સમગ્ર ભારત - આવ ભાઈ હરખા, આપણે બેઉ સરખા

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Wednesday 18th February 2015 06:59 EST
 

સત્તાસ્થાને બેઠા પછી કે સત્તાસ્થાને બેસવા માટે સિદ્ધાંતોના મંજીરા વગાડવામાં બાવા થઈ જવાનાં જોખમ વધુ હોવાનું હવે બારામતી (મહારાષ્ટ્ર)માં ‘નેચરલી કરપ્ટ પાર્ટી’ (એનસીપી)ના સુપ્રીમ શરદ પવારનાં ભરપેટ વખાણ કરનાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુપેરે જાણી બેઠા છે. પવાર ક્યારે કોની સાથે ઘર માંડશે એ કહેવું ભારતીય અને ખાસ કરીને મહારાષ્ટ્રના રાજકીય સમીક્ષકો માટે નક્કી કહેવું મુશ્કેલ છે.

‘જીસકે તડમેં લડ્ડુ, ઉસકે તડમેં હમ’ એ સિદ્ધાંત પવારે આખા આયખામાં અપનાવ્યો છે જરૂર, પણ પોતાના રાજકીય કાર્યકરો અને નેતાઓ સાથેના સંબંધ અને એમનાં હિત જાળવવાનું એમણે કેન્દ્રસ્થાને રાખ્યું છે. ઢળતી ઉંમર અને કેન્સરની શસ્ત્રક્રિયા પછી શરદ પવાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)નો વાવટો સંકેલીને કોંગ્રેસ ભણી ગમન કરશે કે ભારતીય જનતા પક્ષ સાથે ઘર માંડશે એ કહેવું મુશ્કેલ છે. એમના રાજકીય ઈતિહાસમાં આવેલાં પરિવર્તનો સત્તા સાથે યેનકેન પ્રકારેણ સત્તાના સંવનના સાતત્યની શરદ પવાર બ્રાન્ડ ફોર્મ્યુલાના પરિચય કરાવ્યા જ કરે છે.

મૂળે મહારાષ્ટ્રના પ્રથમ મુખ્ય પ્રધાન યશવંતરાવ ચવ્હાણના ચેલકા એવા પવાર ગુરૂથી સો ચાસણી ચડે એવા સાબિત થયા છે. ૧૯૭૮માં વસંતદાદા પાટીલની કોંગ્રેસ સરકારની પીઠમાં છુરો ભોંકીને રાજ્યની જનતા પાર્ટીના ઘટક પક્ષો જનસંઘ, સમાજવાદી, શેકાપ (શેતકરી કામગાર પક્ષ) સહિતના સાથે સરકાર રચીને સૌથી યુવાન વયે એટલે કે ૩૮ વર્ષની વયે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન થનારા પવાર સત્તાકાજે કોઈને પણ છેહ આપવા કે પછી કોઈની સાથે પણ ઘર બાંધવા માટે જાણીતા છે.

દિલ્હીમાં મોરારજી દેસાઈના નેતૃત્વમાં જનતા પાર્ટીની સરકાર રચાઈ ત્યારે પવારે ગુલ્લી મારીને પુરોગામી લોકશાહી આઘાડીની પુલોદ સરકાર રચીને દિલ્હી સાથે સત્તાનું સંવનન કરવા માટે કોંગ્રેસ (સોશિયલિસ્ટ)ની રચના કરી હતી. સમયાંતરે પવાર કોંગ્રેસમાં પાછા ફરતા અને સત્તારોહણની અનુભૂતિ કરતા રહ્યા છે. છેલ્લે છેલ્લે એમણે કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીના વિદેશી મૂળના મુદ્દે અમ્માને લખેલો પત્ર એમને કોંગ્રેસ દ્વારા દરવાજો બતાવનારો સાબિત થયો એટલે તેમણે રાષ્ટ્રવાદી કોંગ્રેસની રચના કરી. કોંગ્રેસની સાથે સૈદ્ધાંતિક મતભેદ થતાં રાષ્ટ્રવાદી કોંગ્રેસની રચના કર્યા પછી મહારાષ્ટ્ર અને કેન્દ્રમાં રચના કર્યા પછી મહારાષ્ટ્ર અને કેન્દ્રમાં પણ એ જ કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને દોઢ-દોઢ દાયકા લગી સત્તાનું સંવનન કરવાનું પવાર ફોર્મ્યુલામાં જ સફળ થઈ શકે.

ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસ સામે તીર તાકવાનાં અને પોતાના અંતરંગ સાથી એવા વિદર્ભના બીડીસમ્રાટ પ્રફુલ્લ પટેલ નામક મૂળ ચરોતરી નેતાને ભારતીય જનતા પક્ષ સાથે ઈલુ-ઈલુનો ખેલ કરવા છુટ્ટા મૂકી દેવાનું એ શરદ પવારની આગવી કરામત કહેવાય. મુખ્ય પ્રધાન તરીકે ગુજરાતની મહાપાલિકાની ચૂંટણીઓ જીતવામાં મોદીને એનસીપીનો આવો જ ખેલ ખૂબ માફક આવી ગયો હતો.

મહારાષ્ટ્રની છેલ્લી વિધાનસભાની ચૂંટણી લગી નરેન્દ્ર મોદી તો વડા પ્રધાન થઈ ચૂક્યા હતા અને શિવ સેનાને પોતાના ઈશારે નર્તન કરાવવા માટેનો એમનો સંકલ્પ સફળ થયો એમાં શરદ પવારની પાર્ટીએ વિનાશરતે જાહેર કરેલા સમર્થનનું યોગદાન ઓછું નથી. મહારાષ્ટ્રમાં ભાજપને સત્તાસ્થાને લાવતાં પહેલાં રાજ્યમાં મોદીએ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના ઘણા નેતાને પોતાના ભણી આકર્ષીને ટિકિટો આપી. ચૂંટણીનાં પરિણામ આવ્યાં ત્યારે શિવ સેના પોતાની બિગબ્રધરની ભૂમિકાના મનોરાજ્યમાં વિહાર કરવામાં હજુ રમમાણ હતી ત્યાં જ પવારે વેળાસર સોગઠી મારીને ભાજપની સરકાર રચવા કોઈ પણ શરત વિના સમર્થન આપવાની જાહેરાત કરી.

રાજકારણમાં કશું બિનાશરત હોતું નથી. પ્રગટપણે કોને કોની કેટલી ગરજ છે એના પર બધું અવલંબે છે. શરદ પવારે છેલ્લાં ૧૫ વર્ષ સુધી મહારાષ્ટ્રમાં અને કેન્દ્રમાં છેલ્લા દાયકા લગી સત્તાનાં સુફળ ભોગવ્યાં છે. એમના સગ્ગા ભત્રીજા અજિત પવારની સામે અબજો રૂપિયાનાં કૌભાંડ આચરવાની તપાસની તલવાર લટકતી હોય અને કેન્દ્ર સરકારમાં પવારની ભૂમિકાની ખણખોદ ગમે ત્યારે ગમે તેવી મુશ્કેલીઓ સર્જી શકતી હોય ત્યારે મોદીના ચરણમાં લોટાંગણ થવાનું જ હિતકારી લેખાય.

ચૂંટણીપ્રચારમાં મોદીએ પવારની પાર્ટીને ‘નેચરલી કરપ્ટ પાર્ટી’ ગણાવી અને સામે પક્ષે પવારે પણ મોદીને ‘હિટલર’ ગણાવવા સુધીનો પ્રચાર કર્યો. મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડનવીસના નેતૃત્વમાં ભાજપની સરકાર રચાઈ ત્યારે મિત્રપક્ષ રહેલા શિવ સેના થકી ખૂબ નાટકીય ખેલ કરાયા. ગરજના માર્યા શિવ સેનાએ મહારાષ્ટ્રમાં સરકારમાં અને કેન્દ્રમાં જોડાવાનું નક્કી તો કર્યું, પણ વડા પ્રધાન મોદીએ એક જ દિવસે શિવ સેનાના સુરેશ પ્રભુને ભાજપમાં લઈને પ્રધાન બનાવીને એમની શિવ સેના તોડવાની ક્ષમતાનો પરિચય કરાવ્યો.

શિવ સેનાના સુપ્રીમો હવે બાળ ઠાકરે રહ્યા નથી. એમના દેહાંત પછી એમના સાહજિક વારસ એવા ભત્રીજા રાજ ઠાકરેને બદલે ‘બ્લડ ઈઝ થીકર ધેન વોટર’ના ન્યાયે બાળાસાહેબના પુત્ર ઉદ્ધવ ઠાકરે શિવ સેના પ્રમુખ છે. રાજ ઠાકરેએ નોખો ચોકો કર્યો છે. બેઉ પિતરાઈ મોદીચાલીસાની સ્પર્ધામાં રહ્યા છે, પણ મોદીએ બધા વિકલ્પ ખુલ્લા રાખ્યા છે.

મહારાષ્ટ્રમાં વધુ એક મહત્ત્વનો રાજકીય ખેલ પવાર ઘરાણામાં ખેલાઈ રહ્યો છે. પવારના રાજકીય વારસની સ્પર્ધામાં ભત્રીજા અને મહારાષ્ટ્રમાં નાયબ મુખ્ય પ્રધાન રહેલા અજિત પવાર વિરુદ્ધ પવારપુત્રી અને સાંસદ સુપ્રિયા સુળે છે. ભાજપની ફડનવીસ સરકારે અજિતદાદાનાં કૌભાંડોની તપાસની જાહેરાત કરી છે. સાથે જ પવારનિષ્ઠ છગન ભુજબળ વિરુદ્ધ પણ કૌભાંડોની તપાસના આદેશ આપ્યા છે. ભુજબળ મૂળે શિવ સેનાના નેતામાંથી પવારની સાથે કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના વાઘા સ્વીકારનાર અગ્રણી છે. મોદીના હાથ ઉપર છે. વડા પ્રધાન મોદી અને મુખ્ય પ્રધાન ફડનવીસ જ પવારના ઘરાણા માટે નિર્ણાયક પરિબળ બની શકે છે. મોદી કોલ્સ ધ શોટ્સ.

અબજોપતિ પવાર ઘરાણાનો બારામતીમાં પ્રભાવ તોડવાનું લગભગ અશક્ય છે. મહારાષ્ટ્રમાં પવારના સકાળ સમાચારપત્ર સમૂહનો પ્રભાવ પણ ઘણો છે. મહારાષ્ટ્રનાં સાકર કારખાનાં પર પ્રભાવની દૃષ્ટિએ અને ચાણક્ય-કવાયતમાં પણ પવાર અગ્રેસર છે. વડા પ્રધાન મોદીએ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના શપથવિધિમાં જવાને બદલે પવારના પ્રદેશમાં જવાનું સ્વીકાર્યું એની પાછળના સૂચિતાર્થો ખૂબ જ સ્પષ્ટ હતા. શિવ સેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના નેતાઓ અનુક્રમે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ મોદીની બારામતી મુલાકાત અંગે કાગારોળ મચાવી છતાં ગુજરાતના ‘ચાણક્ય’માંથી રાષ્ટ્રના ‘ચાણક્ય’ સાબિત થયેલા નરેન્દ્ર દામોદરદાસ મોદીને પોતાનું હિત શામાં છે એનો બરાબર ખ્યાલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter