ભારતીય સર્વોચ્ચ અદાલતના વર્ષ ૧૯૯૪ના બહુચર્ચિત ‘ઈસરો’ જાસૂસી કાંડ બનાવટી હોવા અંગેના તાજેતરના ચુકાદા પછી કેરળમાં રાજકીય દાવાનળ ભભૂકી ઉઠ્યો છે. કેરળના સદગત મુખ્ય પ્રધાન કે. કરુણાકરનને કોંગ્રેસના બહુમતી ધારાસભ્યોના ટેકા છતાં સદ્ગત વડા પ્રધાન પી. વી. નરસિંહ રાવના ઈશારે રાજીનામું આપવા ફરજ પડાઈ હોવાનો ધડાકો કરુણાકરનના પુત્ર અને કેરળ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ કે. મુરલીધરને સ્પષ્ટ કર્યું છે. અત્યારે કેરળમાં કોંગ્રેસ વિપક્ષમાં બેસે છે. સત્તારૂઢ ડાબેરી મોરચો કે ભાજપ થકી કોંગ્રેસના આંતરકલહનો લાભ ના ઉઠાવાય એ હેતુસર સઘળાં તીર તેલુગુ વડા પ્રધાન ભણી તકાયાં હોવાનું મનાય છે.
અઢી દાયકા પહેલાંના કેરળના એક કથિત ‘ઈસરો’ જાસૂસી કાંડ સંદર્ભે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા અને અન્ય બે ન્યાયાધીશોની ખંડપીઠે ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ દેશના ગૌરવ સમાન ભારતીય અંતરીક્ષ સંશોધન સંગઠન (‘ઈસરો’)ના રોકેટ વૈજ્ઞાનિક અને ક્રાયોજેનિક એન્જિન વિભાગના વડા રહેલા ડો. નામ્બી નારાયણન્ (૭૧)ને આખરે ન્યાય તોળ્યો: વર્ષ ૧૯૯૪ના આવા બનાવટી જાસૂસી કાંડમાં ૫૦ દિવસ જેલમાં ગુજારવા અને રાષ્ટ્રદ્રોહીની છબિ સાથે જીવવા વિવશ થયેલા નિર્દોષ વૈજ્ઞાનિકને માનસિક સંતાપ ભોગવવા પેટે રૂપિયા ૫૦ લાખ ચૂકવવાનો કેરળ સરકારને આદેશ કર્યો. સાથે જ એક નિવૃત્ત ન્યાયાધીશ ડી. કે. જૈનના વડપણ હેઠળની તપાસ સમિતિ આ કાંડના રચયિતાઓની તપાસ કરવા માટે નિયુક્ત કરી.
મામલો રાજકીય ષડયંત્રનો હતો. એ વેળાની કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુડીએફ સરકારના મુખ્ય પ્રધાન કે. કરુણાકરને રાજીનામું આપવું પડ્યું હતું. અત્યારે પણ આંતરકલહથી ખદબદતી કેરળ કોંગ્રેસમાં સદ્ગત કરુણાકરનના પુત્ર મુરલીધરન અને દીકરી પદ્મજા વેણુગોપાલ પોતાના પિતાને અન્યાય થયાની વાત સાથે આ ષડયંત્રમાં કોણ કોણ સામેલ હતા, એની વિગતો બહાર લાવવા તપાસ સમિતિને સહકાર આપવા આતુર છે. જોકે એ નામો લગભગ જગજાહેર જ છે.
કમનસીબે આ બનાવટી જાસૂસી કાંડને પ્રતાપે ‘ઈસરો’ના અત્યંત સંવેદનશીલ એવા પ્રકલ્પની કામગીરી ખોરંભે પડી હતી. નારાયણનને નોકરીમાં પાછા લેવાયા તો હતા, પણ એ નિવૃત્ત થયા ત્યાં લગી તેમને તેમનો મૂળ હોદ્દો પાછો અપાયો નહોતો.
‘માસ્ટર માઈન્ડ’ ચાંડીની સંડોવણી
આખાય પ્રકરણમાં મુખ્ય પ્રધાનના પક્ષમાંના જ કટ્ટર વિરોધી અને ‘માસ્ટર માઈન્ડ’ ઓમેન ચાંડીએ કરુણાકરનને ગાદીએથી ઉઠાડી મૂકાવવા હતા. કેરળમાં કોંગ્રેસ કરુણાકરન અને ચાંડીના જૂથમાં વહેંચાયેલી રહી છે. એ વેળાના વડા પ્રધાન પી. વી. નરસિંહ રાવ પણ કરુણાકરનને પદભ્રષ્ટ કરાવવા આતુર હતા. તેમણે સંસદમાં તો આ પ્રકરણને અમેરિકી ગુપ્તચર સંસ્થા સીઆઈએ કે એવી કોઈ વૈશ્વિક સંસ્થા સાથે જોડવાના પ્રયાસરૂપ નિવેદન પણ કર્યું હતું. હવે ના કરુણાકરન હયાત છે કે ના નરસિંહ રાવ, પણ તથ્યોનું નીરક્ષીર થાય એ જરૂરી છે.
જાસૂસી કાંડ વખતે વિરોધ પક્ષના ડાબેરી પક્ષોના નેતાઓ તો કોંગ્રેસી નેતા સામે વિરોધ કરે એ સમજી શકાય, પરંતુ કેરળની ગાદી સંભાળવા આતુર એ. કે. એન્ટોની લશ્કરી વિમાનમાં મુખ્ય પ્રધાન પદના શપથ લેવા તિરુઅનંતપુરમ આવી પહોંચ્યા હતા. કોંગ્રેસના આપસી કલહના આ ખેલમાં વધેરાયેલા ‘ઈસરો’ના વૈજ્ઞાનિક નારાયણન અને બીજા એક વૈજ્ઞાનિક ચન્દ્રશેખરની કેરળના પોલીસ વડા રહેલા સીબી મેથ્યુ અને બીજા અધિકારીઓએ કરેલી તપાસ ઉપરાંત માલદીવની બે મહિલાઓ મરિયમ રશીદા અને ફૌઝિયા હસનની ધરપકડ પછી આખો ખટલો સીબીઆઇને સોંપાયો હતો.
અદાલતમાં નિર્દોષ, નુકસાનીના દાવા
રશિયા, અમેરિકા, પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇ સાથે સંબંધ હોવાનું જણાવતા આ તરકટી પ્રકરણની સીબીઆઇ અને આઈબીએ કરેલી વધુ તપાસમાં બીજા વર્ષે કેસ દમ વગરનો હોવાનું લાગતાં એને બંધ કરાયો હતો. ઓક્ટોબર ૧૯૯૪ અને મે ૧૯૯૬ વચ્ચે તપાસ એજન્સીઓએ અનેકોની જિંદગી હરામ કરી દીધી હતી. મે ૧૯૯૬માં તમામ કથિત આરોપીઓને અદાલતે નિર્દોષ જાહેર કર્યા હતા.
આ પછી નારાયણન થકી નુકસાનીના દાવા કરવામાં આવ્યા હતા. ડાબેરી મોરચાની સરકારે પણ ખટલો બંધ કરવાના નિર્ણયને માન્ય કરીને પોલીસ અધિકારીઓ સામે કોઈ પગલાં લેવાનું ટાળ્યું હતું. એટલે છેલ્લા બે દાયકાથી વૈજ્ઞાનિક નારાયણન પોતાની પ્રતિષ્ઠા પુનઃ મેળવવા ઉપરાંત નુકસાની ભરપાઈ માટે હાઇ કોર્ટ, રાષ્ટ્રીય માનવાધિકાર પંચ અને સુપ્રીમ કોર્ટમાં ન્યાય માટે સતત લડત ચલાવતા રહ્યા હતા. વર્ષ ૧૯૯૮માં દાખલ કરેલા એમના દાવાઓમાં તેમણે આઈપીએસ સીબી મેથ્યુ તેમજ ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી આર. બી. શ્રીકુમાર સહિતના પોલીસ અધિકારીઓ સામે પણ ફોજદારી કાર્યવાહીની માંગણી કરી હતી.
