હવે બિન-ભાજપી વિપક્ષી એકતાનું મનોમંથન

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Tuesday 21st February 2017 05:49 EST
 
 

રાજકીય ક્ષેત્રમાં ક્યારે શું થશે એ વિશે નિશ્ચિત ભવિષ્યવાણીઓ કરવાનું મુશ્કેલ હોય છે. સુખ અને દુઃખ, તડકો અને છાંયડો, સત્તા અને વનવાસ, એ બધું ચક્રવત્ પરિવર્તન્તે જેવું હોય છે. જોકે, ભારતીય રાજકારણ કે સત્તાકારણમાં ‘૭’નો આંકડો કાયમ નિર્ણાયક બનતો રહ્યો છે એટલે કે ૨૦૧૭નું વર્ષ અનેક દૃષ્ટિએ નવા ચમકારા આપનારું નીવડે એવું લાગે છે. વર્ષ ૨૦૧૯માં લોકસભા માટેની ચૂંટણી આવી રહી છે. એનાં પડઘમ અત્યારથી વાગવાં શરૂ થઈ ગયાનું અનુભવ છે.

તાજેતરમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પછી પણ ગુજરાત સહિતનાં રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ યોજાશે. ૨૫ જુલાઈ ૨૦૧૭ના રોજ કોંગ્રેસી ગોત્રના રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી પછી ભાજપી ગોત્રના રાષ્ટ્રપતિનું સત્તારોહણ ઐતિહાસિક ઘટના બની રહેવાની છે. ભારતીય રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો હાથ ઉપર રહેવાની પૂરેપૂરી શક્યતા છે. એ કોને રાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનાવશે એ કળાવું મુશ્કેલ છે, છતાં એટલું જરૂર કહી શકાય કે એ મોદીનિષ્ઠ જરૂર હશે. વડા પ્રધાન મોદીની મૂંઝવણ વધારી મૂકવાની શક્યતા ધરાવતા વડા પ્રધાનપદના આકાંક્ષી તો નહીં જ હોય. મહિલા રાષ્ટ્રપતિ માટેની ઊજળી તક ખરી. જોકે અત્યારે જે ઘણાં નામો ચર્ચામાં છે તેમાંથી લોકસભાનાં અધ્યક્ષા સુમિતા મહાજન અગ્રક્રમે મૂકી શકાય. જોકે વિધાનસભાની ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરની ચૂંટણીઓનાં પરિણામ રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે ખાસ્સાં અસરકારક સાબિત થવાનાં.

ભાજપ અને મિત્રપક્ષોના મોરચા ‘રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચા (એનડીએ)ની સામે વિપક્ષો મજબૂત મોરચાની કિલ્લેબંધી કરવામાં સફળતા પામવા માટે નરેન્દ્ર મોદીને ટક્કર આપે તેવા એક નેતાના નામ સાથે બિન-ભાજપી મોરચો રચે એવી શક્યતા ભણી સૌની મીટ છે.

નીતીશ કુમાર કે અખિલેશ યાદવ?

વચ્ચે વચ્ચે બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર અને વડા પ્રધાન મોદી વચ્ચે કાંઈક રંધાતું હોય એવા અહેવાલો આવે છે કે પછી કોઈ જાહેર કાર્યક્રમમાં બેઉ સાથે હોય ત્યારે મોદી એવા સંકેત આપવાની કોશિશ કરે છે કે નીતીશ સાથે તેમનું પેચ-અપ થઈ ગયું છે. જોકે આવી શક્યતાને સ્વયં નીતીશ કુમાર નકારતા રહ્યા છે. છોગામાં ઉમેરે પણ છે કે મીડિયામાં જાણી જોઈને એવા અહેવાલો પ્રસારવવામાં આવે પણ છે કે હું જ્યારે અમિત શાહને મળ્યો ના હોઉં ત્યારે મુલાકાતોનાં બયાન છપાય.

હમણાં હમણાં નીતીશ અને રાહુલ ગાંધી મળતા થયા છે. ઉત્તર પ્રદેશમાં મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ અને રાહુલ સાથે મળીને સમાજવાદી-કોંગ્રેસ યુતિ સાથે ચૂંટણી લડી રહ્યા છે. ભાજપનો મિત્રપક્ષ શિવસેના વડા પ્રધાન મોદી અને ભાજપી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસથી વંકાયેલો છે. બંને વચ્ચે મહારાષ્ટ્રની મહાપાલિકાઓ અને જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં યુતિ તૂટી ગઈ છે. મોદી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના સુપ્રીમો શરદ પવાર વચ્ચે મીઠા સંબંધ હોવાની અને શિવસેના ભાજપ સાથે છેડો ફાડે તો મહારાષ્ટ્રમાં ભાજપી સરકારની વહારે પવારની પાર્ટી જવાની ચર્ચા ચગાવાય છે. પવાર એનો છેદ ઉડાડે છે. વળી પવારનું નામ રાષ્ટ્રપતિપદ માટે પણ ગજવવામાં આવે છે, પણ પવારની રાજકીય પ્રકૃતિ જાણનાર સામાન્યજનને પણ અણસાર આવી શકે કે પવાર મોદીના કહ્યાગરા બની શકે નહીં. એટલે રાષ્ટ્રપતિપદ માત્ર હવાઈતુક્કા સમાન જ છે. પવાર સેનાના પ્રફુલ પટેલ શરદ રાવ કાંઈ રાહુલબાબાનાં હાથ નીચે કામ કરે નહીં એવા સંકેત આપે છે. પણ પ્રશ્ન એ છે કે રાહુલબાબા વડા પ્રધાનપદના વિપક્ષી ઉમેદવાર તરીકે ગંભીરપણે લેવાતા નથી.

