आपदां कथितः पन्थाः इन्द्रियाणाम् असंयमः ।
तज्जयः संपदां मार्गो येनेष्टं तेन गम्यताम् ।।
(ભાવાર્થઃ (જ્યાં) ઇન્દ્રિયો ઉપર સંયમ ન હોય તે આપત્તિઓનો માર્ગ કહ્યો છે. (ઇન્દ્રિયો ઉપર) જયને સંપત્તિનો માર્ગ કહ્યો છે.
તેમાંથી જે માર્ગ ઇષ્ટ છે તે માર્ગે જાઓ.)
કાળા માથાનો માનવી ધારે તે કરી શકે છે. ઇશ્વરે તેને બે હાથ અને એક માથું આપીને વિશ્વવિજયી બનાવવા સક્ષમ કર્યો છે, પરંતુ તેનાં શત્રુઓ તેની અંદર જ બેઠાં છે. માનવ પોતાની ઇન્દ્રિયો ઉપર કાબૂ પ્રાપ્ત ન કરી શકે ત્યારે તે હંમેશાં તેમાંથી ઉદભવતા પ્રશ્નોમાં ફસાય છે. પરિણામે જીતેલી બાજી હારમાં પરિણામે છે.
માનવની પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો છે. જ્ઞાનેન્દ્રિયોમાં આંખ, કાન, નાક, જીભ અને ત્વચાનો સમાવેશ થાય છે. જ્યારે કર્મેન્દ્રિયોમાં હાથ, પગ, મુખ, લિંગ અને ગુદાનો સમાવેશ થાય છે. જો જ્ઞાનેન્દ્રિયોની વાત કરીએ તો આંખ જ્યારે સંયમભાન ભૂલે છે ત્યારે મોટેભાગે ચરિત્રભ્રષ્ટ બને છે અથવા તો કેવળ પોતાને પ્રિય હોય તે જ જુએ છે. કાન જ્યારે સંયમિત ન હોય ત્યારે કોઈની સલાહ સાંભળતા નથી, કેવળ પ્રશંસાપ્રિય બની રહે છે અને સર્વનાશ તરફ દોરે છે. જીભનું તો બહુ મોટું કામ! ખાવાપીવામાં જો સંયમ ન હોય તો બીમારી તરત જ હાજર! પણ એ જ જીભ નમ્રતાપૂર્વકનું બોલવાનું ન જાણતી હોય તો તલવારનું કામ કરે! એટલે તો વાણીને વશમાં રાખવાનું કહેવાયું છે ને! કબીર પણ કહે છે કે...
એસી વાણીએ બોલીએ, મન કા આપા હોય,
ઔરોં કો શીતલ કરે, આપહુ શીતલ હોય...
ત્વચા આપણને સ્પર્શ જ્ઞાન આપે છે, પરંતુ આ ત્વચાની ઇન્દ્રિ ઉપર સંયમ ન હોય તો માનવ કાયાના મોહમાંથી છૂટી શકતો નથી અને ક્યારેક સુંદરીઓમાં ફસાયેલો જોવા મળે છે. છઠ્ઠી ઇન્દ્રીય તરીકે મનને માન્યતા મળેલી છે કારણ કે માનવના બંધન અને મોક્ષનું મૂળ જ મન છે. સ્થાનભાવને કારણે કર્મેન્દ્રીયોની ચર્ચા ન કરતા આપણે આગળ ચાલીએ.
પરંતુ ઇન્દ્રિયોનો સંસાર ભલભલાને તારે પણ છે અને મારે પણ છે. જે રસોડામાં ઝઘડા છે ત્યાં જીભ ઉપર કાબૂ ન હોવાથી જ ચોક્કસ આગ્રહો અને ઝઘડાઓ સર્જાય છે ને! બહેનો કે કુટુંબીઓ વચ્ચેનું (શેરી) યુદ્ધ જન્મે છે ક્યાંથી? જીભ, કાન અને મન થકી! જો તેની ઉપર કાબૂ હોય તો પ્રશ્ન જ ક્યાં છે? દ્રૌપદીનું વાક્ય ‘આંધળાના તો આંધળા જ હોય ને!’ ત્યાં તમે ઇન્દ્રિયોએ વર્તાવેલો હાહાકાર જોઈ શકશો. જીભ ઉપર કાબૂ ન હોવાથી મહાભારતના યુદ્ધને જાણે કે ઘી મળી ગયું!
ભારતીય સંસ્કૃતિમાં માનવને સીધા જ સ્પર્શતા આવા પ્રશ્નો ઉપર ખૂબ ઊંડાણપૂર્વક ચર્ચાઓ કરાઇ છે. આપણે ત્યાં પાપ અને પુણ્યની જાળ એવી સિફતપૂર્વક વણી લેવાયેલી છે કે આપોઆપ ઇન્દ્રિય સંયમ જન્મે જ! અરે બાળકને નાનપણથી આવી કેળવણી આપવામાં આવતી કે ઇન્દ્રિય સંયમ આવે જ આવે! મારા નાનીમા હિરાબા હંમેશા કહેતા, ‘એવું બોલાય જ નહીં કે સામાને દુઃખ લાગે. એવું બોલીએ તો પાપ લાગે.’ આજે યુવા પેઢી યુ-ટ્યુબ પર પોર્ન પિક્ચર જોઈને બરબાદ થઈ રહી છે તેવા આક્ષેપો, ચિંતા સતત સાંભળીએ છીએ ,પરંતુ આ પેઢીને નાનપણથી કહેવામાં જ નથી આવ્યું કે ખરાબ જોઈએ તો... ઇન્દ્રિયો સંયમિત કરવા જ પાપ અને પુણ્યની મહાજાળ રચવામાં આવેલી હતી. સુભાષિતકાર માર્મિક સૂચન કરે છે કે તમારો આપત્તિનો માર્ગ પસંદ કરવો કે સુખરૂપી સંપત્તિનો? એ તમારા જ હાથમાં છે. છેલ્લે એક વાત કહીશ વિશ્વના તમામ પ્રશ્નોનું મૂળ છે ઇન્દ્રિયોનો અસંયમ.