નરેન્દ્ર મોદીનું નારાયણનને મળવું
સમગ્ર પ્રકરણમાં ગુજરાત સરકારના ઇન્ટેલિજન્સના વડા શ્રીકુમાર સામે ‘ઈસરો’ના વૈજ્ઞાનિક થકી કાર્યવાહીની માંગણી અને અત્યારના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું તેઓ જયારે વડા પ્રધાન પદના ઉમેદવાર હતા ત્યારે સપ્ટેમ્બર ૨૦૧૩માં રાતના ૯.૩૦ વાગે તિરુઅનંતપુરમની હોટેલ માસ્કોટમાં નારાયણનને મળવું, એ જરા આશ્ચર્ય ઉપજાવે તેવી બાબત છે. મોદી ત્યારે મુખ્ય પ્રધાન હતા. શ્રીકુમાર સાથે એમની અંટસ છૂપી નહોતી.
જોકે નારાયણનનું કહેવું છે કે કેરળના કોંગ્રેસી કે ડાબેરી એવા પાંચ-પાંચ મુખ્ય પ્રધાનમાંથી કોઈએ મારી વાત સાંભળવામાં રસ લીધો નહોતો ત્યારે મને ભાજપના કોઈનો ફોન આવ્યો અને મોદીએ મને મળવા માટેનો સંદેશ પાઠવ્યો હતો. મોદીએ એમનું હોમવર્ક બરાબર કર્યું હતું. મને મળ્યા ત્યારે એ ઝાઝું બોલ્યા નહોતા, પણ મારી વાત જાણવા ઈચ્છુક હતા.
નારાયણન કહે છે કે મને રાષ્ટ્રનો ગદ્દાર તરીકે લોકો જોતા હતા અને મારી પત્નીને રિક્ષામાંથી ઉતારી દેવામાં આવતી હતી. મારી પત્ની અને બાળકોએ ખૂબ મહેણાંટોણાં સહન કરવાં પડ્યાં છે. છેલ્લે એ વેળાના ગુજરાતના મુખ્ય પ્રધાન મોદીએ મને સાંત્વના આપતાં કહ્યું હતું: ‘નામ્બીસાબ, કાયમ માટે આવી સ્થિતિ નહીં રહે. તમને સફળતા ઈચ્છું છું.’
ગુજરાત કેડરના શ્રીકુમારની તપાસ
‘મારી લડત વિશે મેં એમને સઘળી વાત કરી હતી. એ વડા પ્રધાન થશે જ એવી તો ખબર નહોતી. વળી, હું કાંઈ એમનો પ્રશંસક નહોતો. મુલાકાત પછી મને એટલું જરૂર લાગ્યું હતું કે આ માણસના હાથમાં દેશનું ભાવિ સુરક્ષિત રહેશે.’ ડો. નારાયણનને પૂછવામાં આવ્યું કે શ્રીકુમાર સંદર્ભે એ તમારી સાથે વાત કરવા માંગતા હતા? એમને નન્નો ભણ્યો હતો. મોદી ડો. નામ્બીનો ઉપયોગ કરી રહ્યા હોવાનું તિરુઅનંતપુરમમાં પત્રકાર પરિષદમાં શ્રીકુમાર બોલ્યા હતા.
જોકે એ સંદર્ભમાં ડો. નામ્બી કહે છે કે અમારી બંનેની મુલાકાત શ્રીકુમાર બાબતમાં નહોતી કારણ મોદી જયારે મુખ્ય પ્રધાન પણ નહોતા ત્યારે એટલે કે ૧૯૯૮માં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગમાં મેં (ડો. નામ્બીએ) શ્રીકુમારની વિરુદ્ધમાં ફરિયાદ કરેલી હતી. જોકે મૂળ કેરળના શ્રીકુમાર ઇન્ટેલિજન્સ બ્યૂરો (આઈબી)ના નાયબ ડિરેક્ટર હતા ત્યારે તેમને ‘ઈસરો’ જાસૂસી કાંડની તપાસ સોંપાઈ હતી. નારાયણનની ૧૯૯૮ની ફરિયાદ પછી તો ૨૦૦૪માં કેન્દ્રની યુપીએ સરકારે મને કલીનચીટ આપી હતી, એવું શ્રીકુમારનું પોતાનું નિવેદન હતું. મોદી પોતાનું હોમવર્ક બરાબર કરીને આવ્યા હતા, એવા ‘ઈસરો’ના વૈજ્ઞાનિકના શબ્દો ઘણું બધું કહી જાય છે.