આવા સંજોગોમાં ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી સામે કોને ઉમેદવાર તરીકે આગળ કરી શકાય એનું ચિંતન વિપક્ષમાં થઈ રહ્યું છે. હવેનો વિપક્ષ એટલે બિન-કોંગ્રેસી નહીં, પરંતુ બિન-ભાજપી મોરચો જ ગણાય. આ મોરચામાં કોંગ્રેસ અને કોમ્યુનિસ્ટો સાથે જ આવે. ભલે પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં એમના અનુભવ કડવા રહ્યા હોય. બિહાર મોડેલ લઈને આગળ વધવું પડે.

બિહારમાં ભાજપ સાથે દાયકા સુધી રાજ કરનાર જેડી (યુ)ના નેતા નીતીશ કુમારે ભ્રષ્ટાચારનો પર્યાય લેખાતા રહેલા લાલુ પ્રસાદ યાદવ અને નામશેષ થયેલી કોંગ્રેસ સાથે જોડાણ કરીને વડા પ્રધાન મોદીની નેતાગીરી છતાં ભાજપી નૈયાને ડૂબાડી અને જેડી (યુ), આરજેડી તથા કોંગ્રેસની સંયુક્ત સરકાર રચીને નરેન્દ્રભાઈને નીચાજોણું કરાવ્યું હતું.

સત્તા કાજે આયારામ ગયારામ

સત્તામોરચા કાયમી નથી હોતા. આજે મોદી સરકારમાં જે પક્ષો અને પ્રધાનો છે તેઓ ગઈકાલોમાં ડો. મનમોહન સિંહના વડપણવાળી કોંગ્રેસપ્રેરિત મોરચાની સરકારમાં હતા. વાજપેયીના વડપણવાળી ૨૪ પક્ષોની સરકારમાં પણ આવા જ આયારામ-ગયારામના ખેલ ચાલતા રહ્યા હતા. કોઈ પક્ષને સત્તા કાજે કોઈ પક્ષનો છોછ નથી હોતો. નવાં જોડા કે ઘર માંડવામાં એમને ‘હોમ કમિંગ’કે અન્યાય થવાથી પલટી મારવાનાં બહાનાં હાથવગાં હોય છે.

વાજપેયી સરકારને ક્યારેક જયલલિતા જયરામના અન્નાદ્રમુક તો ક્યારેક કરુણાનિધિના દ્રમુકનો ટેકો હતો. આજે મોદી મોરચામાં આ બેઉ દ્રવિડ પક્ષોમાંથી એકેય નથી. છેલ્લી ચૂંટણીમાં જયલલિતા સાથે જોડાણ કરવા ભગવી બ્રિગેડે ખૂબ ઉધામા માર્યા હતા, પણ દાળ ગળી નહોતી. વળી ભવિષ્યમાં બેમાંથી કોઈ સાથે જોડાણ નહીં થાય એવું નિશ્ચિતપણે કહી શકાય નહીં.

પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીનો પક્ષ તૃણમૂલ કોંગ્રેસ અટલજીની ભાજપના વડપણવાળી અને મનમોહનની કોંગ્રેસના વડપણવાળી સરકારમાં સહભાગી હતો. જમ્મૂ-કાશ્મીરમાં જે પક્ષના નેતા શેખ અબ્દુલ્લાને શિરે ડો. શ્યામાપ્રસાદ મુખરજીની હત્યાનો આરોપ કરતાં જનસંઘ-ભાજપવાળા થાકતા નહોતા એ જ અબ્દુલ્લાના પક્ષ અને પુત્ર-પૌત્ર સાથે સત્તાજોડાણ કર્યું હતું. એટલું જ નહીં, અત્યારે જમ્મૂ-કાશ્મીરમાં જે પીડીપી સાથે ભાજપનું જોડાણ છે એના પર હજુ વિધાનસભાની ચૂંટણી લગી વડા પ્રધાન મોદીએ આક્ષેપ કરવામાં કશું બાકી નહોતું રાખ્યું. જોકે મોદીના નેતૃત્વવાળા ભાજપની વ્યૂહરચનામાં પ્રાદેશિક પક્ષોને નબળા પાડીને કોંગ્રેસ સહિતના પક્ષમાંથી નેતાઓને પક્ષમાં લઈ ભાજપને મજબૂત કરવાની ગણતરી સવિશેષ જોવા મળે છે.

અને છેલ્લે...

ભારતના ઈતિહાસમાં ૧૭૫૭ (પ્લાસીનું યુદ્ધ), ૧૮૫૭ (અંગ્રેજો વિરુદ્ધ બળવો), ૧૯૩૭ (બ્રિટિશ સત્તા હેઠળ ચૂંટણીઓ), ૧૯૪૭ (આઝાદી), ૧૯૬૭ (કોંગ્રેસ નબળી પડતાં - સંવિદ સરકારો), ૧૯૭૭ (જનતા પાર્ટીની કેન્દ્રમાં સરકાર), ૧૯૮૭ (વી. પી. સિંહનું રાજીવ સરકારમાંથી ફારેગ થઈ વડા પ્રધાનપદ માટે સજ્જ થવું), ૧૯૯૭ (અટલજીની ભાજપના નેતૃત્વમાં સરકાર રચવા માટે મંચ તૈયાર થવો) એ બધી ઘટનાઓ જોતાં ૨૦૧૭ આવતાં વર્ષોના બિન-ભાજપી મંચને તૈયાર કરનારું વર્ષ જરૂર સાબિત થશે.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter