સ્વપ્નાં જુઓ, સાકાર કરવાના પ્રેરણાસ્ત્રોત ડો. કલામ

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Wednesday 05th October 2016 08:18 EDT
 
 

દક્ષિણ ભારતમાં હિંદુઓના આસ્થાસ્થાન એવા રામેશ્વરમના એક સામાન્ય મુસ્લિમ પરિવારમાં ૧૫ ઓક્ટોબર ૧૯૩૧ના રોજ જન્મેલા કલામને ઊંચે ગગનમાં ઊડતાં પંખી નિહાળીને ઊડવાનું મન થતું. ઊડવાના સ્વપ્ન જોનાર આ બાળક ક્યારેક મિસાઈલમેન તરીકેની પોતાની ઓળખ સ્થાપિત કરશે એવી કલ્પના એના પરિવારમાં ભાગ્યે જ કોઈએ કરી હશે. ‘સ્વપ્નાં જુઓ, સાકાર કરવા મંડ્યા રહ્યો અને એક દિવસ એ સ્વપ્નની પૂર્તિ કરી શકશો,’ એવો બોધ વિશ્વનાં કરોડો બાળકો સુધી પહોંચાડનાર કલામ એનું જીવતુંજાગતું ઉદાહરણ. આ એ જ કલામની વાત છે જેને ડો. એ. પી. જે. અબ્દુલ કલામના નામથી દુનિયા ઓળખે છે. જૈનુલાબ્દીન અને આશિયામ્માનાં અનેક સંતાનોમાંના એક તરીકે પોતાનો પરિચય આત્મકથા ‘અગનપંખ’ (વિંગ્સ ઓફ ફાયર)માં આપતા કલામ ગામઠી શાળામાં રામેશ્વરમના મંદિરના મુખ્ય પૂજારી પાક્ષી લક્ષ્મણ શાસ્ત્રીના દીકરા રામાનંદ શાસ્ત્રી સાથે વર્ગમાં પહેલી પાટલી પર બેસીને મુસ્લિમ ટોપી સાથે ભણતા, પણ એમના અંગત મિત્રો હિંદુ હતા. પિતાના મિત્ર એવા પાક્ષી લક્ષ્મણ શાસ્ત્રીનો પણ એમના પર વિશેષ ભાવ હતો. બાળપણના આ સંસ્કારો થકી જ કલામનો સર્વધર્મ સમભાવનો પિંડ બંધાયો.

પ્રાચીન વિજ્ઞાનના આરાધક

ક્યારેક ફી ભરવાના નાણાં ઊભા કરવા બહેનની વિંટીનો ઉપયોગ કરનાર કલામ કોલેજમાં બીએસ.સી. કરવા ગયા ત્યારે એમના ગણિતના પ્રાધ્યાપક થોતારી આયંગરે એમને પ્રાચીન ગણિત અને ખગોળશાસ્ત્ર ભણાવતાં આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત, ભાસ્કરાચાર્ય અને શ્રીનિવાસ રામાનુજનનો ય પરિચય કરાવ્યો હતો. મદ્રાસ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (એમઆઈટી)માંથી એરોનોટિકલ ઈજનેર થતાંની સાથે જ ભારતીય અંતરીક્ષ ક્ષેત્રે મસમોટું નામ ગણાતા ડો. વિક્રમ સારાભાઈ થકી પસંદગી પામીને એમણે દેશના સંરક્ષણ મંત્રાલયની સંશોધન સંસ્થા ડીઆરડીઓમાં પ્રવેશ મેળવ્યો.

‘ઈસરો’થી લઈને વડા પ્રધાનના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર સુધીના હોદ્દે પહોંચેલા ડો. કલામ રાજકીય શાસકો સાથે ઘરોબો કેળવવાને બદલે પોતાના કામમાં જ મન પરોવતા રહ્યા. દેશી મિસાઈલોને વિક્સિત કરવાથી લઈને અણુવિસ્ફોટના પ્રયોગ લગી આગળ વધ્યા. વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ એમને રાષ્ટ્રપતિના ઉમેદવાર જાહેર કર્યા અને એમણે રાષ્ટ્રપતિ ભવન લોકો માટે ખુલ્લું મૂક્યું.

સરકારી શિષ્ટાચારો અને હોદ્દાનો દેખાડો કરવા કે એના ભાર તળે દબાવાને બદલે ડો. કલામ લોકોના રાષ્ટ્રપતિ બની રહ્યા. બાળકો માટે પ્રેરક બની રહ્યા. સ્વપ્નાનાં વાવેતર કરતા રહ્યા. પક્ષાપક્ષીથી પર રહ્યા. રાષ્ટ્રપતિપદનો સમયગાળો પૂરો થવા આવ્યો ત્યારે ફરીને આ હોદ્દા માટેની ઉમેદવારી કરવાનો આગ્રહ થવા છતાં એમણે નિવૃત્ત થવાનું પસંદ કર્યું.

મૃત્યુ પહેલાં પ્રમુખસ્વામી સાથે

૨૫ જુલાઈ ૨૦૦૨થી ૨૫ જુલાઈ ૨૦૦૭ લગીનો રાષ્ટ્રપતિ ભવનનો સુવર્ણકાળ ડો. કલામ જેવા અપરિણીત અને રાષ્ટ્રને જ સમર્પિત વ્યક્તિ થકી દુનિયાભરમાં નોખી ભાત પાડનારો રહ્યો. સંયોગ તો જુઓ, ૨૭ જુલાઈ ૨૦૧૫ના રોજ શિલોંગની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (આઈઆઈએમ)માં વ્યાખ્યાન આપતાં જ ૮૩ વર્ષની વયે એ ઢળી પડ્યા અને જન્નતનશીન થયા ત્યાં લગી એ એ પ્રજાના સાચા અર્થમાં રાષ્ટ્રપતિ જ રહ્યા! આગલા મહિને જ એમણે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંપ્રદાય (બીએપીએસ)ના વડા પ્રમુખસ્વામી સાથેના આધ્યાત્મિક અનુભવો પર પોતાના પુસ્તકનું સ્વામીની નિશ્રામાં જ લોકાર્પણ કરાવ્યું હતું.

દેશ-વિદેશમાં યુવા પેઢીના દિલોદિમાગ પર છવાઈ ગયેલા ડો. કલામના વ્યક્તિત્વની પારદર્શિતા અને નવી પેઢી માટેની શ્રદ્ધા એ હજુ આજેય આપણી આસપાસ હોય અને કોઈ પ્રેરણા આપતા હોય એવી અનુભૂતિ પ્રત્યેકને કરાવે છે. આ ઓલિયા માણસ સાથે દેખાવાનું કે જોડાવાનું રાજકીય શાસકોને ય ગમતું, પણ એ બધાથી પર હતો.

વિજ્ઞાન અને ધર્મનું સહઅસ્તિત્વ

વિજ્ઞાન અને ધર્મ વચ્ચે કોઈ વિરોધાભાસ નહીં હોવાનું ઉદાહરણ એમણે રામેશ્વરમમાં જન્મીને રામેશ્વરમની ધૂળમાં સમાઈ જવા સુધીની પોતાની સાર્થક જિંદગીમાં પૂરું પાડ્યું. સાચા અર્થમાં એ નમાજી મુસલમાન અને સાથે જ યોગ જ નહીં, પ્રાચીન હિંદુ ગ્રંથોથી લઈને વિજ્ઞાન અને અધ્યાત્મના અત્યાધુનિક ગ્રંથોના પ્રખર અભ્યાસી એટલે ડો. કલામ. એ ફિરાક ગોરખપુરી જેવા શાયરને જેટલી સહજતાથી ટાંકી શકે એટલી જ સહજતાથી ઉપનિષદ કે મહાભારતની વાત પણ મૂકી શકે. ‘ભારતના પુનર્જાગરણ’ માટેનો એજન્ડા એમનાં લખાણો-વ્યાખ્યાનો અને મૃત્યુ પછી પણ ઓક્ટોબર ૨૦૧૫માં પ્રકાશિત થયેલાં પુસ્તક સહિતનાં ૧૮ પુસ્તકોમાં એ સમાજ અને નવી પેઢી માટે મૂકીને ગયા છે. એમનામાં ગજબનો આશાવાદ હતો. ‘આશા’ને ટકાવવામાં એમનો વિશ્વાસ હતો. એ નોંધે છેઃ ‘૧૮૫૭માં આશા જન્મી કે ભારત સ્વતંત્ર થશે. ઘણા શહીદોના બલિદાન પછી ૯૦ વર્ષે તે સિદ્ધ થઈ.’

બાળકો પ્રશ્નો પૂછે, વિજ્ઞાની થશે

બાળકોને ‘પ્રશ્નો પૂછવાનું રાખો, તમે પણ વિજ્ઞાની થઈ શકશો’ એવું ગાઈવગાડીને કહેનારા ડો. કલામ પોતાની સાધના અને સિદ્ધિની વાતમાં જીવનનો અર્ક સહજતાથી રજૂ કરે છે. ‘મગજ શક્તિશાળી બનાવવા માટે ત્રણ વસ્તુ જરૂરી છેઃ સદગુણોને વાંચ્છવા પડે, કામ સારી રીતે કરવું પડે અને જે થઈ રહ્યું છે તેની પર ધ્યાન કેન્દ્રિત કરવું પડે અને છેલ્લે તમારા વર્તનમાં સમજણ પણ હોવી ઘટે.’ શાળામાં શિક્ષકની સોટીનો માર પણ ખાધો છે અને એ શિક્ષકનું કથન પણ ગૂંજે બાંધેલું છે કે મારો માર જે ખાય એ મહાન બને છે!

શાયર ફિરાક ગોરખપુરીને ટાંકતાં એ ભારતીય સંસ્કૃતિ ટકી રહ્યાની વાતનો સંદર્ભ છેક ઉપનિષદના શ્લોક સુધી લઈ જાય છે. એ કહે પણ છેઃ ‘આખી દુનિયામાંથી કાફલાઓ આવતા રહ્યા, કારવાઓ અહીં રોકાતા ગયા અને ભારત બનતું ગયું. જવાહરલાલ નેહરુએ પણ પોતાના પુસ્તક ‘ડિસ્કવરી ઓફ ઈન્ડિયા’માં ભારતની સંસ્કૃતિનું અદભૂત વર્ણન કર્યું છે. સંકટના સમયમાં જ્યારે અન્ય સંસ્કૃતિઓ નાશ પામી ત્યારે પણ ભારતીય સંસ્કૃતિ ટકી રહી છે.’

આખા નામે શેષન જ બોલાવે

ડો. કલામનું આખું નામ ખાસ્સું લાંબું છે. જોકે એમને તેમના પૂરા નામથી જો કોઈ બોલાવતું રહ્યું હોય તો એ દેશના મુખ્ય ચૂંટણી આયુક્ત રહેલા ટી. એન. શેષન જ. બેઉ પાછા તમિળ. ડો. કલામનું આખું નામ ડો. અવુલ પકીર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ. ‘અવુલ’ એમના પરદાદા, ‘પકીર’ એમના દાદા અને ‘જૈનુલાબ્દીન’ એમના પિતાનું નામ.

કલામ પાછા વીણાવાદક પણ ખરા. ભગવદ્ ગીતાના પણ ચાહક. મુસ્લિમ હોવાને કારણે પવિત્ર કુર્રાનનો પાઠ કરવા ઉપરાંત અન્ય ધર્મોના ગ્રંથોનો અભ્યાસ પણ કરે. દેશની સર્વપ્રથમ મસ્જિદના જીર્ણોદ્ધાર પછી ઉદઘાટન માટે કેરળ જાય એટલી જ સહજતાથી એ મંદિર કે ચર્ચમાં પણ જાય. એમના જીવનમાં ગુરુપદે સ્થાપેલા ડો. વિક્રમ સારાભાઈ અને આધ્યાત્મિક ગુરુ જેવા પ્રમુખસ્વામી બેઉનું ગુજરાતી હોવું એ સંયોગ જ કહેવાય.

‘નાસા’ના સ્વાગતકક્ષમાં ટીપુનું ચિત્ર

અંતરીક્ષ વિજ્ઞાનના તાલીમી કાર્યક્રમ માટે ૧૯૬૦ના ગાળામાં અમેરિકામાં ‘નાસા’ - અંતરીક્ષ વિજ્ઞાનની સંસ્થામાં કામ કરવાનું થયું ત્યારે વર્જિનિયાના વેલોપ્સ ટાપુ પરના એક સ્વાગતકક્ષમાં દીવાલ પર બ્રિટિશરો સાથે રોકેટયુદ્ધનું એક ચિત્ર નિહાળવાનો પ્રસંગ આવ્યો. બ્રિટિશરો સાથે બિન-શ્વેતોના આ યુદ્ધ અંગે પૃચ્છા કરતાં ડો. કલામને રોકેટ વિદ્યાના નાયક (હીરો) એવા ભારતીય ટીપુ સુલતાનનો પરિચય થયો. તેમણે રાષ્ટ્રપતિ હતા એ ગાળામાં મછલીપટ્ટણ ખાતે ટીપુનાં રોકેટવિદ્યાનાં સંસ્થાનોને પુનર્સ્થાપિત કરવાનો પ્રયાસ ગૌરવભેર કર્યો હતો. બ્રિટિશરો સામે મહિસુરના રાજવી ટીપુ સુલતાન જંગ ખેલતા હતા ત્યારે અંગ્રેજોને પક્ષે મરાઠા અને નિઝામ હતા એ ઈતિહાસનું અહીં સ્મરણ થાય છે. ઈ.સ. ૧૭૯૯માં અંગ્રેજોને ભારતમાં પગદંડો જમાવતા રોકવાના ચોથા યુદ્ધમાં ટીપુ મરાયો હતો. ટીપુને ધર્મઝનૂની શાસક તરીકે જ ઓળખાવતાં એની નોખી ઓળખ કલામ ‘નાસા’ના ચિત્રને ટેકે કરાવે છે.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter