ક્યારેક ગુજરાતમાં જનસંઘ-ભાજપની રાજકીય પાયાભરણી કરનાર શંકરસિંહ વાઘેલા અત્યારે કોંગ્રેસ માટે ‘સાપે છછૂંદર ગળ્યા’ જેવી સ્થિતિ સર્જી રહ્યા છે એટલું જ નહીં, એમની દ્વિધા પણ એક બાજુ ખાઈ અને બીજી બાજુ કૂવામાં ધસી પડવા જેવી છે. બળવાખોરી બાપુ એટલે કે શંકરસિંહનો સ્થાયી સ્વભાવ છે. પછેડી ખંખેરી નાંખીને ઊભા થઈ જવાની એમની પ્રકૃતિએ એમને લાભાલાભના રાજકીય માહોલમાં રમમાણ રાખ્યા છે, પણ આજે ૭૭ વર્ષની ઢળતી ઉંમરે બાપુને ભારે અકળામણના વાતાવરણમાં પોતાના કરતાં રાજકીય વારસ-પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાના ભવિષ્યને ચમકાવવા માટે ભગવી બ્રિગેડના લાભમાં ખેલ કરવા વિવશ કરી દીધા છે.
બેફામ નિવેદનો કરવાની એમની પ્રકૃતિએ ગુજરાતમાં ભાજપની બાંધણી કરીને એને સત્તા સુધી પહોંચાડ્યા પછી સત્તાની આભડછેટનો અનુભવ કરાવ્યો. ૧૯૯૫ના માર્ચમાં શંકરસિંહે તો કેશુભાઈ સાથે મળીને ભાજપને ગાંધીનગરની ગાદીએ એકલે હાથે પહોંચાડવાનું પુણ્યકાર્ય કર્યું, પણ પ્રદેશના આ ટોચના નેતાની કેશુભાઈ સાથે નરેન્દ્ર મોદી (એ વેળાના સંઘ પ્રચારકની રુએ પ્રદેશ ભાજપના મહામંત્રી-સંગઠન અને પોતાને ‘ચાણક્ય’ ગણાવનાર)ની યુતિએ નાગપુરના કથિત ઇશારે એવી તે અવગણના કરી કે ભાજપનાં બે ફાડિયાં થયાં. ક્યારેક સાઇકલયુગમાં વિહરતા જનસંઘ-ભાજપને ખજુરાહોકાંડ વખતે વિમાને ચઢીને બળવાખોરીનાં વરવાં દર્શન કરવાનો વખત આવ્યો. અંતે બાપુએ કોંગ્રેસના શરણે જવું પડ્યું.
બાપુની ચોટલી મોદીને હાથ
લગભગ બે દાયકાથી શંકરસિંહ કોંગ્રેસમાં હોવા છતાં મૂળ કોંગ્રેસીઓ એમની આભડછેટ રાખે છે. પ્રાદેશિક પક્ષ રાષ્ટ્રીય જનતા પાર્ટી (રાજપા) રચી જોયો, પણ એની ઠાઠડી ઊઠાવનારા ચાર ડાઘૂ જેવા રોકડા ચાર ધારાસભ્યો ચૂંટાતાં પક્ષ ચલાવતાં થાકી ગયેલા બાપુએ એનો વાવટો સંકેલીને કોંગ્રેસગમન કર્યું. આમ પણ કોંગ્રેસના ટેકે મુખ્ય પ્રધાન પદ મેળવ્યા પછી કોંગ્રેસે એમના શાસનના ભ્રષ્ટાચાર અંગે એટલું લાંબુ આવેદન રાજભવને પહોંચાડ્યું હતું કે હજુ આજે આટઆટલાં વર્ષે પણ એમને અડધી રાતેય રાજભવને કોણ ગયું હતું એ સ્વપ્નાંમાં આવે છે. કોંગ્રેસે કેન્દ્રમાં કાપડ પ્રધાન બનાવ્યા પણ નેશનલ ટેક્સ્ટાઇલ કોર્પોરેશન (એનટીસી)ની જમીનો વેચવાના કાંડમાં ક્યારેક એમના સાથી રહેલા નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન બન્યા પછી ‘વસંત વગડો’ નામધારી મહાલયમાં દરોડા પડાવ્યા. વાતનો વીંટો વળ્યાનું લાગે, પણ સરકારી ફાઈલોને ગમે ત્યારે પગ આવે છે. વડા પ્રધાન મોદી દોસ્તો અને દુશ્મનોને નહીં ભૂલવા જાણીતા છે.
બાપુનાં મોદી વિશેનાં જાતિવાચક નામો એ ગળે મળે ત્યારે પણ વીસરી શકે નહીં. વર્ષ ૨૦૦૪માં કેન્દ્ર સરકાર કોંગ્રેસની હતી ત્યારે શંકરસિંહે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને જેલભેગા કરવાની કરેલી માગણી ટાણે મોદીનું સુરક્ષાકવચ ‘૧૦, જનપથ’ના લાડકા એહમદ પટેલ બન્યા હતા. બાપુને મોદી તો નડે જ છે, પણ કોંગ્રેસમાં પક્ષ પ્રમુખના રાજકીય સલાહકાર એહમદ પટેલ વધુ નડે છે. ગુજરાત કોંગ્રેસને દિલ્હીમાં બેઠાં રાજકીય સલાહકાર નર્તન કરાવે છે અને ડૂબાડવાની દિશા ભણી કૂચ પણ કરાવી રહ્યા છે.
કોંગ્રેસના મોવડીમંડળની વિવશતા હશે કે એહમદ પટેલ અને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ માધવસિંહ સોલંકી વિરુદ્ધની ફરિયાદો કરવા બાપુ દિલ્હી જાય ત્યારે ડેલીએ હાથ દઈને એ જ એહમદ પટેલને મળીને પાછા ફરવું પડે છે. બાપુ ધૂંધવાયા છે. ચોટલી તો મોદી હાથ છે. દીકરા મહેન્દ્રસિંહનું ભાવિ ઉજ્જવળ કરવું છે. પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલના રાજકીય વારસ એવા એમના પુત્ર ભરત દેસાઈને ભાજપના તપતા સૂરજ વખતે પણ પરાજિત થવાનો વખત આવે એના સૂચિતાર્થો ‘વસંત વગડા’ની વૈભવી સાહ્યબીમાં પણ શંકરસિંહની અકળામળ વધારે છે.
શંકરસિંહ સમર્થકોનું ગાંધીનગર સંમેલન
કોંગ્રેસનું મોવડીમંડળ નવા ગુજરાત પ્રભારી અને રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ગેહલોતને ‘વસંત વગડે’ દોડાવ્યા કરે છે. બાપુને ટાઢા પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે, પણ જેમ ૧૦, જનપથની ગરજનાં વધુ દર્શન થાય છે એમ બાપુ ફૂંગરીને વધુ બેપાંદડે થયા કરે છે. દિલ્હીમાં સોનિયા ગાંધી કે રાહુલ ગાંધીને મળીને બાપુ કે એમના શાહજાદા મહેન્દ્રસિંહ ખાલી હાથે પાછા ફરી વળી ફૂંગરે છે. એમની માગણીઓ વધતી ચાલે છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખને બદલવાની ભૂમિકા આગ્રહપૂર્વક મૂકે છે. મીડિયા સમક્ષ સબ સલામતની બાંગ પોકારે છે, પણ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના ચાના પ્યાલા ભર્યા ત્યારથી બાપુ આરપારના આગ્રહી બનતા ચાલ્યા છે.
પોતાનું ભવિષ્ય ભાજપમાં નહીં હોવા છતાં સત્તારૂઢ ભાજપ ટેકા વિના ના તો દીકરાનું ભવિષ્ય ચમકાવી શકાય કે ના યુનિવર્સિટીનું સુપેરે સંચાલન થઈ શકે. બાપુનો રિમોટ હવે પોતે રહ્યા નથી. એનો પરિચય તો ૨૪ જૂને ગાંધીનગરમાં એમણે ટેકેદારોનું સંમેલન બોલાવીને એમનાં સૂચનો નોંધવાનો નાટકીય ખેલ પાડ્યો ત્યારે મળતો ન હતો. એ સાંજે રાહુલજીને મળવા જુલાઈના પ્રથમ સપ્તાહમાં પોતે જઈ રહ્યાનું એ અમને કહેતા હતા.
એક બાજુ પોતાના પક્ષને ખાડે જવા દેવાનાં નિવેદન કરે છે, બીજી બાજુ વિધાનસભાની ચૂંટણીમાં તમામ સત્તા પોતાના હાથમાં લેવા માંગે છે. ત્રીજી બાજુ, ભાજપની રમતના રિમોટ પ્રમાણે આગળ વધી રહ્યાનું લાગતાં ૧૦, જનપથ તો ઠાવકાઈથી રાજીવ ભવન ખાતે પક્ષના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાને આગળ વધારે છે. શંકરસિંહ હવે કોંગ્રેસ માટે ભસ્માસુર બની રહ્યાનું તેમના પક્ષની નેતાગીરીને લાગી રહ્યું છે.
બાપુની દ્વિધા પણ ખરી છે. પોતાના પક્ષમાં ભાવ મળતો નથી, ભાજપમાં જે વ્યક્તિને ભાંડતા રહ્યા એના કહ્યાગરા થવાની કેશુભાઈ કે ગોરધન ઝડફિયા જેવી તૈયારી નથી, કરવું તો કરવું શું? મોદી-અમિત શાહ હવે તો ‘વસંત વગડે’થી ૧૦, જનપથ વાયા રાજીવ ભવનના તમાશાને જોઈને હરખપદૂડા છે. ગુજરાતમાં ૨૨ વર્ષથી ભાજપ રાજ કરે છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર અનામત, દલિત અને ઓબીસી આંદોલન કાળોતરો થઈને સત્તા પક્ષને નડવાની શક્યતા હતી ત્યાં શંકરસિંહ પોતે જ કોંગ્રેસમાં યાદવાસ્થળી સર્જી રહ્યા છે.
બાપુ અને કોંગ્રેસ વચ્ચે ઉંદર-બિલાડી ખેલ
શંકરસિંહ મોવડીમંડળથી નારાજ છે તો પક્ષમાંથી ‘પછેડી ખંખેરી નાંખીને’ નીકળી જવાને બદલે મુદતો પાડી રહ્યા છે. કોંગ્રેસ ફરી સત્તામાં આવે એવી ઘોષણા પોતે અને કોંગ્રેસના આગેવાનો કરી રહ્યા છે ત્યારે એમની યાદવાસ્થળીઓ ભાજપના હિતમાં જ ચાલવાની હોય એવું વધુ લાગે છે. ૨૪ જૂને બાપુએ ગાંધીનગરમાં આક્રોશ પ્રગટાવ્યો. પોતાના ટેકેદારોને તૈયાર કર્યા, પણ એમાં ભાષણો કરનારા ઘણા એવા પણ હતા કે બાપુ પાર્ટી છોડે તો તેમની સાથે જાય નહીં. બાપુ એકલા પક્ષ છોડવાના મૂડમાં નથી, એમને પક્ષ તગડે એવી પ્રતીક્ષામાં છે.
કોંગ્રેસ મોવડી મંડળ પણ આગને ઠારવા તત્કાલ બંબાવાળાનાં પગલાં લેવાને બદલે આક્રોશને હવા આપે છે. ૨૮ જૂને પક્ષના કાર્યક્રમમાં જવાનું શંકરસિંહે કબૂલ્યું હતું, પણ ત્યાં જઈને પણ એ પક્ષ વિરોધી બફાટ કરે એવા સંજોગોમાં ગુજરાત કોંગ્રેસે ૨૮ જૂનનો કાર્યક્રમ જ મોકૂફ રાખ્યો. ૨૯મીએ રાજીવ ગાંધી ભવનમાં રાબેતા મુજબ, ઉમેદવારો નક્કી કરવા માટે નીરિક્ષકો મળશે, એવું પક્ષ પ્રવક્તા કહે છે. જુલાઈના પ્રથમ સપ્તાહમાં બાપુ દિલ્હીમાં રાહુલબાબાને મળે એ પછીના ઘટનાક્રમ પર સૌની મીટ મંડાયેલી છે.
સો વાતની એક વાત સ્પષ્ટ છે કે શંકરસિંહ હવે ભારે ઉધામા મારી રહ્યા છે ત્યારે ગુજરાત કોંગ્રેસને એ જીતાડવાને બદલે ખાડે લઈ જવાનું કામ કરીને ભાજપને મદદ કરી રહ્યાનું કોંગ્રેસ મોવડીમંડળ માનવા માંડ્યું છે. બાપુને અવગણવા જતાં નુકસાન થવાની ગણતરીઓ એણે માંડી દીધી છે, પણ બાપુના તાલે હવે એ ચાલવા તૈયાર નથી. બાપુની મજબૂરી બેઉ બાજુની પીડા એમને આપી રહી છે. આવતા દિવસોનો ઘટનાક્રમ રસપ્રદ બનશે.
(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)