ગુજરાતમાં ભારતીય જનતા પક્ષની સરકાર માટે પોતાના ધારાસભ્યોને સંસદીય સચિવ નિયુક્ત કરીને રાજી કરવાની સત્તારૂઢ પક્ષની યોજનાને સર્વોચ્ચ અદાલતના ચુકાદા અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના પગલાએ મૂંઝવણમાં મૂકી છે. કોંગ્રેસના જાગતા ધારાશાસ્ત્રી એવા વિધાનસભામાં વિપક્ષના નેતા રહેલા શક્તિસિંહ ગોહિલ આ વખતની ચૂંટણી ભલે હાર્યા હોય, ગુજરાતની ભાજપ સરકારને હંફાવવાની દિશામાં એમણે વધુ એક ચાલ રમી છે. અગાઉ, રાજ્યસભાની ચૂંટણીમાં શક્તિસિંહના જાગૃત પ્રયાસોને કારણે જ કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલ વિજયી બન્યા હતા. હવે એમણે ભાજપ થકી સંસદીય સચિવોના હોદ્દાઓની લહાણી કરીને પક્ષના આંતરિક અસંતોષને ઠારવાની મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની યોજના પર પાણી ફેરવતાં રાજ્યપાલ ઓ. પી. કોહલીને પત્ર લખીને પાણી પહેલાં પાળ બાંધી છે.
ગુજરાતની વિધાનસભાના કુલ ૧૮૨ સભ્યોમાંથી ભાજપના માત્ર ૯૯ સભ્યો છે. વિપક્ષ કોંગ્રેસ પાસે ૮૧ સભ્યોનું સંખ્યાબળ છે. અત્યાર લગી ૨૦ પ્રધાનોની સરકારે શપથ લીધા છે. વાજપેયી યુગમાં કરવામાં આવેલા બંધારણીય સુધારા ૯૧ મુજબ, રાજ્ય કે કેન્દ્રમાં ધારાગૃહોની કુલ સભ્ય સંખ્યાના ૧૫ ટકાથી વધુને પ્રધાનમંડળમાં સામેલ કરી શકાય નહીં.
ગુજરાતમાં ૧૮૨ સભ્યોની ધારાસભા હોવાથી માત્ર ૨૬ પ્રધાન બનાવી શકાય. અગાઉ ૧૦ સંસદીય સચિવ બનાવાયા હતા. હવે આસામની કોંગ્રેસ સરકાર થકી વર્ષ ૨૦૦૫માં નિયુક્ત કરવામાં આવેલા સંસદીય સચિવોની નિમણૂક અને એમની નિયુક્તિ અંગે રાજ્ય સરકારે કરાવેલા કાયદાને દેશની સર્વોચ્ચ અદાલતના ત્રણ ન્યાયાધીશો ચેલમેશ્વર, આર. કે. અગરવાલ અને અભય મનોહર સપ્રેએ સઘળી પ્રક્રિયાને ક્ષતિયુક્ત જણાવીને ગેરબંધારણીય જાહેર કરી છે. આવા સંજોગોમાં ગુજરાત સરકાર સંસદીય સચિવોની નિયુક્ત કરી શકે નહીં એવો પત્ર રાજ્યપાલને તકેદારી રાખવાની વિનંતી સાથે શક્તિસિંહ લખ્યો છે.
હકીકતમાં ગુજરાત અસ્તિત્વમાં આવ્યું ત્યારથી પ્રધાનોની જે કાનૂની વ્યાખ્યા કરવામાં આવી છે, તેમાં પ્રધાન, રાજ્યકક્ષાના પ્રધાન, નાયબ પ્રધાન અને સંસદીય સચિવનો પણ સમાવેશ છે. ભાજપ માટે સાપે છછૂંદર ગળ્યા જેવો તાલ થયો હોવાથી એનો સન્નિપાત વધ્યો છે. હજુ સરકાર પક્ષ મુખ્ય દંડક અને દંડકને પ્રધાનો જેવી સગવડો આપે એ અંગે પણ કોંગ્રેસ મુદ્દો ઊઠાવશે.
આ વખતે કોંગ્રેસના મોવડીમંડળે ગુજરાતમાં ભાજપના આંતરિક અસંતોષનો લાભ ઊઠાવીને સરકારને ગબડાવવાના પ્રયાસો નહીં કરવાના નિર્દેશ આપ્યા છે. જોકે, સરકારની ભીંસ વધારવા સક્રિય રહેવાનું જરૂર ફરમાવ્યું છે.
કેજરીવાલના ૨૦ ધારાસભ્યો ગેરલાયક
ભાજપની રાષ્ટ્રીય નેતાગીરીએ માથે રહીને દિલ્હી વિધાનસભામાં ૭૦માંથી ૬૭ બેઠકો સાથે ભવ્ય વિજય મેળવનાર અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીના જે ૨૧ ધારાસભ્યોને સંસદીય સચિવ (પાર્લામેન્ટરી સેક્રેટરી) બનાવાયા હતા, તેમાંના ૨૦ને ચૂંટણી પંચની ભલામણ મુજબ, નવનિર્વાચિત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા ગેરલાયક ઠરાવવાનો નિર્ણય કરાવ્યો છે. એક સંસદીય સચિવે રાજીનામું આપી દીધું હતું એટલે જે ૨૦ સંસદીય સચિવોએ નિમણૂક મેળવીને પ્રધાનોની જેમ આર્થિક લાભ મેળવ્યા કે અન્ય લાભ મેળવ્યા હોય તો એ સરકારી તિજોરીમાં જમા કરાવવાની ઝુંબેશ ભાજપ થકી આદરવામાં આવી હતી. સામે પક્ષે ‘આપ’ની સરકાર અને એના મુખ્ય પ્રધાનનું કહેવું હતું કે એમના આ સંસદીય સચિવોએ કોઈ આર્થિક સહિતના લાભ મેળવ્યા નથી.
જોકે, દિલ્હીમાં ભાજપની જે ભૂમિકા અપનાવવામાં આવી એ જ ભૂમિકા ગુજરાતમાં લઈને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ ૨૬ જુલાઈ ૨૦૧૭ના રોજ સુપ્રીમ કોર્ટના ઉપરોક્ત ચુકાદા પછી પણ ચાલુ રહેલા ગુજરાતના દસ જેટલા સંસદીય સચિવોએ પગાર-ભથ્થાં, ગાડી સહિતની જે સુવિધા મેળવી હોય એ સરકારી તિજોરીમાં જમા કરાવવામાં આવે. જુલાઈમાં ચુકાદો આવ્યા પછી પાંચ મહિના માટે ભાજપ સરકારના આ સંસદીય સચિવો ચાલુ રહ્યા હતા. એ પછી વિધાનસભાની ચૂંટણી થઈ અને નવી સરકારે હજુ સંસદીય સચિવ નિયુક્ત કર્યાં નથી.
જોકે, શક્તિસિંહના પત્રથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ જિતુ વાઘાણી છળી ઊઠ્યા હોય એવું લાગે છે. એમણે ગુજરાત સરકાર બંધારણ અને સર્વોચ્ચ અદાલતના ચુકાદાને સમજી વિચારીને યોગ્ય તે નિર્ણય લેશે એવું જણાવીને શક્તિસિંહની સલાહનો ખપ નહીં હોવાનું નિવેદન કર્યું છે.
ઈશાન ભારતમાં ૯૩ સંસદીય સચિવો
સર્વોચ્ચ અદાલતના ચુકાદાએ બે બાબત સ્પષ્ટ કરી દીધી છે. સંસદીય સચિવની નિયુક્તિ કરી શકાય નહીં અને કરવામાં આવે તો વિધાનગૃહની સભ્યસંખ્યાના ૧૫ ટકાથી વધુ પ્રધાન, રાજ્ય પ્રધાન, નાયબ પ્રધાન અને સંસદીય સચિવની કુલ સંખ્યા હોઈ શકે નહીં. સાથે જ સંસદીય સભ્યોની નિમણૂકને મંજૂરી આપીને ઓફિસ ઓફ પ્રોફિટમાંથી એમને બાકાત રાખીને નિયુક્તિ અંગેનો કોઈ કાયદો રાજ્ય સરકારો બનાવી શકે નહીં, એ પણ ચુકાદામાં સ્પષ્ટ કરી દેવાયું છે. સમગ્ર ભારતનાં વિવિધ રાજ્યોમાં અત્યાર લગી સર્વપક્ષી સરકારો મનસ્વી રીતે સંસદીય સચિવો નિયુક્ત કરીને રાજકીય અસંતોષ ઠારવા માટે તેમને પ્રધાનની જેમ તમામ સુવિધાઓ આપવાનું પસંદ કરતી હતી. હવે એનાં પર અંકુશ આવી જાય છે.
ચુકાદાની સૌથી વધુ અસર ઈશાન ભારતનાં રાજ્યોમાં અને પક્ષાંતર કરીને ભાજપમાં ભળેલા ધારાસભ્યોમાંથી સંસદીય સચિવ બનેલા નેતાઓને થવી સ્વાભાવિક છે. અરુણાચલ પ્રદેશમાં મોટાપાયે કોંગ્રેસમાંથી પક્ષાંતર કરીને કોંગ્રેસી સરકારમાંથી ભાજપ સરકાર અસ્તિત્વમાં આવી છે. આસામમાં અગાઉની કોંગ્રેસ સરકારમાં પ્રધાન અને સંસદીય સચિવ રહેલાઓમાંથી મોટાભાગના ભાજપમાં જોડાઈ ચૂંટણી લડીને સત્તામાં આવ્યા છે. જોકે, નવી ભાજપ સરકારે સંસદીય સચિવ હજુ કોઈને નિયુક્ત કર્યાં નથી.
અરુણાચલમાં ૩૧ જણાને સંસદીય સચિવ બનાવાયા હતા. નાગાલેન્ડમાં ૨૬, મેઘાલયમાં ૧૭, મણિપુરમાં ૧૨ અને મિઝોરમમાં ૭ જણાને. બીજાં રાજ્યોમાં પણ સંસદીય સચિવો નિયુક્ત કરવાની પ્રણાલી રહી છે. મેઘાલયની વડી અદાલતે સંસદીય સચિવોની નિમણૂકને ગેરકાયદે ઠરાવી કે તમામ ૧૭ સંસદીય સચિવોએ રાજીનામાં આપી દીધાં હતાં. જોકે, હવે ચૂંટણીમાં જનારા મેઘાલયના કોંગ્રેસી મુખ્ય પ્રધાન મુકુલ સંગમાએ સંસદીય સચિવોનાં રાજીનામાં સ્વીકાર્યાં હતાં, પણ નિયુક્તિને વાજબી ઠરાવી હતી.
ગુજરાતમાં ભીંસ વધી રહી છે
ગુજરાત ભાજપની સભ્યસંખ્યા વિધાનસભામાં ઘટી છે એટલું જ નહીં, કોંગ્રેસ પક્ષ મજબૂત વિપક્ષ તરીકે ઉપસ્યો છે. સાથે જ કોંગ્રેસમાંથી ભાજપમાં આવનાર ધારાસભ્યો કે પરાજિત ઉમેદવારોને સરારી હોદ્દાઓની અપેક્ષા રહેવી સ્વાભાવિક છે. મુખ્ય પ્રધાનપદે નરેન્દ્ર મોદી હતા ત્યાં સુધી પક્ષના ધારાસભ્યો કે અન્ય નેતાઓ હોદ્દાઓની માગણી માટે ત્રાગાં કરવાની હિંમત કરી શકતા નહોતા. જોકે, આ વખતે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે નાણાં ખાતું મેળવવા માટે રૂસણે બેસવાનું ત્રાગું કરીને જીદ પૂરી કરાવીને જ રહ્યા એના સંકેત બીજાઓને પણ જાય છે.
રાજ્ય પ્રધાન પરસોત્તમ સોલંકી ઉપરાંત ધારાસભ્યો સી. કે. રાઉલજી, જેઠા ભરવાડ, સહિતના તેમજ પડતા મૂકાયેલા પ્રધાનોની નારાજગી છાસવારે પ્રગટે છે. મુખ્ય પ્રધાન અસંતુષ્ટોને સંસદીય સચિવ બનાવવાની ખાતરી આપતા રહ્યા હોવા છતાં એમાંના બે જણાએ વિપક્ષનો સંપર્ક સાધ્યો ત્યારે સંસદીય સચિવ નિયુક્તિ અશક્ય હોવાનું જાણવા મળતાં અસંતોષનો ચરુ ઊકળે છે.
ધારાસભ્યોને ચેરમેન બનાવી ના શકાય
ગુજરાતમાં માધવસિંહ યુગમાં પક્ષના નેતાઓને રાજી રાખવા માટે ઢગલાબંધ સરકારી બોર્ડ-નિગમો રચવામાં આવ્યાં હતાં. એ પછીની સરકારો પણ એમાં સતત ઉમેરણ કરતી રહી હતી. જોકે, ધારાસભ્યોને આવાં બોર્ડ-નિગમોના અધ્યક્ષપદે નિયુક્ત કરીને સંતુષ્ટ કરવાની કોશિશ કરવા જતાં ફરીને પેલો ઓફિસ ઓફ પ્રોફિટ અને જનપ્રતિનિધિ ધારાની જોગવાઈ મુજબ, ધારાસભ્યો ગેરલાયક ઠરે એવી શક્યતા રહે છે. ભારત સરકાર બંધારણમાં સુધારો કરવાનું વિચારે તો ટીકા સહન કરવાનો વખત આવવા ઉપરાંત અન્ય રાજકીય પક્ષોની સરકારોને પણ એનો લાભ ખાટવાની તક મળે. દિલ્હીની ‘આપ’ સરકારના સત્તારૂઢ પક્ષના ૨૦ ધારાસભ્યોનાં સભ્યપદ રદ કરાવ્યાં છતાં ૭૦ના ગૃહમાં ‘આપ’ ૪૫ ધારાસભ્યો સાથે બહુમતીમાં તો રહે જ છે. ગુજરાતમાં હવે સંસદીય સચિવો અને ૬થી વધુ પ્રધાનો નિયુક્ત કરવાનું લગભગ અશક્ય બન્યું છે.
(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)