીતે ધમકી અપાતી હોવાનો અણસાર મળે છે.

ચૂંટાયેલા પ્રતિનિધિઓ થકી પ્રજાની સમસ્યાઓ રજૂ થાય એમને ઉકેલવા પર ભાર મૂકાય છે. લોકપ્રિય અને લોકરંજક નિર્ણયો લેવાના રાજકીય શાસકોના આગ્રહને કારણે એમના ચરણમાં પડીને લાભાન્વિત થવાનું પસંદ કરનારા સનદી અધિકારીઓની સંખ્યા વધતી જઈ રહી છે.

માત્ર ફિલ્મોમાં જ નહીં ફિલ્ડમાંય હુમલા

નિષ્ઠાવંત સનદી અધિકારીઓમાંથી જે કોઈ તટસ્થ રહીને રાજકીય સત્તાધીશોને અનુકૂળ નિર્ણય કરવાનો નન્નો ભણે એમના પર હુમલા થવાનાં દૃશ્યો હવે માત્ર ફિલ્મો પૂરતાં સીમિત રહ્યાં નથી. રાજકીય પક્ષના કાર્યકરો જ નહીં, ધારાસભ્યો-સાંસદો થકી સંબંધિત અધિકારીઓના ઘેરાવ, તેમના હુમલા અને છેવટે રાજકીય સત્તા થકી પીનલ પોસ્ટિંગ કે બનાવટી ખટલાઓમાં એમને સંડોવી દેવાની પ્રવૃત્તિ ખૂબ ફૂલીફાલી છે ત્યારે બ્યૂરોક્રસીને નીડર રહીને, તટસ્થપણે પ્રામાણિકતાથી નિર્ણય કરવાની સરદાર પટેલની સલાહનું અનુકરણ કેટલું જોખમી બન્યું છે એ સમજી શકાય છે.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter