અમેરિકામાં ન્યૂ જર્સી રાજ્યમાં ગુજરાતીઓની બોલબાલા પણ રોટરી ક્લબમાં ત્યારે ગુજરાતી ભાગ્યે જ દેખાય. હોય તો પણ હોદ્દા પર ન હોય ત્યારે ૧૯૯૫-૯૬માં શિકાકસ રોટરીમાં રાજેશ પટેલ પ્રમુખ થયા. પોતાના ડંકી ડોનટમાં પતિ-પત્ની કામ કરે, આવી જ રીતે રોટરી ક્લબને પોતાની માનીને તેમાં સભ્ય વધારવા મંડી પડ્યા. ખૂબ સભ્ય વધાર્યા. ફંડ રેઈઝિંગ માટે પૈસા ઉઘરાવવાને બદલે પેઈન્ટિંગ્સ, કલાના નમૂના, ચિત્રો, ફ્રેમ વગેરેની હરાજી કરે. ફંડ ખૂબ ભેગું થતાં જલસામાં ખર્ચવાને બદલે ૩૦૦થી ૫૦૦ ડોલરનાં જરૂરી ચીજના ફૂડ બાસ્કેટ તૈયાર કરીને જરૂરતમંદોને વહેંચ્યા. શિકાકસની હાઈસ્કૂલમાં ભણતાં વિદ્યાર્થીઓને રોટરી ક્લબ જેટલી રકમ આપે તેટલી બીજી પોતાની ઉમેરતા. આવી જ રીતે શિકાકસ હોસ્પિટલમાંના દર્દીઓને નાઈટ ડ્રેસ, કેપ વગેરે આપ્યાં.
વતન સોજિત્રામાં ઈન્દુબહેન ટ્રસ્ટના ઉપક્રમે તેમણે ડેન્ટલ કેમ્પ શરૂ કરીને વર્ષો સુધી ચાલુ રાખ્યો. સોજિત્રાની ગર્લ્સ હાઈસ્કૂલના પુનઃ નિર્માણમાં મોટા ભાગનું ખર્ચ ભોગવ્યું. આવી જ રીતે વિના જાહેરાતે ઓળખીતા જરૂરતમંદોને માંદગીમાં, સંતાનોના ભણતરમાં તે મદદરૂપ થાય છે.
રાજેશભાઈ મુંબઈમાં મામા રસિકભાઈને ત્યાં ઉછર્યા અને મેટ્રિક સુધી ભણ્યા પછી વલ્લભ વિદ્યાનગરમાં વી. પી. સાયન્સ કોલેજમાં જોડાયા. તેમના સદા હસતા અને પરગજુ સ્વભાવને લીધે વિદ્યાર્થીઓમાં તેમનું મોટું જૂથ બન્યું. કોલેજના વિદ્યાર્થી મંડળની ચૂંટણીમાં તેમની આખી પેનલ ચૂંટાઈ. તેઓએ જનરલ સેક્રેટરી માટે કરેલી ઉમેદવારી કોલેજમાં પ્રોફેસર એવા તેમના મામા સી. એસ. પટેલે રદ કરાવી. મામા કહે, ‘ભણવાનું ભણી લો. આડીતેડી વાતોમાં ના પડો.’ આથી તેઓએ ભણવામાં ધ્યાન રાખ્યું. ૬૬ ટકા સાથે બી.એસસી. થયા.
૧૯૮૧માં અમેરિકા ગયા. ૧૯૮૯ સુધી મોટેલ સંભાળી પણ માલિકે મોટેલ વેચતાં નોકરી શોધવાને બદલે ડંકી ડોનટ ખરીદ્યો. રાત-દિવસ જોયા વિના મહેનત કરી. કમાણી વધી. પછી ડંકી ડોનટની સંખ્યા વધારીને ચાર કરી. આ ઉપરાંત હાલ તેમની પાસે એક સબ-વે અને છ યુનિટનું ઓફિસ બિલ્ડીંગ છે.
