ક્યારેક ભારતીય ફિલ્મોમાં દુનિયાના સ્વર્ગ તરીકે સ્વિત્ઝર્લેન્ડને દર્શાવતું હતું, એની અનેક સદીઓ પહેલાં મુઘલ બાદશાહ જહાંગીરને કાશ્મીરમાં ધરતી પરના સ્વર્ગનાં દર્શન થયાં હતાં. હવેના ભારતના માલેતુજારો અને ફિલ્મી હસ્તીઓને સગાઇ અને લગ્ન કરવાનું વિશ્વનું શ્રેષ્ઠ સ્થળ ઇટાલી લાગવા માંડ્યું છે. દેશના સૌથી માલેતુજાર ધીરુભાઈ અંબાણી પરિવારના જ્યેષ્ઠ પુત્ર મુકેશ અંબાણીની લાડકી દીકરી ઈશાની સગાઇ પિરામલ ગ્રુપના અજય પિરામલના દીકરા આનંદ સાથે કરવા માટે ઇટાલીને પસંદ કરાયું.
આ એ જ ઇટાલી છે જે ઇસ્લામના ઓટોમન સામ્રાજ્યનો પ્રદેશ હતો. ઇસ્લામી દેશોનું ખ્રિસ્તીકરણ અને ખ્રિસ્તી દેશોનું ઇસ્લામીકરણ એ કાંઈ નવીનવાઈની વાત નથી. અત્યારે દુનિયાના ખ્રિસ્તી દેશો અને પ્રજાનું આસ્થાસ્થાન ખોબલા જેવડું ઇટાલી છે. એની રાજધાની રોમના પડખાનું વેટિકન નગર-રાજ્ય કે બટુક દેશ એ રોમન કેથલિક ધર્મના વડા નામદાર પોપનું સામ્રાજ્ય છે. આ એ જ ઇટાલી છે જ્યાં ફાસીવાદ ફૂલ્યોફાલ્યો અને તાનાશાહ બેનિટો મુસોલીની ક્યારેક અહીં લોખંડી પંજાથી રાજ કરતો હતો. આ જ ફાસિસ્ટ મુસોલીનીને વર્ષ ૧૯૩૪માં મળવા ગયેલા હિંદુ મહાસભાના નેતા ડો. બી. એસ. મુંજેની એ વેળાની ઇટાલી-જર્મની મુલાકાતને, નરેન્દ્ર મોદીના વડપણવાળી ગુજરાત સરકારના અનુદાનથી પ્રકાશિત ભો. જે. વિદ્યાભવનની ઇતિહાસ ગ્રંથશ્રેણીમાં, સંઘના સંસ્થાપક સરસંઘચાલક ડો. કેશવ બલિરામ હેડગેવારના નામે ચડાવીને ઈતિહાસને વિકૃત કરાયો છે. આ જ ઇટાલીનાં બ્રાન્ડેડ ચશ્માં ‘બુલગરી’ (BVLAGRI) પહેરતા વડા પ્રધાન મોદીના ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના ટોચના નેતા વિપક્ષના સાંસદ અને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને ‘ઇટાલિયન ચશ્માં ઉતારીને’ ભારતને નિહાળવાની જાહેરમાં સલાહ આપવાનું ચૂકતા નથી. સદગત વડા પ્રધાન રાજીવ ગાંધી જન્મે ઇટાલિયન સોનિયા માઈનોને પરણ્યાના દાયકાઓ પછી પણ એમના પરિવારને ઇટાલિયન અને રોમના નામે મહેણાંટોણાં કરવામાં આવે છે. એ જ ઇટાલીનાં નયનરમ્ય સ્થળોએ જઈને લગ્ન કરનારાઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.
ઈશાની સગાઇમાં ફિલ્મીહસ્તીઓ
હજુ તાજીતાજી વાત તો ઈશા-આનંદની સગાઇ ઇટાલીના રમણીય સ્થળ લેખાતા અને દુનિયાભરનાં પ્રેમી યુગલોને આકર્ષતા લેક કોમો ખાતે થયાની હજુ ચર્ચામાં છે. આનંદે મહાબળેશ્વરના મંદિરમાં પ્રેમનો ઇજહાર કરીને લગ્ન માટે ઈશાનો હાથ માંગ્યો હતો. દેશના સૌથી સમૃદ્ધ ગુજરાતી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને એમનાં પત્ની નીતા અંબાણીની દીકરીની ઈટાલીમાં સગાઈમાં મહાલવા માટે કોને નોતરું મળ્યું અને કોને નહીં, એ પણ ચર્ચાનો વિષય છે. કયા ફિલ્મ અભિનેતા કે અભિનેત્રીઓ એમાં મહાલ્યાં, એ વાતની પણ જનચર્ચા છે.
આલ્પ્સ પર્વતમાળાની તળેટીમાં આવેલા મહાલયની બાલ્કનીમાં મુકેશ અંબાણી લાડકી દીકરી ઈશા સાથે પ્રગટ્યા એની તસવીરું સોશિયલ મીડિયામાં વહેતી થઇ અને બ્રિટિશ રાજવી પરિવારની જેમ જ દર્શન આપ્યાની અનુભૂતિથી મહેમાનો હરખપદુડા થયા. શાહરૂખ ખાન, આમિર ખાન, કરણ જોહર, આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપરા અને બીજી ફિલ્મી હસ્તીઓ સગાઈમાં હરખ કરવા ઉમટી. અભિનેત્રી જુહી ચાવલા-મહેતાએ ‘દિલને બહેલાવી દેતા ઇટાલી’માં ખાસ પ્રસંગની હાજરીની તસવીર શેયર કરી. ઉપસ્થિત અભિનેતા અનિલ કપૂરે તો અભિનેત્રી-દીકરી સોનમ અને જમાઈ આનંદ આહુજાની નૌકાવિહારની તસવીર લિયો તોલ્સતોયની પંક્તિઓ સાથે વહાવી.
અનેક હસ્તીઓ અહીં પરણી
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માએ ઇટાલીના બોર્ગો ફિનોશિએતો નામના અંતરિયાળ રિસોર્ટમાં ડિસેમ્બર ૨૦૧૭માં લગ્ન કરવાનું પસંદ કર્યું હતું. એ પછી ૨૦ ડિસેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળીને ભારતમાં યોજાનારા પોતાના રિશેપ્શનમાં પધારવા માટે નિમંત્રણ આપ્યું હતું. ત્રણેયના ફોટોસેશન પછી વડા પ્રધાને ટ્વીટર પર નવદંપતીને શુભેચ્છા આપી હતી. ટોચના ફેશન ડિઝાઈનર સબ્યસાચી મુખરજીએ ડિઝાઈન કરેલો પોષાક પહેરીને બંનેએ ઈટાલીમાં હિંદુવિધિથી ૧૧ ડિસેમ્બરના રોજ લગ્ન કર્યાં હતાં. એમણે દિલ્હી અને મુંબઈમાં રિસેપ્શન યોજ્યું હતું.
‘બાજીરાવ મસ્તાની’ ફેઈમ રણબીર સિંહ અને દીપિકા પાદુકોણ પણ ઈશાની સગાઇ જ્યાં થઇ એ જ લેક કોમો ખાતે જ લગ્ન કરવાનાં છે. આમ તો તેઓ નવેમ્બર ૨૦૧૮માં લગ્ન કરવાના આયોજનમાં હતાં, પણ હવે લગ્નની તારીખ આવતા વર્ષ પર જવાનાં એંધાણ મળે છે. બંને પોતાના કામકાજ અને જીવનના પરફેક્ટ આયોજનમાં વ્યસ્ત છે. અભિનેત્રી રાણી મુખરજી અને ફિલ્મનિર્માતા આદિત્ય ચોપરાએ ઈટાલીમાં પરણીને દુનિયાને આંચકો આપ્યો હતો. અભિનેત્રી સુરવિન ચાવલા એના પ્રેમી અક્ષય ઠક્કરને ખ્રિસ્તી વિધિથી ઈટાલીમાં પરણી હતી. ઈટાલીમાં હિંદુ, મુસ્લિમ કે ખ્રિસ્તી વિધિથી પરણેલાં આવાં બીજાં અનેક યુગલોની યાદી આપી શકાય.
ઈટાલીમાં લગ્ન-આકર્ષણનું રહસ્ય
નાણાં હોય તો કોઈપણ પોતાના સ્વપ્નના સ્થળે જઈને, ધરતી પર કે અવકાશમાં કે પછી સમુદ્રનાં જળમાં લગ્ન કરવાના અભરખા પૂરાં કરી શકે છે. આવાં નોખાં યુગલની કહાણીઓ આપણને સાંભળવા કે નિહાળવા મળતી હોય છે. પ્રશ્ન એ થાય કે ભારતમાં સૌથી શ્રેષ્ઠ નયનરમ્ય સ્થળો આવેલાં હોવા છતાં ઇટાલી જઈને સગાઇ કે લગ્ન કરવાના અભરખા કેમ જાગતા હશે? જેણે લગ્ન કરવાનાં છે એમની ઈચ્છા પર આ બધું અવલંબે છે. કોઈકને માટે દેખાદેખીના ખેલ પણ હોઈ શકે. કોઈકને ઇટાલીનું કે એના સૌંદર્યનું સવિશેષ આકર્ષણ હોઈ શકે.
હકીકતમાં ઈટાલીમાં સદીઓ જૂની ભવ્ય મહેલાતોની સાચવણી અને એમણે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરીને લગ્નો માટે ખાસ સજાવવાની પરંપરા અને દરેકના બજેટ મુજબ પેકેજ આપવાની જોગવાઈ વિશેષ આકર્ષણ જમાવે છે. વાતાવરણ પણ અહીં ખુશનુમા રહે છે. લગ્ન યોજવા વિશે બંને પક્ષની પ્રાયવસી અને નિવાસ સહિતની સુવિધા પણ જળવાય છે.
લગ્નો જનસંપર્કનું માધ્યમ
આપણે ત્યાં કહેવત છે કે રાજાને ગમે તે રાણી. પરણવા ઈચ્છુક જોડીને ઇટાલી કે અન્ય સ્થળોનું આકર્ષણ હોઈ શકે. મુંબઈમાં હીરા બજારવાળા કરોડોના ખર્ચે લગ્ન સમારંભો યોજે ત્યારે કેટલાક વાંકદેખા એનો વિરોધ કરે છે. હકીકતમાં હીરા બજારના અગ્રણીઓ માટે આ એવો પ્રસંગ છે જયારે એ દુનિયામાં જેમની સાથે વેપાર સંબંધો ધરાવે છે, એ બધાને તેડાવીને પોતાના વટનાં દર્શન કરાવીને પ્રભાવિત કરી શકે. લગ્ન દરમિયાન ઘણા બધા વ્યાવસાયિક નિર્ણયો લેવાનું પણ સરળ બને છે.
હજારો લોકો આવાં લગ્નોમાં હાજરી આપે ત્યારે સંબંધ જાળવવાની અને પ્રસંગ સાચવવાની વાત પણ કેન્દ્રસ્થાને હોય છે. અત્યારે અંબાણી પરિવારની કન્યાની સગાઈની દુનિયાભરમાં ચર્ચા છે એના પિતા મુકેશ અને કાકા અનિલનાં લગ્ન મુંબઈમાં યોજાયાં, ત્યારે ધીરુભાઈ અંબાણીએ દક્ષિણ મુંબઈનાં મેદાન બુક કરાવ્યાં હતાં. એ લગ્નમાં મહાલવાનો આ લખનારને પણ અવસર મળ્યો હતો. એટલે એ કવાયત જનસંપર્કની પણ લેખી શકાય.
ચોરવાડથી મુંબઈ સુધીની સફર
અત્યારે મુંબઈમાં બિરલા હોલમાં યોજાતી રિલાયન્સની વાર્ષિક સાધારણ સભાઓ ધીરુભાઈની હયાતીમાં ખુલ્લાં વિશાળ મેદાનોમાં યોજાતી હતી. એની ભવ્યતા અનેકોને પ્રભાવિત કરતી હતી. ચોરવાડના નયનરમ્ય દરિયાકાંઠે વસતા એક સામાન્ય પરિવારના ધીરુભાઈએ ભવનાથના મેળામાં સાઇકલ પર જઈને ભજીયાં વેચ્યાં કે એડનમાં મહિને રૂપિયા ૩૦૦ની નોકરી કરી. જામનગરના સામાન્ય પોસ્ટ માસ્તરનાં સારાં પગલાંની કન્યા કોકિલાબહેન સાથે લગ્ન થયાં. ૧૯૭૭માં રિલાયન્સની સ્થાપના કરી. એ પછી તો ઈતિહાસ સર્જાયો. આજે દુનિયાભરમાં પાંચમાં પૂછાતું નામ છે. ઇટાલી જ નહીં, અમેરિકા સહિતના કોઈ પણ દેશમાં એ વિમાનભરીને જાન લઇ જઈ શકે છે કે જાન તેડાવી શકે છે. એમણે ઈશાની સગાઇ માટે ઇટાલી પસંદ કર્યું એ કદાચ દીકરીની પસંદ હશે. જેના જેવા શોખ અને જેની જેવી પહોંચ.
(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)