દક્ષિણ આફ્રિકામાં રંગભેદ સામેના પ્રથમ ગુજરાતી લડવૈયા તે મહાત્મા ગાંધી. મહાત્મા ગાંધીના જીવન સુધી રંગભેદ ચાલુ જ હતો. મહાત્મા ગાંધીના મરણ પછી નેલ્સન મંડેલા રંગભેદ સામે અડીખમ રહીને લડ્યા. રંગભેદવિરોધી લડત સામેનો બીજો ગુજરાતી લડવૈયો તે પ્રવીણ ગોરધન. હા, પ્રવીણ ગોરધનને નેલ્સન મંડેલાની જેમ જિંદગી જેલમાં વીતાવવી પડી નથી.
મહાત્મા ગાંધીના મરણ પછી લગભગ સવા વર્ષે પ્રવીણનો જન્મ ડર્બનમાં થયો. સમગ્ર આફ્રિકામાં રંગભેદ અને ગોરા અધિકારીઓ સામેની લડતનું કેન્દ્ર હંમેશા ડર્બન જ રહ્યું છે. ડર્બનની આસપાસનો વિસ્તાર રંગભેદ સામેની લડતનું કેન્દ્ર રહ્યો છે.
પ્રવીણના પિતા જમનાદાસ સામાન્ય વેપારી. મૂળે દક્ષિણ ગુજરાતના આ પાટીદારો. મોટા ભાગનાએ પોતાના કોઈકને કોઈ પૂર્વજના નામને અટક બનાવીને પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. આ રીતે પ્રવીણની અટક ગોરધન બની.
વિદ્યાર્થી અવસ્થાથી પ્રવીણને રંગભેદનો અનુભવ થયેલો અને તેથી રંગભેદ સામે એના દિલમાં આગ ભભૂકતી હતી. હાઈસ્કૂલ પછી એ ફાર્માસિસ્ટ થવા માટે કોલેજમાં જોડાયા. એ બધા સમય દરમિયાન તેમણે યુવા જાગૃતિ અને સંગઠનનું કામ કર્યું. આને કારણે આફ્રિકન નેશનલ કોંગ્રેસ અને નાતાલ ઈન્ડિયન કોંગ્રેસ જેવી સંસ્થાઓમાં તે જોડાયા.
નેલ્સન મંડેલા જ્યારે જેલમાં કેદ હતા ત્યારે પ્રવીણ ગોરધન નાતાલ ઈન્ડિયન કોંગ્રેસ અને આફ્રિકન નેશનલ કોંગ્રેસમાં નેતા તરીકે સ્થાન પામ્યા.
૧૯૭૩માં બી.ફાર્મ. થયા પછી તે ૧૯૭૪માં કિંગ જ્યોર્જ સેવન્થ હોસ્પિટલમાં જોડાયા. હોસ્પિટલને પરિણામે રોગ, ગરીબી અને શોષણનો ભોગ બનેલી આમ જનતા સાથે તેમનો સંપર્ક વધ્યો. આવી પ્રજાનાં દુઃખ ફેડવાનો રસ્તો સામ્યવાદ વિના શક્ય નથી એવી તેમને અનુભૂતિ થતાં તેઓ સામ્યવાદી પક્ષમાં ભળ્યા. હોસ્પિટલમાં રહીને, નોકરીની સાથે સાથે તેમણે વિવિધ પ્રકારનો પ્રતિરોધ સર્જવામાં ભાગ ભજવ્યો. હડતાલ, આંદોલન વગેરેના પ્રેરક બન્યા. પોલીસ પ્રવીણ ગોરધનની પ્રવૃત્તિ પર નજર રાખતી હતી. અંતે પોલીસે ૧૯૮૧માં એમની ધરપકડ કરી અને ૧૯૮૨ સુધી જેલમાં રાખ્યા.
૧૯૮૩માં કેપટાઉનમાં યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટની સ્થાપનામાં એમણે મહત્ત્વનો ભાગ ભજવ્યો.
૧૯૯૧થી ૯૪ સુધી ડેમોક્રેટિક ફ્રન્ટના એ પ્રમુખ રહ્યા. આને કારણે સંયુક્ત મોરચો રચવા માટેની કમિટીમાં એમને સભ્યપદ મળ્યું અને ૧૯૯૪માં તેઓ દક્ષિણ આફ્રિકાની સંસદમાં ચૂંટાયા.
દક્ષિણ આફ્રિકાના રાજકારણમાં તેમણે મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું. ૨૦૦૯થી માંડીને બે વખત વચ્ચે થોડા માસના અંતરાય પછી તેઓ આજ સુધી દક્ષિણ આફ્રિકામાં પ્રધાન છે. પ્રધાનમંડળમાં સતત તે મહત્ત્વનાં ખાતાં સંભાળતાં રહ્યા છે.
દક્ષિણ આફ્રિકાની જુદી જુદી ત્રણ યુનિવર્સિટીઓએ તેમને માનદ્ ડોક્ટરેટ બનાવ્યા છે. ૨૦૧૯માં ભારતના રાષ્ટ્રપતિએ વિદેશી નાગરિક છતાં ભારતીય મૂળના અને ભારતનું નામ રોશન કરનાર પ્રવીણ ગોરધનને પદ્મભૂષણથી નવાજ્યા છે.
દક્ષિણ આફ્રિકાના ભારતીયો માટે પ્રવીણ ગોરધન ગૌરવરૂપ છે તો દલિત, પીડિત, શ્યામવર્ણીઓને પ્રવીણ ગોરધન પોતીકા લાગે છે.