૧૯૮૪માં માતા ઈન્દુબહેનના અવસાન પ્રસંગે ૩૦ વર્ષના રાજેશભાઈ ઈન્ડિયા ગયા. મુંબઈમાં મામા રસિકભાઈને ત્યાં ઉતર્યાં. મામાના પરિવારને બાબુભાઈ મિસ્ત્રી સાથે ઘરોબો. બાબુભાઈની પુત્રી દિવ્યા ફૂડ અને ન્યુટ્રિશ્યનમાં એમ.એસસી. થયેલ. દિવ્યાબહેન સાથે લગ્ન ગોઠવાયું. દિવ્યાબહેનનાં દાદીમા મણિબહેન શાસ્ત્રીજી મહારાજ સાથે પડદો રાખીને સત્સંગ કરતાં. તેમને સમાધિ થતી. મણિબહેનને ‘મણિબા’ સંબોધીને એમને સંત માનનાર સંખ્યાબંધ પારસી પરિવાર મુંબઈના દાદરમાં છે.
સત્સંગી પરિવારની દીકરીને પરણીને રાજેશભાઈ ધીમે ધીમે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઢળ્યા અને આજે તેઓ બીએપીએસના ચુસ્ત સત્સંગી અને અગ્રણી દાતા છે. સોજિત્રામાં સ્વામિનારાયણ મંદિર એમના દાનમાંથી સર્જાયું. સોજિત્રા નજીક ડાલીના સ્વામિનારાયણ મંદિરના પણ એ મુખ્ય દાતા છે. ક્યાંક નવું મંદિર થતું હોય તો વિના જાહેરાતે એ દાન પહોંચાડે છે. મામા રસિકભાઈ જૈન હતા. આથી રાજેશભાઈ શરૂમાં જૈન હતા. બીએપીએસમાં સંતોને ગમતા કામને કારણે તેમને પ્રમુખસ્વામી મહારાજનો રાજીપો મળ્યો હતો. રાજેશભાઈ દર વર્ષે બે-એક માસ ભારતમાં જાય ત્યારે સ્વામિનારાયણ મંદિરોના દર્શને જાય છે.
રાજેશભાઈના ઘરમાં જ સુંદર અને વિશાળ સ્વામિનારાયણ મંદિર છે. તેઓ તેમાં રોજ આરતી કરે છે. ઘંટારવ અને નગારાના નિનાદે અહીં રોજ થતી આરતી અમેરિકામાં ભારતીય મંદિરનો અને ભારતીય વાતાવરણનો ભાસ કરે છે.
૧૯૯૨માં એશિયન ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સની સ્થાપનામાં આગેવાન હોવા છતાં હોદ્દાથી દૂર રહ્યા હતા. ૧૯૯૨માં તેઓ ફેડરેશન ઓફ ઈન્ડિયન એસોસિએશનમાં ડિરેક્ટર બન્યા હતા. જાહેર જીવનમાં મોટા ભાગે તે દાન આપીને આઘા રહે છે. ભક્તિમય સ્વભાવ ધરાવતા તેમને ખટપટ પસંદ નથી. તેઓ ખુરશીને નહીં, પણ કામને મહત્ત્વ આપે છે.
રાજેશભાઈ ૬૦ વર્ષના થતાં તેમનું મન વ્યવસાયને બદલે ભક્તિ, સેવા અને સંબંધો તરફ ઢળતું ગયું. પુત્ર અનુજને પણ તેમણે ધીમે ધીમે તૈયાર કર્યો. હવે છેલ્લાં દોઢ-બે વર્ષથી પુત્ર અનુજે વ્યવસાય પૂરેપૂરો સંભાળી લીધો હોવાથી તે વડીલ તરીકે માર્ગદર્શક બનીને દૃષ્ટા બન્યા છે. રેડિયોલોજી ટેક્નિશ્યનની પુત્રી હેતલ નોકરી ઉપરાંત રિયલ એસ્ટેટની પ્રવૃત્તિમાં પ્રગતિના પંથે છે. નિવૃત્ત રાજેશભાઈ હજી આપવામાંથી નિવૃત્ત થયા નથી.