આંખ જો મન હોય અને મન આંખ થાય તો

- રોહિત વઢવાણા Wednesday 29th May 2024 06:08 EDT
 
 

આપણી દૃષ્ટિની એક મર્યાદા એ છે કે તે અત્યારે આપણી સામે જે બની રહ્યું હોય તે જ જોઈ શકે છે. આપણી આંખોમાં ભૂતકાળમાં ઘટેલી ઘટના કે ભવિષ્યમાં બનવાના પ્રસંગો જોવાની ક્ષમતા નથી. આગળ પાછળનું ન જોઈ શકવાની આ મર્યાદાથી આપણે સૌ વાકેફ છીએ. તેની સામે માણસનાં મગજમાં એવી શક્તિ છે કે તે ભૂતકાળમાં બનેલું વાગોળી શકે અને ભવિષ્યમાં બનવાનું હોય તેના પર વિચાર કરી શકે છે. પરંતુ અત્યારે જે થઇ રહ્યું હોય તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે ભૂતકાળની ઘટનાઓનો બોજ ઉઠાવવો કે ભવિષ્યમાં શું થવાનું છે તેનો ડર સેવવો પણ આપણા મનની એક મર્યાદા જ કહેવાય. આ રીતે આંખ અને મનની સરખામણી કરીએ તો ક્યારેક એવું લાગે કે આંખની ક્ષમતા મનમાં અને મનની મર્યાદા આંખમાં આવી હોત તો કેવું સારું થાત?

આંખ જો મન હોય અને મન આંખ થાય તો આપણું જીવન કેટલું સરળ અને શાંતિમય બને? ભૂતકાળમાં જે બન્યું તેને આપણે ફરીથી આપણી નજર સામે જોઈને સારી ઘટનાઓને ફરીથી માણી શકતા હોત પરંતુ મનમાં એવી મર્યાદા પ્રવેશી ગઈ હોત કે તે અત્યારનું જ વિચારી શકે, ભૂતકાળનો બોજ ન ઉઠાવે અને ભવિષ્યનો ડર ન બતાવે તો આજમાં અને અત્યારની ક્ષણમાં જીવન જીવવું ઘણું સરળ રહે.
આપણા જીવનની મોટા ભાગની ચિંતાઓ આપણા મનની આ કુટેવને કારણે જ ઉભી થતી હોય છે. આજે જે સમસ્યા ઉદ્ભવી છે તેની અસર અત્યારે શું થઇ રહી છે અને તેનો ઉકેલ આજે કેવી રીતે મેળવી શકાય તેના પર ધ્યાન આપવાને બદલે આપણે ભવિષ્યમાં તે કેટલું મોટું સ્વરૂપ લેશે કે તેનાથી આપણને કાલે કેટલું નુકશાન થઇ જશે તેનો વિચાર કરી કરીને જ આપણે થાકી જતા હોઈએ છીએ. જો આ આદત છોડી દઈએ, આજની ઘટનાઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરતા શીખીએ તો ઘણીખરી સમસ્યાઓ અંગે વિચારવાની જરૂર જ ન પડે. આપણી અડધાથી વધારે ચિંતાઓનો ઉકેલ આવી જાય.
આજે લોકોમાં માઇન્ડફુલનેસની પ્રેક્ટિસ બહુ પ્રચલિત બની રહી છે તેનું કારણ જ એ છે કે તેમાં વ્યક્તિને અત્યારની ઘડી પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કહેવામાં આવે છે. વર્તમાનમાં જે બની રહ્યું છે તેને ધ્યાનપૂર્વક નિહાળવાથી, તેના પર પૂરું ફોકસ કરવાથી ભૂતોભવિષ્યની ચિંતાઓ સતાવતી નથી અને મનને ઘણી શાંતિ રહે છે. પૂરું ધ્યાન અત્યારના કામ પર આપવાથી તેની ગુણવતા પણ સુધરે છે અને આપણે ચિંતામુક્ત રહીએ છીએ.
‘થ્રી ઇડિયટ’ ફિલ્મનું એક ગીત છે: બહેતી હવા સા થા વો - જેમાં એક પંક્તિ છે:
હમ કો કલ કી ફિકર સતાતી,
વો બસ આજ કા જશ્ન મનાતા,
હર લમ્હે કો ખુલ કે જીતા થા વો;
આ પંક્તિ આપણી બધી જ વાત સંક્ષેપમાં કહી દે છે. અને જો તમે આ ફિલ્મ જોઈ હશે તો તેમાં આમિર ખાનનું પાત્ર બતાવાયું છે તેની પૂરી ફિલસુફી આજે, અત્યારે જે બની રહ્યું છે તેને ખુબ સારી રીતે કરવામાં અને ભૂત કે ભવિષ્યને વચ્ચે ન લાવવામાં જે ભલાઈ છે તે સાબિત કરે છે.
કમનસીબે આપણી પાસે એવું કોઈ મીટર હોતું નથી કે જેનાથી આપણે મનમાં કેટલો બોજ ભૂતકાળનો, કેટલો વર્તમાનનો અને કેટલી ચિંતા ભવિષ્યની ભરાયેલી છે તે માપી શકીએ. એટલા માટે ક્યારેક તમે જાતે જ બેસીને આ તપાસવાની કોશિશ કરજો કે કેટલું જીવન તમે વર્તમાનમાં અને કેટલું ભૂતકાળ કે ભવિષ્યમાં જીવો છો તો તમને કેટલીય સમસ્યાઓને ભૂલીને સરળ જીવન જીવવાની ચાવી મળી જશે. (અભિવ્યકત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus