સરસ્વતી વંદના અને ઉર્દૂના વિવાદસર્જક રાજકીય તમાશા

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Wednesday 28th January 2015 06:37 EST
 

હમણાં અમદાવાદ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી ડો. લગધીર ડી. દેસાઈએ પરિપત્ર બહાર પાડીને કહ્યુંઃ મહાપાલિકાની શાળાઓમાં વસંત પંચમીના દિવસે એટલે કે મહા સુદ પાંચમે (૨૪ જાન્યુઆરી ૨૦૧૫ના રોજ) ‘વિદ્યા, કળા, જ્ઞાન અને સંગીતની દેવી’ ‘મા સરસ્વતી’ના પૂજન સાથે જ વિદ્યા મેળવીને એટલે કે શિક્ષણ પ્રાપ્ત કરીને જીવનનાં તમામ શિખર સર કરી શકાય છે તેવું વિદ્યાર્થીઓ સમજે તે હેતુથી આ દિવસે પ્રાર્થના સંમેલનમાં મા સરસ્વતી પૂજન કરવું તેમ જ સરસ્વતી વંદના કરવી અને તે થકી જ્ઞાનપ્રાપ્તિનો સંકલ્પ કરાવવો. વસંત પંચમી દિવસ જુદાં જુદાં રાજ્યો કેવી રીતે ઉજવે છે તેની માહિતી પ્રાર્થના સંમેલનમાં આપવી.

મા સરસ્વતીના પૂજન બાબતના આ પરિપત્ર અંગે પ્રસાર માધ્યમોએ મુસ્લિમ વિદ્યાર્થીઓવાળી ઉર્દૂ માધ્યમની કે ગુજરાતી માધ્યમની શાળાઓ અંગે વિવાદ સર્જ્યો અને સદીઓથી ચાલી આવતી સરસ્વતી વંદનાને સર્વધર્મ સમભાવ અને વસુધૈવ કુટુમ્બકમમાં માનનારી સંસ્કૃતિના આ પ્રદેશમાં હિંદુ વિરુદ્ધ મુસ્લિમ ટકરાવનો મુદ્દો બનાવી દેવાયો. ભારતીય જનતા પક્ષનું અમદાવાદ મહાનગરપાલિકામાં વર્ષોથી શાસન છે. પાલિકાની શાળાઓને સરસ્વતી મંદિર ગણાવાય કે અદાલતોને ન્યાય મંદિર ગણાવાય તો એમાં મંદિર-મસ્જિદનો વિવાદ ખડો કરવાની વૃત્તિ-પ્રવૃત્તિ કરવા પાછળનો હેતુ જાણવાની અમે કોશિશ કરી.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ અને વિજ્ઞાનના જાગૃત અધ્યાપક એવા ડો. હર્ષદ પટેલને પૂછયું તો કહે, ‘ઓક્ટોબર ૨૦૧૫માં એટલે કે આ વર્ષે જ અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી આવે છે’ પત્યું. અત્યાર લગી ભાગ્યે જ શિક્ષણની દેવી ગણાતી સરસ્વતી દેવીની પૂજા-અર્ચના વિશે વિવાદ થયો છે. મા સરસ્વતીને કોઈ પણ ધર્મથી ઉપર ઊઠીને શિક્ષણ જગતમાં સર્વધર્મીય વંદના મળી છે. પરાપૂર્વથી આ ચાલતું આવ્યું છે. અંગ્રેજ શાસનમાં પણ આ પરંપરા અખંડ હતી. સેક્યુલરવાદી વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના સમયમાં પણ તેમના મુસ્લિમ શિક્ષણ પ્રધાનોએ આ પરંપરાને રાજકીય મુદ્દો બનાવ્યો નહોતો. હજુ આજે પણ અમદાવાદમાં ઉર્દૂ માધ્યમની શાળામાં જેમનાં બાળકો ભણે છે એ મહેરબાન શેખને પણ સરસ્વતી વંદના કે પૂજા કે હિંદુ પ્રાર્થના સામે વાંધો નથી. વાંધો માત્ર જબરજસ્તીથી એ કરાવાય એ સામે છે. (‘અમદાવાદ મિરર’ ૨૪ જાન્યુઆરી, ૨૦૧૫).

હકીકતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વેબસાઇટ પર ૧૯ જાન્યુઆરીના રોજ આ પરિપત્ર મુકાયેલો છે. એમાં ફરજ પાડવા કોઈ જોહુકમીની ભાષા મૂળ રબારી સમાજના શિક્ષિત એવા શાસનાધિકારીના પરિપત્રમાં લગીરે જણાતી નથી. સરસ્વતી વંદનાને રાજકીય મુદ્દો બનાવવામાં જે લોકો જોડાયા એમનો સંબંધ કાં તો કોંગ્રેસ સાથે છે કે પછી નાગરિક અધિકારોનાં ચળવળ સંગઠનો સાથે છે. વ્યક્તિના સ્વાતંત્ર્યને રુંધવાનું કામ કરાતું હોય, જોરજુલમ કરીને બાળકોને સરસ્વતી વંદના કરાવાતી હોય તો એ ભલે હિંદુ બાળકો હોય તો પણ એમનાં મા-બાપ એ સામે વિરોધ કરી શકે એને અમે વાજબી લેખીએ, પરંતુ ઉર્દૂને મુસ્લિમોની ભાષા ગણાવનારા મૂર્ખજનોને કે સંસ્કૃતને હિંદુઓની ભાષા ગણાવનારા અજ્ઞાનીઓને અમારે કેટલાંક ઉદાહરણ આપવાં છે.

ઉર્દૂ ભારત વર્ષની ભાષા છે. લશ્કરી જરૂરિયાતમાંથી જન્મેલી ભાષા છે. એને રખે કોઈ વિદેશી ભાષા ગણી લે. હજુ હમણાં જ ભારતીય પ્રસાર માધ્યમો મદરેસાઓમાં ભણતાં હિંદુ બાળકો અને વિદ્યા ભારતી (સંઘ પરિવાર)ની શાળાઓમાં ભણતાં મુસ્લિમ બાળકો અંગેના મજાના અહેવાલ પ્રગટ થયા હતા. દેશના રાષ્ટ્રપતિ રહેલા પંડિત ડો. શંકરદયાળ શર્મા ઉર્દૂ માધ્યમમાં ભણ્યા હતા, પત્રકાર શિરોમણિ કુલદીપ નાયર ઇન્ડિયન એક્સપ્રેસ જૂથમાં તંત્રી રહ્યા પણ એ ઉર્દૂ માધ્યમમાં ભણ્યા હતા. પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહ પોતે પણ ઉર્દૂ માધ્યમમાં ભણ્યા. એટલું જ નહીં, એમની ખ્યાતિ વિશ્વ પ્રસિદ્ધ અર્થશાસ્ત્રીઓમાં થતી હતી, પણ વડા પ્રધાન તરીકે તેમનાં પ્રવચન એ કાં તો અંગ્રેજીમાં કે ઉર્દૂમાં લખેલાં વાંચતા હતા. સ્વાતંત્ર્ય માટે જાન કુરબાન કરનાર ભગત સિંહની ભાષા ઉર્દૂ હતી અને એ નાસ્તિક હતા.

એનાથી જરા જુદી વાત કરીએ. કટ્ટરવાદી મુસ્લિમ બાદશાહ ઔરંગઝેબનો મોટો ભાઈ અને બાદશાહ શાહજહાંનો સાચો વારસ દારા શિકોંહ તો સંસ્કૃતનો મહાપંડિત હતો. એટલું જ નહીં, એણે ઉપનિષદોનો ફારસીમાં અનુવાદ પણ કર્યો હતો. જેને સંઘ પરિવારવાળા વટાળ પ્રવૃત્તિનો પુરસ્કર્તા કહે છે એ મૈસૂરનો રાજવી ટીપૂ સુલતાન સંસ્કૃતનો સારો જ્ઞાતા હતો. એટલું જ નહીં, મરાઠાઓ થકી શૃંગેરીનાં હિંદુ મંદિરો તોડવામાં આવ્યાં ત્યારે ત્યાંના શંકરાચાર્યના કહેવાથી ટીપૂએ એ મંદિરોનો જિર્ણોદ્ધાર કરાવ્યો હતો. શંકરાચાર્યને એ આરાધ્યગુરુ માનતો હતો એ વાત આજેય શૃંગેરી મઠના શંકરાચાર્યની સત્તાવાર વેબસાઇટ પર નોંધાયેલી છે.

હજુ થોડા વખત પહેલાં જેમનું નિધન થયું અને ભારત જ નહીં વિશ્વના સંસ્કૃતના જ્ઞાતાઓને જેની ભારે ખોટ પડી એ મુંબઈની પાલિકા પ્રાથમિક શાળાના હિંદી શિક્ષક તરીકે નિવૃત્ત થયેલા પંડિત ગુલામ દસ્તગીર બિરાજદાર છેલ્લે છેલ્લે પવિત્ર કુરાનનો ઉર્દૂમાં અનુવાદ કરતા હતા. રિક્ષાવાળા સાથે એ સંસ્કૃતમાં વાત કરે તો એમની વાત સામાન્યજનને પણ સમજાય એવું આ લેખકે પણ એમની સાથેના વર્ષોના સંપર્કમાં અનુભવ્યું છે. સોલાપુરની પાઠશાળામાં ભણેલા પંડિત બિરાજદારનાં સંતાનોની નિકાહ (લગ્ન) પત્રિકાઓ ઉર્દૂ અને સંસ્કૃતમાં છપાઈ હતી એ અમે નિહાળ્યું છે. સદ્ગત વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ એમને રાષ્ટ્રીય અધ્યાપક નિયુક્ત કરીને આઇએસ કે આઇપીએસ અધિકારીઓ માટે એમનાં વ્યાખ્યાનોમાં હાજરી આપવાનું ફરજીયાત કર્યું હતું. વરળીની ટેકરી પરની દરગાહમાં રહેતા પંડિત બિરાજદાર પોતે પવિત્ર કુરાન શબ્દ પણ ‘કુ + રાન’ એટલે કે અવકાશમાંથી પ્રગટેલી પવિત્ર વાણી ગણાવતા અને એ શબ્દોનું મૂળ પણ સંસ્કૃત હોવાનું માનતા હતા.

પારસ્પરિક સદ્ભાવ અને સર્વધર્મ પ્રત્યે આદર જાળવવાની સંસ્કૃતિ એ આપણી ભવ્ય પરંપરા રહી છે. વસુધૈવ કુટુમ્બકમની ભાવના આપણો આદર્શ રહ્યો છે. હિંદુઓ મસ્જિદ કે દેવળ સામેથી પસાર થતાં આદર દર્શાવે, એ જ રીતે મુસ્લિમ અને ખ્રિસ્તીમાં પણ હિંદુ દેવાલયો ભણી આદર જાળવવાની પરંપરા જોવા મળે છે. કટ્ટરવાદીઓ આ સહઅસ્તિત્વની પરંપરાને તોડવા સતત સક્રિય રહીને પોતાના સ્વાર્થનાં રાજકારણ ખેલે છે ત્યારે વિવિધ ધર્માવલંબી મારગથી ભટકીને ટકરાવની સ્થિતિને સ્વીકારે છે.

ગાંધીજીને પ્રિય એવી સર્વધર્મ પ્રાર્થના ‘ૐ તત્ સત્, શ્રી નારાયણ તૂ, પુરુષોત્તમ ગુરુ તૂ’માં ઈશુ, રામ, રહીમ, તાઓ સૌની વાત આવે જ છે. ‘યા કુન્દેન્દુ - તુષાર - હાર ધવલા...’માં સરસ્વતી વંદનાની અંતિમ પંક્તિ તો ‘સમગ્ર અજ્ઞાનનો નાશ કરનાર દેવી સરસ્વતી મારું રક્ષણ કરો’ એ સૌને માટે, પ્રત્યેક ધર્મી માટે અંતે તો કલ્યાણકારી જ છે. ૧૮૫૭ની ક્રાંતિમાં કે આઝાદીની લડતમાં હિંદુ-મુસ્લિમ ખભેખભા મિલાવીને ‘વંદે માતરમ્’નું ગાન કરતા હતા ત્યારે હિંદુ-મુસ્લિમના ધાર્મિક ભેદ નડતા નહોતા. સ્વતંત્રતા પછી ‘વંદે માતરમ્’માં મૂર્તિપૂજા નિહાળનારા જી. એમ. બનાતવાલા (હવે મરહૂમ) જેવા મુસ્લિમ લીગી નેતા તેમના નગર સેવકથી સંસદ સભ્ય સુધીના કાળમાં ગૃહમાં ‘વંદે માતરમ્’ને આદર આપવા ઊભા રહેતા હતા, ભલે એનું ગાન કરતા ના હોય.

ગુજરાત અને કેરળની વડી અદાલતો પછી ભારતની સર્વોચ્ચ અદાલતે (સુપ્રીમ કોર્ટે) પણ આપેલા ચુકાદા મુજબ કોઈ પણ નાગરિકને રાષ્ટ્રગીત ગાવાની ફરજ પાડી શકાય નહીં! સરસ્વતી વંદનાનો નિરર્થક વિવાદ શિક્ષણની સઘળી વ્યવસ્થાને તોડવાના ષડયંત્ર જેવું અનુભવાય છે. ક્યારેક વિશ્વ વિખ્યાત ચિત્રકાર (મરહૂમ) એમ. એફ. હુસૈન હિંદુ દેવીઓનાં નગ્ન ચિત્ર દોરીને એને ચિત્રકારની મૌલિકતા લેખાવવાની વિકૃતિને પોતાનું સ્વાતંત્ર્ય ગણાવતા હતા કે પછી કેન્દ્રીય સાહિત્ય એકેડેમીના અધ્યક્ષ રહેલા મશહૂર બંગાળી લેખક (હવે સ્વ.) સુનીલ ગંગોપાધ્યાયને સરસ્વતી દેવીમાં સેક્સ અપીલનાં દર્શનની વિકૃતિ અનુભવાતી હતી. આવા વિવાદ સર્જક ઉદાહરણો આપણા દેશમાં - સંસ્કૃતિમાં - ભારત વર્ષમાં અનેક જોવા મળે છે. આસ્તિકો અને નાસ્તિકોને આપણે સ્થાન આપ્યું છે. ચાર્વાક દર્શન ભારતીય પરંપરામાં આગવું સ્થાન ધરાવે છે. અનેકતામાં એકતા એ આ દેશની સાંસ્કૃતિક પરંપરા છે. રખે આપણે એને ટૂંકા રાજકીય સ્વાર્થ ખાતર તોડીએ.

૧૮૫૭ની સ્વાતંત્ર્ય ક્રાંતિમાં મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફરે નેતૃત્વ પૂરું પાડ્યું. એમના નેતૃત્વને નાનાસાહેબ પેશવા અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સહિતનાં અંગ્રેજોના શાસનનો અંત ઝંખતા સૌ કોઈ હિંદુ-મુસ્લિમોએ સ્વીકાર્યું હતું. એ પછીના આઝાદીના સંગ્રામમાં પણ કોમી એકતાનો મુખ્ય સંદેશ લઈને રાષ્ટ્રહિતની ચિંતા કરનારાઓ આગળ વધ્યા છે. જેમણે મઝહબને નામે પાકિસ્તાન નામનો નોખો ચોકો કર્યો એવા કાયદે આઝમ મોહમ્મદ અલી ઝીણાએ પણ છેલ્લા દિવસોમાં ભારતીય રાજદૂત શ્રીપ્રકાશ સમક્ષ પશ્ચાતાપ વ્યક્ત કર્યો જ હતો ને!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter