હિંદુવાદી સંઘ પરિવારમાં રાજકીય તિરાડ

રંગબેરંગી રાજકારણ

ડો. હરિ દેસાઇ Monday 08th January 2018 08:16 EST
 
 

ભારતીય ઇતિહાસના અભ્યાસીઓ સુપેરે જાણે છે કે હિંદુ રાજાઓના આપસી સંઘર્ષ કે યાદવાસ્થળીના પ્રતાપે જ સદીઓ સુધી ભારત ગુલામ રહ્યું. સત્તા માટેના સંઘર્ષમાં કોણ ક્યારે જયચંદ્ર કે મીરજાફર જેવા દગાખોર બને એ કહેવું મુશ્કેલ છે. ૧૯૨૫માં કોંગ્રેસી ક્રાંતિકારી નેતા. ડો. કેશવ બલિરામ હેડગેવારે સ્થાપેલી હિંદુવાદી સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ) થકી ભારતભૂમિના તમામ હિંદુઓના સંગઠને ઐક્યને મજબૂત બનાવવાનો સંકલ્પ કરાયો હતો. એમણે સંઘ કોઈ એક રાજકીય પક્ષની ઝોળીમાં નાંખવાનું પસંદ કર્યું નહોતું. ૧૯૫૧માં સંઘના દ્વિતીય સરસંઘચાલક માધવ સદાશિવ ગોળવળકર (ગુરુજી)ની પ્રેરણાથી હિંદુ મહાસભાના કાર્યાધ્યક્ષ રહેલા અને પંડિત જવાહરલાલ નેહરુની કેબિનેટમાં ઉદ્યોગ પ્રધાન રહેલા ડો. શ્યામાપ્રસાદ મુકરજીના અધ્યક્ષપદે ભારતીય જનસંઘની સ્થાપના થઈ હતી. ૧૯૬૪માં ગુરુજી તથા વિવિધ ધર્મના સંતો-મહંતો તેમજ ક. મા. મુનશી જેવા હિંદુવાદી કોંગ્રેસી નેતાઓના પ્રયાસો થકી મુંબઈમાં સ્વામી ચિન્મયાનંદના પવઇ આશ્રમમાં વિશ્વ હિંદુ પરિષદ (વીએચપી)ની સ્થાપના થઈ. સમયાંતરે સંઘના પૂર્ણકાલીન પ્રચારકો જનસંઘ અને વીએચપીમાં નિયુક્ત થતા રહ્યા. સંઘનું વટવૃક્ષ વિકસતુ ગયું.

૧૯૮૦માં જનતા પક્ષમાંથી છૂટા થયેલા સંઘના સ્વયંસેવકો અને બીજા નેતાઓએ ભારતીય જનતા પક્ષ (બીજેપી)ની સ્થાપના કરી. સમયાંતરે સંઘની સાંસ્કૃતિક ઓળખ સાથે ભાજપની રાજકીય ઓળખ એકાકાર થવા લાગી. ૧૯૯૬માં સંઘ પ્રચારક રહેલા ભાજપી નેતા અટલ બિહારી વાજયેપી પહેલી વાર વડા પ્રધાન બન્યા, પણ એ પછીય ૨૦૦૪ લગી ત્રુટક ત્રુટક મિત્રપક્ષોના ટેકાથી એ વડા પ્રધાન રહ્યા. મે ૨૦૧૪માં સંઘના પ્રચારક રહેલા ભાજપી નેતા નરેન્દ્ર મોદી લોકસભામાં ૫૪૩માંથી ભાજપની ૨૮૨ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવીને વડા પ્રધાન બન્યા ત્યારે સમગ્રપણે હિંદુ પરિવાર સમા સંઘ પરિવારમાં ઘેરઘેર લાપસીના આંધણ મૂકાયાં હશે. એ પહેલાં ગુજરાત સહિતના રાજ્યોમાં ભાજપની સરકારો હતી, પણ મોદીના રાજ્યારોહણ પછી તો સમગ્ર દેશમાં ભાજપનો ભગવો લહેરાવા માંડ્યો. જો કે આ બધા પાછળ સંઘ પરિવારનાં પાંચસો સંગઠનોના લાખો નિષ્ઠાવંત કાર્યકરોનું યોગદાન હતું, પણ સત્તાનો કેફ હિંદુવાદીઓમાં આશા-અપેક્ષાનાં વરવા દૃશ્ય સર્જે એ સ્વાભાવિક છે. સત્તામાં સહભાગિતાની સાથે જ અધૂરા રહેતા વચન-અમલીકરણે આજે સમગ્રપણે સંઘ પરિવારમાં ખટરાગ સર્જયો છે. અત્યાર લગી શિસ્ત જળવાતી હતી, એની આમન્યા તૂટવા માંડી છે. ભાજપની નેતાગીરીમાં સંઘની આમન્યાની ઔપચારિકતા ભલે જળવાતી હોય, ગમે ત્યારે જ્વાળામુખી ફાટી નીકળે તેવી સ્થિતિ છે.

ભાજપના પ્રધાનોનો અસંતોષ ઘાતક 

સામાન્ય રીતે કોંગ્રેસ પક્ષની યાદવાસ્થળીની ચર્ચા ખૂબ થતી રહે છે. સંઘ અને ભગિની સંસ્થાઓમાં શિસ્તના આવરણ નીચે ધધકતો દાવાનળ બહુ ઓછાના ધ્યાને આવે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સત્તારૂઢ ભાજપના કુલ ૧૮૨માં ૧૫૦ પ્લસ બેઠકો મેળવવાના લક્ષ્યાંક સામે રોકડી ૯૯ બેઠકો જ મળી ત્યારે પરાજય મીમાંસામાં આંતરકલહના ઉકળતા ચરુ લોકનજરે આવવા માંડ્યા. પ્રધાનમંડળના શપથવિધિમાં ઉત્સાહ વર્તાયો નહીં. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ બે-ત્રણ દિવસ પછી નિર્ધારિત સમયથી ચાર-પાંચ કલાક મોડી કેબિનેટ બેઠક યોજવી પડી અને મોવડીમડળે ખાતાંની વહેંચણઈ કર્યાનું સ્પષ્ટ કર્યા છતાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ રૂસણે બેઠાં. ‘પક્ષની શિસ્તમાં રહીને અસંતોષની લાગણી’ (શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના શબ્દોમાં) વ્યક્ત કરવામાં નીતિનભાઈએ રીતસર ત્રાગું કરીને નાણાં ખાતું મેળવ્યું. મુખ્યપ્રધાનએ રાજભવનને જણાવવું પડ્યું કે સૌરભ પટેલને અપાયેલું નાણાં ખાતું હવે નીતિનભાઈને ફાળવીએ છીએ. નીતિનભાઈની નારાજી દૂર થઈ ત્યાં રાજ્યપ્રધાન પરસોત્તમ સોલંકી બગડ્યા. પોરબંદરના બાબુ બોખીરિયા, શહેરાના જેઠા ભરવાડ, ગોધરાના સી. કે. રાઉલજી વગેરે વગેરે ‘પક્ષની શિસ્તમાં રહીને અસંતોષની લાગણી વ્યક્ત કરવા માંડ્યા. મે ૨૦૧૪માં ગુજરાતમાંથી તમામ ૨૬ બેઠકો મેળવનાર ભાજપને ચિંતા પેઠી છે કે ૨૦૧૯માં માંડ ૧૧-૧૨ બેઠકો મળવાનાં એંધાણ છે. ગાડી રિવર્સ ગિયરમાં ચાલવા માંડી છે.

સ્વાભાવિક હતું કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી માથે હોય, બીજા ભાજપ શાસિત રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી ૨૦૧૮માં હોય આ જ વર્ષમાં કર્ણાટકમાંથી કોંગ્રેસને સ્થાને ભાજપે સત્તામાં આવું હોય ત્યારે અસંતોષની આગને પ્રસરતી અટકાવવી પડે. જે પીઢ ધારાસભ્યો સામે ફોજદારી ખટલા કે અદાલતે ફરમાવેલી સજાની ફાઈલો હાથવગી હતી એમની સામે લાલ આંખો કરાઈ. બાકીનાને હજુ ૭ પ્રધાનો લેવાના છે અને ૧૦ સંસદીય સચિવોની જગ્યા ભરવાની છે. એ ગાજર લટકાવ્યું એટલે હાલપૂરતો તો અસંતોષનો ઓળો શમ્યો છે, પણ વાઘ લોહી ચાખી ગયા પછી એ ફરી ક્યારે ભભૂકી ઊઠશે એ કહેવાય નહીં. હકીકતમાં પાટીદાર આંદોલનના હાર્દિક પટેલ, ઓબીસી-ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોર અને દલિત આંદોલનવાળા જિઞ્જેશ મેવાણીએ ભાજપને જેટલું નુકસાન નથી પહોંચાડ્યું એના કરતાં વધુ નુકસાન નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને રાજ્યપ્રધાન પરસોત્તમ સોલંકીની વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સામે ખુલ્લી બગાવતે કર્યું છે. જોકે ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ મામલો ટાઢો પાડ્યા પછી હાશકારો વ્યક્ત કર્યો. ‘ઘીના ઠામમાં ઘી પડ્યું રહ્યું.’

વિહિંપના નેતા ડો. તોગડિયાના ધડાકા

ભાજપ માટે સંઘ પરિવારમાંથી આક્રમક રીતે કામ કરનાર વિશ્વ હિંદુ પરિષદ (વીએચપી)ના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ ડો. પ્રવીણ તોગડિયાએ કેન્સર સર્જન તરીકેની ધીકતી પ્રેક્ટિસનો વીંટો વાળીને આયખુ સંઘ પરિવારને સમર્પિત કરી. વીએચપીના ફાયરબ્રાન્ડ નેતા તરીકેની છબિ દેશ અને દુનિયામાં ઉપસાવી છે. છેક ૧૯૯૬ની ૨૦ મેના રોજ એ વેળાના વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના જાહેર અભિવાદન માટે અમદાવાદમાં સ્ટેડિયમ પર યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના વયોવૃદ્ધ નેતા આત્મરામ પટેલનું ધોતિયું ખેંચી કઢાયાના ઘટનાક્રમ અંગે ડો. તોગડિયા સહિત ૩૯ જણા વિરુદ્ધ નોન-બેલેબલ વોરન્ટ નીકળ્યાની ઘટનાએ સંઘ પરિવારના આંતર કલહને એકદમ સપાટી પર લાવી દીધો છે. ડો. તોગડિયા મૂળ સૌરાષ્ટ્રના પટેલ છે. ભાજપના મોવડીમંડળના કહ્યાગરા બનીને રહે તેવા નથી. એમને આટલાં વર્ષોમાં કોઈ સમન્સ પાઠવાયું નથી અને સીધું જ નોન-બેલેબલ વોરંટ ઈશ્યુ થતાં, એ અદાલતમાં હાજર થયા અને વોરંટ રદ તો કરાયું પણ એમને જેલમાં નાંખવા પાછળ કોનું કારસ્તાન છે, એ મુખ્યપ્રધાન રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ અને ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા શોધી કાઢે અને જણાવે એવું ખુલ્લેઆમ મીડિયાને જણાવ્યું એટલે આવતા દિવસોમાં વધુ ધડાકા અપેક્ષિત છે. ઓછામાં પૂરું ડો. તોગડિયા જીએમડીસી ગ્રાઉન્ડ પર પટેલોની રેલી પત્યા પછી પોલીસ અત્યાચારોનો આદેશ એ વેળાના મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે આપ્યો નહોતો પણ ઉપરથી આવ્યો હતો એ જ રીતે પોતાનું મોઢું બંધ કરવા માટેના પ્રયાસોના ભાગરૂપ ધોતિયાકાંડ સંદર્ભે નોન-બેલેબલ વોરંટની વ્યવસ્થા થયાનું સ્પષ્ટ કહીને ઇશારો ભાજપના મોવડીમંડળ ભણી કર્યો હતો. આવતા બે મહિનામાં ડો. તોગડિયા વધુ ધડાકા કરે એવી અપેક્ષા છે.

વચન પાળવા ભીંસ વધારી

વિહિંપ અને ડો. તોગડિયા વિરુદ્ધ ભાજપના ‘ગોબેલ્સ’ કામે વળ્યા હોવાની વાત એ કરે છે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માટે વિહિંપ થકી સક્રિયપણે કામ કરવામાં આવ્યા ઉપરાંત ડો. તોગડિયાએ પોતે પણ ચૂંટણી સભાઓ સંબોધવાની તૈયારી સરસંઘચાલક ડો. મોહનજી ભાગવત સમક્ષ દર્શાવ્યાનું સ્પષ્ટ કર્યું હતું. જોકે જે વચનો આપીને ભાજપ સત્તામાં આવ્યો છે એ વચનોનું પાલન કેમ થતું નથી એવા સવાલો ઊભા કરીને એમણે મોદી સરકાર પર ભીંસ વધારી છે. (૧) બંધારણમાં સમાન નાગરી ધારાના અમલનો નિર્દેશ છે અને સર્વોચ્ચ અદાલતે પણ અનેક ચુકાદાઓમાં એ માટે કેન્દ્ર સરકારને કહેવા છતાં સમાન નાગરી ધારાને બદલે કેન્દ્ર સરકાર ત્રિપલ તલાકને પ્રતિબંધિત કરવાનું અધકચરું પગલું કેમ ભરવા પ્રયત્નશીલ છે? સમાન નાગરી ધારા જેવો સિવિલ કોડ ગોવામાં અમલી છે અને એના રાષ્ટ્રીયસ્તરે અમલથી આપમેળે બહુપત્નીત્વ અને ત્રિપલ તલાકનો હલ થઈ જશે. (૨) ભાજપના વચન છતાં લોકસભામાં બહુમતી મળ્યા પછી પણ અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે સંસદમાં કાયદો કેમ કરાતો નથી? (૩) જમ્મુ-કાશ્મીર અને કેન્દ્રમાં ભાજપ સત્તામાં હોવા છતાં વિસ્થાપિત કાશ્મીરી પંડિતોને રાજ્યમાં ફરી વસાવવાની દિશામાં ત્રણ-ત્રણ વર્ષથી કેમ કોઈ પગલાં ભરાતાં નથી? (૪) જમ્મૂ-કાશ્મીરને અલગ રાખનારી બંધારણની કલમ ૩૭૦ને કેમ દૂર કરવામાં આવતી નથી? (૫) દેશમાંના ૨૦ કરોડ બેકારો અને ગુજરાતના ૩૦ લાખ બેકારોને રોજગાર આપવાની દિશામાં પગલાં કેમ લેવાતાં નથી? (૬) ડો. એમ. એસ. સ્વામિનાથન્ સમિતિએ સૂચવ્યા મુજબ, ખેડૂતોને ખેતઉત્પાદનના ખર્ચાની દોઢી રકમ ચૂકવવામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર કેમ કાંઈ કરતી નથી?

ડો. તોગડિયા વીફર્યા છે. સંઘની નેતાગીરી પાસે ભાજપના મોવડીમંડળે એમને વિશ્વ હિંદુ પરિષદના હોદ્દેથી દૂર કરવાની વ્યવસ્થા કરાવવા પ્રયત્નો કર્યા હોવા છતાં સંઘના નેતૃત્વને પડકારીને પણ આ ગુજરાતી લડાયક નેતા ભુવનેશ્વરમાં વિહિંપના ટ્રસ્ટીમંડળના બહુમતી સભ્યોના ટેકા સાથે વધુ ત્રણ વર્ષ માટે આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષના વર્તમાન હોદ્દે ફરીથી વરાયા છે. હવે એમને સમજાવી લેવામાં નહીં આવે તો આવતા દિવસોમાં ભાજપ જ નહીં, સંઘ પરિવારે પણ વરવાં પરિણામ ભોગવવાં પડશે.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter