આપણને અતીત, ઇતિહાસ, સંસ્કૃતિ અને ગરિમા સાથે ફરી જોડી આપે છે ગુજરાત મુલાકાત

આરોહણ

રોહિત વઢવાણા Wednesday 15th June 2022 06:48 EDT
 
 

ગુજરાતની ગરમી અંગે વધારે વાત થતી હોતી નથી કેમ કે આપણે દેશની વાત કરીએ ત્યારે એવું મનાય છે કે વધારે ગરમી તો રાજસ્થાન, દિલ્હી વગેરે ક્ષેત્રોમાં પડે. ગુજરાતની આબોહવા તેની સરખામણીમાં ઘણી સારી મનાય છે, પરંતુ આ વખતે ગુજરાત - અમદાવાદ આવીને ખબર પડી કે હવે તો અમદાવાદ ઘણું બદલાઈ ગયું છે. તાપમાનની સરખામણી કરીએ તો દિલ્હીને લગોલગ પહોંચે તેવી સ્થિતિ છે. કોઈક કોઈક દિવસ તો અમદાવાદની ગરમી દિલ્હીથી પણ વધારે થઇ જાય છે. ઉપરાંત અમદાવાદમાં વાતાવરણમાં ભેજ હોય છે જેને કારણે તરત જ પરસેવો થઇ જાય છે. કોઈ એવું પૂછે કે આબોહવા માટે આટલી ચર્ચા શા માટે? પરંતુ આપણે યુકેમાં તો વેધર ડિસ્કસ કરવું એક સૌથી મોટો ટાઈમપાસ છે ને, તો પછી ભલેને આજે ગુજરાતનું વેધર પણ ડિસ્કસ થઇ જાય!

અમદાવાદમાં ત્રણ વર્ષ અને બે મહિના બાદ આવવાનું થયું છે. આ શહેર એટલું બદલાઈ ગયું છે કે ન પૂછો વાત. શહેરમાં જ્યાં જુઓ ત્યાં હાઈ-રાઇઝ બની ગયા છે. દશ વર્ષ પહેલાં તો અમદાવાદમાં બે-ચાર માળથી ઊંચી ઇમારતો બહુ ઓછી જોવા મળતી. હવે તો શહેરમાં એટલા હાઈરાઈઝ બની ગયા છે અને બની રહ્યા છે કે થોડાઘણા બંગલો બચ્યા હશે તે પણ ભવિષ્યમાં ઊંચી ઇમારત બનવાની આશા કે ભય મનમાં રાખીને બેઠા હશે.
બીજી ઉડીને આંખે વળગે તેવી બાબત એ છે કે કેટલીય જગ્યાએ ઓવરબ્રિજ બની ગયા છે. તેમ છતાં પણ રસ્તામાં ટ્રાફિક બહુ રહે છે, અલબત્ત દિવસે દિવસે ટ્રાફિકમાં વધારો થઇ રહ્યો હોય તેવું જણાય છે. યુકેમાંથી આવીને અમદાવાદમાં ડ્રાઈવ કરે તેને શાબાશી આપવી પડે અને સીધા રસ્તા પર તો બંને બાજુ જોતાં જોતાં ચલાવી પણ લેવાય, પરંતુ જયારે રાઉન્ડ અબાઉટ પહોંચો ત્યારે બધા નિયમો ભૂલી જવાના. ચારેય બાજુના વાહનો પોતપોતાની સગવડ પ્રમાણે માર્ગ કરીને પસાર થઇ રહ્યા હોય છે. રાઈટ સાઈડ પર આવવા વાળાને પહેલા નીકળવા દેવાનું અને લેફ્ટ સાઈડ વાળા તમને પસાર થવા દેશે તેવી અપેક્ષાનું તરત જ બાષ્પીભવન થઇ જાય છે. જયારે તક મળે ત્યારે એક-બે એક-બે મીટર આગળ વધતાં જવાનું અને પ્રેમથી પોતાનો માર્ગ કરતા જવાનું. વચ્ચે કોઈ બાઈક કે રીક્ષા ઘુસી જાય તો ગુસ્સે નહીં થવાનું. હોર્ન વગાડીને તમારી નારાજગી વ્યક્ત કરશો તો પણ કોઈને સમજમાં નહીં આવે કેમ કે ચારેય તરફથી વાગતા હોર્નમાં તમારું હોર્ન પણ ભળી જશે અને તેની પાછળ છુપાયેલી તમારી 'કમ ઓન ગાય્સ' કહેવાની હતાશા કોઈ સમજશે નહિ.
આ બધી અનુકૂળતા અને પ્રતિકૂળતાઓમાંથી પસાર થતાં થતાં આખરે તમે દિવસ પસાર કરી લો છો પરંતુ તેમાં પણ માણસ બે-ચાર દિવસમાં ટેવાઈ જાય છે અને પછી તો ગરવી ગુજરાતની ગરમીમાં પણ એક ગરિમા અનુભવાય છે. અમદાવાદની પોતાની લાક્ષણિકતા જેવી નાઇટલાઇફ કે જેમાં પરિવાર સાથે આપણે મોડી રાત્રે આઈસ્ક્રીમ ખાવા જઈએ છીએ, નજીક હોય તો રિવરફ્રન્ટ કે સાબરમતી નદી પરના કોઈ બ્રિજ પર ચાલવા જઈએ છીએ. સારી વાત એ છે કે સાંજ પછી પવન ઠંડો થઇ જાય છે, અને વાતાવરણ આહલાદક બની જાય છે. બીજી ખાસિયત એ છે કે અહીંનું ગુજરાતી ભોજન આપણને ફરીથી બાળપણની યાદ કરાવી દે છે. રોડસાઇડની પાણીપુરી, દાબેલી અને વડાપાંવના તો નામ સાંભળીને જ મોંમાં પાણી આવી જાય છે.
ગુજરાતની મુલાકાત આપણને પોતાના અતીત, ઇતિહાસ, સંસ્કૃતિ અને ગરિમા સાથે ફરીથી જોડી દે છે. ગરવી ગુજરાત અને ગુજરાતની અસ્મિતાને નજીકથી જોવાની આ તક ખરેખર જ આવકાર્ય છે. પરિવાર અને મિત્રોને મળવાનો આનંદ અને જૂની વાતો યાદ કરવાની મજાનું તો વર્ણન કરવું જ અશક્ય છે. હવે કોવિડની પરિસ્થિતિ સુધરી રહી છે ત્યારે તમે લોકો પણ કદાચ ગુજરાતની મુલાકાત લેવાનું વિચારી રહ્યા હશો તેવામાં એક ખુશખબર પણ આપી દઉં કે વરસાદનું ઝાપટું પણ આવી ગયું છે અને એટલે થોડા દિવસમાં ગરમી ઓછી થઇ જશે અને વાતાવરણ ખુશનુમા બનશે. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus