ભારતીય રાજકારણ ધાર્મિક ઉત્પાત અને ઈતિહાસ સાથે જુગલબંધી ખેલી રહેલું વધુ લાગે છેઃ રાજકીય સ્વાર્થ કાજે, પોતાની વોટબેંકને સાચવવાના ઈરાદે, હિંદુ વિરુદ્ધ મુસ્લિમ અને હિંદુ વિરુદ્ધ ખ્રિસ્તીનો ગરમાટો ચાલ્યા કરે છે. કોમી એખલાસની ભાવના ટકાવવા કાજે જે દેશના રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી ગોળીએ દેવાયા હોય, મજહબને નામે અલાયદો દેશ પાકિસ્તાન માંગીને એ દેશના ગુજરાતી રાષ્ટ્રપિતા મોહમ્મદ અલી ઝીણા પણ પસ્તાવાની આગમાં શેકાઈને મોતને ભેટ્યા હોય ત્યારે આ બધું અજૂગતું લાગે છે.
બ્રિટિશ શાસનના અંતને સાત-સાત દાયકા વીત્યા પછીય વિભાજનના ઘા તાજા કરીને હજુ કોમી આગને પ્રજ્વલિત રાખવાના રાષ્ટ્રદ્રોહી તાયફા છાસવારે થઈ રહ્યા છે. એવું નથી કે એને માટે એક જ કોમ જવાબદાર છે. હિંદુ અને મુસ્લિમોનાં અંતિમવાદી તત્વો કોમી તંગદિલીનાં રાજકારણ ખેલવાનું બંધ કરવાનું નામ જ નથી લેતાં અને નુકસાન અંતે દેશનાં હિતને થવું સ્વાભાવિક છે.
હિંદુ મહાસભાના કાર્યવાહક અધ્યક્ષ કમલેશ તિવારીએ તાજું ઉંબાડિયું કર્યું છેઃ ‘ગદ્દાર મુસ્લિમો ભારત છોડે’. ઉત્તર પ્રદેશની સમાજવાદી પાર્ટીની સરકારના કેબિનેટ પ્રધાન આઝમ ખાન પણ પાછા થોડા વખત પહેલાં આ દેશ છોડી જવાની ધમકી ઉચ્ચારી ચૂક્યા છે. આંધ્ર-તેલંગણની રાજધાની હૈદરાબાદના નિઝામવાદી ઓવૈસીબંધુઓ છાસવારે કોમી ઉત્પાત મચાવનારાં નિવેદન કરીને પોતાની મુસ્લિમ વોટબેંક વિસ્તારવાની કોશિશમાં છે, તો ભાજપની મિત્ર શિવ સેના રાષ્ટ્રીયસ્તરે અને મહારાષ્ટ્રમાં શાસનમાં હોવા છતાં ઓવૈસીબંધુઓના હિંદુ અવતારની પ્રતીતિ કરાવતાં ભડકાઉ નિવેદનો કરીને હિંદુ વોટબેંક અને એમાંય પાછી મરાઠી માણૂસની વોટબેંકને ટકાવી રાખવાની વેતરણમાં હોવાનું સતત અનુભવાય છે.
દેશનાં વિવિધ રાજ્યોમાંથી છાસવારે વિવાદસર્જક અને ભડકામણાં નિવેદનો કરનારા સર્વપક્ષી રાજનેતાઓને વારી શકે, એમના પર પ્રભાવ પાડી શકે એવું પણ ભાગ્યે જ કોઈ નજરે ચડે છે. વિધિવિધાન પૂરતું વડા પ્રધાન નરેન્દ્ર મોદી કે કેન્દ્રના ગૃહ પ્રધાન રાજનાથ સિંહ પોતાના પક્ષના નેતાઓને સંયમની શીખ આપે છે ખરા, પણ એ બધું મૈત્રીપૂર્ણ ખેલનો હિસ્સો હોય એવું વધુ લાગે છે. ભાજપના નેતા સાક્ષી મહારાજ છાસવારે નવું નવું ઉંબાડિયું કરતા રહે છે છતાં પક્ષના નેતાઓ એમની સામે શિસ્તભંગની કોઈ કાર્યવાહી કરતા નથી. પ્રત્યેક રાજ્યમાં આવી સ્થિતિ છે.
ભાજપના નેતા-પ્રધાન-સાંસદ વિવાદાસ્પદ બોલે એટલે વિરોધ પક્ષવાળા એનો પ્રતિસાદ કરતાં સવાયાં વિવાદાસ્પદ નિવેદન કરે. જુગલબંધી ચાલ્યા જ કરે છે. કોઈને જાણે કે દેશનો માહોલ બગડવાની કે પછી ગંભીરપણે દેશના વિકાસની ચિંતા કે ખેવના જણાતી નથી. આમન્યાઓનો લોપ છાસવારે થાય છે. સંસદીય ગરિમા ભૂંસી નાંખવાની કોશિશોને પાછું સત્તાવાર પ્રમાણપત્ર આપવાના પ્રયાસો થાય છે. આંધળેબહેરું કૂટાય છે અને સૌ કોઈ પોતાને ઠીક લાગે એવી આંબલી-પિપળી ખેલવામાં જ રમમાણ છે. દેશનું હિત, દેશની ગરિમા, કોમી એખલાસ કે પછી આંતરરાષ્ટ્રીય મંચ પર અમુક પ્રકારનાં નિવેદન થાય કે નહીં એની પરવા કરવાનું ભૂલીને બે દેશ વચ્ચેના સંબંધો સુધારવાના રાજદ્વારી પ્રયાસોમાં પણ ઘરઆંગણેનાં રાજકીય ખેલ પાડી દેવાનું રાજકારણ ખેલાય ત્યારે ગરિમાલોપ થતો લાગ્યા વિના રહેતો નથી.
દેશવિરોધી નિવેદનો કે કોમી અથડામણ ઉશ્કેરનારાં ઉંબાડિયાં કરનારાઓની વિરુદ્ધ નક્કર પગલાં લેવાની કાનૂનમાં જોગવાઈઓ હોવા છતાં એવાં પગલાં ભરાતાં નથી. ઉલટાનું ઈતિહાસપુરુષોનાં નિવેદનોનો સંદર્ભો વિના આધાર લઈને ફલાણાએ તો આવું કરવા કહ્યું હતું એવું જણાવીને પોતાના અટકચાળાને વાજબી લેખાવવાના પ્રયાસ થતા રહે છે. જેમ કે, આજકાલ ભારતમાં જેમના નામની ખૂબ ગાજવીજ છે એવા ડો. ભીમરાવ આંબેડકરે બ્રિટિશ ભારતના ભાગલા સંદર્ભે હિંદુ અને મુસ્લિમોની વસ્તીને પૂર્ણપણે સ્થળાંતરિત કરી દેવાનો આગ્રહ સેવ્યો હતો. અત્યારે ડો. આંબેડકરની વાત કેટલી વાજબી લેખાય એનો વિચાર કરવાને બદલે ક્યારેક ડો. આંબેડકર આવી ભૂમિકા ધરાવતા હતા માટે મુસ્લિમોને પાકિસ્તાન પાઠવી દેવામાં આવે એવી કટ્ટરવાદી ભૂમિકા હિંદુ મહાસભા લે તો તે યોગ્ય નથી. ઈતિહાસની ઘટનાઓને જે તે સમયગાળા અને સંદર્ભમાં જ મૂલવવી પડે અથવા તો એની એ સંદર્ભમાં પ્રાસંગિકતા સમજી શકાય.
હિંદુ મહાસભાના સર્વોચ્ચ નેતા સ્વાતંત્ર્યવીર સાવરકરે તો મુસ્લિમ લીગના નેતા મોહમ્મદ અલી ઝીણાએ માર્ચ ૧૯૪૦માં લાહોરમાં પાકિસ્તાન ઠરાવ કરાવ્યો એનાં ત્રણ વર્ષ પહેલાં અમદાવાદમાં અખિલ ભારતીય હિંદુ મહાસભાના અધ્યક્ષ તરીકેના ભાષણમાં હિંદુ અને મુસ્લિમ બે કોમો સાથે રહી ના શકે એવું જણાવીને મુસ્લિમો કાં તો દુય્યમ સ્તરના નાગરિક તરીકે હિંદુસ્તાનમાં રહે અથવા બહાર ચાલ્યા જાય એવી ભૂમિકા અપનાવી હતી. હિંદુ અને મુસ્લિમોને અલગ નેશન ગણાવીને ટુ-નેશન-થિયરીને આગળ કરીને ઝીણાએ પાકિસ્તાન લીધું તો ખરું, પરંતુ પૂર્વ પાકિસ્તાન બાંગ્લાદેશ બન્યું એટલે ટુ-નેશન-થિયરી વિફળ નીવડી હોવાનું સ્પષ્ટ સમજાય છે.
હિંદુ દેવ-દેવીઓનાં વિકૃત ચિત્રો દોરીને ચિત્રકારની મૌલિકતાની આડશમાં પોતાનો બચાવ કરવાની કોશિશ કરતાં રહેલા વિશ્વવિખ્યાત ચિત્રકાર એમ. એફ. હુસૈન સામે ભારતમાં ફોજદારી કાર્યવાહી શરૂ થતાં એમણે વિદેશ જતાં રહેવાનું પસંદ કર્યું હતું- રખેને ભારતમાં જેલમાં જવું પડે! વિદેશમાં જ એમનો ઈન્તકાલ થયો, પણ વધુ યોગ્ય તો એ લેખાત કે તેમણે પોતાની સામેના ફોજદારી ખટલાઓનો પોતાના દેશમાં રહીને જ સામનો કર્યો હોત. ચિત્રકારની મૌલિકતાનો સ્વીકાર, પરંતુ એ સ્વચ્છંદપણે અન્ય ધર્મીઓની લાગણીને ઠેસ પહોંચાડે એ તો ચલાવી લેવાય નહીં. પ્રત્યેક નાગરિકે પોતાના વ્યક્તિ-સ્વાતંત્ર્યની મર્યાદા સમજી લેવાની જરૂર છે.
ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન રહેલા મોહમ્મદ અઝહરુદ્દીન સામે મેચ ફિક્સિંગનો કેસ ચાલે કે એવી કોઈ તપાસ થાય ત્યારે એવું નિવેદન કરે કે હું મુસ્લિમ છું એટલે મારી સાથે અન્યાયી વલણ અપનાવાઈ રહ્યું છે. જેને વધુ પડતો ન્યાય તોળીને ભારતીય ટીમનો કપ્તાન બનાવાયો હોય એ કોઈ ગુનામાંથી છટકવા માટે ધાર્મિક ભેદભાવનો આશરો લઈ આક્ષેપબાજી કરે એ યોગ્ય લેખાય નહીં. અકબરુદ્દીન ઓવૈસી કે તેમના મોટા ભાઈ અસદુદ્દીન ઓવૈસીએ અનુક્રમે ધારાસભ્ય અને સંસદસભ્ય તરીકેની ગરિમા જાળવવા જેવો વ્યવહાર કરવો જોઈએ. ઈમામ બુખારીએ પણ મુસ્લિમોનો પક્ષ લઈને કાશ્મીરી ભાગલાવાદીઓ જેવી ભૂમિકા લેવાનું અયોગ્ય ગણાય.
ઈતિહાસની ઘટનાઓની આડશે આજે દેશમાં કોમી અથડામણો સર્જવા પ્રેરે તેવાં નિવેદનો કરવાની આઝાદીને નાગરી સ્વાતંત્ર્ય કરતાં સ્વચ્છંદતા વધુ લેખવી પડે. ઈન્ડોનેશિયા જેવા મુસ્લિમ રાષ્ટ્રમાં વિશ્વના સૌથી વધુ મુસ્લિમો વસે છે. એ પછીના ક્રમે ભારત આવે છે. ભારતમાં મુસ્લિમોની વસ્તી દુનિયાના કોઈ પણ દેશ કરતાં વધુ થવા જઈ રહી છે ત્યારે સમગ્ર મુસ્લિમ કોમને શંકાની નજરે જોવી કે હિંદુવિરોધી લેખવી એ યોગ્ય નથી.
હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ અને જૈન સહિતના સર્વધર્મીઓનો આ દેશ છે એવું ભારતના વિભાજનના દિવસોમાં પણ સરદાર પટેલ જેવા જવાબદાર કોંગ્રેસી નેતા અને ભારતના ગૃહમંત્રી - નાયબ વડા પ્રધાને કહ્યું હતું. ગાંધી-નેહરુ-સરદાર સહિતના તમામ રાષ્ટ્રનેતાઓ મુસ્લિમ સહિતની લઘુમતીનાં હિતની જાળવણીની જવાબદારી બહુમતી હિંદુ પ્રજાને શિરે હોવાનું કહ્યું હતું. સાથે જ મુસ્લિમ પ્રજાજનોને પણ એમણે દેશ પ્રત્યે વફાદારી જાળવવાની શીખ આપી હતી.
ઈસ્લામને નામે અલગ પાકિસ્તાન માંગનારા ઘણા બધા મુસ્લિમ અગ્રણીઓ વિભાજન પછી પાકિસ્તાન જવાને બદલે ભારતમાં જ રહી પડ્યા હતા. એમાં ખાસ કરીને લખનઉ અને ઉત્તર પ્રદેશના મુસ્લિમ અગ્રણીઓનો સવિશેષ સમાવેશ હતો.
સરદાર પટેલે લખનઉની ૬ જાન્યુઆરી, ૧૯૪૮ની જાહેરસભામાં મુસ્લિમોને બે ઘોડા પર સવારી કરવાને બદલે પાકિસ્તાન ચાલ્યા જવા કહ્યું હતું. આ વાતે ભારે વિવાદ સર્જયો અને ગાંધીજી સુધી ફરિયાદ પહોંચી હતી. હકીકતમાં લખનઉની એ સભામાં સરદાર પટેલે પોતાને ‘મુસ્લિમોના મિત્ર’ તરીકે રજૂ કરીને મુસ્લિમોના હિતમાં જ વાત છેડી હતી. ઓલ ઈન્ડિયા મુસ્લિમ કોન્ફરન્સ યોજાય અને એમાં સહભાગી હજારો મુસ્લિમો કાશ્મીરમાંના પાકિસ્તાનના અટકચાળા સામે હરફ પણ ઉચ્ચારે નહીં ત્યારે લોકોને ભારતીય મુસ્લિમોના ઈરાદાઓ વિશે શંકા પડવી સ્વાભાવિક હોવાનું સરદાર પટેલે કહ્યું હતું. તેમનું કહેવું હતું કે મુસ્લિમો માટેનું અલગ પાકિસ્તાન લીધા પછી હવે એના અગ્રણીઓ એનો વિકાસ કરે, સુખશાંતિનો માહોલ સર્જે, પણ ભારતમાં જો મુસ્લિમો બે ઘોડા પર સવારી કરતાં હોય તો તેમણે ગમે તે એક ઘોડાની પસંદગી કરી લેવી ઘટે.
સરદાર પટેલ આખાબોલા હતા. સ્પષ્ટવક્તા હતા. ભારતની તમામ કોમોના હમદર્દ હતા. સ્વાભાવિક હતું કે પ્રત્યેક ભારતીય રાષ્ટ્રને વફાદાર રહે એવી એમની અપેક્ષા હોય. લખનઉના ભાષણના આગલા દિવસે જ એમણે કોલકતામાં જાહેર સભામાં હિંદુ રાષ્ટ્ર કે હિંદુ રાજના વિચારને વખોડી કાઢ્યો હતો. તેમ છતાં ‘સાડા ચાર કરોડ મુસ્લિમોમાંથી ઘણાએ પાકિસ્તાનની રચનામાં મદદ કરી છે એટલે રાતોરાત એમનો હૃદયપલટો થઈ જશે એવું કઈ રીતે માની શકાય?’ એવું કહી સરદાર ઉમેર્યું હતું - ‘મુસ્લિમો કહે છે કે તેઓ વફાદાર નાગરિકો હોવાથી કોઈએ એમનામાં શંકા કેમ રાખવી જોઈએ. અમે એમને કહીએ છીએઃ ‘તમે આ વાત અમને કાં પૂછો, તમારા અંતરાત્માને જ પૂછોને!’
વર્ષ ૧૯૪૮ અને આજ વચ્ચે ગંગા અને સાબરમતીમાં ઘણાં જળ વહી ગયાં. એ વેળા હિંદુ પાર્ટી લેખાતી સત્તારૂઢ કોંગ્રેસને બદલે આજે ૧૯૮૦માં સ્થપાયેલી હિંદુવાદી ગણાતી ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે. દાયકાઓ વીત્યા હોય, ત્યારે માત્ર વિભાજનના ઈતિહાસની આસપાસની ઘટનાઓ અને કથનોને તાજાં કર્યે ચાલે નહીં.