વર્ષ ૨૦૦૨ના ગોધરા-અનુગોધરા કાંડ સંદર્ભે શ્રીકુમાર રમખાણગ્રસ્ત મુસ્લિમોનો પક્ષ લઈને મોદી પર પ્રહાર કરતા રહ્યા છે. એ સુવિદિત છે કે મોદી પોતાના દોસ્તો અને દુશ્મનોને સરળતાથી વિસરી શકતા નથી. ગઈ લોકસભાની ચૂંટણીમાં ભાજપ તરફથી આ મુદ્દો ગજવવામાં આવ્યો હતો. હવે જયારે સર્વોચ્ચ અદાલતે નિવૃત્ત ન્યાયાધીશના વડપણ હેઠળ ત્રણ સભ્યોની તપાસ સમિતિ નિયુક્ત કરી છે ત્યારે આ કેસની તપાસ સાથે સંકળાયેલા અને કોંગ્રેસ કે ડાબેરી સરકાર કનેથી કલીનચીટ મેળવનારા તમામ પોલીસ અધિકારીઓ પણ તપાસ હેઠળ આવી જશે. આવતા દિવસોમાં શ્રીકુમાર અને મેથ્યુની પણ તપાસ થશે. સાથે જ કેરળના કોંગ્રેસી ષડયંત્રકારોની પણ.
‘ઈસરો’માંના સાથી કલામની સલાહ
છેક વર્ષ ૧૯૬૬થી ‘ઈસરો’ સાથે સંકળાયેલા રહેલા ડો. નારાયણનના વરિષ્ઠ સાથી ડો. એ. પી. જે. અબ્દુલ કલામ રાષ્ટ્રપતિપદે હતા ત્યારે જાસૂસી કાંડમાં પોતાના સાથીને નાહક સંડોવવામાં આવ્યાની વાત જાણીને વ્યથિત હતા. અદાલતે ડો. નામ્બીને નિર્દોષ જાહેર કર્યા પછી પણ તેમણે પોતાના માનસન્માન અને નુકસાની વળતર તેમજ સંબંધિત પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી માટે લડત ચાલુ રાખી હતી.
નિયમિત રીતે મંદિરે જનારા શ્રદ્ધાળુ નારાયણન કહે છે કે ડો. કલામની સલાહ એવી હતી કે લડવાનું છોડીને બીજી બાબતો પર ધ્યાન આપવું કેમ કે ઈશ્વર એ ગુનેગારોને સજા આપશે. ડો. નામ્બી એ વાતને સ્વીકારી શક્યા નહોતા. તેમણે પોતાના આ અનુભવોને પુસ્તકાકારે લખવાનું ડો. કલામને જણાવ્યું ત્યારે એની પ્રસ્તાવના લખવા માટે એમણે સંમતિ આપી હતી, પણ કમનસીબે એ પુસ્તકની હસ્તપ્રત તૈયાર થઇ ત્યાં સુધીમાં તો ડો. કલામ મોટા ગામતરે ચાલ્યા ગયા હતા.
વર્ષ ૨૦૧૩માં ડો. નામ્બીએ પોતાના પુસ્તક પર કામ શરૂ કર્યું હતું. વરિષ્ઠ પત્રકાર અરુણ રામ સાથે લખાયેલા અને અનેક અંતરિયાળ સનસનાટીભરી વિગતો રજૂ કરતા આ ૩૭૨-પાનાંના પુસ્તક ‘રેડી ટુ ફાયર: હાઉ ઇન્ડિયા એન્ડ આઈ સર્વાઈવ્ડ ધ ઈસરો સ્પાય કેસ’ એક નિર્દોષ વૈજ્ઞાનિકને ખોટી રીતે કેવી રીતે ફસાવવામાં આવે છે, એનું આત્મકથાનક વર્ણન કરે છે.
આવતી લોકસભાની ચૂંટણીમાં આ મુદ્દો દેશભરમાં ગજવવામાં આવે તો બહુ આશ્ચર્ય નહીં થાય. એ અંગેની ફિલ્મ પણ આવે એવી શક્યતા છે. ડો. નામ્બી પોતાના આ કટુઅનુભવના બે દાયકા અંગેની ફિલ્મની પ્રતીક્ષામાં છે.
(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)