અધ્યાત્મ અને સફળતા છે એકમેકના પૂરક

- રોહિત વઢવાણા Tuesday 04th March 2025 03:40 EST
 
 

સામાન્ય રીતે લોકો એવું માને છે કે અધ્યાત્મ એટલે સંસાર ત્યાગ. ભલે ભગવા પહેરીને સાધુતા ન પણ સ્વીકારે પરંતુ જે આધ્યાત્મિક વૃત્તિ અપનાવે તે ધીમે ધીમે સંસારથી છેટું તો કરી જ લે તેવી આપણી સામાન્ય સમજ છે. એટલા માટે જ આપણે એવું ધારીએ છીએ કે આધ્યાત્મિક વ્યક્તિ કારકિર્દીમાં સફળતાની ઝંખના કરતો નથી. તે માત્ર પોતાના કર્મ કરે છે અને ફળ સાથે તેને કોઈ નિસ્બત હોતી નથી. આથી અધ્યાત્મ અને સફળતા એકસાથે ન ચાલી શકે.

વાસ્તવિકતા તેનાથી વિરુદ્ધ છે. અધ્યાત્મ અને સફળતા એકબીજાને સંલગ્ન છે અને સાથે સાથે આવી શકે છે. ખરેખર તો જો અધ્યાત્મનો માર્ગ અપનાવીને પ્રયત્ન કરવામાં આવે તો સફળતા જલ્દી મળે છે તે વાત પણ સાચી છે. સ્ટીવ જોબ્સની સફળતામાં ઘણો મોટો ફાળો તેના આધ્યાત્મિક દૃષ્ટિકોણનો છે જે તેને ભારતયાત્રાથી પ્રાપ્ત થયો તેવું જોબ્સ જાતે જ કહે છે. ઈ.સ. 1974માં સ્ટીવ જોબ્સે આધ્યાત્મિક શોધ માટે સાત મહિના સુધી ભારતવાસ કર્યો. અને એવું કહી શકાય કે આ સાત મહિના તેના જીવનમાં આમૂલ પરિવર્તન લાવ્યા. એપલ પ્રોડક્ટ્સની સફળતા અને ડિઝાઇનમાં પણ આ સાત મહિના દરમિયાન તેને મળેલ જ્ઞાનની ઊંડી અસર જોવા મળે છે.
કેવી રીતે અધ્યાત્મ અને સફળતા એકબીજાના પૂરક બની શકે, કેવી રીતે અધ્યાત્મના માર્ગે ચાલનાર માટે સફળતા વધારે સુપ્રાપ્ય બની શકે તેના કેટલાક પરિબળો જોઈએ:
• હરીફાઈમાં સમય વેડફાતો નથી: અધ્યાત્મ (ધર્મ નહિ, અધ્યાત્મ) દ્વારા વ્યક્તિનો દૃષ્ટિકોણ ખુલે છે, અને ખીલે છે. તેને સમજમાં આવે છે કે સફળતા મેળવવા માટે કઈ દિશામાં મહેનત કરવી જોઈએ. તે કોઈની સાથે હરીફાઈ કરવાનું છોડીને પોતાના કાર્ય પર ધ્યાન આપવાનું શરૂ કરે છે. જેને પરિણામે પ્રયત્નો વધારે સઘન બને છે. લોકોની ઈર્ષ્યા કર્યા વિના જયારે વ્યક્તિ માત્ર પોતાની સફળતા માટે માથે ત્યારે તેનામાં માત્ર સકારાત્મક વલણ બચે છે.
• પોતાના કાર્ય પર ફોકસ વધે છે: વ્યક્તિ આધ્યાત્મિકતા અપનાવે છે ત્યારે ધ્યાન વગેરે પ્રવૃત્તિઓને કારણે તેની એકાગ્રતામાં વધારો થાય છે. તેનું મન વિચલિત થતું નથી. તેનું ધ્યાન હવે અહીંતહીં ભટકવાને બદલે સ્થિર થયું હોવાથી પોતાના કાર્ય પર વધારે ધ્યાન આપી શકે છે.
• ક્ષુલ્લકતાનો ત્યાગ કરતા શીખે છે: જે વ્યક્તિને મોટું દૃશ્ય દેખાય તે નાની નાની બાબતો પર ધ્યાન આપતો નથી અને પોતાનો સમય કે ઉર્જા તેમના પર વેડફાતો નથી. એટલા માટે જ અધ્યાત્મ દૃષ્ટિ દ્વારા જેનો દૃષ્ટિકોણ વિકસ્યો હોય તે ક્ષુલ્લકતાનો ત્યાગ કરીને જીવનના મોટા ઉદેશ્ય પર ધ્યાન આપી શકે છે. તેના માટે ઓફિસ પોલિટિક્સ, લોકોના અભિગમ વગેરે બહુ મહત્ત્વ રાખતા નથી કારણ કે આ બાબતો તેને ક્ષુલ્લક લાગે છે.
• કાર્યને બોજરૂપ માનતો નથી: અધ્યાત્મને કેન્દ્રમાં રાખીને કાર્ય કરનાર વ્યક્તિના મનમાં નોકરીના કલાકો કે કામના બોજ જેવા વિચારો આવતા નથી. તેના માટે કાર્ય ભગવાન સમાન હોય છે અને તેમાંથી તેને થાક નહિ, પરંતુ આનંદ પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ પોતાના કાર્ય પ્રત્યે પ્રતિબદ્ધ હોય તેની સફળ થવાની શક્યતાઓ અનેકગણી વધી જાય છે.
• સફળતામાં ઉદેશ્યની પ્રાપ્તિ જુએ છે: જયારે વ્યક્તિ અધ્યાત્મ અપનાવે ત્યારે સફળતા તેના માટે કોઈ ચેલેન્જ નહિ, કોઈ હરીફાઈ નહિ પરંતુ જીવનનો એક ઉદેશ્ય હોય છે. પોતાની સફળતા દ્વારા સમાજ અને લોકોને શું ફાયદો થઇ શકે તેના અંગે વિચાર કરીને પોતાની સમગ્ર સફળતાને તે જીવનના ઉમદા ઉદેશ્ય તરીકે લે છે. તે કોઈનાથી આગળ નીકળવા માટે, કોઈને પછાડવા માટે કે અઢળક સંપત્તિ બનાવવા માટે થઈને સફળ થવા પ્રયત્ન નથી કરતો પરંતુ જીવન ઉદેશ્યને સિદ્ધ કરવા માટે સફળ થવા પ્રયત્નરત રહે છે.
• વિઘ્નોને સંભાળવાની ક્ષમતા વધે છે: પરિપક્વતા હોય તો વ્યક્તિ કારકિર્દી અને જીવનમાં આવતા વિઘ્નોને સારી રીતે હેન્ડલ કરી જાણે છે. આથી જે વ્યક્તિ પોતાના જીવનમાં આધ્યાત્મિકતા લાવે તે સફળતાનાં માર્ગમાં આવનારા વિઘ્નોને સંભાળતા પણ સારી રીતે શીખી લે છે. તેની સ્થિરતાને કારણે માર્ગમાં આવનારા વિઘ્નો તેને વિચલિત કરી શકતા નથી.
જીવનમાં સફ્ળતાવાંચ્છુ લોકો જો નકરી હરીફાઈ અને મહેનત કરવાને બદલે આધ્યાત્મિક માર્ગદર્શન દ્વારા પોતાના પ્રયત્નોને સાચી દિશામાં વાળે તો તેમની સફળતાની સંભાવના અનેકગણી વધી જાય છે. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus